You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અમદાવાદ : કોરોના વધતાં ક્યાં રાત્રે દસ વાગ્યા પછી બંધ રહેશે મૉલ, શોરૂમ અને રેસ્ટોરાં?

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કૉરપોરેશને આપ્યા નવા નિર્દેશ.

લાઇવ કવરેજ

  1. અમદાવાદ : કોરોના વધતાં ક્યાં રાત્રે દસ વાગ્યા પછી બંધ રહેશે મૉલ, શોરૂમ અને રેસ્ટરાં?

    અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધતાં કેટલાક વિસ્તારોમાં રાત્રે દસ વાગ્યા પછી ધંધાકીય એકમોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

    શહેરના આઠ વૉર્ડમાં કોરોના સંક્રમણના કેસ વધતાં રેસ્ટોરાં, મૉલ, શોરૂમ, ટી-સ્ટૉલ, ફરસાણની દુકાનો તેમજ અન્ય દુકાનોને રાત્રે 10 વાગ્યા પછી બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

    આ ઉપરાંત જિમ, ક્લબ, હૅયર સલૂન અને સ્પા વગેરે બંધ રાખવાનું સૂચન કરાયું છે. જે આઠ વિસ્તાર માટે નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે, તેમાં જોધપુર ચાર રસ્તા, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરનો સમાવેશ થાય છે.

    એ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરના ખાડિયા વિસ્તારમાં ભરાતી રાત્રીબજાર, માણેકચોક અને રાયપુર દરવાજા પાસે આવેલી ખાણીપીણીની બજારને પણ રાત્રે 10 વાગ્યા પછી બંધ રાખવાના આદેશ આપ્યાં છે.

  2. બટલા હાઉસ ઍન્કાઉન્ટર : મોહનચંદ શર્માના મૃત્યુ માટે આરિઝ ખાનને મોતની સજા

    ગત સોમવારે દિલ્હીની એક અદાલતે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાના મામલામાં આરિઝ ખાન અને તેમના સાથીઓને દોષી ઠેરવ્યા હતા.

    સપ્ટેમ્બર 2008માં દિલ્હીના બટલા હાઉસ વિસ્તારમાં દિલ્હી પોલીસ અને ચરમપંથી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા લોકો વચ્ચે ઍન્કાઉન્ટર થયું હતું.

    આ ઍન્કાઉન્ટર દિલ્હીમાં થયેલા એક સિરિયલ બ્લાસ્ટના છ દિવસ પછી થયું હતું. આ ધમાકામાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

    ઍન્કાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર શર્માનું મૃત્યુ થયું હતું જ્યારે તેમના બે સાથીઓ ઘાયલ થયા હતા.

    આ દરમિયાન આરિઝ ખાન ફરાર થઈ ગયા હતા અને 10 વર્ષ પછી ફેબ્રુઆરી 2018માં નેપાળથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    સુનાવણી દરમિયાન એડિશનલ સેશન જજ સંદીપ યાદવે કહ્યું, “એ સાબિત થઈ ગયું છે કે ખાન અને તેમના સાથીઓએ હથિયારોથી ગોળીઓ ચલાવી, જેના કારણે ઇન્સ્પેક્ટર શર્માનું મૃત્યુ થયું.

    2013માં આરિઝના સાથી શહઝાદ અહમદને બટલા હાઉસ ઍન્કાઉન્ટરમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી.

    તેમના બે અન્ય સાથી આતિફ અમીન અને મોહમ્મદ સાજિદ ઍન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા.

    ત્યારે એક અન્ય સાથી મોહમ્મદ સૈફની ઘટનાસ્થળથી ધરપકડ કરવામાં આવી હતી.

  3. બૅન્ક કર્મચારીઓની હડતાલની બૅન્કિંગ સેવાઓ પર કેવી અસર થઈ?

    સરકારી બૅન્કોના ખાનગીકરણના વિરોધમાં બૅન્ક કર્મચારીઓની હડતાલને લીધે ચેક ક્લિયરન્સ સહિત અન્ય બૅન્કિંગ ઑપરેશન્સ પર દેશભરમાં અસર પડી છે.

    બૅન્ક કર્મચારીઓના નવ યુનિયન્સના સંગઠન યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ હેઠળ 15 અને 16 માર્ચે હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે જેમાં સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ 10 લાખ બૅન્ક કર્માચારીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યાં છે.

    જોકે, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એક્સિસ બૅન્ક જેવી ખાનગી બૅન્કોની શાખાઓ ચાલુ છે કારણકે આ બૅન્કો હડતાલમાં નથી જોડાઈ.

    ગત મહિને બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમને કેન્દ્ર સરકારની વિનિવેશ યોજના હેઠળ બે સરકારી બૅન્કોના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

    કેન્દ્ર સરકારે 2019 માં આઈડીબીઆઈના મોટાભાગના શૅર એલઆઈસીને વેચ્યો હતો અને છેલ્લા ચાર વર્ષમાં 14 સરકારી બૅન્કોનો વિલય કર્યો છે.

    ઑલ ઇન્ડિયા બૅન્ક ઍમ્પલૉઇઝ એસોસિએશન (આઈબીઇએ)ના જનરલ સેક્રેટરી સી એચ વેંકલચાલમ મુજબ શાખા સ્તરે ચેક ક્લિયરન્સ અને સરકારી ટ્રાન્સઝેક્શન્સ પર હડતાલની અસર પડી છે. તેમણે કહ્યું કે આને કારણે નાણાંબજાર અને સ્ટૉક માર્કેટમાં પણ મુશ્કેલીઓ અનુભવાશે.રાજકોટમાં બૅન્ક કર્મચારીઓનું વિરોધપ્રદર્શન

  4. વ્હિલચૅર પર મમતા બેનરજીનો ચૂંટણીપ્રચાર

    પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સોમવારે વ્હિલચૅર પર બેસીને પુરુલિયામાં ચૂંટણી રેલીમાં ભાગ લીઘો.

    તેમણે લોકોને અપીલ કરી કે તેઓ ‘બીજેપી નથી જોઈતી’ એવો નારો લગાવે.

    મમતાએ કહ્યું, “ભાજપ નથી જોઈતો, કૉંગ્રેસ નથી જોઈતી, સીપીએમ નથી જોઈતી, ભાજપને વિદાય આપો, રમશું, જોશું અને જીતશું.”

    ત્યાં રાનીબાંધમાં ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રેલીને સંબોધિત કરતા મુખ્ય મંત્રી મમતા બેનરજી પર ટિપ્પણી કરી.

    તેમણે કહ્યું, "મમતાજીનાં પગમાં ઈજા થઈ છે, એ નથી ખબર કે કેવી રીતે ઈજા થઈ. ટીએમસીએ આને કાવતરું જણાવ્યું પરંતુ ચૂંટણીપંચ આને દુર્ઘટના કહી રહ્યું છે. દીદી, તમે વ્હિલચૅર પર ફરી રહ્યાં છો, તમારા પગની ચિંતા છે પરંતુ મારા 130 કાર્યકર્તાઓનાં માતાનાં દુખની ચિંતા નથી જેમને મારી નાખવામાં આવ્યા છે.”

  5. બૅન્કોના ખાનગીકરણ બાબતે રઘુરામ રાજને શું કહ્યું?

    દેશની કેન્દ્રીય બૅન્ક આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નિષ્પ્રભાવી સરકારી બૅન્કોના સફળ ખાનગીકરણ પર શંકા વ્યક્ત કરી છે.

    સાથે જ તેમણે કહ્યું હતું કે, જો આ બૅન્કો કૉરપોરેટ્સને વેચવામાં આવશે તો એ એક મોટી ભૂલ હશે.

    તેમણે કહ્યું કે, જો કોઈ મોટી બૅન્કને કોઈ વિદેશી બૅન્કને વેચી દેવામાં આવે તો તે રાજનૈતિક રીતે અવ્યવહારિક હશે.

    રાજનનું કહેવું છે કે બે બૅન્કોના ખાનગીકરણની માહિતી ઘણી ઓછી છે અને આ સમયે માત્ર એક ખાનગી બૅન્ક સરકારી બૅન્કને ખરીદવાની ક્ષમતા ધરાવે છે પરંતુ એ અત્યાર સુધી સ્પષ્ટ નથી કે એ બૅન્ક ખરીદશે કે નહીં.

    હાલમાં જ સમાચાર ચૅનલ એનડીટીવીના એક કાર્યક્રમમાં રઘુરામ રાજને બૅન્કોના ખાનગીકરણને ખોટું ગણાવ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે 'જો કોઈ પોતાની કંપની માટે જ ઋણ લઈ લે છે તો એવામાં કોઈ પણ સંભવિત અપરાધને પડકવા માટે અમારી પાસે કોઈ નજર રાખવાનું કોઈ માળખું નથી. એટલે મારું કહેવું છે કે આપણે આ વિચારનો ત્યાગ કરી દેવો જોઈએ.'

  6. અમદાવાદમાં કોરોના વધ્યો : મૅચથી લઈ મૉલ સુધી અનેક પ્રતિબંધો

  7. સરકારી બૅન્કો નહીં હોય તો યસ બૅન્ક જેવી બૅન્કોને રેસ્ક્યુ કોણ કરશે?

    અમદાવાદના લાલ દરવાજા પાસે યોજાયેલા પ્રદર્શનમાં જોડાયેલા એક બૅન્ક કર્મચારીએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેના ફેસબુક લાઇવમાં સરકારના પગલા પર પ્રશ્નો સર્જ્યા હતા.

    તેમણે કહ્યું, “જ્યારે યસ બૅન્ક જેવી બૅન્કોની રેસ્ક્યુ કરવાની સ્થિતિ સર્જાય છે, ત્યારે સરકાર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા જેવી જાહેરક્ષેત્રની બૅન્ક પાસે આવે છે. જો ખાનગીકરણ કરવું હોય તો સરકાર ખાનગી બૅન્કો પાસે આવા વખતે કેમ નથી જઈ રહી?”

    તેમનું એવું પણ કહેવું છે કે તેમની લડાઈ નરેન્દ્ર મોદી કે ભાજપની સરકાર સાથે નથી, તેઓ ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે.

    તેમણે કહ્યું, “અમે સરકારને પૂછવા માગીએ છીએ કે ખાનગીકરણ કેમ? શું ખાનગીકરણ એ ઉકેલ છે?”

    “આજે યસ બૅન્ક રેસ્ક્યુ કરવા માટે સ્ટેટ બૅન્ક છે પણ કાલે ઊઠીને સરકારી બૅન્ક નહીં હોય તો સરકાર કોની પાસે જશે?”

  8. બૅન્ક હડતાલ : મોદી સરકાર બૅન્કોનું ખાનગીકરણ કેમ કરી રહી છે? બૅંક કર્મચારીઓનું શું માનવું છે?

    સોમવાર અને મંગળવારે દેશની સરકારી બૅન્કોના કર્મચારીઓ હડતાલ પાળશે. દેશના સૌથી મોટા બૅન્ક કર્મચારી સંગઠન 'યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ'એ આ હડતાલનું આહ્વાન કર્યું છે.

    આ ફોરમમાં ભારતની સરકારી બૅન્કો અને કર્મચારીઓના નવ સંગઠન સામેલ છે. સરકાર દ્વારા આઈ.ડી.બી.આઈ. સિવાયની બે બૅન્કોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ કર્મચારી સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે.

    કર્મચારી સંગઠનોનું કહેવું છે કે દેશના અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે સરકારી બૅન્કોને સબળ કરવાની જરૂરિયાત છે ત્યારે સરકારે ખાનગીકરણનો તદ્દન ઉલ્ટો માર્ગ પકડ્યો છે.

  9. બૅન્ક હડતાલ : સરકારી બૅન્કોના ખાનગીકરણથી સમસ્યાઓ ઉકેલાઈ જશે?

  10. 'સરકારી બૅન્કોએ જનધન ખાતાં ખોલ્યાં, નોટબંધી વખતે નોટો બદલી તો પણ સરકાર ખાનગીકરણ કરી રહી છે'

    અમદાવાદ ખાતે પ્રદર્શનમાં જોડાયેલા એક બૅન્ક કર્મચારી કહે છે કે “સરકારી બૅન્કોમાં 54 મિલિયન જનધન ખાતાં ખૂલ્યાં હતાં, જ્યારે ખાનગી બૅન્કોમાં માત્ર એક મિલિયન ખૂલ્યાં હતાં.”

    તેઓ કહે છે કે નોટબંધી વખતે નોટો બદલાવની કામગીરી પણ સરકારી બૅન્કોએ જ કરી હતી.

    તેઓ કહે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી બૅન્કોનું જ નેટવર્ક સક્રીય છે. આથી સરકારી બૅન્કોના ખાનગીકરણનું પગલું નિંદનીય છે.

  11. મોદી સરકાર બૅન્કોનું ખાનગીકરણ કેમ કરી રહી છે?

  12. બૅન્ક હડતાલ : રાજકોટમાં કર્મચારીઓનું વિરોધ-પ્રદર્શન

    રાજકોટમાં સરકારી બૅન્કોના ખાનગીકરણનો વિરોધ કરવા માટે બૅન્કના કર્મચારીઓએ વિરોધ-પ્રદર્શન યોજ્યું હતું.

    જેમાં બૅન્ક-કર્મચારીઓને ડૂબતાં લેણાંની કડક વસૂલાતની માગણી પણ કરી હતી.

    બૅન્ક-યુનિયનોનું કહેવું છે કે જાહેરક્ષેત્રની બૅન્કોના બંધ થવા અને મર્જર પાછળ ડૂબતાં લેણાં કારણભૂત છે.

  13. બૅન્ક હડતાલ : 'દસ લાખ' કર્મચારીઓએ હડતાલ કેમ કરી? કઈ-કઈ કામગીરીને થશે અસર?

  14. 'બૅન્કોનું ખાનગીકરણ એ વિરોધનો એકમાત્ર મુદ્દો'

    સરકારી બૅન્કોના કર્મચારીઓ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા પ્રદર્શનમા જોડાયેલા યુનિયનના અગ્રણીએ બીબીસી ગુજરાતી સાથેના ફેસબુક લાઇવમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દસ હજાર કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા.

    તેમનું કહેવું છે કે બૅન્કોના ખાનગીકરણનો વિરોધ એ આ દેશવ્યાપી હડતાલનો એકમાત્ર મુદ્દો છે.

  15. ગુજરાતમાં બૅન્ક હડતાલ : અમદાવાદના બૅન્ક-કર્મચારીઓ શું કહે છે?

    બૅન્કોના કર્મચારીઓના યુનિયન યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ દ્વારા આ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

    યુનિયનનો દાવો છે કે દેશભરમાં દસ લાખ કર્મચારીઓ હડતાલ પર છે.

    અમદાવાદમાં પણ બૅન્ક કર્મચારીઓએ કામથી અળગા રહીને પ્રદર્શનો યોજ્યાં હતાં.

  16. બૅન્ક હડતાલ : દસ લાખ કર્મચારીઓનો ખાનગીકરણનો વિરોધ

    બે જાહેરક્ષેત્રની બૅંકોનું ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં દેશની વિવિધ સરકારી બૅંકોના કર્મચારીઓ 15 અને 16 માર્ચે હડતાલનું કરી છે.

    હડતાલના દિવસો અને રજાઓ એકસાથે આવવાને કારણે બૅંકની શાખાઓમાં જઈને નાણાંની લેવડદેવડ, લોન મંજૂરી અને ચેક ક્લીયરન્સની પ્રક્રિયા પર વિપરીત અસર પડશે.

    જોકે, ATMની સુવિધા પર આ હડતાલની કોઈ અસર નહીં પડે તેવું કહેવાઈ રહ્યું છે.

    નોંધનીય છે કે બૅંકો બીજા શનિવાર અને રવિવારના કારણે બે દિવસ અગાઉ બંધ રહી હતી. આમ હડતાલને પગલે સળંગ ચાર દિવસ સુધી સરકારી બૅંકોના ગ્રાહકો પોતાની બૅંકોની પ્રત્યક્ષ સેવાનો લાભ લઈ નહીં શકે.