અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પ-જો બાઇડનની મતદારોને આખરી અપીલ, ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની દોડ અંતિમ કલાકોમાં પ્રવેશી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન આખો દેશ ખૂંદી રહ્યા છે.
રિપબ્લિકન પાર્ટીના 74 વર્ષીય પ્રમુખપદના ઉમેદવાર ટ્રમ્પે પાંચ મહત્ત્વનાં રાજ્યોની મુલાકાત લીધી હતી, જ્યારે તેમના 77 વર્ષીય હરીફ અને ડૅમોક્રેટિક પાર્ટીના જો બાઇડને પેન્સિલ્વેનિયામાં એક પ્રચાર કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં રસાકસી થવાની શક્યતા છે.
મંગળવારે યોજાનારી ચૂંટણી અગાઉ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઇડન લેટેસ્ટ પૉલમાં રાષ્ટ્રીયસ્તરે તંદુરસ્ત લીડ ધરાવતા હતા.
પરંતુ મહત્ત્વનાં રાજ્યોમાં તેઓ ટ્રમ્પ સામે સાંકડી લીડ ધરાવે છે જે પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
9 કરોડ કરતાં વધુ લોકોએ પ્રારંભિક વોટિંગમાં પહેલેથી જ તેમના મત આપી દીધા છે. તેથી અમેરિકામાં એક સદીમાં સૌથી વધારે મતદાન થવાની શક્યતા છે.
અમેરિકાની ચૂંટણીમાં આખા દેશમાં એક સિંગલ તારણ નથી નીકળતું, પરંતુ મતદારો રાજ્યના સ્તરે ચિત્ર નક્કી કરે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારે ઇલેક્ટોરલ કૉલેજના ઓછામાં ઓછા 270 મત જીતવા જરૂરી છે.
દરેક અમેરિકન રાજ્ય તેની વસતીના પ્રમાણમાં ચોક્કસ સંખ્યામાં વોટ ધરાવે છે અને આવા કુલ 538 વોટ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી પ્રણાલી હોવાના કારણે શક્ય છે કે કોઈ ઉમેદવાર રાષ્ટ્રીયસ્તરે વધારે વોટ જીતે છતાં ચૂંટણી હારી જાય.
2016માં હિલેરી ક્લિન્ટન સાથે આમ જ થયું હતું.
હાલમાં કોરોના વાઇરસનો રોગચાળો ફેલાયેલો છે ત્યારે મંગળવારે મતદાન થવાનું છે.
અમેરિકાએ વિશ્વના કોઈ પણ દેશની સરખામણીમાં કોરોનાના વધુ કેસ અને સૌથી વધુ મૃત્યુઆંક નોંધાવ્યો છે.
રવિવારે જ અહીં 81,000થી વધારે નવા કેસ નોંધાયા હતા.

બંને ઉમેદવારો શેના પર વધુ ભાર આપે છે?

ઇમેજ સ્રોત, COPYRIGHTEPA
રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પ માટે બહુ વ્યસ્ત કાર્યક્રમ રહ્યો હતો. તેમણે લોવા, મિશિગન, નૉર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં અને પછી ફ્લોરિડામાં ચૂંટણીપ્રચારની રેલીઓમાં ભાગ લીધો હતો.
ટ્રમ્પે મિશિગનમાં દાવો કર્યો હતો કે તેમની આગેવાનીના કારણે રાજ્યમાં કાર-ઉત્પાદનઉદ્યોગ ફરી ધમધમતો થયો છે.
તેમણે દાવો કર્યો કે, "અર્થતંત્ર અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી ઊંચા દરે વૃદ્ધિ કરી રહ્યું છે."
ચાલુ વર્ષના ત્રીજા નાણાકીય ક્વાર્ટરમાં અમેરિકન અર્થતંત્રે 33 ટકાનો વિક્રમજનક વૃદ્ધિદર નોંધાવ્યો હતો.
બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં 31 ટકાનું વિક્રમજનક સંકોચન થયું હતું.
પરંતુ અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે કોરોના રોગચાળાના કારણે જે નુકસાન થયું છે, તેમાંથી બહાર નીકળવામાં અમેરિકાને વર્ષો લાગી શકે છે. કોરોનાના કારણે અમેરિકાએ 80 વર્ષમાં અર્થતંત્રમાં સૌથી મોટો ઘટાડો સહન કર્યો છે.
ત્યારપછી લૉવા ખાતેની રેલીમાં ટ્રમ્પે અમેરિકાની સરહદોને સુરક્ષિત બનાવવાનું અને અદાલતોમાં વધારે ચુસ્ત ન્યાયાધીશો લાવવાનું વચન આપ્યું હતું.
કોવિડ-19 અંગે તેમણે પોતાના ટેકેદારોને જણાવ્યું કે, તેમની પાસે બે વિકલ્પ છેઃ તેઓ 'બાઇડેનના જોખમી લૉકડાઉન'ને પસંદ કરે અથવા 'રોગચાળાને ખતમ કરે તેવી સુરક્ષિત રસી'ને પસંદ કરે.

ચૂંટણીપ્રચાર પૂરજોશમાં

ઇમેજ સ્રોત, Reuters
દરમિયાન જો બાઇડન પેન્સિલ્વેનિયા પહોંચ્યા હતા જે તેમનું જન્મસ્થળ હોવા ઉપરાંત બીજું મહત્ત્વનું રાજ્ય પણ છે.
ફિલાડેલ્ફિયામાં એક રેલીને સંબોધતા બાઇડને શહેરના બ્લૅક સમુદાયનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અમેરિકાના 'સિસ્ટમેટિક રેસિઝમ (વંશવાદ)'ને ખતમ કરવાની વાત કરી હતી.
તેમણે કોરોના રોગચાળા સામે ટ્રમ્પના પ્રતિભાવની પણ ટીકા કરી હતી, જેમાં આફ્રિકન અમેરિકનોને સૌથી વધારે પ્રમાણમાં અસર થઈ છે.
બાઇડને કહ્યું, "તેમણે (ટ્રમ્પે) જે રીતે આને હેન્ડલ કર્યું છે તે ભયંકર છે. તેમાં બ્લૅક સમુદાયનો મોટા પાયે ભોગ લેવાયો છે અને તે સંપૂર્ણપણે અનાવશ્યક છે."
બાઇડને અગાઉ લૅટિન અમેરિકન મતદારોને આકર્ષવા માટે સ્પેનિશમાં એક ટ્વીટ કર્યું હતું.
તેમણે અમેરિકન સરહદ પર માઇગ્રન્ટ પરિવારો જે રીતે છૂટા પડી ગયા તથા 2017માં હરિકેન મારિયા વાવાઝોડા પછી પ્યુર્ટો રિકોમાં લોકોએ જે પીડા ભોગવી તે વખતે ટ્રમ્પની 'ઉદાસીનતા'ની વાત કરી હતી.
બાઇડનના પ્રચારતંત્રે જણાવ્યું કે તેઓ સોમવારે પેન્સિલ્વેનિયાના ચારેય ખૂણામાં દોડી જશે. તેમની સાથે પૉપસ્ટાર લેડી ગાગા અને જ્હોન લિજેન્ડ પણ જોડાશે. ડૅમોક્રેટિક પક્ષના ઉમેદવાર ઑહાયો પણ જવાના છે.
દરમિયાન ટ્રમ્પ નૉર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં વધારે રેલીઓ યોજવાના છે.

ચૂંટણીની રાતે જ પરિણામ આવી જશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની કોઈ પણ ચૂંટણી પછી દરેક મતની ગણતરીમાં કેટલાય દિવસ લાગી શકે છે.
પરંતુ સામાન્ય રીતે બીજા દિવસે વહેલી સવારે જ ખબર પડી જતી હોય છે કે ચૂંટણી કોણ જીતવાનું છે.
2016માં ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂ યૉર્કમાં સ્થાનિક સમય પ્રમાણે 03:00 વાગ્યે જ મંચ પર આવી ગયા હતા અને ઉત્સાહથી છલકાતા પોતાના ટેકેદારોની સામે તેમણે વિક્ટરી સ્પીચ આપી હતી.
પરંતુ તમારે અત્યારથી ઍલાર્મ ગોઠવી દેવાની જરૂર નથી. અધિકારીઓએ સંકેત આપ્યા છે કે આપણે આ વર્ષે સ્પષ્ટ પરિણામ માટે વધારે રાહ જોવી પડી શકે છે. તેમાં કદાચ અમુક દિવસો અથવા અઠવાડિયાં પણ લાગી શકે, કારણ કે પોસ્ટલ મતમાં વધારો થવાની શક્યતા છે.

- અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?
- અમેરિકાની ચૂંટણીમાં પણ ભારત-પાકિસ્તાન એક મુદ્દો છે?
- ભારત-પાકિસ્તાન મૂળની એ મહિલાઓ જેમનો અમેરિકાની ચૂંટણીમાં ડંકો વાગશે
- ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકશે?
- કમલા હૅરિસ : ભારતીય મૂળનાં ફાયરબ્રાન્ડ નેતાથી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર સુધી
છેલ્લે વર્ષ 2000માં એવું બન્યું હતું જ્યારે અમુક કલાકોની અંદર પરિણામ સ્પષ્ટ થયાં ન હતાં. તે સમયે એક મહિના બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યાં સુધી વિજેતા કોણ છે તેની પુષ્ટિ થઈ શકી નહોતી.
અમેરિકામાં પોસ્ટલ મતની ગણતરી કેવી રીતે અને ક્યારે કરવી તે વિશે જુદાંજુદાં રાજ્યોમાં અલગઅલગ નિયમો છે.
એટલે કે પરિણામ જાહેર થવામાં વચ્ચે ઘણો સમય લાગશે. કેટલાંક રાજ્યોમાં સંપૂર્ણ પરિણામ આવતા સપ્તાહો લાગી જતા હોય છે.
રવિવારે ન્યૂઝ વેબસાઈટ એક્સિયોસના એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પને લાગશે કે તેઓ ચૂંટણીમાં આગળ છે, તો તેઓ મંગળવારે રાતે જ પોતાનો વિજય જાહેર કરી દેશે.
ટ્રમ્પે આ અહેવાલને નકારી કાઢ્યા હતા, પરંતુ તેમણે કહ્યું કે ચૂંટણીના દિવસ પછી મતોની ગણતરી કરવી એ 'ભયાનક બાબત' ગણાય.
દરમિયાન બાઇડને એલાન કર્યું હતું કે તેઓ ટ્રમ્પને ચૂંટણીમાં 'ગરબડ કરવા' નહીં દે.

કોણે કયા વાયદા કર્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક મહત્ત્વના મુદ્દા પર બંને હરીફ ઉમેદવારો એકદમ વિપરીત નીતિ ધરાવે છે.
કોરોના વાઇરસના રોગચાળા અંગે ટ્રમ્પે જાન્યુઆરીમાં એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
તેમણે દાવો કર્યો હતો કે ટાસ્ક ફોર્સે હવે તેનું ફોકસ 'સુરક્ષા અને આપણા રાષ્ટ્રને ખુલ્લું કરવા' પર કેન્દ્રિત કર્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોવિડની સારવાર અને રસીના ઝડપી વિકાસને પ્રાથમિકતા આપી રહ્યા છે અને આવા પ્રોજેક્ટ માટે 10 અબજ ડૉલર ફાળવવાની વાત કરે છે.
બાઇડન એક રાષ્ટ્રીય કૉન્ટેક્ટ ટ્રેસિંગ કાર્યક્રમ સ્થાપવા માગે છે. તેઓ દરેક રાજ્યમાં ઓછામાં ઓછા 10 ટેસ્ટિંગ સેન્ટર સ્થાપવાની અને બધાને કોરોના વાઇરસની ટેસ્ટિંગ મફતમાં કરી આપવાની વાત કરે છે.
તેઓ આખા દેશમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાને ટેકો આપે છે. તે મુજબ કોઈ પણ સરકારી ઇમારતમાં ચહેરા પર માસ્ક પહેરવું પડશે.
ક્લાઇમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) વિશે ટ્રમ્પ કેટલીક આશંકા ધરાવે છે. તેઓ નૉન-રિન્યુએબલ એનર્જીને વિસ્તારવા માગે છે અને પેરિસ ક્લાઇમેટ સંધિમાંથી નીકળી જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
બાઇડને જણાવ્યું હતું કે તેઓ તાત્કાલિક પેરિસ સંધિમાં પુનઃ સામેલ થશે. તેઓ 2050 સુધીમાં અમેરિકામાં ઉત્સર્જનનો દર શૂન્ય સુધી લઈ જવા માગે છે.
અર્થતંત્રની વાત કરીએ તો ટ્રમ્પે 10 મહિનાની અંદર એક કરોડ રોજગારીઓનું સર્જન કરવાનું અને 10 લાખ નાના બિઝનેસ શરૂ કરવાનું વચન આપ્યું છે.
તેઓ આવકવેરામાં કાપ મૂકવાની અને કંપનીઓને ટૅક્સ ક્રૅડિટ આપવાની વાત કરે છે જેથી તેમને અમેરિકામાં જ નોકરીઓ ટકાવવા માટે પ્રોત્સાહન મળે.
જો બાઇડન ઊંચી આવક ધરાવતા લોકો માટે ટૅક્સના દર વધારવા માગે છે જેથી જાહેર સેવાઓ માટે રોકાણ કરી શકાય. પરંતુ તેઓ કહે છે કે ટૅક્સમાં વધારો માત્ર એવા લોકોને અસર કરશે, જેઓ વાર્ષિક ચાર લાખ ડૉલરથી વધારે આવક ધરાવતા હોય. તેઓ ફેડરલ લઘુતમ વેતન વધારીને 15 ડૉલર કરવા માગે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















