શાહિદ આફ્રિદીની પુત્રીએ ભારત-પાકિસ્તાન મૅચમાં કેમ લહેરાવ્યો તિરંગો?

શાહિદ આફ્રિદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહિદ આફ્રિદી
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

એશિયા કપની ફાઇનલ મૅચ શ્રીલંકાએ જીતી લીધી છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મૅચ રમાઈ હતી અને બંનેએ એક-એક મૅચ જીતી હતી.

કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ દરમિયાન મેદાન પર ખેલાડીઓ અને પ્રશંસકોમાં એટલી ઉત્તેજના હોય છે કે મૅચ પહેલાં અને પછી પણ મૅચ એક યા બીજા કારણોસર સમાચારોમાં રહે છે.

એશિયા કપ ટુર્નામેન્ટમાં પણ એક સપ્તાહ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મૅચની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.

વાસ્તવમાં, પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ આ મૅચ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો, જેના પર બંને દેશોના લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 મૅચમાં પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય થયો હતો.

પાકિસ્તાની ઑલરાઉન્ડર રહી ચૂકેલા શાહિદ આફ્રિદીએ જણાવ્યું કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી મૅચમાં તેમની પુત્રીએ ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો.

પાકિસ્તાનની જીત બાદ એક ટેલિવિઝન ચેનલ પર વાતચીત દરમિયાન તેમણે આ વાત કરી હતી.

લાઇન

એશિયા કપ

લાઇન
  • શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જીત મેળવી હતી
  • શ્રીલંકા, પાકિસ્તાન, ભારત અને અફઘાનિસ્તાનની ટીમ સુપર-4માં પહોંચી હતી.
  • સુપર 4 મૅચમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું
લાઇન

આફ્રિદીની દીકરીએ કેમ પકડ્યો તિરંગો?

શાહિદ આફ્રિદી

ઇમેજ સ્રોત, FACEBOOK/SHAHID AFRIDI

તારીખ ચાર સપ્ટેમ્બરની મૅચ બાદ પાકિસ્તાની ચેનલોએ ભારતીય પ્રશંસકોની સંખ્યા વિશે છેડી અને મહિલા ઍન્કરે દાવો કર્યો કે આખા સ્ટેડિયમમાં મોટાભાગે ભારતીય ચાહકો હતા.

આ અંગે આફ્રિદીએ કહ્યું, "હા, મને ખબર પડી કે ત્યાં વધુ ભારતીયો છે. મારો પરિવાર ત્યાં બેઠો હતો. મને વીડિયો મોકલવામાં આવતા હતા. મારી પત્ની મને કહેતી હતી કે ત્યાં માત્ર 10 ટકા પાકિસ્તાની છે અને બાકીના 90 ટકા ભારતીયો છે. ત્યાં પાકિસ્તાની ઝંડો પણ નહોતો મળતો તો મારી નાની દીકરીએ હાથમાં ભારતનો ધ્વજ પકડ્યો હતો."

તેમણે હસીને કહ્યું, "મારી પાસે વીડિયો છે, અત્યારે હું વિચારી રહ્યો છું કે ટ્વીટ કરું કે નહીં."

ચર્ચામાં સામેલ અન્ય ઍન્કરે ભારત પર નિશાન સાધતા કહ્યું કે 'જો આ ઘટના કેમેરામાં આવી હોત તો પણ પાકિસ્તાનીઓ તેને હસીને હળવાશથી લેત.'

તેમણે કહ્યું, "મને ખબર નથી કે આ બાબત કેમેરામાં કેદ થઈ છે કે નહીં, જો આવું થાય તો પણ, મને લાગે છે કે પાકિસ્તાનીઓ તેના પર હસીને, ખુશ થઈને હળવાશથી લેત. વિચારો કે આનાથી વિરુદ્ધ થાય તો? કોઈપણ ભારતીયે પાકિસ્તાની ધ્વજ પકડ્યો હોય અને તે કેમેરામાં આવી જાય તો શું થાય?"

આફ્રિદીના આ વીડિયોને પાકિસ્તાનની સાથે ભારતીય યૂઝર્સ પણ પસંદ કરી રહ્યા છે. સમા ટીવીના આ વીડિયો અંગે કેટલાક ભારતીય યૂઝર્સે લખ્યું છે કે દરેક દેશના ધ્વજનું સન્માન કરવું જોઈએ. તો એક યૂઝરે 'આપણે બધા એક જ છીએ' જેવી ટિપ્પણી પણ કરી છે.

જો કે, એક યૂઝરે એમ પણ કહ્યું છે કે હાઈપ્રોફાઇલ લોકોને કોઈ કંઈ કહેતું નથી, પરંતુ જો કોઈ સામાન્ય માણસે આવું કર્યું હોત તો તેને ખબર પડી જાત. પછી તે પાકિસ્તાનની હોય કે ભારતની.

શાહિદ આફ્રિદી

ઇમેજ સ્રોત, YOUTUBE SCREENSHOT

બંને દેશોમાં કેટલાક એવા લોકો છે જેમને શાહિદ આફ્રિદીનું આ નિવેદન પસંદ નથી આવ્યું. એક યૂઝરે લખ્યું કે શાહિદ આફ્રિદી રિટાયર થઈ ગયા છે, છતાં તેઓ અને તેમનો પરિવાર સમાચારમાં રહેવા માગે છે. તો એક વ્યક્તિએ લખ્યું કે, "લાગે છે કે તેમને ભારતીય નાગરિકત્વની જરૂર છે."

line

તિરંગો ફરકાવવા બદલ પાકિસ્તાનીને જેલ થઈ હતી

શાહિદ આફ્રિદી

ઇમેજ સ્રોત, YOUTUBE SCREENSHOT

તે વર્ષ 2016માં હતું, જ્યારે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના એક પાકિસ્તાની ચાહકે તેમની છત પર તિરંગો ફરકાવવો ભારે પડ્યો હતો. આ કામ માટે તેને 10 વર્ષની જેલની સજા પણ સંભળાવાઈ હતી.

તે સમયે એ વ્યક્તિની ઉંમર 22 વર્ષની હતી. ઉમર દરાજ નામનો આ યુવાન પંજાબ પ્રાંતનો રહેવાસી હતો.

તે વર્ષે ભારતે ઑસ્ટ્રેલિયાને ટી-20 મૅચમાં હરાવ્યું હતું. એ મૅચમાં વિરાટ કોહલીએ 90 રન બનાવ્યા હતા.

ઉમર દરાજ વિરુદ્ધ પાકિસ્તાની દંડ સંહિતાની કલમ 123-A (દેશના સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

તે સમયે કોર્ટમાં જજની સામે ઉમરે કબૂલ્યું હતું કે તેણે વિરાટ કોહલી ખાતર તિરંગો ફરકાવ્યો હતો.

line

પાકિસ્તાની જર્સી પહેરવા બદલ ભારતીયને ધમકી

શાહિદ આફ્રિદી

ઇમેજ સ્રોત, FACEBOOK/SHAHID AFRIDI

ઉમર દરાજની ઘટના તો છ વર્ષ જેટલી જૂની છે. પરંતુ હાલના એશિયા કપની એ જ મૅચમાં એક ભારતીય પ્રશંસકને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મૅચમાં ઉત્તર પ્રદેશના સંયમ જયસ્વાલ થોડા મોડા પહોંચ્યા હતા.

પ્રશંસકોથી ભરેલા મેદાનમાં તેમણે ભારતીય ટીમની જર્સી શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમામ વેચાઈ ગઈ. જોકે, ત્યાં પાકિસ્તાની જર્સી ઉપલબ્ધ હતી, તેથી જયસ્વાલે તે ખરીદી લીધી.

પરંતુ 'પાકિસ્તાનનું સમર્થન કરતા ભારતીય વ્યક્તિ'ની તસવીર વાયરલ થતાં જ તેમના પરિવારને ધમકીઓ મળવા લાગી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓને સંયમ જયસ્વાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી હતી.

આ પછી સંયમ જયસ્વાલે બધાની સામે પોતાનો પક્ષ રાખ્યો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, તેમણે પાકિસ્તાની જર્સી એમ વિચારીને ખરીદી હતી કે તે તેને પહેરશે અને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવશે અને પાકિસ્તાની ચાહકોને ચીડવશે.

જોકે, બરેલીના એસએસપી સત્યાર્થ અનિરુદ્ધ પંકજે કહ્યું કે આ મામલો દુબઈનો હોવાથી માત્ર ટ્વિટર પર ફરિયાદ કરીને એફઆઈઆર નોંધી શકાય નહીં.

શાહિદ આફ્રિદી ક્રિકેટ અને રાજનીતિના મુદ્દે ઘણી વખત આવાં નિવેદનો આપતાં રહ્યાં છે, જેની ચર્ચા ભારતમાં પણ થાય છે. તેઓ કાશ્મીરના મુદ્દે ભારતને ઘણી વખત ઘેરી ચૂક્યા છે. બે વર્ષ પહેલાં જ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની મુલાકાત લઈને આફ્રિદીએ વડા પ્રધાન મોદી વિશે ટિપ્પણી કરી હતી કે 'તેમને મઝહબ (ધર્મ)ની બીમારી છે'.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન