સોનિયા ગાંધીએ પીએમ મોદી વિશે કહ્યું, ‘સરકાર વ્યવસ્થિત રીતે લોકતંત્રને ધ્વસ્ત કરી રહી છે’

નરેન્દ્ર મોદી સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાથી પીએમ મોદી અને તેમની સરકાર વ્યવસ્થિત રીતે ભારતીય લોકશાહીના ત્રણ સ્તંભોને ધ્વસ્ત કરી રહી છે.

સંસદના બજેટ સત્રની કાર્યવાહીમાં વિપેક્ષને લઈને સોનિયા ગાંધીએ કહ્યું કે મૌન રહેવાથી દેશની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે.

પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષે અંગ્રેજી અખબાર 'ધ હિંદુ' માટે લખેલા લેખમાં આ વાત કહી છે.

સોનિયા ગાંધીએ લખ્યું, "સંસદના છેલ્લા સત્રમાં અમે વિપક્ષને બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન અને અદાણી કૌભાંડ જેવા અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉઠાવતા રોકવા માટે ગૃહની કાર્યવાહી અટકાવવાની સરકારની રણનીતિ જોઈ."

"દૃઢ વિપક્ષનો સામનો થવા પર નરેન્દ્ર મોદી સરકારે ભાષણને કાર્યવાહીમાંથી હઠાવવા, ચર્ચા રોકવા, સંસદના સભ્યો પર નિશાન સાધવા જેવા પગલાં ભર્યાં. તેનું પરિણામ એ આવ્યું કે પ્રજાના પૈસાથી બનેલું 45 લાખ કરોડ રૂપિયાનું બજેટ ચર્ચા વગર જ પાસ થઈ ગયું. એ તો ઠીક, પણ જ્યારે લોકસભામાં બજેટ રજૂ થયું ત્યારે વડા પ્રધાન પોતાના મતક્ષેત્રમાં ભારે ભરખમ મીડિયા કવરેજ વચ્ચે યોજનાઓનાં ઉદ્ધાટનમાં વ્યસ્ત હતા."

નરેન્દ્ર મોદી સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, ANI

સોનિયા ગાંધીએ લખ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર તરફથી સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કોઈથી છૂપાયેલો નથી. ગાંધીએ દાવો કર્યો છે કે "95 ટકા કેસ માત્ર વિપક્ષી પાર્ટીઓ સામે નોંધાયેલા છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તેમના વિરુદ્ધના કેસ ચમત્કારિક રીતે ગાયબ થઈ ગયા છે."

ગૌતમ અદાણીનું નામ લીધા વગર સોનિયા ગાંધીએ કહ્યું, "વડા પ્રધાન સત્ય અને ન્યાય વિશે દંભી નિવેદનો આપે છે. જ્યારે તેમના પસંદ કરેલા ઉદ્યોગપતિ પરના નાણાકીય છેતરપિંડીના આરોપોની અવગણના કરવામાં આવે છે, ઇન્ટરપોલે ભાગેડુ મેહુલ ચોક્સી વિરુદ્ધ નોટિસ પાછી લઈ લીધી છે, બિલકિસબાનો પર બળાત્કારના દોષિતોને જેલમાંથી છોડી દેવામાં આવે છે અને તેઓ ભાજપના નેતાઓ સાથે મંચ પર જોવા મળે છે."

સોનિયાા ગાંધીએ આ લેખમાં કાયદામંત્રી તરફથી પૂર્વ જજોને લઈને આપેલાં નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે ન્યાયપાલિકાની વિશ્વસનીયતા ઓછી કરવા માટે વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું હતું કે સરકારની ટીકા દંડનો આધાર હોઈ શકે નહીં.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સોનિયા ગાંધીએ લખ્યું છે કે ચુપકીદી થોપવાથી ભારતની સમસ્યાઓ દૂર નહીં થાય.

તેમણે લખ્યું, "વડા પ્રધાન લાખો-કરોડો લોકોનાં જીવનને પ્રભાવિત કરતાં તેમની સરકારનાં પગલાં પર ઊઠતા ઉચિત પ્રશ્નો પર ચૂપ છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં બેરોજગારી કે મોંઘવારી શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. એમ લાગે છે કે આ સમસ્યાઓ છે જ નહીં!"

નરેન્દ્ર મોદી સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, ANI

સોનિયા ગાંધીએ લખ્યું છે કે પીએમ મોદી ભાજપ અને આરએસએસના નેતાઓ તરફથી ફેલાવવામાં આવી રહેલી નફરત અને હિંસાની અવગણના કરી રહ્યા છે. તેમણે એક વખત પણ શાંતિ અને સમૃદ્ધિની વાત કરી નથી, ન તો દોષિતોને સજા આપી. ધાર્મિક તહેવારો હવે અન્યોને ઉશ્કેરવાનો અવસર બની ગયા છે. ચીનના મુદ્દે પણ પીએમ માનવા નથી માગતા કે પાડોશી દેશે ઘુસણખોરી કરી છે. સરકાર સંસદમાં ચર્ચા રોકે છે.

અંતે કૉંગ્રેસ નેતાએ લખ્યું છે કે "પીએમના ભરપૂર પ્રયાસો બાદ પણ ભારતના લોકોને ચૂપ કરાવી શકાય તેમ નથી. આગામી કેટલાક મહિના આપણા દેશના લોકતંત્રની પરીક્ષાના અનુસંધાને મહત્ત્વપૂર્ણ છે."

line

ગુજરાતના 537 કિ.મી. દરિયાકાંઠાનાં ગામડાં અને બીચના અસ્તિત્વ પર જોખમ

દરિયો

કોઈ તમને પૂછે કે ગુજરાતનો દરિયાકાંઠો કેટલો લાંબો છે? આનો જવાબ તમને મોઢે યાદ હશે, 1600 કિલોમિટર.

પણ હકીકતમાં ગુજરાતનો દરિયાકાંઠો તેના કરતાં ઘણો લાંબો છે. નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (એનસીસીઆર) અનુસાર, ગુજરાતનો દરિયાકાંઠો 1945.60 કિલોમિટર લાંબો છે.

ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, એનસીસીઆરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ક્લાઇમેટ ચૅન્જ, દરિયાની સપાટીમાં વધારો જેવાં પરિબળોને લીધે દરિયાકાંઠાનું સતત ધોવાણ થઈ રહ્યું છે. જેના લીધે દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં સમુદ્ર જમીનને ગળી જઈ રહ્યો છે અને સમુદ્રનું પાણી અંદર આવી રહ્યું છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અશ્વિનકુમાર ચૌબેએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે એનસીસીઆરએ વર્ષ 1990થી 2018 દરમિયાન દેશના 6,632 કિલોમિટર લાંબા દરિયાકાંઠાનો અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

ગુજરાત બીચ

ઇમેજ સ્રોત, Getty Images

2018ના સંશોધન મુજબ, ગુજરાતનો દરિયાકાંઠો 27.6 ટકાના દરે ક્ષીણ થઈ રહ્યો છે. એટલે કે રાજ્યના કુલ 1,945.60 કિલોમિટર લાંબા દરિયાકાંઠામાંથી 537.5 કિલોમિટર વિસ્તારનું ધોવાણ થઈ રહ્યું છે, 1,030.9 કિ.મિ. સ્થિર છે અને 377.2 કિલોમિટર વિસ્તારમાં વૃદ્ધિ થઈ રહી છે

દક્ષિણ ગુજરાતમાં આવેલા ઉભરાટ બીચમાં 1,10,895 ચો.મી વિસ્તાર, તિથલના દરિયાકાંઠે 69,910.56 ચો.મી. વિસ્તાર, સુરતના સુવાલી બીચ પર 6,88,783.17 ચો.મી. ધોવાણ થયું છે.

ડાભરી અને દાંડી બીચ પર અનુક્રમે 16,40,149.52 ચો.મી. અને 69,434.26 ચો.મી. દરિયાકાંઠાનું ધોવાણ થયું છે.

દ્વારકાના શિવરાજપુર બીચને તાજેતરમાં બ્લુ ફ્લૅગ બીચની માન્યતા મળી હોવા છતાં તેનો કાંઠાવિસ્તાર જોખમમાં છે. તેના કુલ 32,692 ચો.મી. વિસ્તારમાંથી 2,396.77 ચો.મી. વિસ્તારનું ધોવાણ થયું છે.

એનસીસીઆરના 2018ના અહેવાલ મુજબ રાજ્યના કુલ દરિયાકાંઠા પૈકી 512.3 કિલોમિટર વિસ્તાર સતત ઘટી રહ્યો છે. આગામી વર્ષોમાં આ પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.

line

અમેરિકાની બૅન્કમાં ગોળીબાર, પાંચ લોકોનાં મૃત્યુ

અમેરિકા ગોળીબાર

ઇમેજ સ્રોત, CBS

અમેરિકાના કૅન્ટકી શહેરમાં આવેલી એક બૅન્કમાં એક બંદૂકધારી સહિત કુલ પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.

પોલીસ પ્રમાણે એક પોલીસકર્મી સહિત આઠ લોકોને સ્થાનિક હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

સોમવારે સવારે ઓલ્ડ નેશનલ બૅન્કમાં પોલીસ અધિકારીઓ સાથેની ઝપાઝપીમાં શકમંદનું મૃત્યુ થયું છે.

માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોર બૅન્કનો પૂર્વ કર્મચારી છે.

પોલીસના કહેવા પ્રમાણે સ્થાનિક સમયાનુસાર સવારે લગભગ સાડા આઠ વાગ્યે ગોળીબારની જાણ થઈ હતી.

જાણ થતાં જ માત્ર ત્રણ મિનિટમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ અને શકમંદ વચ્ચે ગોળીબારી શરૂ થઈ.

જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હુમલાખોર પોલીસની ગોળીથી મર્યો છે કે તેણે ખુદને ગોળી મારી દીધી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન