US ચૂંટણી 2020 : શું કોર્ટમાં નિર્ણય લેવો શક્ય છે?

ઇલેક્ટોરલ મત ચૂંટણીમાં બાજી પલટી શકે છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઇલેક્ટોરલ મત ચૂંટણીમાં બાજી પલટી શકે છે
    • લેેખક, રિતુ પ્રસાદનો અહેવાલ
    • પદ, બીબીસી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમૉક્રેટ પાર્ટીના જો બાઇડન વિજયના માર્ગે છે, પરંતુ રિપબ્લિકન પાર્ટીના હરીફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચાર મહત્ત્વનાં રાજ્યોમાં મતગણતરીને પડકારી રહ્યા છે. હવે આગળ શું થશે?

ટ્રમ્પના કૅમ્પેને (પ્રચારતંત્રે) પુરાવા આપ્યા વગર દાવો કર્યો છે કે ચૂંટણીમાં ગરબડ થઈ છે અને તેઓ પેન્સિલ્વેનિયા, વિસ્કૉન્સિન, જ્યોર્જિયા અને મિશિગનમાં મતગણતરી અટકાવવા માગે છે.

અમે આનો અર્થ સમજવા અને આ વિવાદ આગળ વધે તો પછી શું થઈ શકે તે જાણવા માટે કેટલાક કાનૂની નિષ્ણાતો સાથે વાત કરી.

આપણને અત્યાર સુધીમાં પરિણામ મળી જવા જોઈતા નહોતાં?

તેનો જવાબ ‘હા’ અને ‘ના’ બંને છે. સામાન્ય રીતે જ્યારે ડેટા દર્શાવે કે કોઈ ઉમેદવાર હારી ન શકે તેટલી સરસાઈ મેળવી ચૂક્યા છે, ત્યારે અમેરિકાનાં અગ્રણી મીડિયાજૂથો તે ઉમેદવારને વિજેતા જાહેર કરી દેતા હોય છે.

મતદાનના દિવસ પછી વહેલી સવારથી આ શરૂ થઈ જતું હોય છે.

આ સત્તાવાર કે અંતિમ પરિણામો નથી હોતાં. તે માત્ર પ્રોજેક્શન હોય છે અને અંતિમ સત્તાવાર આંકડાને ગણવામાં હંમેશાં દિવસો લાગી જતા હોય છે.

પરંતુ આ વર્ષે જંગી પ્રમાણમાં પોસ્ટલ બૅલેટ્સથી વોટિંગ થયું તેથી મતગણતરીમાં સમય લાગી રહ્યો છે. ખાસ કરીને કેટલાંક રસાકસી ધરાવતાં રાજ્યોમાં મતદાનના દિવસ અગાઉ આ મતની ગણતરી શરૂ નથી કરાઈ.

તેથી તેમણે ચૂંટણીના દિવસથી જ બધી ગણતરી કરવી પડી છે. રૂબરૂ મતદાનની સરખામણીમાં પોસ્ટલ બૅલેટ્સની ગણતરીમાં વધુ સમય લાગે છે, કારણ કે તેમાં ઘણી ચકાસણી કરવાની હોય છે.

બાઇપાર્ટિસન પૉલિસી રિસર્ચ સેન્ટરના ઇલેક્શન પ્રોજેક્ટના ડિરેક્ટર મેથ્યુ વેઈલ જણાવે છે કે જ્યારે મામલો બહુ રસાકસીનો હોય અને કોઈ ઉમેદવાર હાર સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે ગણતરી ચાલુ રહે તે બહુ સામાન્ય છે.

line

મતદાન અગાઉ અવરોધો પેદા થયા

મતગણતરી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મતગણતરી

આ ચૂંટણી પહેલાંથી અત્યંત વિવાદાસ્પદ રહી છે.

મંગળવારે મતદાન થયું તેનાથી પહેલાં 44 રાજ્યોમાં પોસ્ટલ બૅલેટ્સ અને વહેલી મતગણતરીને લગતાં 300થી વધુ કેસ દાખલ થઈ ચૂક્યા હતા.

તેમાં પોસ્ટિંગ માટેની તથા બૅલેટ્સ પહોંચવાની સમયમર્યાદા, સાક્ષીની સહીની જરૂરિયાત તથા તેને ટપાલમાં મોકલવા માટેનાં પરબીડિયાં સહિતના વિવિધ મુદ્દા ઉઠાવાયા હતા.

રિપબ્લિકનના શાસન હેઠળનાં રાજ્યોએ જણાવ્યું કે મતદારો દ્વારા ગરબડ ટાળવા માટે નિયંત્રણો લાદવા જરૂરી છે.

પરંતુ ડેમૉક્રેટ્સે તેને લોકોને નાગરિક અધિકારના ઉપયોગ કરવાથી અટકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

ટ્રમ્પે કેવા સવાલ ઉઠાવ્યા?

જો બાઇડન અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, JIM WATSON/GETTY

વિસ્કૉન્સિન

રાષ્ટ્રપતિના પ્રચારતંત્રે જણાવ્યું કે તેમણે મંગળવારે જોવા મળેલી ‘ગરબડોના આધારે’ ફેરમતગણતરીની માગ કરી છે.

આ ફેરમતગણતરી ક્યારે થશે તે નક્કી નથી. પરંતુ સામાન્ય રીતે અધિકારીઓ મતની સમીક્ષા પૂરી ન કરે ત્યાં સુધી ફેરમતગણતરી થતી નથી. આ પ્રક્રિયા માટે રાજ્યોની ડેડલાઇન 17 નવેમ્બરની છે.

કોલંબિયા યુનિવર્સિટી ખાતે લૉ સ્કૂલના પ્રોફેસર રિચાર્ડ બ્રિફોલ્ટ જણાવે છે કે વિસ્કૉન્સિનમાં 2016માં પણ ફેરમતગણતરી થઈ હતી અને તેમાં 'લગભગ એકસો મતનો ફેર પડ્યો હતો.'

તેઓ જણાવે છે, "ફેરમતગણતરીનો અર્થ એવો નથી કે મતની કાયદેસરતાને પડકારવામાં આવી હોય."

"તે માત્ર એ બાબતની ખાતરી કરવા માટે છે કે ગણતરીમાં કોઈ ભૂલ થઈ નથી."

line

મિશિગન

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં આ રાજ્યમાં બહુ પાતળા માર્જિનથી જીત્યા હતા. તેમને 10,700થી થોડા વધુ મતની લીડ મળી હતી. 4 નવેમ્બરે તેમના પ્રચારતંત્રે આ રાજ્યમાં મતગણતરી અટકાવવા કેસ દાખલ કરવાની જાહેરાત કરી હતી.

બીજી તરફ સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ 96 ટકા જેટલા મતોની પહેલાંથી બિનસત્તાવાર ગણતરી કરી લીધી હતી.

હજુ હજારો મતની ગણતરી બાકી છે અને તેમાંથી ઘણા મત એવા પ્રદેશમાંથી આવ્યા છે, જે ઐતિહાસિક રીતે ડેમૉક્રેટ્સના ગઢ રહ્યા છે. પરંતુ અમેરિકન મીડિયાજૂથો અને BBC અહીં બાઇડનના વિજયની આગાહી કરે છે.

પેન્સિલ્વેનિયા

ડોનાલ્ડ ટ્રમ્પ

આ રાજ્યે નિર્ણય લીધો છે કે ચૂંટણીના દિવસ સુધીમાં જેના પર પોસ્ટમાર્ક લાગી ગયું હોય પરંતુ ત્યારબાદ ત્રણ દિવસ સુધીમાં મળે તેવા બૅલેટ્સને ગણતરીમાં લેવાશે.

આ મામલે વિવાદ થયો છે. રિપબ્લિકન્સે તેની સામે અપીલ કરી છે.

વેઇલે જણાવ્યું કે તેમને આ વિવાદની સૌથી વધારે ચિંતા છે, કારણ કે દેશની સર્વોચ્ચ અદાલત પણ ચૂંટણી પહેલાં અને જસ્ટિસ એમી કોની બૅરેટ જોડાયા તે પહેલાં આ મુદ્દે અનિર્ણિત હતી.

તેઓ કહે છે, "તેમણે અગાઉ પોતાની કેટલીક અસહમતીમાં જણાવ્યું હતું કે તેઓ પાછળથી આ મુદ્દો ઉઠાવવામાં રસ ધરાવે છે."

"તેથી મને લાગે છે કે કેટલાંક પોસ્ટલ બૅલેટ્સ, જે ચૂંટણીના દિવસ સુધીમાં રવાના કરી દેવાયા હતા, પરંતુ શુક્રવાર સુધીમાં ચૂંટણી અધિકારીઓને મળ્યા નથી, તેને રદ કરવામાં આવી શકે છે."

"મને લાગે છે કે તે ખોટું પરિણામ હશે. પરંતુ મને લાગે છે કે તે કાનૂની રીતે સંભવિત પરિણામ હશે."

વીડિયો કૅપ્શન, અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ : ભારતને ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડનમાંથી કોની જીતથી ફાયદો થશે

પરંતુ વેઇલે જણાવ્યું કે એવું કરવા માટે ચૂંટણીમાં 'અત્યંત રસાકસી હોવી જોઈએ.'

તેઓ જણાવે છે કે રાજ્યના અધિકારીઓએ ચૂંટણીના દિવસ અગાઉ મતદારોને સંદેશ મોકલ્યા હતા અને તેમને વિનંતી કરી હતી કે બૅલેટ્સને ટપાલથી મોકલવાના બદલે મતદાનમથકે રજૂ કરે.

"તેથી મારું માનવું છે કે આવું થાય તો પણ બહુ મોટી સંખ્યામાં બૅલેટ્સને રદ કરવામાં આવે તેવું નહીં બને."

પ્રોફેસર બ્રિફોલ્ટ પણ જણાવે છે કે મોડેથી આવનારા બૅલેટ્સને અલગથી ગણવામાં આવી રહ્યા છે.

તેઓ કહે છે કે જો બાઇડન આ બૅલેટ્સની ગણતરી વગર જ આગળ નીકળી જતા હોય તો તેમને કાનૂની રીતે પડકારવાનું કોઈ કારણ નથી.

પરંતુ ટ્રમ્પના પ્રચારતંત્રે આ રાજ્યમાં દશ લાખથી વધારે મતની ગણતરી બાકી હોવા છતાં પોતાના વિજયની જાહેરાત કરી દીધી છે. હજુ સુધી કોઈ અગ્રણી અમેરિકન મીડિયા નેટવર્કે અહીં વિજેતાની આગાહી નથી કરી.

line

જ્યોર્જિયા

રાજ્યના રિપબ્લિકનો અને ટ્રમ્પના પ્રચારતંત્રે મતગણતરી અટકાવવા માટે જ્યોર્જિયાની કેથમ કાઉન્ટીમાં એક કેસ દાખલ કર્યો છે. તેમણે એબ્સન્ટી બૅલેટ્સની ગણતરી સામે વાંધો ઉઠાવ્યો છે.

જ્યોર્જિયાના રિપબ્લિકન પાર્ટીના ચૅરમૅન ડેવિડ શેફરે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના પક્ષના નિરીક્ષકોએ એક મહિલાને 'ગણવાના બાકી હોય તેવા એબસન્ટી બૅલેટ્સના એક ઢગલામાં 50થી વધારે બૅલેટ્સને ભેળવતા જોયાં હતાં.'

તેમણે ચૂંટણીના દિવસે મતદાન પૂરું થયા પછી મેળવેલા કાઉન્ટી બૅલેટ્સનો હિસાબ કરવા એક જજ સમક્ષ માગણી કરી છે.

શું સુપ્રીમ કોર્ટ સુધી કોઈ મામલો પહોંચશે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

બુધવારે પ્રારંભમાં ટ્રમ્પે કોઈ પણ પુરાવા વગર વોટિંગમાં છેતરપિંડીનો દાવો કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે "અમે યુએસ સુપ્રીમ કોર્ટમાં જવાના છીએ. અમારી માગણી છે કે તમામ વોટિંગ અટકાવી દેવામાં આવે."

વોટિંગ પહેલાંથી અટકી ગયું છે. ચૂંટણીના દિવસે જ મતદાન પૂર્ણ થઈ ગયું હતું. જોકે, પેન્સિલ્વેનિયા જેવા રાજ્યમાં મોડેથી આવેલા મત વિશે સવાલ પેદા થયા છે.

વેઇલ જણાવે છે, "સુપ્રીમ કોર્ટ પાસે કાયદેસરની મતગણતરી અટકાવવાની કોઈ વિશેષ સત્તા નથી."

પ્રોફેસર બ્રિફોલ્ટ પણ જણાવે છે કે પ્રચારતંત્રો મહત્ત્વનાં રાજ્યોમાં રસાકસીની સ્પર્ધાને પડકારી શકે છે. આમ છતાં આ મુદ્દાને તેમણે સુપ્રીમ કોર્ટમાં લઈ જવો હોય તો તેમણે બંધારણીય સંકટ પેદા થયું છે તેવું દર્શાવવું પડશે.

"ચૂંટણીના વિવાદોને સુપ્રીમ કોર્ટમાં લઈ જવા માટેની કોઈ ધોરણસરની પ્રક્રિયા નથી. આ બહુ અસામાન્ય બાબત છે અને તેમણે તેમાં કોઈ અત્યંત મહત્ત્વનો મુદ્દો લાવવો પડશે."

ચૂંટણીનાં પરિણામોને પડકારવામાં આવે તો રાજ્યોની અદાલતોમાં તેને પડકારવા માટે કાનૂની ટીમની જરૂર પડશે. ત્યાર પછી રાજ્યોના ન્યાયાધીશોએ કાનૂની કેસને માન્ય રાખીને ફેરમતગણતરીનો આદેશ આપવો પડશે.

ત્યાર પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આ ચુકાદો ફગાવવા માટે જણાવી શકાય.

કેટલીક જગ્યાએ હારજીતનું માર્જિન અત્યંત સાંકડું હોય તો ત્યાં આપોઆપ ફેરમતગણતરી થતી હોય છે. તમને 2000ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી યાદ હશે જ્યારે ફ્લોરિડામાં જ્યૉર્જ બુશ અને અલ ગોર વચ્ચે જોરદાર સ્પર્ધા હતી.

line

આ વિવાદ કેટલા સમય સુધી ખેંચાઈ શકે?

પ્રતીકાત્મક તસવીર
  • આ રાષ્ટ્રપતિપદની ચૂંટણી હોવાથી તેમાં કામ કરવા અંગે કેટલીક ફેડરલ અને બંધારણીય સમયમર્યાદા (ડેડલાઇન) છે.
  • રાજ્યો પાસે 3 નવેમ્બર પછી પાંચ સપ્તાહનો સમય છે, જેમાં રાષ્ટ્રપતિપદની લડાઈમાં કોણ જીત્યું તે નક્કી કરવાનું છે. તેને ‘સેફ હાર્બર’ ડેડલાઇન કહે છે અને આ વર્ષે તે 8 ડિસેમ્બર સુધીની છે.
  • આ તારીખ સુધીમાં રાજ્યો તેમના ઇલેક્ટર્સ અંગે નિર્ણય ન લઈ શકે તો કૉંગ્રેસ જણાવી શકે છે કે તેમના ઇલેક્ટર્સ અંતિમ આંકડામાં નહીં ગણાય. યાદ રાખો કે રાષ્ટ્રપતિની ચૂંટણી લોકપ્રિય વોટના આધારે નહીં પરંતુ ઇલેક્ટોરલ કૉલેજ દ્વારા થાય છે.
  • 14 ઑક્ટોબરે ઇલેક્ટર્સ વોટ આપવા માટે પોતપોતાના રાજ્યમાં મળશે.
  • 6 જાન્યુઆરી પછી પણ આપણને કોઈ બહુમતીથી વિજેતા ન મળે તો આવા કૉન્ટિજન્ટ ઇલેક્શનમાં કૉંગ્રેસ દ્વારા અંતિમ નિર્ણય લેવાશે.
  • પ્રતિનિધિ સભા (હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ) રાષ્ટ્રપતિની પસંદગી કરશે જ્યારે સેનેટ દ્વારા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. હા, તેનો અર્થ એ થયો કે આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જુદાજુદા પક્ષના હોય તે શક્ય છે.
  • દરેક હાઉસ સ્ટેટ ડેલિગેશનને એક મત મળે છે. જેને 26 ડેલિગેશનના મત મળે તે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે.

પરંતુ વેઇલ જણાવે છે કે "હાઉસ અને સેનેટ બંનેએ રાષ્ટ્રપતિપદ અંગે નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ પેદા થવા માટે ઘણો મોટો વિવાદ હોવો જરૂરી છે." એટલે કે આ ચૂંટણીમાં અભૂતપૂર્વ રસાકસી થવી જોઈએ.

"અહીં માત્ર કેટલાંક રાજ્યોમાં વિજયનો સવાલ નથી. આપણે ત્યાં રાજ્યોમાં કેટલીક અસહમતી હોય અને છતાં કોઈ એક ઉમેદવારને 270 ઇલેક્ટોરલ કૉલેજના મત મળી જાય તે શક્ય છે."

line

રાજ્યો વિજેતા જાહેર ન કરે તેવી શક્યતા છે?

જો બાઇડન અને ટ્રમ્પ

ધારો કે રાજ્યો જ તેમના ઇલેક્ટર્સ કોને મળે તેની સહમતી ન સાધી શકે તો શું થશે? તમે કલ્પી શકો છો કે કોઈ એક પક્ષ એવો દાવો કરે કે અંતિમ મતગણતરી ખોટી છે અથવા તેમાં ગરબડ થઈ છે, તો આવું થઈ શકે છે.

હાલમાં બેટલગ્રાઉન્ડ ગણાતાં રાજ્યો નૉર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં સ્પ્લિટ સરકારો છે. એટલે કે અહીં ગવર્નરો ડેમૉક્રેટિક પાર્ટીના છે, પરંતુ સાંસદોમાં રિપબ્લિકનોની બહુમતી છે.

આવામાં ખેંચતાણ થાય તો સાંસદો તેમના ગવર્નરથી વિરુદ્ધ જઈને તેમના પોતાના સર્ટિફાઇડ ઇલેક્ટર્સ કૉંગ્રેસને સોંપી શકે છે. (1876માં આવું જ થયું હતું.)

કૉંગ્રેસે નક્કી કરવું પડશે કે કોના મત ગણતરીમાં લેવા. સાંસદો (લેજિસ્લેચર)એ આપેલા મત કે પછી ગવર્નરનો મત?

જો હાઉસ અને સેનેટ બંને સહમત થાય તો પછી કોઈ સમસ્યા રહેતી નથી. પરંતુ તેમાં મતભેદ હોય તો ગૂંચવણ વધશે.

જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે ફેડરલ કાયદો ગવર્નરના ઇલેક્ટર્સની તરફેણ કરે છે.

line

છેલ્લી ડેડલાઇન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SAMUEL CORUM/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગમે તે થાય, 20 જાન્યુઆરી સુધીમાં નવા રાષ્ટ્રપતિ નક્કી થઈ જ જવા જોઈએ તેમ બંધારણ કહે છે.

વેઇલ જણાવે છે, "20 જાન્યુઆરીએ બપોરે આપણે કોઈને રાષ્ટ્રપતિપદે શપથ અપાવવી જ પડશે. જો ત્યાં સુધીમાં કોઈ પરિણામ ન આવે તો ઉત્તરાધિકારીની યોજના મુજબ કામ કરવું પડશે."

તેઓ જણાવે છે કે કદાચ એવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે કે જેમાં રાષ્ટ્રપતિ અંગે હાઉસમાં વિવાદ યથાવત્ હોય, પરંતુ સેનેટ દ્વારા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરી દેવામાં આવે.

શપથવિધિના દિવસ સુધીમાં હાઉસ કોઈ ઉકેલ ન મેળવી શકે તો સેનેટ દ્વારા પસંદ કરવામાં આવેલા ઉપરાષ્ટ્રપતિને જ રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે.

જો ઉપરાષ્ટ્રપતિ પણ ચૂંટાયા ન હોય તો હાઉસના સ્પીકરને રાષ્ટ્રપતિ બનાવાશે. (હાલમાં ડેમૉક્રેટ નેતા નેન્સી પેલોસી આ હોદ્દા પર છે.)

line

અગાઉ ક્યારેય આવી નાટ્યાત્મક સ્થિતિ પેદા થઈ છે?

અમેરિકાનાં રાજ્યો

ઇમેજ સ્રોત, PAVLO CONCHAR/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY I

અત્યાર સુધીમાં 2000ની ચૂંટણી એવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવાયો હતો. તેમાં અલ ગોરને હરાવીને જ્યૉર્જ ડબલ્યુ બુશ રાષ્ટ્રપતિ બન્યા હતા.

તે સમયે ડેમૉક્રેટિક પક્ષના અલ ગોર અને રિપબ્લિકન પાર્ટીના બુશ વચ્ચે જોરદાર ટક્કર હતી. ચૂંટણીના દિવસે ગોર પૉપ્યુલર વોટથી જીત્યા હતા પરંતુ ઇલેક્ટોરલ કૉલેજમાં ભારે રસાકસીનો મામલો હતો.

હવે બધો આધાર એ બાબત પર હતો કે ફ્લોરિડાના 25 ઇલેક્ટોરલ વોટ કોને મળે છે.

મામલો એટલો નિકટનો હતો કે ફેરમતગણતરી કરવી પડે. અલ ગોરની ટીમે ચાર કાઉન્ટીમાં હાથેથી ફરી મતગણતરી કરવાની માગ કરી જેની સામે બુશની ટીમે અપીલ કરી.

સપ્તાહો બાદ સુપ્રીમ કોર્ટે 5-4 મતની સરસાઈથી બુશની તરફેણમાં ચુકાદો આપ્યો. અલ ગોરે પરાજયનો સ્વીકાર કર્યો અને બુશનો રાષ્ટ્રપતિ તરીકે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ થયો.

આવાં અસાધારણ પરિણામો મળ્યાં હોવાના બીજા બે કિસ્સા પણ છે.

line

1876નો રસાકસીભર્યો જંગ

મતગણતરી

ઇમેજ સ્રોત, Getty Images

1876માં પણ સાંસદો સામે ચૂંટણીને લગતી સમસ્યા પેદા થઈ હતી. તેમાં ડેમૉક્રેટ નેતા સેમ્યુઅલ ટિલ્ડન અને રિપબ્લિકન નેતા રુથરફોર્ડ હેન્સ વચ્ચે ટક્કર હતી. ઇલેક્ટોરલ કૉલેજમાં ટિલ્ડન વિજયથી માત્ર એક મત દૂર હતા. ચાર રાજ્યોમાં ઇલેક્ટોરલ વિવાદ હતા અને હેન્સ તેમાં જીતી જાય તો તેઓ રાષ્ટ્રપતિ બને તેમ હતા.

સાંસદોએ વિજેતા અંગે નિર્ણય લેવા બે પક્ષોના બનેલા એક કમિશનની નિમણૂક કરી. તેના આધારે 1877માં સમાધાન થયું. હેન્સે સાઉથના ડેમૉક્રેટ્સ સાથે સંધિ કરી અને માત્ર એક ઇલેક્ટોરલ વોટના માર્જિનથી જીત્યા. તે સમયે શપથના છેલ્લા દિવસથી માત્ર બે દિવસ અગાઉ ચૂંટણીનો ઉકેલ આવ્યો હતો.

1824માં સૌથી વધુ ઇલેક્ટોરલ કૉલેજના વોટ મળવા છતાં ફાયદો ન થયો

1824માં જે વ્યક્તિને સૌથી વધારે પૉપ્યુલર અને સૌથી વધુ ઇલેક્ટોરલ કૉલેજના વોટ મળ્યા હતા, તે વ્યક્તિ ચૂંટણી જીતી ન શકી.

અમેરિકાના છઠ્ઠા રાષ્ટ્રપતિ બનવાની ચૂંટણીમાં જ્હોન ક્વિન્સી આદમ્સને પછાડીને એન્ડ્રુ જેક્સન વિજેતા બને તેમ લાગતું હતું. પરંતુ બેમાંથી કોઈ ઉમેદવારને બહુમતી મળી ન હોવાથી બંધારણ મુજબ આ મામલો હાઉસ સમક્ષ ગયો.

તે સમયના સ્પીકર હેન્રી ક્લેને જેક્સન સાથે સુમેળ ન હતો. તેથી ‘ભ્રષ્ટ સોદાબાજી’ થઈ. ક્લેએ હાઉસના સાંસદો સાથે વાટાઘાટ કરી જેમાં આદમ્સને રાષ્ટ્રપતિપદે વિજય અપાવ્યો અને પોતે વિદેશમંત્રીનો હોદ્દો મેળવ્યો.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો