દલાઈ લામાએ બાળકને ચુંબન કર્યા બાદ માફી કેમ માગી?

ઇમેજ સ્રોત, Google
દલાઈ લામાએ એક વાઇરલ વીડિયોમાં એક બાળકને ચુંબન કર્યા બાદ તેની સાથે થયેલી વાતચીત માટે માફી માગી છે.
વીડિયોમાં તિબેટીયન આધ્યાત્મિક નેતા બાળકને તેના હોઠ પર ચુંબન કરતા નજરે પડે છે. તે પછી જીભ બહાર કાઢે છે અને છોકરાને તે ચૂસવાનું કહેતા સાંભળી શકાય છે.
દલાઈ લામાના કાર્યાલયે જણાવ્યું હતું કે તેઓ બાળક અને તેના પરિવારની 'તેમના (દલાઈ લામાના) શબ્દોના કારણે પહોંચેલી ઈજા' માટે માફી માગવા માગે છે.
નિવેદનમાં સ્પષ્ટપણે એ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, જે દલાઈ લામા કહેતા જોવા મળ્યા હતા.
નિવેદન મુજબ, બાળકે દલાઈ લામાને પૂછ્યું હતું કે શું તેઓ તેને આલિંગન આપી શકે છે. આ સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલી 23 સેકન્ડની ક્લિપમાં સ્પષ્ટપણે દેખાતું નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "તેઓ (દલાઈ લામા) ઘણી વખત જાહેરમાં અને કૅમેરાની સામે પણ નિર્દોષ અને રમતિયાળ બનીને લોકો સાથે ટીખળ કરતા હોય છે. તેઓ આ ઘટના માટે ખેદ વ્યક્ત કરે છે."
ઘટનાની તારીખ અને સ્થળ હજુ સુધી સ્પષ્ટ નથી. બીબીસીએ દલાઈ લામાના કાર્યાલયને પ્રશ્નો ઇમેલ કર્યા હતા, જેમાં તેમણે કહેલા શબ્દો વિશે પુષ્ટિ માગી હતી. ઓફિસે સત્તાવાર નિવેદનના ટૅક્સ્ટ સાથે જવાબ આપ્યો હતો.
દલાઈ લામા તિબેટીયન બૌદ્ધ ધર્મના મુખ્ય સાધુ અને વ્યાપક રીતે આદરણીય આધ્યાત્મિક નેતા છે. તિબેટમાં ચીનવિરોધી બળવા પછી તેઓ વર્ષ 1959થી ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તિબેટમાં જીભ બહાર કાઢવી એ નમસ્કાર કરવાની એક રીત છે, પરંતુ રવિવારે વીડિયો વાઇરલ થયા પછી સોશિયલ મીડિયા પર 87 વર્ષીય લામાની 'અયોગ્ય' ટિપ્પણી બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કેટલાક લોકોએ એ પણ ધ્યાન દોર્યું હતું કે દલાઈ લામાની ટિપ્પણી પછી રૂમમાં અન્ય લોકોને હસતા સાંભળી શકાય છે.
વર્ષ 2019માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દલાઈ લામાએ કહ્યું હતું કે ભવિષ્યમાં આવનાર મહિલા ઉત્તરાધિકારી 'આકર્ષક' હોવા જોઈએ. બાદમાં તેમના કાર્યાલયે માફી માગી હતી.

યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા ઘણા અમેરિકન દસ્તાવેજો લીક

ઇમેજ સ્રોત, Reuters
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 14 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને લગતા કેટલાક ગુપ્ત અમેરિકન દસ્તાવેજો ઇન્ટરનેટ પર લીક થયા છે. આ દસ્તાવેજોમાં યુદ્ધ સાથે જોડાયેલી તસવીરો, નકશા અને ચાર્ટ વગેરે સામેલ છે.
સોશિયલ મીડિયા પર આ દસ્તાવેજો વાઇરલ થઈ રહ્યા છે. તેમાંથી કેટલાક દસ્તાવેજો છ અઠવાડિયા જૂના પણ છે.
પેન્ટાગોન અધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે આ દસ્તાવેજો અસલી છે. બીબીસીએ તેમાંથી 20 દસ્તાવેજો જોયા છે.
તેમાં યુક્રેનને આપવામાં આવેલા હથિયારોની સાથેસાથે ટ્રેનિંગને લગતી વિસ્તૃત જાણકારીઓ સામેલ છે.
આ ઉપરાંત યુક્રેનને તેના પશ્ચિમી સહયોગીઓ પાસેથી મળી રહેલી સૈન્ય મદદની પણ માહિતી છે.
દસ્તાવેજોમાં યુદ્ધના કારણે બંને પક્ષોને થયેલા નુકસાનની માહિતી હોવાનું પણ સામે આવ્યું છે.
કોણે જાહેર કર્યા દસ્તાવેજ અને કેવી રીતે સામે આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ઓપન સોર્સ ઇન્ટૅલિજન્સ ગ્રુપ બેલિંગકેટ સાથે જોડાયેલા ઍરિક ટોલર પ્રમાણે, આ દસ્તાવેજ મૅસેજિંગ પ્લેટફોર્મ ડિસ્કૉર્ડ અને 4chan પર જોવા મળ્યા હતા.
ટોલરે જણાવ્યું કે અત્યાર સુધી ખબર નથી કે આ લીકનો અસલી સ્રોત કોણ છે, પરંતુ આ ડૉક્યુમેન્ટ માર્ચ મહિનાની શરૂઆતમાં ગેમિંગ પ્લૅટફૉર્મ પર જોવા મળ્યા હતા.
ગત ચાર માર્ચે કૉમ્પ્યુટર ગેમ માઇનક્રાફ્ટ સાથે જોડાયેલા એક સર્વર પર કેટલાક ગેમર્સ વચ્ચે યુક્રેન યુદ્ધને લઈને બોલાચાલી થઈ હતી. આ વચ્ચે એક યુઝરે યુદ્ધ સાથે જોડાયેલા 10 દસ્તાવેજો શૅર કર્યા હતા.
આ ઘણી દુર્લભ બાબત છે, પરંતુ આ પહેલાં પણ આ રીતે દસ્તાવેજો લીક થવાની ઘટનાઓ સામે આવી છે.
વર્ષ 2019માં બ્રિટનની સામાન્ય ચૂંટણી પહેલાં અમેરિકા-બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો અંગેના દસ્તાવેજો રૅડિટ, 4chan સહિત અન્ય વેબસાઇટો પર જોવા મળ્યા હતા.

બીબીસીએ ટ્વિટર દ્વારા ખુદને સરકાર પોષિત દર્શાવવા બદલ વાંધો ઉઠાવ્યો

ઇમેજ સ્રોત, TWITTER
બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશને ટ્વિટર દ્વારા ખુદને સરકાર દ્વારા પોષિત દર્શાવવા બદલ વાંધો ઉઠાવ્યો છે.
ટ્વિટર તરફથી બીબીસીના ટ્વિટર ઍકાઉન્ટ પર લખવામાં આવ્યું છે - 'સરકાર દ્વારા પોષિત મીડિયા'
બીબીસીએ પોતાના નિવેદનમાં કહ્યું, "બીબીસી હંમેશાંથી સ્વતંત્ર રહ્યું છે. અમે બ્રિટનની પ્રજા દ્વારા આપવામાં આવતી લાયસન્સ ફીથી પોષિત છે."
બીબીસી પહેલાં ટ્વિટરે અમેરિકન ન્યૂઝ ગ્રુપ એનપીઆરને પણ સરકાર દ્વારા પોષિત મીડિયાની સંજ્ઞા આપી હતી.
આ મુદ્દે ટ્વિટરના નિવેદન માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

ગોધરાકાંડ : આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર અને દોષિતોની અરજી પર સુનાવણી

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP/GETTY IMAGES
વર્ષ 2002માં ગોધરા રેલવેસ્ટેશન પર ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેટલાક દોષિતોની જામીન અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે.
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચ દોષિતોની સજાને પડકારતી સંખ્યાબંધ દોષિતોની જામીન અરજીઓ પર સુનાવણી કરશે.
24 માર્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સુનાવણીની આગામી તારીખે (આજે) દોષિતોની જામીન અરજીઓનો નિકાલ કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતોની નોંધ લીધી હતી કે કેટલાક દોષિતોના કિસ્સામાં હકીકતલક્ષી વિગતોની ચકાસણી કરવી પડશે.
જોકે, સર્વોચ્ચ અદાલતે એક દોષિતની પત્ની કૅન્સરથી પીડિત હોવાથી તેની જામીન અરજી લંબાવી હતી. જેને સૉલિસિટર જનરલે સમર્થન આપ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસના એસ-6 કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 લોકો માર્યા ગયા હતા. એ પછી રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
આ મામલે ટ્રાયલ કોર્ટે 11 દોષિતોને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને અન્ય 20 લોકોને આજીવન કેદની સજા આપી હતી.
હાઈકોર્ટે કુલ 31 પૈકી 11 દોષિતોના મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવી હતી. જેની સામે ગુજરાત સરકારે અપીલ કરી છે.
ટ્રેન સળગાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીમાં બે દોષિતોને જામીન આપ્યા છે. જ્યારે સાત અરજીઓ પર નિર્ણય બાકી છે.

સચીન પાઇલટની પોતાની સરકાર વિરુદ્ધ અનશનની જાહેરાત, કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સચીન પાઇલટે રવિવારે પત્રકાર પરિષદ યોજીને પોતાની જ સરકાર વિરુદ્ધ સવાલ ઉભા કર્યા છે.
પાઇલટે કહ્યું, "ડિસેમ્બર 2013માં અમે ચૂંટણી હારી ગયા હતા. મને સોનિયા ગાંધીએ પાર્ટીની જવાબદારી આપી. વસુંધરા રાજેની સરકારની ખોટી નીતિઓનો અમે વિરોધ કર્યો હતો. ખાસ કરીને અમે ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવ્યા હતા, જેના પરિણામે તેમની સરકાર ગઈ હતી."
સચીન પાઇલટે કહ્યું, "અમે વિપક્ષમાં હતા એ સમયે કહ્યું હતું કે અમે ભાજપ સરકારના ભ્રષ્ટાચારની તપાસ કરીશું."
"મેં સીએમ અશોક ગહેલોતને પત્ર લખ્યો. 28 માર્ચ 2022ના રોજ પહેલી ચિઠ્ઠી લખી, કોઈ જવાબ ન મળ્યો. 2 નવેમ્બર 2022ના રોજ બીજો પત્ર લખ્યો, તેનો પણ કોઈ જવાબ ન મળ્યો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પાઇલટે આગળ કહ્યું, "જોકે અમે ઇચ્છતા હતા કે અમારા બોલવા અને કરવામાં કોઈ અંતર ન રહેવું જોઈએ. જેથી ખનન, જમીન કૌભાંડ સહિત અન્ય કેસોમાં તપાસની માગ કરી હતી. પણ, કોઈ જવાબ ન મળ્યો."
તેમણે મીડિયાને જણાવ્યું, "જો વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ નહીં થાય તો અમારા વિરોધીઓ ભ્રમ ફેલાવશે કે અમારી અને તેમની મિલીભગત છે. તેથી અમે ઇચ્છીએ છીએ કે તપાસ થવી જોઈએ. કારણ કે ચૂંટણીને હવે સાત મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે. તો જનતાને એમ ન થવું જોઈએ કે અમારા બોલવા અને કરવામાં કોઈ અંતર હોય."
તેમણે અંતે કહ્યું, "હું 11મી ઍપ્રિલે શહીદ સ્મારક પર વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારના કેસોની તપાસની માગને લઈને એક દિવસ માટે અનશન પર બેસીશ. "

ઇમેજ સ્રોત, Twitter//Sukhjinder_INC
આ મામલે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના રાજસ્થાન ઇન્ચાર્જ સુખજિંદરસિંહ રંધાવાએ રવિવારે સચીન પાઇલટ તરફથી કરવામાં આવેલી પત્રકાર પરિષદને અયોગ્ય ગણાવી છે.
તેમણે કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બરમાં પદભાર સંભાળ્યા બાદ તેમની અને સચીન પાઇલટ વચ્ચે 20 મુલાકાતો થઈ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "અમારી ઘણા મુદ્દે વાત થઈ છે પરંતુ તેમણે ક્યારેય આ મુદ્દો ઉઠાવ્યો નથી અને હવે સીધા મીડિયા સામે જઈને કહી રહ્યા છે કે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં નથી ભરતા. અમે ગજેન્દ્રસિંહ શેખાવત વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમણે મુખ્ય મંત્રી વિરુદ્ધ માનહાનિનો દાવો પણ કર્યો છે."
સાથે જ તેમણે જણાવ્યું કે તેઓ જયપુર જઈને પાઇલટ અને ગહેલોત સાથે આ મુદ્દે વાત કરશે.

ભારતીય મનોચિકિત્સક સોસાયટીએ સમલૈંગિક લગ્નોને આપ્યું સમર્થન, કહ્યું - આ કોઈ રોગ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
આગામી અઠવાડિયે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠ સમક્ષ શરૂ થનારી સુનાવણી પહેલાં ભારતીય મનોચિકિત્સક સોસાયટી સજાતીય લગ્નોનાં સમર્થનમાં આવી છે.
સમલૈંગિકતા અંગે સંસ્થાએ કહ્યું કે તે કોઈ રોગ નથી. તેથી તેના 'ઈલાજ' માટે કોઈ પ્રકારની સારવાર યોગ્ય નથી.
ઈન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટીના પ્રમુખ ડૉ. વિનય કુમાર અને મહામંત્રી ડૉ. અરબિંદા બ્રહ્મા દ્વારા જાહેર કરાયેલા આ નિવેદનમાં સમલૈંગિકો સાથે અન્ય નાગરિકોની જેમ વ્યવહાર કરવાની અપીલ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Indian Psychiatric Society
સમલૈંગિકો સામેના ભેદભાવને દૂર કરવાની અપીલ કરતા સંગઠને તેમને તમામ પ્રકારના નાગરિક અધિકારો આપવાની પણ માગ કરી છે.
એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની સાથેના ભેદભાવના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખતરો હોઈ શકે છે.
સંગઠને સમલૈંગિકો દ્વારા દત્તક લેવાયેલાં બાળકો સાથે થતા ભેદભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























