You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : વિશ્વભરમાં મરણાંક 42 હજારને પાર, મૃતકોમાં અરધોઅરધ ઇટાલી-સ્પેનના

ગુજરાતમાં 74 પૉઝિટિવ કેસ, છ દરદી સાજાં થયાં, છનાં મૃત્યુ થયાં, દેશ તથા દુનિયાના અન્ય સમાચાર અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

    અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની છે.

    અમદાવાદ ઝોન-5ના ડીસીપી રવિ તેજાએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને કહ્યું કે અમુક લોકોએ જ પથ્થર ફેંક્યા હતા, ત્યાં હાજર પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી.

    તેમણે વધુમાં કહ્યું, "હાલમાં 2 પોલીસની ગાડીઓ ગોમતીપુર વિસ્તારમાં હાજર છે અને કોઈ અશાંતિ નથી."

    ડીસીપીએ કહ્યું કે આ પથ્થરમારો ન હતો, પણ પોલીસ સાથેનું એક ઘર્ષણ હતું, જેને હાલ કાબૂમાં લઈ લેવામાં આવ્યું છે.

    તેમણે કહ્યું, "પોલીસ થોડા સમય બાદ પથ્થરમારો કરનારા લોકો સામે ફરિયાદ નોંધવશે."

  2. કોરોના વાઇરસ : વિજય રૂપાણીએ શું કહ્યું?

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે દિલ્હીમાં તબલગી જમાતમાં જે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તે તમામને શોધીને ક્વોરૅન્ટીન કરાશે.

    આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનનો જે નિર્ણય લીધો છે તેના કારણે કોરોના વાઇરસ ફેલાતા અટકાયો છે અને તેને કાબુમાં રાખી શકાયો છે.

  3. બધાને નિઃશુલ્ક અનાજ નહીં - ગુજરાત સરકાર

    ગુજરાતમાં સરકારે બુધવારથી ગરીબોને રૅશનના વિતરણની શરૂઆત કરી છે.

    રૅશન વિતરણ અંગે વાત કરતા આ અંગે ગુજરાત સરકારના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું, "રૅશનકાર્ડ હોવું એ નિઃશુલ્ક અનાજ મેળવવા માટેનો પુરાવો નહીં, જેઓ નિયમિત રીતે સસ્તું રૅશન લેતાં હોય તેમને જ અનાજ મળશે"

    સરકાર દ્વારા રૅશનનો 65 લાખ 40 હજાર કુટુંબોના લગભગ ત્રણ કરોડ 25 લાખ જેટલા નાગરિકોને લાભ અપાય રહ્યો છે.

    વેપારી સંગ્રહખોરી કે નફાખોરી કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત પુરવઠા પ્રધાન કરી હતી.

    પરપ્રાંતિય લોકોને અનાજ આપવા અંગે પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું હતું કે ગરીબોને રૅશન વિતરણ બાદ, પરપ્રાંતીય શ્રમિકોને અનાજનું વિતરણ કરાશે, જેની સત્તા જિલ્લા કલૅક્ટરને આપવામાં આવી છે.

    આ ઉપરાંત કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે સસ્તાં અનાજનું વિતરણ ઑફ-લાઇન પદ્ધતિથી કરવાની વાત કરી હતી. જે પ્રક્રિયામાં ફિંગરપ્રિન્ટની જરૂર નહીં હોવાની વાત પુરવઠા મંત્રીએ કરી.

  4. દિલ્હીના નિઝામુદ્દીનની મુલાકાત લઈ સુરત પરત ફરેલાં 42 લોકોને ક્વોરૅન્ટીનમાં મોકલાયા

    દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની મુલાકાત સુરતના 72 લોકોએ પણ લીધી હતી તેમાંથી 42ને ક્વોરૅન્ટીન કરાયા છે.

    સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમીરગરે કહ્યું, "સુરત મહાનગરપાલિકાની હદમાં આવતા 42 લોકોને અમે ક્વોરૅન્ટીન કર્યા છે. બાકીના 12 લોકોની શોધખોળ કરવાની ચાલી રહી છે."

    જે 12 લોકોની શોધખોળ ચાલી રહી છે. તે અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું, "મોબાઇલ ટાવરના આધારે તેમની વિગતો આવી હતી માટે હાલ તેમનાં સરનામા બદલાઈ ગયા હોવાથી અથવા બહાર હોવાથી મુલાકાત નથી થઈ."

    તેમણે વધુમાં એમ પણ કહ્યું, "બાકીના 18 લોકો સુરત ગ્રામ્યમાં હોવાથી તેની યાદી ગ્રામ્યને મોકલાવી છે."

    દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં ભાગ લેનાર લોકોના કેસ પૉઝિટિવ આવતા સરકારે તે વિસ્તારની મુલાકાત લેનાર અનેક લોકોને ક્વોરૅન્ટીન કર્યા હતા.

    ભારત સરકારે આ વિસ્તારની મુલાકાત લેનાર બીજા રાજ્યના લોકોને યાદી મોકલી તેમની તપાસ કરવા રાજ્ય સરકારને કહ્યું હતું. આ સિવાય નિઝામુદ્દીનને હોટસ્પૉટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

  5. કોરોના વાઇરસ : ભારતમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાથી ઓછી ચકાસણી કેમ?

  6. સેન્સેક્સ 1025 પૉઇન્ટ તૂટ્યો

    સવારે 11.30 કલાકે સેન્સેક્સમાં 1025 પૉઇન્ટનો(3.5 ટકા) ઘટાડો નોંધાતા સેન્સેક્સ 28,443 પર આવ્યો હતો.

    નિફ્ટીમાં 3.4 ટકાનો ઘટાડો થયો હતો.

    296 પૉઇન્ટના ઘટાડા સાથે નિફ્ટી 8300 પર આવી ગયો હતો.

    રિયાલિટીને બાદ કરતા તમામ સૅક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

  7. ગુજરાતમાં કોરોનાના આઠ નવા કેસ નોંધાયા, તમામ કેસ અમદાવાદમાં નોંધાયા –જયંતી રવિ

    ગુજરાત રાજ્યનાં આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ બુધવારે સવારે કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ અંગે બુલેટિન રજૂ કર્યું હતું.

    • ગુજરાતમાં કોરોનાના આઠ નવા કેસ નોંધાયા છે. તમામ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
    • ગુજરાતમાં કોરોનાના પૉઝિટિવ કેસની સંખ્યા 82એ પહોંચી છે.
    • 19206 દરદીઓને હૉમ, સરકારી કે પ્રાઇવેટ ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
    • આઠ નવા નોંધાયેલા કેસમાં પાંચ નવા દરદીઓનો આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય પ્રવાસનો ઇતિહાસ છે. જ્યારે ત્રણ કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.
    • નિષેધાત્મક આદેશોનો ભંગ કરનારાઓ સામે 236 એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
    • ગુજરાતમાં કુલ 33 કેસ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સમિશનના, 8 કેસ ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશનના, જ્યારે 41 કેસ લોકલ ટ્રાન્સમિશનના નોંધાયા છે.
    • કોરોનાના લક્ષ્ણ જણાય તો ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર 104 ઉપર કોલ કરવાની પણ અપીલ કરી હતી.

    મંગળવાર રાત સુધી ગુજરાતમાં 74 પૉઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી છ દરદી સાજાં થઈ ગયાં છે, જ્યારે છનાં મૃત્યુ થયાં છે.

  8. કોરોના વાઇરસ : આ વૈશ્વિક મહામારીનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?

    ગુજરાતમાં કોરોના વાઇરસે 'કૉમ્યુનિટી ટ્રાન્સમિશન'નું સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચર્ચા છે, ત્યારે આ રોગના લક્ષ્ણ તથા તેના સંક્રમણથી કેવી રીતે બચવું, તેના વિશે અહીં ક્લિક કરીને જાણો

  9. ભાવનગરમાં એસ.આઈ.ટી.નું ગઠન

    દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજિત તબલગી સમાજના કાર્યક્રમમાં ભાગ લેનારાઓને શોધી કાઢવા ગુજરાતમાં પ્રયાસહાથ ધરવામાં આવ્યા છે.

    ભાવનગરથી સ્થાનિક પત્રકાર યશપાલ ચૌહાણ જણાવે છે કે રેન્જ ડી.આઈ.જી. અશોક દ્વારા સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.

    જેમણે આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. પ્રથમ તબક્કે ભાવનગરના 13 તથા બોટાદના ચાર શ્રદ્ધાળુઓએ દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    ભાવનગરમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનાર પ્રથમ દર્દી પણ નિઝામુદ્દીન ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.

    તેમણે સુરેન્દ્રનગરમાં 22 વ્યક્તિની મુલાકાત લીધી હતી, જેમને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યાં છે.

    ગુજરાત સરકાર દ્વારા ભાવનગરને હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારત સરકાર દ્વારા દેશનાં 10 હોટસ્પૉટની ઓળખ કરવામાં આવી છે, જેમાં દિલ્હીનો નિઝામુદ્દીન વિસ્તાર પણ સમાવિષ્ટ છે.

  10. ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

    ઇન્ડિયન એકસ્પ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે કોરોના વાઇરસના મુદ્દે 8 ટકા જેવો દેશમાં સૌથી વધારે મૃત્યુદર ધરાવતાં ગુજરાતમાં થયેલાં છ મૃત્યુમાંથી અડધોઅડધ દર્દીઓ કોરોના વાઇરસના સંપર્કમાં કંઈ રીતે રીતે આવ્યા હતા એ અંગે હજુ સુધી જાણી શકાયું નથી.

    સ્થાનિક તંત્રે પણ પુષ્ટિ કરી છે કે દસ જેટલા કેસોમાં ચેપ કઈ રીતે લાગ્યો એ જાણી શકાયું નથી.

    જોકે, મૃત્યુ પામનારા છ દર્દીઓ કોરાના વાઇરસનો ચેપ લાગવા ઉપરાંત પણ અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા.

    અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઑમ પ્રકાશ માચરાને ટાંકીને અખબાર નોંધે છે કે વાઇરસને લીધે મૃત્યુ પામનારાં અમદાવાદના બે દર્દીઓને ચેપ કઈ રીતે લાગ્યો એ જાણી શકાયું નથી.

    આ ઉપરાંત અમદાવાદના વધુ એક દર્દીને ચેપ કઈ રીતે લાગ્યો એ પણ જાણી શકાયું નથી. જોકે, તંત્રનું માનવું છે કે આ દર્દી તબીબી ક્ષેત્રે સંકળાયેલા હોઈ અજાણતાં જ તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશે.

    ભાવનગરમાં પણ પાંચ એવા દર્દીઓ છે, જેમને વાઇરસનો ચેપ કેમ લાગ્યો એ હજુ સુધી જાણી શકાયું નથી. આમાંથી એક મહિલા દર્દીનું મૃત્યુ પણ થયું છે.

    ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધીએ અખબારને જણાવ્યું, "આ મામલાઓમાં વિદેશપ્રવાસનો ઇતિહાસ સામે આવ્યો નથી. એટલે મોટા ભાગે આ કિસ્સાઓ કમ્યુનિટી ટ્રાન્સમિશનના હોઈ શકે."

  11. અમેરિકામાં ચીન કરતાં પણ વધારે મૃત્યુ, ટ્રમ્પે કહ્યું ઘાતક વાઇરસ સામે છે યુદ્ધ

    અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનારનો આંક ચીન કરતાં પણ વધી ગયો છે.

    મંગળવારે અમેરિકાની સરકારે કોરોના વાઇરસનો ફેલાવો રોકવા માટે પોતાના અભિયાનને 30 દિવસ સુધી વધાર્યું હતું.

    મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં અમેરિકાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા માટે આવનારાં બે અઠવાડિયાં પડકારરૂપ હશે. તેમણે કહ્યું -

    "દેશની સામે અભૂતપૂર્વ પડકાર છે અને તમે જોઈ શકો છો કે આપણે એક ઘાતક વાઇરસની સામે યુદ્ધ લડી રહ્યા છીએ. આપણે આપણી સંપૂર્ણ તાકાત સાથે યુદ્ધ લડવું પડશે."

    અમેરિકામાં હાલ સુધી કોરોનાના કારણે 3,606 લોકોનાં મૃત્યુ થઈ ગયા છે, જ્યારે ચીનમાં આ કારણે 3,309 લોકોનાં મૃત્યુ થયા છે.

    જોન હૉપ્કિન્સ યુનિવર્સિટીએ જાહેર કરેલાં તાજા આંકડા પ્રમાણે, અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ચીન કરતાં બે ગણી છે.

    અમેરિકામાં 1,87,919 લોકો કોરોનાથી સંક્રમિત છે, જ્યારે ચીનમાં 82,278 લોકો સંક્રમિત હતા.

    પ્રેસ કૉન્ફરન્સમાં હાજર વ્હાઇટ હાઉસમાં કોરોના વાઇરસ મામલાના સંયોજક ડૉક્ટર ડેબોરા બ્રિક્સે ચેતવણી આપી કે હાલના આંકલન પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના કારણે એક થી બે લાખ અમેરિકનના જીવ જઈ શકે છે.

    તેમણે કહ્યું, "હાલ કેટલાંક નાગરિક કોરોના વાઇરસના સંક્રમણના ભયને લઈને કસર કરી રહ્યા છે અને અમારું અનુમાન છે કે આંકડો આ રેન્જની વચ્ચે આવી શકે છે."

  12. લૉકડાઉનનું સરી ગયેલું સપ્તાહ

    મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલાં ત્રણ સપ્તાહના દેશવ્યાપી લૉકડાઉનનું એક સપ્તાહ પૂર્ણ થયું. આ દરમિયાન દેશવિદેશમાં કોરોના સંબંધિત મહત્ત્વપૂર્ણ ઘટનાઓનાં અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

  13. બીબીસી ન્યૂઝ ગુજરાતી

    શું મંગળવારે સાંજે પ્રસારિત બીબીસી ન્યૂઝ ગુજરાતી આપે જોયું હતું? જો ચૂકી ગયા હો, તો દેશવિદેશના કોરોના સંબંધિત સમાચાર તથા અન્ય માહિતી મેળવવા નીચે નિહાળો.

  14. કોરોના સંદર્ભે વધુ માહિતી

    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ કઈ સપાટી પર કેટલો સમય જીવિત રહે છે?જાણવા માટે અહીં ક્લિક કરો.
    • કોરોના વાઇરસની રસી હાથવેંતમાં છે કે હજી વાર લાગશે?જાણવા માટે અહીં ક્લિક કરો.
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
  15. બુધવાર સવારની સ્થિતિ

    ગુજરાતમાં 74પૉઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી છ દરદી સાજાં થઈ ગયાં છે, જ્યારે છનાં મૃત્યુ થયાં છે.

    ભારતમાં બુધવારે સવારે કેસોની સંખ્યા 1400ને સ્પર્શવા પર હતી. દેશમાં 1238 ઍક્ટિવ કેસ છે, જ્યારે 35 મૃત્યુ થયાં છે.

    વિશ્વની વાત કરીએ તો જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વભરમાં મરણાંક 42 હજારને પાર કરી ગયો છે. જેમાં અરધોઅરધ ઇટાલી (12,428) અને સ્પેનમાં 8,464 મૃત્યુ નોંધાયા છે.

    વિશ્વમાં કોરોનાના 857,487 કેસ નોંધાયેલા છે. જેમાં અમેરિકા (188,172), ઇટાલી (105,792) સ્પેન (95,923) અને ચીનમાં 82,279માં કેસ નોંધાયેલા છે.