TOP NEWS : 'સબકા સાથ સબકા વિકાસમાં દલિત આદિવાસીઓ અને મુસલમાનો બાદ'

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં એક દલિત ઉપસરપંચની હત્યા કરી દેવાઈ છે. હત્યાનો આરોપ સવર્ણો પર લગાવાયો છે.

અખબારના જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લાના જાળીલા ગામના ઉપસરપંચ મનજી સોલંકીએ પોલીસસુરક્ષા માટે અરજી કરી હતી. જોકે, બે અઠવાડિયા થવાં છતાં અરજીનો નિકાલ નહોતો આવ્યો.

મનજીના પુત્ર તુષારને ટાંકીને અખબાર જણાવે છે કે પોતાની મોટરસાઇકલ પર જઈ રહેલા મનજીને એક કારે અડફેડે ચડાવ્યા હતા અને તેમાં સવાર લોકો તેમના પર હથિયારો લઈને તૂટી પડ્યા હતા.

ઇજાગ્રસ્તને સારવાર્થે અમદાવાદ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

બોટાદ જિલ્લાના ડીએસપી આર. એન. નકુમે અખબારને જણાવ્યું કે આ મામલે માહિતી એકઠી કરવા માટે એક ટીમને અમદાવાદ મોકવામાં આવી છે.

પીડિત પરિવાર દ્વારા જણાવાઈ રહેલી વાતો પ્રારંભિક રીતે સાચી લાગી રહી હોવાનું પણ ડીએસપીએ અખબારને જણાવ્યું છે.

આ મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્ટીટ કરી આક્રોશ વ્યકત કર્યો છે. એમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે પોલીસે કોઈ આગોતરાં પગલા ન લીધા. એમણે એમ પણ લખ્યું કે ભાજપ સરકારના સબકા સાથ સબકા વિકાસમાં દલિતો, આદિવાસીઓ અને મુસલમાનોની બાદબાકી કરવામાં આવી છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

line

ઉત્તર કોરિયાને મદદ મોકલશે દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયા

ઇમેજ સ્રોત, Getty Images

દુષ્કાળનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા 50 હજાર ટન ચોખા મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

ગત એક દશકમાં આવું પ્રથમ વખત બની રહ્યું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી એક રીતે અળગા કરી દેવાયેલા ઉત્તર કોરિયાની વહારે દક્ષિણ કોરિયા આવ્યું હોય. દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાને માનવતાવાદી સહાય મોકલવાનું છે.

પહેલાંથી આકરા આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયામાં હાલ ભારે દુકાળ પડ્યો છે, જેને પગલે ત્યાં અન્નનું સંકટ સર્જાયું છે.

દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રાલયે કહ્યું છે કે તે 'સત્વરે' પોતાના પડોશી દેશમાં ચોખા મોકલશે.

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ અન્ન કાર્યક્રમ(ડબ્લ્યૂએફપી) આ માનવતાવાદી સહાયની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે.

line

જમાલ ખાશોગ્જી કેસ : 'સાઉદી પાટવીકુંવર વિરુદ્ધ તપાસ કરવામાં આવે'

જમાલ ખાશોગ્જી

ઇમેજ સ્રોત, AFP

સંયુક્ત રાષ્ટ્રના એક વિશેષજ્ઞનું કહેવું છે કે એ માનવાના પૂરતા પુરાવા છે કે પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા માટે સાઉદી અરેબિયાના પાટવીકુંવર મોહમ્મદ બિન સલમાન અને અન્ય ઉચ્ચ સ્તરીય અધિકારી વ્યક્તિગત રીતે જવાબદાર છે.

ખાસ સંવાદદાતા ઍગ્નેસ કૅલામાર્ડના રિપોર્ટ અનુસાર આ મામલે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ આંતરાષ્ટ્રીય તપાસ માટેના પૂરતા પુરાવા છે.

ગત વર્ષે ઑક્ટોબરમાં ઇસ્તંબૂલમાં સાઉદી દૂતાવાસની અંદર સાઉદી એજન્ટોએ ખાશોગ્જીની હત્યા કરી નાખી હતી.

જોકે, મોહમ્મદ બિન સલમાનના આદેશ પર કામ કરી રહ્યા હોવાનો સાઉદી અધિકારીઓએ ઇન્કાર કરી દીધો હતો.

નોંધનીય છે કે આ મામલે અજાણ્યા 11 લોકો પર બંધ બારણે કેસ ચાલી રહ્યો છે અને તેમાંથી પાંચને મૃત્યુદંડ આપવાની માગ કરાઈ રહી છે.

line

ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ ઉત્તર કોરિયાની મુલાકાતે

શિ જિનપિંગ અને કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે ઉત્તર કોરિયાની મુલાકાત લેશે. વર્ષ 2005 બાદ ચીનના વડા દ્વારા લેવાયેલી ઉત્તર કોરિયાની આ પહેલી મુલાકાત છે.

જિનપિંગ ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉનને મળશે.

બન્ને નેતાઓ ઉત્તર કોરિયાના અણુકાર્યક્રમ અને આર્થિક સંકટ અંગે વાત કરશે. નોંધનીય છે કે ચીને ઉત્તર કોરિયામાં બહોળું રોકાણ કર્યું છે. ચીન ઉત્તર કોરિયાનું મુખ્ય વેપારી ભાગીદાર પણ છે.

ઉલ્લેખનીય છે કે આગામી સપ્તાહે જી20 રાષ્ટ્રોની જાપાનમાં બેઠક મળી રહી છે, જેમાં જિનપિગં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો