You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર?
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને યોજાયેલી કૅબિનેટ મીટિંગ બાદ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં મહામારીને રોકવા માટેની તૈયારી અંગે વાત કરી હતી.
લાઇવ કવરેજ
જયનારાયણ વ્યાસે કહ્યું, “કૃપા કરીને રાહુલજીની યાત્રાની ચિંતા ન કરશો”
ભારતમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના સબવૅરિયન્ટ BF.7ને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રામાં કોરોના નિયમોનું પાલન કરવા, નહીં તો યાત્રા બંધ કરવા અંગે પત્ર લખ્યો હતો.
જેના જવાબમાં ચૂંટણી પૂર્વે ભાજપ છોડીને કૉંગ્રેસમાં જનારા સિનિયર નેતા જયનારાયણ વ્યાસે ટ્વીટ કર્યું છે.
તેમણે ટ્વીટ કર્યું, “માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી, અમે સમજીએ છીએ કે તમને ચિંતા છે પણ કૃપા કરીને રાહુલજીની યાત્રાની ચિંતા કરશો નહીં. તમારા ગૃહરાજ્યને વધુ ધ્યાનની જરૂર છે, કારણ કે આવનારાં કેટલાંક અઠવાડિયાંમાં 200 લાખ મુલાકાતીઓ અમદાવાદ આવશે. શું આપ તમારા ગૃહરાજ્ય ગુજરાતને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપી શકશો?”
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે "ભારત જોડો યાત્રાથી કોરોનાના પ્રોટોકૉલ તૂટી રહ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના ઝડપથી વધી રહ્યો છે, એટલે કોરોના પ્રોટોકૉલનું પાલન થવું જોઈએ."
પત્રમાં કહેવામાં આવ્યું હતું કે "યાત્રામાં માત્ર વૅક્સિન લઈ ચૂકેલા લોકો જ ભાગ લે અને માસ્ક તથા સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે. સાથે જ યાત્રામાં જોડાય તે પહેલાં અને પછી યાત્રીઓને આઇસોલેટ કરવામાં આવે. જો આ બધું સંભવ ન હોય તો દેશહિતમાં યાત્રાને સ્થગિત કરવામાં આવે."
ભારત વિરુદ્ધ ચીનઃ સૌથી વધુ વસ્તીવાળો દેશ બનવું એ આશીર્વાદ કે શ્રાપ?
અરવિંદ કેજરીવાલે કહ્યું, “દિલ્હીમાં BF.7નો એક પણ કેસ નહીં, લોકો પ્રિકૉશન ડોઝ જરૂર લે”
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં હાલ ઓમિક્રૉનના વૅરિયન્ટ BF.7નો એક પણ કેસ નથી, લોકોએ ગભરાવવાની જરૂર નથી.
સાથે જ તેમણે લોકોને કોરોના વૅક્સિનનો પ્રિકૉશન ડોઝ લેવાની અપીલ કરી છે.
ગુરુવારે કેજરીવાલે કહ્યું, “માત્ર 24 ટકા લોકોએ પ્રિકૉશન ડોઝ લીધો છે. લોકોને અપીલ છે કે તેઓ પ્રિકૉશન ડોઝ જરૂર લે. અમારી પાસે 380 ઍમ્બ્યુલન્સ છે, અમે વધુનો ઑર્ડર આપ્યો છે. અમે કેન્દ્રની ગાઇડલાઇનની રાહ જોઈશું. જ્યારે તેઓ ઑર્ડર આપશે, તેને લાગુ કરીશું.”
તેમણે કહ્યું કે દિલ્હીમાં હાલ આઠ હજાર કોવિડ બેડ છે, વધુ 36 હજાર બેડનું લક્ષ્ય છે. આ સિવાય 928 મૅટ્રિક ટન ઓક્સિજન સ્ટોર કરવાની કૅપેસિટી પણ છે.
તેમણે કહ્યું, “દિલ્હીમાં હાલ એક પણ કેસ વૅરિયન્ટ (BF.7)નો નથી. તેથી ચિંતા કરવાની જરૂર નથી. અમે જીનોમ સિક્વન્સિંગ કરી રહ્યા છીએ. હાલ દિલ્હીમાં XBB વૅરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે.”
કુલપતિ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠમાં કરેલી સફાઇઝુંબેશથી શું સંકેતો મળે છે?
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે કૅબિનેટની મિટિંગ
ચીનમાં કોરોના વાઇરસના કેસ વધતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને યોજાયેલી કૅબિનેટ મીટિંગ બાદ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રૉનના સબવૅરિયન્ટ BF.7ના ત્રણેય દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સ્વસ્થ થઈ ગયા હતા.
તેમણે જણાવ્યું, "અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. દેશમાં હાલ 3402 ઍક્ટિવ કેસ છે. જેમાંથી ગુજરાતમાં માત્ર 23 ઍક્ટિવ કેસ છે."
"રાજ્યભરની હૉસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા માટે શુક્રવારે એક મોકડ્રીલ યોજાશે અને જરૂર પડે તેને વધારવામાં આવશે."
તેમણે આગળ કહ્યું, "રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં 1.04 લાખથી વધુ સામાન્ય બેડ, 15 હજારથી વધુ ઓક્સિજન બૅડ અને 9,700 જેટલા વૅન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે."
જિનોમ સિક્વન્સિંગ અંગે તેમણે જણાવ્યું, "ગાંધીનગર ખાતે આવેલી જીબીઆરસીમાં આરટીપીસીઆર પૉઝિટિવ દર્દીઓના સૅમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. આપણી પાસે દર મહિને ચાર હજાર સૅમ્પલનું સિક્વન્સિંગ થઈ શકે તેટલી વ્યવસ્થા છે."
ઋષિકેશ પટેલે અંતે કહ્યું, "કેન્દ્ર અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોના કારણે જ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે."
તેમણે એમ પણ કહ્યું કે તમામ લોકોએ જાતે જ કોરોના સંબંધિત વ્યવહારને અનુસરીને કોરોના સંદર્ભે જાહેર કરાયેલા સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ.
કોરોના મુદ્દે રાજ્યોને કેન્દ્રનો સંદેશ- ઍલર્ટ રહો, પીએમ મોદીએ કરી રિવ્યૂ મિટિંગ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
આ વર્ચ્યુઅલ મિટિંગમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ મિટિંગ પહેલાં લોકસભામાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, “આગામી તહેવારો અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યોને ઍલર્ટ રહેવા, માસ્ક પહેરવા માટે જાગરૂકતા અભિયાન, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.”
આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર રૅન્ડમ આરટી-પીસીઆર સૅપ્લિંગ શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, “અન્ય દેશોમાંથી આવતાં લોકોના આરટી-પીસીઆર સૅપ્લિંગ શરૂ કરવામાં આવ્યા છે. અમે મહામારીનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ.”
માંડવિયાએ કહ્યું હતું કે, “રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તહેવાર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકો માસ્ક પહેરે છે, સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે અને સામાજિક અંતરનું ધ્યાન રાખે છે.”
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, બુધવારે આરોગ્યમંત્રીએ પણ સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન ચીન અને અન્ય દેશોમાંથી આવતા યાત્રીઓનો ઍરપૉર્ટ પર રૅન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, તેઓ ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ દરમિયાન કેટલાક વિપક્ષી નેતાઓ અને સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે ભારત-ચીન વચ્ચેની ફ્લાઇટ સેવાઓ બંધ કરવાની માગ કરી છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અને એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે,આવી કોઈ યોજના નથી.
વડોદરામાં દલિત યુવાનને માર મારીને તેનો વીડિયો વાઇરલ કરવાની ઘટના શું છે?
'દેશમાં દવાઓનો પૂરતો જથ્થો'- કોરોના સંક્રમણ સામે સરકારની તૈયારી વિશે મનસુખ માંડવિયા બીજું શું કહ્યું?
ચીનમાં કોરોનાની ઘાતક લહેરે જ્યારે ભારત સહિત દુનિયામાં ચિંતા ઊભી કરી છે ત્યારે ભારતે કોરોના સંક્રમણ અંગે કેવી તૈયારી કરી છે, આ બાબતે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જાણકારી આપી હતી.
વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં કહ્યું કે, "અમે કોરોના પણ કોઈ રાજકારણ નથી કર્યું. સમગ્ર દેશમાં મોટી હૉસ્પિટલ્સમાં ઑક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અમે સમીક્ષા કરી છે કે દેશમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ પણ છે."
મનસુખ માંડવિયાએ કહ્યું કે "આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ગુરુવારે કહ્યું કે રૅન્ડમ સૅમ્પલ આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ કરાયા છે. "તેમણે કહ્યું કે "સરકાર મહામારીની સામે લડવા પ્રતિબદ્ધ છે અને યોગ્ય પગલાં લેવાઈ રહ્યાં છે."
લોકસભામાં તેમણે નિવેદન આપ્યું કે "તહેવાર અને નવા વર્ષની મોસમમાં રાજ્ય સરકારોએ જોવું જોઈએ કે લોકો માસ્ક પહેરે, સૅનિટાઇઝર વાપરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જોઈએ. રાજ્ય સરકારોએ જિનોમ સિક્વન્સિંગ કરાવવું જોઈએ જેથી સમય રહેતા કોરોનાના નવા વૅરિયન્ટની ઓળખ થઈ શકે."
તેમણે જણાવ્યું કે "કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને નાણાકીય મદદ પણ કરી છે. અત્યાર સુધી દેશમાં કોરોના વૅક્સિનના 220 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે."
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને કોરોના પ્રોટોકૉલનું પાલન કરવા વિનંતી કરી.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર શું બોલ્યા જાપાનના રાજદૂત
ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ બુધવારે કહ્યું હતું કે, "અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એકવાર પૂર્ણ થયા બાદ હાઈ-સ્પીડ રેલના ક્ષેત્રમાં ‘ક્રાંતિકારી’ સાબિત થશે."
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, "તેઓએ સુરત હાઈ-સ્પીડ રેલ સ્ટેશનના નિર્માણસ્થળની મુલાકાત લીધા બાદ આ વાત કહી હતી. જાપાન ઇન્ટરનેશનલ કૉર્પોરેશન એજન્સી આ પ્રોજેક્ટને ફંડ પૂરું પાડે છે."
સુઝુકીએ પત્રકારોને કહ્યું હતું કે, "હું આટલા મોટા પાયે બાંધકામનું કામ ઝડપથી પૂર્ણ થતું જોઈ શકુ છું. હું એક પ્રોજેક્ટ, એક ટીમની ભાવનાથી મારા ભારતીય મિત્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. જ્યારે આ વિશાળ પ્રોજેક્ટ પૂર્ણ થશે, તો મને વિશ્વાસ છે કે તે એક નવી ક્રાંતિ લાવશે."
"જેમ અમારી પાસે સુઝુકી મારુતિ ક્રાંતિ છે, તેમ હું હાઈ-સ્પીડ રેલ ક્રાંતિની રાહ જોઈ રહ્યો છું. ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે."
નેશનલ એચએસઆર કૉર્પોરેશન લિમિટેડના મૅનેજિંગ ડાયરેક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે,“દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેનના સુરત-બિલીમોરા સેક્શન પર નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને અહીં પરીક્ષણ જૂન 2026માં પૂર્ણ થઈ જશે."
શું ભારતમાં કોરોના લૉકડાઉનનો વારો આવશે? કેવી તકેદારી રાખવાની સલાહ આપે છે નિષ્ણાતો?
ચીનમાં કોરોના વાઇરસને કારણે વકરેલી પરિસ્થિતિને જોતાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ચિંતા વધી ગઈ છે. જોકે ભારતમાં હાલ કોરોના વાઇરસ સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં છે.
મંગળવારે નીતિ આયોગના સભ્ય ડૉ.વી કે ગોયલે કહ્યું હતું કે ભીડભાડવાળી જગ્યા પર માસ્ક પહેરવો જોઈએ. અને કોરોના રસીનો બુસ્ટર ડોઝ લેવો જોઈએ.
ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જોકે આરોગ્ય મંત્રાલયે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં પણ બે કેસ સામે આવ્યા હતા જેમાં જિનોમ સિક્વન્સિંગમાં નવો બીએફ.7 વૅરિયન્ટની પુષ્ટિ થઈ હતી. જોકે સરકારીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે આ દર્દીઓ હોમ આઇસોલેશનમાં હતા અને સાજા થઈ ગયા હતા. ભારતમાં પણ કોરોના સંક્રમણને લઈને ચિંતા વધી છે.
ત્યારે સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉ અનિલ ગોયલે કહ્યું હતું કે, "દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિ નહીં ઊભી થાય કારણ કે 95 ટકા લોકોએ કોરોનાની રસી લીધી છે. ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ ચીનના લોકો કરતા મજબૂત છે...ભારતે કોવિડના પાયાના નિયમો પર પાછા ફરવું પડશે..ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને ટ્રેસિંગ."
એએનઆઈ અનુસાર વરિષ્ઠ કન્સલટન્ટ ફિઝિશિયન ડૉ રાજીવ બન્સલે કહ્યું હતું કે, "ગંભીર બીમારીઓ (કોમૉર્બિડિટીઝ) ધરાવતા દર્દીઓએ કોવિડ સંક્રમણ વધવાની પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં ખૂબ કાળજી લેવાની રહેશે. નિયમિત રીતે ગ્લૂકોઝ લેવલ, બ્લડ પ્રેશરની તપાસ કરાવવી અને કોરોના પ્રોટોકૉલ જેમકે માસ્ક, સૅનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાને લઈને બેઠક કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોવિડ-19ની સ્થિતિ અને તેને સંબંધિત બાબતોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર, "છેલ્લા છ મહિનામાં ભારતમાં ચાર કેસ બીએફ.7 ઓમિક્રૉન સબ-વૅરિયન્ટના નોંધાયા છે. જેના કારણે ચીનમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે."
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, "હાલમાં દેશમાં કોવિડ-19ના 10 વિવિધ પ્રકારો છે, જેમાં નવીનતમ બીએફ.7 છે."
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં વર્તમાન કોવિડ-19ની સ્થિતિ અને મહામારીને લઈને વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ કોવિડ હજુ ખતમ થયો નથી અને બધા સંબંધિત પક્ષોને સતર્ક રહેવા અને ચુસ્ત નિરીક્ષણ રાખવાના નિર્દેશ આપ્યા હતા.
ચીનમાં કોરોનાના દર્દીઓથી હૉસ્પિટલ ઉભરાઈ, WHOએ ચિંતા વ્યક્ત કરી
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, “ચીનમાં કોવિડ-19ની નવી લહેર વચ્ચે હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે.”
ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ચીફ ડૉક્ટર માઇકલ રેયાને કહ્યું છે કે, “ભલે અધિકારી દર્દીઓની સંખ્યા ઓછી બતાવી રહ્યા છે, પરંતુ ઇન્ટેસિવ કેર યુનિટ્સ (આઈસીયુ) ભરેલાં છે.”
ચીનનાં આંકડા દર્શાવે છે કે, બુધવારે કોવિડના કારણે કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ મહામારીના વાસ્તવિક પ્રભાવને લઈને શંકા છે.
ચીનમાં કોરોના મહામારી વધવાની સાથે તાજેતરના દિવસોમાં રાજધાની બીજિંગ અને અન્ય શહેરોની હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
વર્ષ 2020થી ચીને કહેવાતી ઝીરો કોવિડ નીતિ હેઠળ વિવિધ આરોગ્ય નિયંત્રણો લાદ્યા છે.
જોકે, અર્થવ્યવસ્થા પર આ નીતિની આડઅસર જોતા સરકારે બે અઠવાડિયા પહેલાં કેટલાક નિયમોમાં છૂટછાટ પણ આપી હતી.
ત્યારથી કોરોનાની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ વૃદ્ધોમાં મોતના કેસ વધવાનો ડર પણ ઊભો થઈ ગયો છે.
આ સ્થિતિ બાદ પણ ચીનના અધિકૃત આંકડા મુજબ, કોરોનાના કારણે મંગળવારે પાંચ અને સોમવારે બે લોકો મૃત્યુ પામ્યાં છે.
ડૉક્ટર રેયાને ચીનને કોરોના મહામારીની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપવા કહ્યું છે.
તેઓએ કહ્યું હતું કે, “ચીનમાં આઈસીયુમાં ઘણી ઓછી હોવાનું કહેવાય છે, પરંતુ હકીકતમાં આઈસીયુ ઊભરાઈ રહ્યાં છે.”
“અમે અઠવાડિયાથી કહી રહ્યા છીએ કે, માત્ર જાહેર આરોગ્ય અને સામાજિક અંતર દ્વારા આ અત્યંત ચેપી વાઇરસને સંપૂર્ણ રોકવો ખૂબ મુશ્કેલ છે.”
ડૉક્ટર રેયાને જેનેવામાં કહ્યું કે, “વૅક્સિનેશન આમાંથી બહાર કાઢવાનો માર્ગ હોઈ શકે છે.”
રાજકોટનો એ પરિવાર જેણે પોતાનું ઘર બનાવી દીધું વિકલાંગ બાળકોનું ઘર
અન્ય દેશમાંથી ભારત આવનારા યાત્રિઓનો થશે રૅન્ડમ કોરોના ટેસ્ટ
અન્ય દેશમાંથી આવનારા યાત્રિઓનો ઍરપોર્ટ પર રૅન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ચીનમાં વધતા કોરોના કેસને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આરોગ્ય મંત્રાલયે આ અંગેની જાણકારી આપી હતી.
ચીનમાં કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર કોરોનાના સબ વૅરિયન્ટ બીએફ.7ના ત્રણ કેસ ભારતમાં નોંધાઈ ચૂક્યા હોવાનું સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને એનડીટીવીએ જણાવ્યું હતું.
આ સાથે બીએફ.7 સબવૅરિયન્ટનો વડોદરામાં પણ એક પૉઝિટિવ કેસ નોંધાયો છે.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારપરિષદ સંબોધીને આ અંગે માહિતી આપી હતી.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, “કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસ વધતા વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. કોવિડ હજુ ખતમ થયો નથી. મેં બધા સંબંધિત પક્ષોને સતર્ક રહેવા અને ચુસ્ત નિરીક્ષણ રાખવાના નિર્દેશ આપ્યા છે. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ.”
ચીનમાં કોરોનાની ગંભીર લહેર આવી છે અને તેના કારણે ભારતમાં પણ ચિંતા વધી ગઈ છે.
ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.
નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
21 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.