રશિયા જી-20માં ભારતની સફળતા આડે રોડું બની રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત

- ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 વિદેશમંત્રીઓની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું
- બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક મતભેદો વધ્યા છે, પરંતુ જી-20માં આવનારા વિદેશમંત્રીઓ તેમના મતભેદો ભૂલી જાય તો સારું
- ઘણા નિષ્ણાતો કહે છે કે ભારત પોતે દુનિયાના મંચ પર ગ્લોબલ સાઉથનો અવાજ બની રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે
- પરંતુ યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે દુનિયા સામા છેડા સુધી વિભાજિત થઈ ગઈ છે ત્યારે શું ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની શકે છે?
- ચીનના અખબારોમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ચીનને આમંત્રણ નહીં આપીને ભારતે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે ભારત વિકાસશીલ વિશ્વનું નેતા બનવા માગે છે
- જોકે સંયુક્ત નિવેદન પર ભલે કોઈ સર્વસંમતિ ન સધાઈ પરંતુ, નવી દિલ્હીમાં રશિયા અને અમેરિકાના વિદેશમંત્રીઓની મુલાકાત થઈ હતી
- ભારત જી-20 બેઠકને યુક્રેન સંકટના કારણે રોળાઈ જવા દેવા માગતું નથી, ભારતની કોશિશ રહી છે કે વધતી મોંઘવારી, ઊર્જા સુરક્ષા અને જળવાયુ પરિવર્તન પર પણ વાત થાય
- ભારત પર દબાણ વધી રહ્યું છે કે તે યુક્રેન સંકટમાં ચોક્કસ વલણ અપનાવે
- ભારતમાં બે જી-20 બેઠકોમાં સામાન્ય નિવેદન પર સહમત ન થવું તે શું મોદી સરકારની રાજદ્વારી નિષ્ફળતા છે?

દુનિયાભરની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વિદેશમંત્રીઓ ગુરુવારે નવી દિલ્હીમાં એકઠા થયા હતા. જેમાં ભારતની મુત્સદ્દીગીરી માટે એ કસોટી હતી કે આ બેઠકનું સર્વસંમતિથી સંયુક્ત નિવેદન સાથે સમાપન થાય. પરંતુ યુક્રેન યુદ્ધને કારણે આમ ન થઈ શક્યું.
આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં જી-20 દેશોના મંત્રીઓની આ બીજી બેઠક હતી.
બંને બેઠકોમાં ભારત રશિયા અને ચીનને સંયુક્ત નિવેદન પર સહમત ન કરાવી શક્યું. આ વખતે પણ રશિયા અને ચીન સંયુક્ત નિવેદનના બે ફકરા સાથે સહમત ન થયું.
આ બંને ફકરામાં રશિયા દ્વારા યુક્રેન પરના હુમલાની વાત કરવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે યુક્રેન યુદ્ધ પરના નિવેદનમાં એ જ વાત કહેવામાં આવી હતી જે ગયા વર્ષે ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી જી-20 સમિટમાં કહેવામાં આવી હતી.
બાગચીએ કહ્યું કે બાલી ડિક્લેરેશનનું પુનરાવર્તન થયું હતું પરંતુ રશિયા અને ચીન તૈયાર ન થયા.
ભારતના વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે બેઠકથી અલગ અમેરિકા, ચીન અને રશિયાના વિદેશમંત્રીઓ સાથે મુલાકાતો કરી, જેથી એક સામાન્ય નિવેદન પર સહમતિ બની શકે.
પરંતુ યુક્રેન યુદ્ધને કારણે બેઠકમાં એકદમ તડાં પડી ગયાં હતાં. ભારત ચીન અને રશિયાના વિદેશમંત્રીઓને સંયુક્ત નિવેદન માટે સંમત કરાવવામાં નિષ્ફળ રહ્યું.
જયશંકરે એ વાતનો સ્વીકાર કર્યો કે યુક્રેન યુદ્ધને કારણે જી-20 એકતા જાળવવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત વર્ષ 2023 માટે જી-20ના પ્રમુખપદને વૈશ્વિક નેતા અને ઉભરતી શક્તિ બનવાની તક તરીકે લઈ રહ્યું છે.
ભારતનો પ્રયાસ યુક્રેન સંકટમાં પશ્ચિમ અને રશિયા વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો અને સાથે ગ્લોબલ સાઉથના દેશોના અવાજ બનવાનો હતો. ગ્લોબલ સાઉથમાં મોટે ભાગે દુનિયાના ગરીબ અને વિકાસશીલ દેશો આવે છે.

મોદીનું નિશાન ગ્લોબલ સાઉથ

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, "છેલ્લાં કેટલાંક વર્ષોનો અનુભવ રહ્યો છે કે વૈશ્વિક વ્યવસ્થા આર્થિક કટોકટી, જળવાયુ પરિવર્તન, મહામારી, આતંકવાદ અને યુદ્ધને લઈને નિષ્ફળ રહી છે."
"આપણે સ્વીકારવું જોઈએ કે આ નિષ્ફળતાનો ભોગ વિકાસશીલ દેશો બની રહ્યા છે. યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક મતભેદો વધ્યા છે, પરંતુ જી-20માં આવનારા વિદેશમંત્રીઓ તેમના મતભેદો ભૂલી જાય તો સારું."
ઘણા નિષ્ણાતો કહે છે કે ભારત પોતે દુનિયાના મંચ પર ગ્લોબલ સાઉથનો અવાજ બની રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પરંતુ યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે દુનિયા સામા છેડા સુધી વિભાજિત થઈ ગઈ છે ત્યારે શું ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની શકે છે? ઘણા લોકો આને ભારત માટે એક તક તરીકે પણ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પશ્ચિમ અને રશિયા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા પણ ભજવી શકે છે.
ગ્લોબલ પોલિસી થિંક ટેન્ક રૅન્ડ કૉર્પોરેશનના ઈન્ડો-પેસિફિકના વિશ્લેષક ડેરેક ગ્રોસમૅને લખ્યું, "હું ખરેખર માનું છું કે ભારત પાસે સારી તક છે કે તે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે સંવાદ કરાવે. ઐતિહાસિક રીતે ભારત કોઈ આંતરરાષ્ટ્રીય બ્લૉકમાં નથી. ભારત બિનજોડાણની વિશ્વસનીયતા ધરાવે છે. જેના કારણે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે."
સંયુક્ત નિવેદન પર ભલે કોઈ સર્વસંમતિ ન સધાઈ પરંતુ, નવી દિલ્હીમાં રશિયા અને અમેરિકાના વિદેશમંત્રીઓની મુલાકાત થઈ હતી.
ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએરા યુક્રેન પર હુમલો કરી દીધો હતો અને તે પછીથી બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચેની આ પહેલી મુલાકાત હતી.
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ અમેરિકન ન્યૂઝ નેટવર્ક સીએનએનને આ મુલાકાતની પુષ્ટિ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વિદેશમંત્રીઓ વચ્ચે 10 મિનિટ સુધી મુલાકાત ચાલી પરંતુ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી.
યુક્રેન પર રશિયાના હુમલાનું આ બીજું વર્ષ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારતનું વલણ સંતુલનવાદી રહ્યું.
જોકે ભારત પર દબાણ વધી રહ્યું છે કે તે યુક્રેન સંકટમાં ચોક્કસ વલણ અપનાવે. ગયા વર્ષે જ્યારે પીએમ મોદીએ ઉઝબેકિસ્તાનમાં રશિયન રાષ્ટ્રપતિને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી, ત્યારે પશ્ચિમી નેતાઓએ આ ટિપ્પણીનાં અર્થઘટનો કર્યાં હતાં.

શું આ ભારતની રાજદ્વારી નિષ્ફળતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે ભારતમાં બે જી-20 બેઠકોમાં સામાન્ય નિવેદન પર સહમત ન થવું તે શું મોદી સરકારની રાજદ્વારી નિષ્ફળતા છે?
આ સવાલના જવાબમાં ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતે લખ્યું છે કે, "હું નથી માનતો કે સંયુક્ત નિવેદન જારી ન કરવું એ ભારતની રાજદ્વારી નિષ્ફળતા છે. વાસ્તવમાં જી-20 સમિટનો હેતુ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો નહોતો. ભારત પોતાના ફાયદા માટે બંને પક્ષો સાથે જોડાયેલો રહેશે."
ઘણા દેશોમાં ભારતના રાજદ્વારી રહી ચૂકેલા સુરેન્દ્રકુમારનું માનવું છે કે જ્યારે જી-20ના ત્રણ શક્તિશાળી દેશો અમેરિકા, રશિયા અને ચીન એક જ પ્રકરણ પર નથી.
સુરેન્દ્રકુમાર કહે છે, "યુએસ અને યુરોપને ભારત એ વાતે નથી મનાવી શકતું કે તે યુક્રેન પર રશિયાની વાતને માની લે અને રશિયાને પણ મનાવી શકતું નથી કે તે હવે યુદ્ધનો અંત આણે."
એક અને બે માર્ચે જી-20 વિદેશમંત્રીઓની બેઠકમાં 40 દેશોના પ્રતિનિધિઓ આવ્યા હતા. ભારતના વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું હતું કે જી-20 વિદેશમંત્રીઓની આ અત્યાર સુધીની સૌથી મોટી બેઠક હતી.
ગયા વર્ષે બાલીમાં જી-20ની બેઠક બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જી-20ની બાલી બેઠકના સંયુક્ત નિવેદનમાં પણ યુક્રેન પર રશિયન હુમલાને લઈને ભાષા કડક હતી પરંતુ ત્યારે રશિયા અને ચીને વાંધો ઉઠાવ્યો ન હતો.
ભારતે પણ સંમતિ સધાય એ માટે મદદ કરી હતી. હવે એ જ રશિયા અને ચીન ભારતમાં બાલીના નિવેદનને જ નકારી રહ્યા છે.
સુરેન્દ્રકુમાર માને છે કે બાલીથી દિલ્હી આવતા સુધીમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. સુરેન્દ્રકુમાર કહે છે, "અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન 20 ફેબ્રુઆરીએ અચાનક યુક્રેન પહોંચી ગયા હતા, જેનાથી રશિયા ખૂબ નારાજ છે. બાલી સમયે બાઇડન યુક્રેન ગયા ન હતા. પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે અને ભારત દરેક પરિસ્થિતિને નિયંત્રિત કરી શકતું નથી."

શું ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જી-20ના વિદેશમંત્રીઓની બેઠકમાં પીએમ મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર બંનેએ ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોની વાત કરી હતી.
ભારત જી-20 બેઠકને યુક્રેન સંકટના કારણે રોળાઈ જવા દેવા માગતું નથી. ભારતની કોશિશ રહી છે કે વધતી મોંઘવારી, ઊર્જા સુરક્ષા અને જળવાયુ પરિવર્તન પર પણ વાત થાય.
આ વર્ષે ભારતે 12 અને 13 જાન્યુઆરીએ 'વૉઈસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટ'નું આયોજન કર્યું હતું. જેમાં ભારતે 120 દેશોને આમંત્રણ આપ્યું હતું.
આ સમિટ વર્ચ્યુઅલ હતી અને તેમાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘે સહિત દુનિયાના અનેક મોટા નેતાઓએ ભાગ લીધો હતો.
આ સમિટની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ત્યારબાદ ચીની મીડિયામાં એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે ચીનને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. ચીન ઉપરાંત પાડોશી દેશ પાકિસ્તાન અને અન્ય જી-20ના સભ્ય દેશ બ્રાઝિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.
ચીનના અખબારોમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ચીનને આમંત્રણ નહીં આપીને ભારતે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે ભારત વિકાસશીલ વિશ્વનું નેતા બનવા માગે છે.
7 જાન્યુઆરીએ, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે જી-20 અધ્યક્ષતા ભારત પાસે આવ્યા પછી કહ્યું હતું કે, "આજની તારીખે વિકાસશીલ દેશો ક્રૂડ, ખાદ્યસામગ્રી અને ખાતરોની વધતી કિંમતોથી પરેશાન છે. વિકાસશીલ દેશો પર વધતું દેવું અને કથળતી અર્થવ્યવસ્થાને કારણે પણ ચિંતાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં અમારી ફરજ છે કે અમે ગ્લોબલ સાઉથનો અવાજ બનીએ."
ભારત પાસે જી-20નું પ્રમુખપદ ગ્લોબલ સાઉથના જ દેશ ઇન્ડોનેશિયા પાસેથી આવ્યું છે. ભારત પણ ગ્લોબલ સાઉથનો જ દેશ છે. 2024 અને 2025માં જી-20ની અધ્યક્ષતા અનુક્રમે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા પાસે જશે.
આ બંને દેશો પણ ગ્લોબલ સાઉથના જ છે. જ્યારે વિશ્વના શક્તિશાળી દેશો વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ છે ત્યારે જી-20ની અધ્યક્ષતા ગ્લોબલ સાઉથના દેશો પાસે છે.
આ સંઘર્ષને કારણે જી-20માં બાકીના મુદ્દાઓ પાછળ રહી જવાનો ડર છે. જી-20નું અધ્યક્ષપદ આ વર્ષે ભારત પાસે છે પરંતુ અન્ય મહત્ત્વની સંસ્થાઓમાં ભારત પાસે કોઈ નિર્ણાયક શક્તિ નથી.
યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ, આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ અને વર્લ્ડ બૅન્કમાં ભારતનો કોઇ મજબૂત હસ્તક્ષેપ નથી. ગયા વર્ષે ઇન્ડોનેશિયાએ જી-20 બેઠકને યુક્રેન અને રશિયાના યુદ્ધના પડછાયાથી બચાવવામાં સફળતા મેળવી હતી.

રશિયાનું રોડું?

ઇમેજ સ્રોત, Getty Images
હવે ભારત સામે એ જ પડકાર છે કે જી-20માં સર્વસંમતિ કેવી રીતે બનાવવી. જી-20માં ભારતની સફળતા રશિયા અને ચીન પર પણ ઘણે અંશે નિર્ભર રહેશે.
ચીન સાથે ભારતના સંબંધો સારા નથી અને યુક્રેન પર હુમલા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા અને ચીનની નિકટતા વધી છે? તો ભારત તેનું સમાધાન કેવી રીતે મેળવશે?
3 માર્ચે, નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવને પૂછવામાં આવ્યું હતું કે ચીન અને રશિયાની મિત્રતા ભારત અને રશિયાની મિત્રતા પર કેવી અસર કરી રહી છે?
આ સવાલના જવાબમાં લાવરોવે કહ્યું હતું કે, "અમે ક્યારેય કોઈના વિરોધમાં મિત્રતા નથી કેળવતા. રશિયાના ચીન સાથે શાનદાર સંબંધો છે અને ભારત સાથે પણ ઉત્તમ સંબંધો છે. ભારત અને રશિયાના નેતાઓ દ્વારા હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો છે."
"અમારો જે સંબંધ ભારત સાથે છે તે બીજા કોઈ સાથે નથી. ભારત સાથેના સંબંધો દરેક ક્ષેત્રમાં છે. રશિયા ઈચ્છે છે કે ભારત અને ચીન મિત્ર બની રહે. અમે આ માટે પ્રયાસ પણ કરી રહ્યા છીએ. અમારા પુરોગામી યેવગેની પ્રિમાકોવે આરઆઈસી-રશિયા-ભારત-ચીન બનાવ્યું હતું. અમે બ્રિક્સ બનાવ્યું. હવે બ્રિક્સ વિસ્તરી રહ્યું છે. ભારત હવે એસએસીઓનું પણ સભ્ય છે.
જો રશિયા ભારત અને ચીનને સાથે લાવવા માગતું હોય તો તેણે જી-20 બેઠકમાં સંયુક્ત નિવેદન પર સહમત થવામાં કેમ મદદ ન કરી? શું રશિયા ભારતમાં જી-20ની સફળતામાં અવરોધ ઊભો કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર સેન્ટ્રલ એશિયન ઍન્ડ રશિયન સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર અમિતાભસિંહ કહે છે, "બાલીથી દિલ્હી આવતા સુધીમાં માર્ગમાં ઘણી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. અમેરિકાએ ચીનના 'જાસૂસી ફુગ્ગા'ને તોડી પાડ્યો જે ચીનને ન ગમ્યું અને બાઇડન વહીવટીતંત્રને અમેરિકામાં ચીનના 'જાસૂસી ફુગ્ગા'ની હાજરી નહોતી ગમતી."
"આ સિવાય ચીન યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિપ્રસ્તાવ લઈને આવ્યું છે. ચીન નથી ઇચ્છતું કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિની શરૂઆત કરવામાં ભારતની કોઈ ભૂમિકા હોય. બીજી બાજુ, પશ્ચિમ નથી ઇચ્છતું કે ચીનની કોઈ મધ્યસ્થી કરે."
અમિતાભસિંહ કહે છે, "રશિયા પોતાની વિરુદ્ધ કોઈ પ્રસ્તાવ માટે સંમત થઈ શકે નહીં. જ્યાં સુધી બાલીની વાત છે તો બાલીમાંથી લાવરોવ નારાજ થઈને ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી ઠરાવ પસાર થયો હતો."
"ભારતને આશા હતી કે રશિયા સંયુક્ત નિવેદન પર સહમત થવામાં મદદ કરશે, પરંતુ એવું થયું નહીં. રશિયાએ સંપૂર્ણ અસહયોગ દર્શાવ્યો. યુક્રેન યુદ્ધ પછી રશિયાની ચીન સાથેની નિકટતા વધી છે, તેથી ભારત માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે."
"ભારત રશિયા પાસેથી અપેક્ષા તો રાખે છે, પરંતુ રશિયા સાથે ચીન આવશે તો જ તે ભારતને મદદ કરશે. મને લાગે છે કે ભારત માટે જી-20 અધ્યક્ષપદનો પડકાર વધી ગયો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























