You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

રથયાત્રા : અમદાવાદમાં જગન્નાથજી નગરચર્યા કરી નિજમંદિર પરત

અમદાવાદ અને જગન્નાથપુરીની રથયાત્રા તથા દેશ-વિદેશની આજની મહત્ત્વની ખબરો.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, અમદાવાદમાં રથયાત્રા પૂર્ણ, રથ નિજમંદિર પરત

    અમદાવાદમાં કોરોના મહામારીના પગલે વિવિધ પ્રતિબંધોની વચ્ચે નીકળેલી રથયાત્રા પૂર્ણ થઈ છે. જગન્નાથ મંદિરેથી નીકળેલા રથ સરસપુર થઈને નિજમંદિરે પરત ફર્યા છે.

    ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી કે ‘અમદાવાદમાં રથયાત્રાને પગલે લાગુ કરવામાં આવેલા કર્ફ્યુને મારી અમદાવાદના કમિશનર સાથે વાત થયા પ્રમાણે સવારે સાડા અગિયાર કલાકેહઠાવી લેવામાં આવશે.’

    ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકો આભાર માનતા કહ્યું,‘જે પ્રકારે લોકોને અપીલ કરી હતી કે ભગવાન જગન્નાથના દર્શન ઘરે ટીવી અને બીજાં માધ્યમો પર કરજો, તેનું તેમણે પાલન કર્યું તે બદલ આભાર.’

  2. પુરીમાં જગન્નાથજીની રથયાત્રા

    પુરીમાં જગન્નાથજીની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદની જેમ અહીં પણ માત્ર ગણતરીના લોકો સામેલ છે. કોરોના વાઇરસના કારણે ઓડિશાની સરકારે જગન્નાથ મંદિર અને રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારોમાં કફર્યુ લાદ્યો છે.

  3. રથયાત્રા સાથે જોડાયેલી વસંત-રજબની ઐતિહાસિક ગાથા, રથયાત્રા સાથે જોડાયેલી વસંત-રજબની ઐતિહાસિક ગાથા

    1946માં યોજાયેલી રથયાત્રામાં રજબઅલી અને વસંતરાવે હુલ્લડો શાંત પાડવા પ્રાણોની આહુતિ આપી. જુઓ તેમની કહાણી

  4. બ્રેકિંગ, રથયાત્રામાં માત્ર ખલાસીઓ અને પોલીસની હાજરી, કર્ફ્યુનું ચુસ્ત પાલન

    બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય કાલુપુર સર્કલ પર હાજર હતા અને તેમણે માહોલનું આ રીતે અવલોકન કર્યું હતું.

    કોરોનાકાળમાં જગન્નાથ તો અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા છે પણ આ રથયાત્રાનો માહોલ પરંરાગત રથયાત્રાથી સાવ નોખો છે કારણકે એમાં ભક્તોની પ્રત્યક્ષ હાજરી જ નથી.

    સામાન્ય રીતે રથયાત્રાની સાથે અને તેના રૂટ પર ઠેર ઠેર ભક્તો, ભજનમંડળીઓ, પ્રસાદવિતરણ સહિત ઉત્સવનો માહોલ હોય છે પણ આ વખતની રથયાત્રા સાવ અલગ છે.

    રથયાત્રામાં માત્ર ખલાસીઓ અને પોલીસની જ હાજરી જોવા મળી.

    રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને તેનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું હોવાનું નજરે પડ્યું. આને કારણે અનેક લોકો કે જેમને કાલુપર સ્ટેશનથી અવરજવર કરવાની હતી તેમને પણ મુશ્કેલી પડી હોવાનું દેખાયું અને અમુક લોકો પગપાળા સામાન લઈ જતા દેખાયા. અમુક ઠેકાણે પોલીસ પણ આવા લોકોની મદદમાં આવી અને તેમને પોલીસવાનમાં બેસાડી સ્ટેશન પહોંચાડવામાં આવ્યા.

    રથયાત્રામાં સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું.

    રથયાત્રામાં રથની સાથે કોવિડ ટેસ્ટિંગની મોબાઇલ વાન પણ જોવા મળી રહી હતી.

    આ વખતની રથયાત્રામાં ભજનમંડળીઓ, અખાડાઓ, હાથીઓ, પ્રસાદવિતરણ, ભક્તો, ટૅબ્લો અને ટ્રક પણ જોવા મળ્યાં નથી.

  5. ભારતમાં 37,154 નવા કોરોના કેસ, 724 લોકોનાં મૃત્યુ

    આરોગ્ય મંત્રાલયને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈ લખે છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 39,649 લોકો સાજા થયા છે.

    ભારતમાં છેલ્લા 24 કલાકમાં 724 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે.

    છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,35,287 લોકોને રસી આપવામાં આવી છે.

    ભારતમાં કુલ કેસ : 3,08,74,376

    કુલ રિકવર કેસ : 3,00,14,713

    ઍક્ટિવ કેસ : 4,50,899

    કુલ મૃત્યુ : 4,08,764

  6. કોરોનાને કારણે ઝારખંડમાં રથયાત્રાની પરવાનગી નહીં

    જગન્નાથપુરીને પગલે દેશના અનેક રાજ્યોમાં નાની-મોટી રથયાત્રાઓ નીકળે છે. ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને આ વર્ષે રાંચીમાં રથયાત્રાની પરવાનગી નથી આપી.

    એમણે કહ્યું કે, કોરોનાને કારણે આપણે રથયાત્રા નથી કાઢી શકતા તેનું મને દુખ છે. જો આપણી આજ સુરક્ષિત હશે તો જ આપણી આવતીકાલ સુરક્ષિત હશે. ઘરે જ ભગવાન જગન્નાથની પૂજા કરો. ભગવાન જગન્નાથ સૌની રક્ષા કરે.

  7. નિયમોના પાલન માટે 12000 પોલીસ તહેનાત

    આજે અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રા થઈ રહી છે. રથયાત્રા લખતે ભીડ એકઠી ન થાય તકે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેના રૂટના વિસ્તારમાં કફર્યૂ લાદવામાં આવ્યો છે. 19 કિલોમીટર લાંબી રથયાત્રામાં ત્રણ રથ સાથે માત્ર પાંચ વાહનો રાખવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

    વિજય રૂપાણીએ રવિવારે જણાવ્યું કે હતું કે, રાજ્ય સરકારે રથયાત્રાના આયોજનમાં સાવચેતી રાખવા માટેનાં પગલાં ભર્યાં છે. તેમણે નાગરિકોને જગન્નાથજીની 144મી રથયાત્રા ટી.વી. પર જોવાનો આગ્રહ રાખવાનું કહ્યું હતુ.

    જગન્નાથજી રથયાત્રા માટે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતમ 12000 જવાન તહેનાત છે.

  8. રથયાત્રા કેટલે પહોંચી અને શું છે માહોલ?

    રથયાત્રા નીકળી ચૂકી છે કોરોનાને કારણે પહેલી વાર એ ગણતરીના સમયમાં આટોપી લેવાનું સરકારનું આયોજન છે. રથયાત્રા જે રૂટ પર પહોંચે તે વિસ્તારમાં પોલીસ કરફ્યૂ લાદવામાં આવે છે. કાલુપુરથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો અહેવાલ

  9. નમસ્કાર

    બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અહીં અમે આપને આજે યોજાઈ રહેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપરાંત દેશ અને દુનિયાની મહત્ત્વની ખબરો આપીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.