You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'સુરતમાં ‘આપ’નું કામ ગુજરાતમાં ઉદાહરણરૂપ બનશે'

સુરતમાં આમ આદમી પાર્ટીને મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો મળી છે. પરિણામો બાદ 'આપ'ના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે છે. તથા દેશના વેપારી સંગઠનોએ GST, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને પગલે ભારત બંધ પાળ્યું છે. ત્યારે વાંચો મુખ્ય સમાચારો.

લાઇવ કવરેજ

  1. અમદાવાદની સ્થાપનાની કહાણી, 'આશાવલ'થી માંડીને 'કર્ણાવતી'ના વિવાદ સુધી

  2. ભારત બંધની કેવી છે અસર અને માહોલ?

    પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અને જીએસટીની જોગવાઈઓ વિરુદ્ધ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા શુક્રવારે ‘ભારત હાથ ધરવામાં આવ્યું છે. બંધ દરમિયાન દેશના વિવિધ શહેરામાં દેખાવો યોજવામાં આવ્યાં હતાં. પશ્ચિમ બંગાળ, દિલ્હી અને આસામમાં દેખાવો થયાં તે તસ્વીરોમાં દ્રશ્યમાન છે.

  3. બ્રેકિંગ, અમેરિકાની સીરિયામાં ઈરાન સમર્થિત સમૂહ પર ઍર સ્ટ્રાઇક

    અમેરિકાની સેનાએ સીરિયામાં ઈરાન સમર્થિત મિલિશિયા સમૂહને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે.

    અમેરિકાની સુરક્ષાની વડી કચેરી પેંટાગને કહ્યું કે "આ હવાઈ હુમલામાં અનેક ઈરાન સમર્થિત ચરમપંથી સમૂહો દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલી બૉર્ડર કંટ્રોલ પૉઇન્ટ પર સ્થિત સુવિધાઓને નષ્ટ કરવામાં આવી છે."

    ઉલ્લેખનીય છે કે જો બાઇડને સત્તા સંભાળી એના પછી આ પહેલો હવાઈ હુમલો છે. તાજેતરમાં ઇરાકમાં અમેરિકા અને એની સાથે કામ કરનારા લોકો પર હુમલા બાદ જો બાઇડને કાર્યવાહીને મંજૂરી આપી છે.

    અમેરિકાની જવાબી કાર્યવાહી

    આ મહિનાની શરૂઆતમાં અમેરિકાને નિશાન બનાવીને કરવામાં આવેલા એક રૉકેટ હુમલામાં એક કૉન્ટ્રૅક્ટરનું મોત થયું હતું. આમાં, એક અમેરિકન સર્વિસના સભ્ય અને અન્ય પાંચ કૉન્ટ્રૅક્ટર ઘાયલ થયા હતા..

    બગદાદસ્થિત અમેરિકાના બેઝને પણ રૉકેટથી નિશાન બનાવવામાં આવ્યો હતો. જ્યાં અમેરિકન દૂતાવાસ છે એ ગ્રીન ઝોનમાં પણ રૉકેટ હુમલો થયો.

    પેંટાગને કાતિબ હિજબુલ્લાહ અને કાતિબ સૈયદ અલ-શુહાદાને ઈરાન સમર્થિત મિલિશિયા સમૂહ ગણાવ્યા છે. આ સમૂહના પૂર્વ સીરિયાસ્થિત ઠેકાણાંઓ પર ગુરુવારે અમેરિકાએ ઍરસ્ટ્રાઇક કરી.

    અમેરિકાએ આ કાર્યવાહીને "જરૂરી સૈન્ય પ્રતિક્રિયા" ગણાવી છે. સાથે એમ પણ કહ્યું કે, "કૂટનૈતિક ઉપાયોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી અને તેના માટે ગઠબંધનના સહોયોગીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો."

    પોતાના નિવેદનમાં પેંટાગને કહ્યું કે, "રાષ્ટ્રપતિ બાઇડન અમેરિકા અને તેના સહયોગીઓની સુરક્ષા માટે કાર્યરત રહેશે. સાથે જ અમે અમે જાણી જોઈને આ કાર્યવાહી કરી જેથી પૂર્વ સીરિયા અને ઇરાક બેઉની સંપૂર્ણ પરિસ્થિતિ થોડી ઠીક કરી શકાય."

    માનવાધિકાર સંસ્થા, સીરિયા ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સે કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 17 ઈરાન સમર્થક લડવૈયાઓ માર્યા ગયા છે.

  4. બ્રેકિંગ, , શશિ થરૂરે દોરડાં વડે રિક્ષા ખેંચી પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ કર્યો

    આજે વેપારીઓએ ભારત બંધનું એલાન કરેલું છે ત્યારે કૉંગ્રેસ નેતા શશિ થરૂર અને કૉંગ્રેસના કાર્યકરોએ કેરળના થિરુવનંથપુરમમાં સેક્રેટરિયેટ આગળ રિક્ષાઓને દોરડું બાંધીને ખેંચી હતી.

  5. બ્રેકિંગ, જો તમે 27 લોકોએ સારું કામ કર્યું તો 2022માં ક્રાંતિ થશે - અરવિંદ કેજરીવાલ

    અરવિંદ કેજરીવાલે આપના ચૂંટાયેલા કાઉન્સિલરોને કહ્યું, "જો તમે 27 લોકોએ સારું કામ કર્યું તો 2022માં ક્રાંતિ થશે."

    અરવિંદ કેજરીવાલે કહ્યું, 'હવે તમારી પર બીજેપીવાળાનો ફોન આવશે. તોડવાની વાત કરશે.'

    તેમણે આગળ કહ્યું, "આપણી પાસે જનતાનો ભરોસો છે. આપણે બોલીએ તો જનતાને લાગે કે આ સાચું બોલે છે. આપણામાંથી એક પણ તૂટી ત્યાં જાય તો બધાને લાગશે કે આ એમના જેવા જ છે."

    "ભાજપવાળા તમને ડરાવશે ધમકાવશે લાલચ આપશે. ફોન આવે તો ગોપાલભાઈને કહી દેજો, પછી શું કરવાનું છે એ અમે કહીશું."

    અરવિંદ કેજરીવાલે કહ્યું, "આપણે 27 લોકોનાં દમ પર આખા ગુજરાતમાં જઈને મત માગીશું કે આવું હોવું જોઈએ."

    "સદનમાં આપણે 27 છીએ અને એ લોકો 93 છે. સદનની અંદર તેમની નાની યાદ અપાવી દેજો. એક પણ ખોટું કામ થવા ન દેતા."

  6. બ્રેકિંગ, ભાજપ અને કૉંગ્રેસ ભયભીત છે – અરવિંદ કેજરીવાલ

    સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી એ બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે.

    અરવિંદ કેજરીવાલે સુરતમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, શરૂઆત એક મોટી વસ્તુ હોય છે. આ એક સારી અને મોટી લડાઈ છે.

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારો સાથે વાત કરતા કહ્યું, "ભાજપ અને કૉંગ્રેસ બોખલાંયેલા છે."

    આપની જીતને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ‘સોનાની થાળીમાં ખિલ્લો ઠોક્યો’ એમ કહી હતી ત્યારે કેજરીવાલે કહ્યું કે એક મોટા નેતાનું એ નિવેદન સાંભળ્યું છે.

    તેમણે વધુમાં કહ્યું, "તે તમારાથી નથી ડરતા તેઓ આમ આદમીથી ડરતા નથી. તે એ લોકોથી ડરે છે જેમણે તમને વોટ આપ્યો છે. એ સોળ લાખ લોકોએ જે આ પાર્ટીઓથી કંટાળેલા છે."

    એમણે કહ્યું, "હાલ સુધી વિકલ્પ ન હતો. ભાજપના રાજમા અનેક સમસ્યાઓ છે. અહીં તો એક પાર્ટી શાસન કરે છે કારણ કે બીજી પાર્ટીને ખિસ્સામાં રાખી છે. તમે જ્યારે તેમની સામે આંખોથી આંખો મિલાવી એટલે જનતાએ તમને પસંદ કર્યા છે."

  7. બ્રેકિંગ, હરિયાણાનાં કર્મશીલ નૌદીપ કૌરને જામીન મળ્યા

    હરિયાણાનાં ક્રમશીલ નૌદીપ કૌરને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જામીન આપ્યા છે.

    હરિયાણાના કુંડલી ઇન્ડસ્ટ્રિયલ એરીયા(કેઆઈએ)ની વિરુદ્ધ પ્રવાસી મજૂરોને બાકી પગાર અપાવવા લડી રહ્યાં હતાં.

    12 જાન્યુઆરીના રોજ નૌદીપ કૌરની ધરપકડ કરવામાં આવી હતી.

    તેમની પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ ખોટી રીતે પૈસા વસૂલવાનું કામ કરી રહ્યાં હતાં અને જ્યારે પોલીસ અધિકારીઓની એક ટીમ તેમની પાસે પહોંચી તો પોલીસવાળાઓ પર લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો.

    કુંડલી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર સિંઘુ બૉર્ડર પાસેના સોનીપત વિસ્તાર છે જે હરિયાણામાં આવે છે.

    નૌદીપ ખેડૂત આંદોલન સાથે પણ સંકળાયેલા છે.

  8. બ્રેકિંગ, આજે જાહેર થશે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુદુચેરીની ચૂંટણી તારીખ

    ચૂંટણીપંચની અખબારી યાદી મુજબ દેશમાં આગામી સમયમાં યોજાનાર મહત્ત્વની વિધાનસભા ચૂંટણીઓની તારીખની આજે 4.30 વાગે જાહેરાત થશે.

    આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુદુચેરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની તારીખ આજે ચૂંટણીપંચ જાહેર કરશે.

    આ અંગેની પત્રકારપરિષદ વિજ્ઞાનભવનમાં 4.30 વાગે યોજાશે.

  9. રોબર્ટ વાડ્રાએ 'ઉત્તર વિરુદ્ધ દક્ષિણની જનતાવાળા' રાહુલ ગાંધીના નિવેદનનો બચાવ કર્યો

    રોબર્ટ વાડ્રાએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું, "રાહુલ ગાંધીએ કોઈને દુ:ખ પહોંચાડવાના ઇરાદેથી નહોતું કહ્યું. તે આખા ભારતને એક નજરે જુએ છે. સરકાર અમને દેશવિરોધી કહી શકે છે કારણ કે અમે તેમના પક્ષમા વાત કરતા નથી."

    મંગળવારે રાહુલ ગાંઘીએ કેરળના તિરુઅનંતપુરમમાં લોકોને સંબોધિત કરતા કહ્યું હતું, "ગત 15 વર્ષથી હું ઉત્તર ભારતથી સંસદ સભ્ય હતો, મારા માટે કેરળ આવવું મોટી તાજગીવાળો અનુભવ રહ્યો કારણ કે મેં ઓળખ્યું કે અહીં લોકોને મુદ્દાઓમાં રસ છે, લોકોને બસ મુદ્દાઓને ઉપરથી જ નથી જાણતા પરંતુ ઘણાં ઉંડાણપૂર્વક સમજે છે."

    "હું અમેરિકામાં કેટલાંક વિદ્યાર્થીઓની સાથે વાત કરી રહ્યો હતો અને મેં તેને કહ્યું કે કેરળ જવું મને ઘણું પસંદ છે, એવું મારા લગાવના કારણે નહીં પરંતુ તમારા લોકોની રાજકારણ કરવાની પદ્ધતિ આનું કારણ છે. તમે રાજકારણમાં બૌદ્ધિકતાનો ઉપયોગ કરો છે. મારા માટે નવો અનુભવ રહ્યો છે.

    આ નિવેદન પછી ભાજપે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર દેશને તોડવાનો આક્ષેપ મૂક્યો.

    રોબર્ટ વાડ્રાએ વધુમાં કહ્યું, "મોંઘવારી વધી રહી છે. 15 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. લોકો મુશ્કેલીમાં છે. દેશના લોકો પર મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે. દેશ ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે."

  10. બ્રેકિંગ, આ બંધ માત્ર કાગળ પર છે - ઑલ ઇન્ડિયા મૉટર ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસ કમિટીના ચૅરમૅન બાલ મલકિત સિંહ

    ભારત બંધના એલાનને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.

    સમાચાર સંસ્થા એએનઆઈને આપેલી મુલાકાતમાં ઑલ ઇન્ડિયા મૉટર ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસ કમિટીના ચૅરમૅન બાલ મલકિતસિંહે કહ્યું, "આજનું બંધ એલાન વેપારીઓએ આપ્યું છે. કેટલીક સંસ્થાએ તેનું સમર્થન કર્યું છે. ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસ આનું સમર્થન કરતી નથી કારણ કે આ બંધ માત્ર કાગળ પર છે, જમીની સ્તરે નથી."

  11. બ્રેકિંગ, ભુવનેશ્વરમાં જોવા મળી ભારત બંધની અસર

    સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર ઓરિસ્સાના ભુવનેશ્વરમાં દેશના 40 હજાર વેપારી સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધની અસર જોવા મળી હતી.

    રસ્તાઓ પર કોઈ મોટા વાહનો જોવા મળ્યા ન હતા.

  12. બ્રેકિંગ, આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા

    આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી સફળતા પછી દિલ્હીના મુખ્ય મંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા છે.

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા કૉર્પોરેટરોએ સુરત ઍરપૉર્ટ ખાતે કેજરીવાલનું સ્વાગત કર્યું હતું.

    અરવિંદ કેજરીવાલ આજે સુરતના વરાછા વિસ્તારમાં રેલી કાઢવાના છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો સાથે પણ મુલાકાત કરશે.

  13. સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનો રિપોર્ટ જાહેર કરશે અમેરિકા

  14. ભારત બંધમાં આજે શું શું બંધ રહેશે?

    આખા દેશમાં વેપારી સંગઠનોએ શુક્રવારે જીએસટી અને પેટ્રોલ-ડીઝલના ભાવના વધારા સામે એક દિવસનું ભારત બંધનું એલાન આપ્યું છે. તેમાં દેશના 40 હજારથી વધારે વેપારી સંઘના 8 કરોડ વેપારી જોડાવાના છે.

    ટ્રાન્સપૉર્ટ અસૉસિયેશનના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્ર આર્યએ કહ્યું છે, "તમામ રાજ્ય સ્તરના પરિવહન સંઘોએ ભારત સરકાર તરફથી લાવવામાં આવેલા ઇ-વે બિલ કાયદાઓ અને પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોના વિરોધમાં પરિવહનનું સંચાલન કરવા અમારી જાહેરાતનું સમર્થન કર્યું છે. અમે એક દિવસ માટે તમામ ઇ-વે બિલવાળા સામાનનું પરિચાલન રોકવાના ઉદ્દેશ્યથી આંદોલન કરી રહ્યા છીએ"

    દેશ આખામાં કૉમર્શિયલ બજાર બંધ રહેશે કારણ કે 40 હજારથી વધારે વેપારી સંઘ ભારતના બંધમાં ભાગ લઈ રહ્યા છે.

    દેશમાં રસ્તા પર પરિવહન સેવાઓ પર અસર પડી શકે છે, ઑલ ઇન્ડિયા ટ્રાન્સપૉર્ટ વેલફેર અસૉસિયેશને પરિવહન કંપનીઓને પોતાના વાહન સવારે 6થી આઠ વાગ્યાની વચ્ચે ના ચલાવવા કહ્યું છે.

    બુકિંગ સાથે જ ઇ-બિલ વાળી વસ્તુઓની લેણદેણ પર અસર પડશે.

    ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અને ટૅક્સ વકીલ સંઘે પણ હડતાલનું સમર્થન કર્યું છે, એટલા માટે તેમની સેવા પર અસર પડવાની સંભાવના છે.

    શુક્રવારે કોઈપણ વેપારી જીએસટી પૉર્ટલ પર લૉગ-ઇન નહીં કરે.

  15. બ્રેકિંગ, આજે ભારત બંધનું એલાન, આઠ કરોડ વેપારીઓનું સમર્થન

    દેશના વેપારી સંગઠનોએ શુક્રવારે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સની ખામીઓ, પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અને અને ઈ-વે બિલના વિરોધમાં ભારત બંધનું એલાન કર્યું છે.

    અખિલ ભારતીય વેપારી યુનિયને આ બંધનું એલાન કર્યું છે અને તેને દેશના 40 હજાર વેપારી સંઘોએ સમર્થન આપ્યું છે. આ સંઘોમાં આશરે 8 કરોડ વેપારીઓ સામેલ છે.

    માર્ગ પરિવહનની સર્વોચ્ચ સંસ્થા ઑલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર ઍસોસિયેશને આ બંધનું સમર્થન કર્યું છે અને સવારે છ વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ચક્કાજામનું એલાન કર્યું છે.

  16. નમસ્કાર, બીબીસી ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશ અને દુનિયાના જરૂરી સમાચારો આપને જણાવીશું.