ભારતને 'મુસલમાનોની પહેલી માતૃભૂમિ' ગણાવનાર મહમૂદ મદનીએ હિન્દુ રાષ્ટ્ર, ભાજપ અને RSS પર શું કહ્યું?

દિલ્હીના રામલીલા મેદાનમાં ચાલી રહેલા જમીયત-ઉલેમા-એ-હિંદના 34મા અધિવેશનમાં સંગઠનના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે ભારત એટલું જ તેમનું પણ એટલું જ છે જેટલું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે આરએસએસના વડા મોહન ભાગવતનું છે.
મહમૂદ મદનીએ પોતાના ભાષણમાં એમ પણ કહ્યું છે કે ઇસ્લામ ભારતમાં સૌથી જૂનો ધર્મ છે. મહમૂદ મદનીએ એમ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ સાથે તેમના ધાર્મિક નહીં પણ વૈચારિક મતભેદ છે.
પોતાના ભાષણ દરમિયાન મહમૂદ મદનીએ આરએસએસના વડા મોહન ભાગવતને પણ આવીને વાત કરવાનું આમંત્રણ આપ્યું હતું.
મહમૂદ મદનીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, "આવો, પરસ્પર ભેદભાવ ભૂલીને એકબીજાને ભેટીએ અને દેશને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મ સામે કોઈ ફરિયાદ નથી, તમને ઇસ્લામ સામે પણ કોઈ ફરિયાદ ન હોવી જોઈએ."
મહમૂદ મદનીએ પોતાના ભાષણમાં ભારતને મુસલમાનોની પહેલી માતૃભૂમિ પણ ગણાવી છે.

શનિવારનું મહેમૂદ મદનીનું એ ભાષણ ચર્ચામાં છે. મહમૂદ મદનીને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા રૅબિટ દ્વારા વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસલમાનોની યાદીમાં 12મા નંબરે મૂકવામાં આવ્યા હતા.
રૅબિટના અહેવાલમાં મૌલાના મહમૂદ મદની વિશે લખવામાં આવ્યું છે કે તેમની વિચારધારા પારંપરિક સુન્ની છે અને જેનું તેઓ નેતૃત્વ કરે છે તે જમીયત ઉલેમા-એ-હિંદના 1.2 કરોડ અનુયાયી છે.
જમીયત ઉલેમા-એ-હિંદની સ્થાપના 1919માં થઈ હતી. આ સંસ્થાની સ્થાપના કરનારા દેવબંદના વિદ્વાનો હતા. રૅબિટ અનુસાર, આ સંસ્થા વ્યાપક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૅબિટે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, "1992માં દેવબંદમાંથી સ્નાતક થયા બાદ મદની જમીયત સાથે જોડાઈ ગયા હતા. મદની ભારતમાં મુસલમાનોના અધિકારો વિશે બોલતા રહે છે અને આતંકવાદ માટે જેહાદ શબ્દના ઉપયોગનો પણ વિરોધ કરે છે. "
"મદની ઇસ્લામોફોબિયા સામે પણ અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ ભારતમાં ધર્મના આધારે મુસલમાનો સાથે થતા ભેદભાવનો પણ વિરોધ કરતા રહ્યા છે."

'મુસલમાનોને નબળા બનાવવાના પ્રયાસો મંજૂર નથી'

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ આ તમામ મુદ્દાઓ પર મહમૂદ મદની સાથે વાત કરી હતી. વાંચો આ વાતચીત-
પ્રશ્ન: તમે કહ્યું છે કે ભારતમાં મુસલમાનો સમાન છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે, તો પછી તમારે વારંવાર શા માટે કહેવું પડે છે કે મુસલમાનો સમાન છે?
જવાબ: ઘણીવાર એવું થાય છે કે આપણી વાત વધુ સ્પષ્ટ રીતે મૂકવા માટે આપણે બધા સમાન છીએ એમ કહેવું જ પડે છે, અમને તમે બહારના કહીને, નવો ધર્મ કહીને, અમને નબળા પાડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તે અમને મંજૂર નથી. એટલા માટે એ કહેવું જરૂરી છે કે આપણે સમાન છીએ, કોઈથી ઓછા નથી.
પ્રશ્ન: ઘણા લોકો માને છે અને ડેટા પણ દર્શાવે છે કે ભારતીય રાજકારણમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ સતત ઘટી રહ્યું છે, શું તમે સંસદમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ વધારવા માટે કામ કરી રહ્યા છો?
જવાબઃ ભારતમાં લોકશાહી છે, આવી સ્થિતિમાં પ્રતિનિધિત્વનો પ્રશ્ન હંમેશા ઊઠતો રહેશે. હું જે માનું છું તેનાથી ઘણા લોકો અસંમત હોઈ શકે છે, હું માનું છું કે પ્રતિનિધિત્વ સંખ્યાના આધારે નહીં પરંતુ ન્યાય, સમાનતા અને સમાન તકોના આધારે હોવું જોઈએ. ધારો કે સંખ્યાની બાબતમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ ઓછું છે, આ સંખ્યા વધે તો વધુ સારું પરંતુ જો સંખ્યા ઓછી રહે અને અન્યાય ન થાય, મુસલમાનો સાથે તકો સમાન રહે અને દેશમાં કોઈ એક વિચારધારા લાવવાનો પ્રયાસ ન થાય, ન્યાયતંત્ર તેનું કામ યોગ્ય રીતે કરે, વહીવટીતંત્ર તેનું કામ યોગ્ય રીતે કરે અને સંસદ તેનું કામ યોગ્ય રીતે કરે તો જો સંખ્યાની એ કમી હશે તો પણ તેની નુકસાની ખટકશે નહીં.

- દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત-ઉલેમા-એ-હિંદના અધિવેશનમાં મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે ભારત જેટલું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે આરએસએસના વડા મોહન ભાગવતનું છે એટલું જ એમનું પણ છે
- મહમૂદ મદનીને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા રૅબિટ દ્વારા વિશ્વના સૌથી પ્રભાવશાળી મુસલમાનોની યાદીમાં 12મા નંબરે મૂકવામાં આવ્યા હતા
- મહમૂદ મદનીએ પોતાના ભાષણમાં ભારતને મુસલમાનોની પહેલી માતૃભૂમિ પણ ગણાવી
- 1992માં દેવબંદમાંથી સ્નાતક થયા બાદ મદની જમીયત સાથે જોડાઈ ગયા હતા
- મદની ભારતમાં મુસલમાનોના અધિકારો વિશે બોલતા રહે છે અને આતંકવાદ માટે જેહાદ શબ્દના ઉપયોગનો પણ વિરોધ કરે છે
- મદની ઇસ્લામોફોબિયા સામે પણ અવાજ ઉઠાવી રહ્યા છે


હિન્દુ રાષ્ટ્ર પર મદનીએ શું કહ્યું?

પ્રશ્ન: ભારતમાં હિન્દુ રાષ્ટ્રની માગ પ્રબળ બની રહી છે, રામલીલા મેદાનથી હિન્દુ રાષ્ટ્રની માગ ઘણી વખત થઈ છે, જો ભારત એ દિશામાં જાય તો મુસલમાનો પોતાનું સ્થાન ક્યાં જોશે?
જવાબ: આ એક અઘરો પ્રશ્ન છે, એકસાથે બધા પ્રશ્નોના જવાબ આપવા પણ મુશ્કેલ છે. અમારું માનવું છે કે જેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે તેઓએ એ સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો અર્થ શું છે, તેઓ જણાવી દે કે જો ભારત હિંદુ રાષ્ટ્ર બને તો શું થાય અને શું નહીં. અમે શું કરીશું અને શું નહીં કરીએ.
પ્રશ્ન: આજે ભારતમાં મુસલમાનોની ઓળખ, શિક્ષણ અને પ્રતિનિધિત્વ પર ઘણા પ્રશ્નો છે. ઘણા લોકોને લાગે છે કે મુસલમાનોને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે, શું તમને પણ એવું જ લાગે છે?
જવાબ: ઘણી ફરિયાદો છે, મોટાભાગની ફરિયાદો વાજબી છે, સરકારનું વલણ કે બીજી ઘણી ફરિયાદો અમારી છે, પરંતુ આ ફરિયાદો હોવા છતાં અમે નિરાશ નથી. અમારી સંસ્થામાં અમારા જેવું વિચારનારા લોકોની અનેક ફરિયાદો હોવા છતાં આ દેશ પાસેથી અમને ઘણી આશા છે.

'અમે આરએસએસ સાથે વાત કરવા તૈયાર છીએ'

પ્રશ્ન: તમે આરએસએસને તમારા સંમેલનમાં આમંત્રણ આપ્યું છે, જો આરએસએસ તમારી સાથે વાત કરવા આગળ આવશે તો તમે વાત કરશો?
જવાબ: સંવાદની પ્રક્રિયા પહેલાંથી જ ચાલી રહી છે, એક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અમે એ પ્રક્રિયાની પુષ્ટિ કરી છે અને કહી ચૂક્યા છીએ કે અમે તેની સાથે છીએ. આ સામાન્ય અધિવેશનના માધ્યમથી અમારે એ કહેવું જરૂરી બની ગયું છે કે આરએસએસ સાથે વાત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, પાંચ લોકો સર સંઘચાલકને મળ્યા પણ છે, અમે તે પ્રક્રિયાને સમર્થન આપી રહ્યા છીએ. અમારો ઈશારો એ છે કે અમે સંઘ સાથે વાત કરવા તૈયાર છીએ.
પ્રશ્ન: વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં મુસલમાનોની સ્થિતિને તમે કેવી રીતે જુઓ છો?
જવાબઃ ભારતના મુસલમાનોની હાલત પાકિસ્તાન કે અન્ય દેશોના મુસલમાનો કરતાં સારી છે. અમે ઇચ્છીએ છીએ કે આજે વૈશ્વિકરણના આ યુગમાં ભારત નેતૃત્વ કરે, અમારું માનવું છે કે જો કોઈ લઘુમતીને દબાવવામાં આવશે અથવા તેની અંદર એવી લાગણી જન્મશે કે તેમને દબાવવામાં આવી રહ્યા છે તો પછી દેશ વિશ્વનું નેતૃત્વ નહીં કરી શકે. એટલા માટે અમારી સમાનતા માટેની આ લડાઈ રાષ્ટ્રહિતમાં છે.

'મુસલમાનો કોઈ એક પક્ષનો વિરોધ ન કરે'

પ્રશ્ન: જો તમારી વાત આરએસએસ અથવા ભાજપ સાથે થાય તો શું એ પણ માની શકાય કે ભવિષ્યમાં તમે ભાજપને રાજકીય રીતે પણ સમર્થન આપી શકો?
જવાબ: હું હંમેશા કહેતો આવ્યો છું કે મુસલમાનોએ કોઈપણ રાજકીય પક્ષ માટે તેમના દરવાજા બંધ ન કરવા જોઈએ અને કોઈ પણ રાજકીય પક્ષને કોઈપણ કિંમતે હરાવવાના ઇરાદા સાથે ક્યારેય ઊભા ન રહેવું જોઈએ.
પ્રશ્ન: તમારી દૃષ્ટિએ આજે મુસલમાનોનો સૌથી મોટો મુદ્દો કયો છે?
જવાબ: આજના યુગમાં શિક્ષણમાં પછાતપણું એ મુસલમાનોનો સૌથી મોટો મુદ્દો છે, ખાસ કરીને કન્યા કેળવણી. અમે ટૂંક સમયમાં જ કન્યાઓ માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો પ્રસ્તાવ લાવવા જઈ રહ્યા છીએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























