અવિવાહિત મહિલાઓના ગર્ભપાતનો મામલો સુપ્રીમ કોર્ટે સુધી કેમ પહોંચ્યો?

ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય આપતાં કહ્યું હતું કે ગર્ભાવસ્થાનાં 24 અઠવાડિયાં સુધી તમામ મહિલાઓને સરકારની બિનજરૂરી દખલ વગર રિપ્રોડક્ટિવ વિકલ્પ અપનાવવાનો હક છે

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય આપતાં કહ્યું હતું કે ગર્ભાવસ્થાનાં 24 અઠવાડિયાં સુધી તમામ મહિલાઓને સરકારની બિનજરૂરી દખલ વગર રિપ્રોડક્ટિવ વિકલ્પ અપનાવવાનો હક છે
પ્રકાશિત

ગુરુવારે ભારતની સર્વોચ્ચ અદાલતે મહિલાઓને ગર્ભપાતના અધિકાર અંગે અભૂતપૂર્વ નિર્ણય આપ્યો હતો. જે અંતર્ગત ન્યાયલયે અવિવાહિત અને સિંગલ મહિલાઓને પણ વિવાહિત મહિલાઓની માફક સુરક્ષિત ગર્ભપાતનો અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે.

ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય આપતાં કહ્યું હતું કે ગર્ભાવસ્થાનાં 24 અઠવાડિયાં સુધી તમામ મહિલાઓને સરકારની બિનજરૂરી દખલ વગર રિપ્રોડક્ટિવ વિકલ્પ અપનાવવાનો હક છે.

આનો અર્થ એ છે કે સરકાર હવેથી દેશમાં વિવાહિત, અવિવાહિત અને સિંગલ મહિલાઓને પણ ગર્ભાવસ્થાનાં 24 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરવાનો અધિકાર છે.

જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, એ. એસ. બોપન્ના અને જે. બી. પારડીવાલાની ખંડપીઠે આ મામલે ચુકાદો આપ્યો હતો.

line

મુદ્દો કોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યો?

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ મામલાની નોંધ લેતાં જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી ઍક્ટની (એમટીએ) જોગવાઈઓનું અર્થઘટન એવું ન કરવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ મામલાની નોંધ લેતાં જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી ઍક્ટની (એમટીએ) જોગવાઈઓનું અર્થઘટન એવું ન કરવું જોઈએ (પ્રતીકાત્મક તસવીર)

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર સંમતિથી પાર્ટનર સાથે રહેતાં એક મહિલાએ આ મામલે કોર્ટમાં અરજી કરી હતી.

આ મહિલા ગર્ભાવસ્થાનાં 20 અઠવાડિયાં વટાવી ચૂક્યાં હતાં. જે કારણે તેમને ગર્ભપાત કરાવવાની મંજૂરી અપાઈ ન હતી.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ મામલાની નોંધ લેતા જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી ઍક્ટની (એમટીએ) જોગવાઈઓનું અર્થઘટન એવી રીતે ન કરવું જોઈએ કે જેથી અવિવાહિત અને સિંગલ મહિલાઓને ગર્ભાવસ્થાનાં 20 અઠવાડિયાં પછી ગર્ભપાતનો અધિકાર ન રહે.

ખંડપીઠે ચુકાદામાં જણાવ્યું હતું કે, "જો આ રીતે ઍક્ટ અને નિયમોનું અર્થઘટન કરવામાં આવે તો તેનો અર્થ એવો થશે કે માત્ર વિવાહિત સ્ત્રીઓને જ શરીરસંબંધ બાંધવાનો અધિકાર છે."

"વિવાહિત અને સિંગલ મહિલાઓ વચ્ચે આ ભેદ બંધારણની દૃષ્ટિએ ટકી શકે તેમ નથી. આ કાયદાનો લાભ સિંગલ અને વિવાહિત મહિલાઓ સમાનપણે લઈ શકે છે."

"તમામ સ્ત્રીઓનો આ અધિકાર બંધારણના અનુચ્છેદ 21 એટલે કે જીવન જીવવાના અધિકારનો એક ભાગ છે."

line

'મૅરિટલ રેપ'ને લગતા મામલા પણ ઍક્ટમાં સામેલ

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતની સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, "અસુરક્ષિત ગર્ભપાતને રોકી શકાય છે. માનસિક સ્વાસ્થ્ય અંગેની અમારી સમજ પર વધુ વિચાર કરવું પડશે. ગર્ભવતી મહિલાની આસપાસના વાતાવરણ અંગે ધ્યાન આપવું જોઈએ. વિવાહિત મહિલાઓ પણ તેમના પતિની બળજબરી અને રેપનો શિકાર થઈ શકે છે."

જોકે, કોર્ટે 'મૅરિટલ રેપ' એટલે કે 'વૈવાહિક બળાત્કાર'ને માત્ર આ એમટીપી કાયદાના સંદર્ભમાં જ સમજવાની વાત કરી છે, કારણ કે ભારતીય દંડસંહિતાની કલમ 375માં વૈવાહિક બળાત્કાર સામેલ નથી અને સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચ સમક્ષ આ મામલો વિચારાધીન છે.

પરંતુ તેમના આ નિવેદનથી ભવિષ્યમાં મૅરિટલ રેપને લઈને આવનારા નિર્ણયો અંગે પણ રસ્તો દેખાય છે.

લાઇન

ભારતમાં શું છે કાયદો?

  • ભારતમાં ગયા વર્ષે ગર્ભપાતના કાયદામાં સંશોધન કરવામાં આવ્યું. ત્યાર બાદ ગર્ભપાત માટે માન્ય મુદ્દત 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ કરવામાં આવી હતી.
  • સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય અનુસાર 16 માર્ચ 2021ના રોજ ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી (સંશોધિત) બિલ 2020ને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું હતું.
  • બિલમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભપાત માટે માન્ય મુદ્દત વિશેષ પ્રકારની મહિલાઓ માટે વધારવામાં આવી હતી, જેને એમટીપી નિયમોમાં સંશોધન દ્વારા નક્કી કરવામાં આવશે અને તેમાં દુષ્કર્મ પીડિત, સગાં-સંબંધીઓ દ્વારા યૌનસંબંધોથી પીડિત અને અન્ય અસુરક્ષિત મહિલાઓ (વિકલાંગ તેમજ સગીર) પણ સામેલ હશે.
  • આ પહેલાં ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સી ઍક્ટ, 1971 લાગુ હતો. જેમાં સુધારા કરવામાં આવ્યા છે.
  • તે ઍક્ટમાં જોગવાઈ હતી કે જો કોઈ મહિલાને 12 સપ્તાહનો ગર્ભ છે, તો તે એક ડૉક્ટરની સલાહ પર ગર્ભપાત કરાવી શકે છે. જ્યારે 12થી 20 સપ્તાહ દરમિયાન બે ડૉક્ટરની સલાહ અનિવાર્ય હતી અને 20થી 24 સપ્તાહ દરમિયાન મહિલાને ગર્ભપાતની અનુમતિ નહોતી.
  • પરંતુ સંશોધિત બિલમાં 12 અને 12થી 20 સપ્તાહ દરમિયાન એક ડૉક્ટરની સલાહ અનિવાર્ય ગણાવવામાં આવી છે.
  • આ સિવાય જો ભ્રૂણ 20થી 24 સપ્તાહનું હોય તો નક્કી કરાયેલી શ્રેણીની મહિલાઓને બે ડૉક્ટરની સલાહ લેવી પડશે અને જો ભ્રૂણ 24 સપ્તાહથી વધુ સમયથી હોય તો મેડિકલ સલાહ બાદ જ મંજૂરી આપવામાં આવશે.
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન