ગોધરા જેલના પોલીસકર્મીઓની માગ, 'કાં તો કેદીઓને બદલો કાં તો અમને', કેમ આવી માગ કરી રહી છે પોલીસ?

ગોધરા સબજેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
લાઇન
  • જેલમાંથી હૉસ્પિટલમાં મોકલાયેલા કેદી માટે મોકલાવવામાં આવી કાળી કોથળી
  • જાપ્તામાં આવેલા પોલીસકર્મીઓએ કાળી કોથળી લઈ જવા દેવાની ના પાડી દીધી
  • ના પાડતાં ઉશ્કેરાયેલા કેદી અને તેને મળવા આવેલા લોકોએ મચાવ્યો હતો હોબાળો
  • અંતે કાળી કોથળી જેલ સુધી પહોંચતા અંદરનો સામાન જોઈને પોલીસ ચોંકી ઊઠી
  • કેદી દ્વારા અવારનવાર પોલીસને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાનો દાવો
  • કેદીથી કંટાળીને અંતે 20 પોલીસકર્મીઓ પહોંચ્યા અધિક કલૅક્ટરની શરણે, બદલીની કરી માગ
લાઇન

ગુજરાતના ઇતિહાસમાં આ કદાચ પહેલી વખત બન્યું છે જ્યારે જેલમાં કામ કરતા 20 પોલીસકર્મીઓએ જિલ્લાના અધિક કલૅક્ટર પાસે જઈને ત્રણ કેદીઓને અન્યત્ર ખસેડવા અથવા તો તેમની સામૂહિક બદલીની માગ કરી છે.

ગોધરાના પીએસઆઈ સાબતસિંહ બારીયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "ગોધરા સબજેલના તબીબની સલાહના આધારે ઇશાક બદામ, સલમાન ભાગલીયા અને તૈયબ જાનકી નામના કેદીઓને ગોધરાની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા."

તેમણે આગળ જણાવ્યું, "ત્રણેયને અલગ-અલગ ડૉક્ટર પાસે લઈ જવાના હોવાથી અમે બે હથિયારધારી અને બે બિનહથિયારધારી પોલીસકર્મીઓને સાથે મોકલ્યા હતા. અન્ય કેદીઓની તપાસ ચાલુ હતી ત્યારે અમે ઇશાકને લઈને એક રૂમમાં બેઠા હતા."

આ પૈકી ઇશાક બદામને મળવા આવેલા ટોળાએ તેના માટે એક કાળી કોથળી મોકલાવી હતી. જાપ્તામાં હાજર પોલીસકર્મીઓએ કોથળી સાથે લઈ જવાની ના પાડી હતી.

આ બાબતને લઈને મામલો એટલી હદે આગળ વધી ગયો હતો કે ઇશાકે હૉસ્પિટલમાં તેને મળવા આવેલા લોકો પાસે બંદૂક હોવાની અને તે બંદૂકથી તમામ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપી હતી.

બાદમાં જેલમાં ગયા બાદ પણ અવારનવાર પોલીસકર્મીઓને માર મારવાની ધમકી આપતાં પોલીસકર્મીઓ અંતે અધિક કલૅક્ટરના શરણે પહોંચ્યા હતા.

આ સમગ્ર મામલે ઇશાકના પરિવારજનોનો પક્ષ જાણવા માટે અમે આરોપી ઇશાકના ભાઈ મહમદ હનીફ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે આ બાબતે કોઈ પણ વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

line

હૉસ્પિટલમાં અચાનક ટોળું આવી પહોંચ્યું

ગોધરા સબજેલ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પોલીસ જાપ્તામાં ઇશાક

ઇશાક કુખ્યાત આરોપી હોવાથી તેના હાથમાં હાથકડી પહેરાવાયેલ હતી. એવામાં અચાનક જ બારી પાસે પચીસેક લોકોનું ટોળું તેમને મળવા આવ્યું અને તેમાંથી કોઇકે બારીમાંથી તેમને ફોન આપ્યો.

આ રીતે પોલીસ જાપ્તામાં હૉસ્પિટલ ગયેલા દર્દીને ફોન પર વાત કરવાની મનાઈ હોવાથી પોલીસે તેમને રોક્યા હતા.

પીએસઆઈ બારીયા મુજબ "અમે તેને રોકતા તે ગુસ્સે ભરાયો હતો અને કહેવા લાગ્યો હતો કે તારા પોલીસવાળા મારી ખિદમત કરે છે અને તું મને એક ફોન કરવા દેતો નથી. એક વખત મારી હાથકડી ખોલ, તારું ગળું દબાવી દઈશ."

આ બાદ પોલીસે તેના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો. જેના જવાબમાં ઇશાકે તેને મળવા આવેલા લોકો પાસે બંદૂક હોવાનું કહીને ત્યાં હાજર પોલીસકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેલમાંથી કેદીઓને હૉસ્પિટલ સુધી લઈ જવાનું કામ કરતા જાપ્તાના પીએસઆઈ ભરત રાવલ અને સાબતસિંહ બારીયાએ હૉસ્પિટલમાં પોલીસને આપેલી આ ધમકીઓ વિશે ગોધરા એ ડિવિઝન પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

આ પ્રકારની બોલાચાલી સાંભળતા જ ઇશાકને મળવા આવેલા ટોળાએ ઉહાપોહ મચાવવાનું શરૂ કરી દીધું હતું. પીએસઆઈ બારીયા કહે છે, "અમને લાગ્યું કે આ લોકો કંઈ પણ કરી દેશે. જેથી અમે સમયસૂચકતા વાપરીને પોલીસ કંટ્રોલરૂમમાંથી વધુ પોલીસ બોલાવી. તે દરમિયાન ઇશાક કઈ દવા લેવાની છે, તે ભૂલી ગયો હોવાનું જણાવીને ફરી ડૉક્ટર પાસે જવાનું કહ્યું"

આ દરમિયાન એક વ્યક્તિ કાળા રંગની પ્લાસ્ટિકની કોથળી લઈને આવી અને પોલીસને કોથળી આપીને કહ્યું, "આમાં ભાઈ માટે બિરયાની છે, તેમને આપવાની છે."

જોકે, પોલીસને શંકા જતા તેમણે કાળી કોથળી આપવાની ના પાડી દીધી હતી.

line

બિરયાનીમાં નશો કરવાની દવાઓ

ગોધરા સબજેલ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, બિરયાનીમાંથી નશો કરવા માટેનો સિરપ અને ગોળીઓ મળી આવી હતી

તે સમયે જાપ્તામાં હાજર પોલીસકર્મી ડી. એમ. ચૌહાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જ્યારે આ લોકોને સિવિલ હૉસ્પિટલમાંથી પાછા લાવવામાં આવ્યા ત્યારે પેલો યુવાન પાછો કાળી કોથળી લઈને આવ્યો હતો."

તેઓ કહે છે, "ઇશાક કાચા કામનો કેદી હોવાથી તેમને જમવામાં ઘરેથી ભોજન આપવાની પરવાનગી હતી. એ યુવાને આવીને કહ્યું કે ઇશાકને ટિફિનમાં બિરયાની આપવી છે. જોકે, એ યુવાનની ચાલચલગત જોઈને અમારી ટીમના એક કૉન્સ્ટેબલને શંકા ગઈ. જેથી તેમણે કોથળી તપાસી."

કોથળીમાં સરખી રીતે ચેક કરતાં ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ઊઠ્યા હતા.

ડી. એમ. ચૌહાણ આ વિશે કહે છે, "કોથળીમાં બિરયાની તો હતી પરંતુ તેની નીચે નશો કરવા માટે વપરાતા કફ સિરપની પાંચ બૉટલો અને નશો કરવા માટે વપરાતી ઊંઘની ગોળીઓના પાંચ પત્તાં મળી આવ્યાં."

તેમના કહેવા મુજબ, પોલ ખૂલી ગયા બાદ ઇશાકે કેટલાક પોલીસકર્મીઓને ડ્યુટી દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કેટલાકને તેમનાં બાળકો સ્કૂલે જાય ત્યારે તેમને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.

line

આરોપો અને પ્રત્યારોપો

ગોધરા સબજેલ

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, અધિક કલૅક્ટરને રજૂઆત કરવા પહોંચેલા પોલીસકર્મીઓ

ગોધરા સબજેલમાં કામ કરતા પોલીસકર્મી એસ. પી. રાઠવા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ઇશાક પર હત્યાનો પ્રયાસ, વેપારીઓને ધાકધમકી આપી ખંડણી માગવાના ગુના નોંધાયેલા છે. તેની સામે કેસ ચાલુ હોવાથી હાલ તે કાચા કામના કેદી તરીકે સજા કાપે છે. તેના પર નોંધાયેલા ગુનાને લીધે તેણે જેલમાં પોતાની ધાક ઊભી કરી દીધી છે."

તેઓ આગળ જણાવે છે, "તે અવારનવાર છાતીમાં દુખાવા સહિત અન્ય ગંભીર બાબતો વિશે ડૉક્ટરને ફરિયાદ કરે છે જેથી તેને સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવે. ત્યાં પહોંચ્યા બાદ તેને મળવા માટે ટોળામાં લોકો આવી જતા હતા. જ્યાં તેને મળવાને લઈને પણ અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. જેલમાં પણ તેમને મળવા માટે ટોળું આવી જતું હતું."

એસ. પી. રાઠવા કહે છે, "થોડા સમય પહેલાં એલસીબીની સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ઇશાકની બૅરકમાંથી બે સીમકાર્ડવાળો એક ફોન મળી આવ્યો હતો. જેના કારણે જેલના સ્ટાફની હાલત કફોડી થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને મોકલાયેલી બિરયાનીમાંથી નશો કરવાની ગોળીઓ મળતાં તેણે જેલ માથે લીધી હતી."

"આ અંગે અમે જેલ સુપરિન્ટેન્ડેન્ટને પણ ફરિયાદ કરી હતી. જે તેમણે ન સાંભળતાં અંતે અમારે અધિક કલૅક્ટરની શરણે જવું પડ્યું હતું. અમે તેમના સમક્ષ આ ત્રણ કેદીઓને અન્ય જેલમાં ખસેડવા અથવા તો મારા સહિત કુલ 20 પોલીસકર્મીઓની બદલી કરાવવાની માગ મૂકી હતી."

ગોધરા સબજેલના સુપરિન્ટેન્ડેન્ટ એમ. એન. રાઠવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફોન મળી આવ્યા બાદ પોતાની બેજવાબદારી ઢાંકવા માટે કેટલાક પોલીસકર્મીઓ ખોટી રજૂઆતો કરી રહ્યા છે."

એસ. પી. રાઠવાના જણાવ્યા પ્રમાણે અધિક કલૅક્ટર એમ. ડી. ચુડાસમાએ તેમની રજૂઆત સાંભળીને ઘટતું કરવાની બાંયધરી આપી હતી. બીબીસીએ એસ. પી. રાઠવાના આ દાવા અને અન્ય કેટલીક માહિતી મેળવવા અધિક કલૅક્ટર એમ. ડી. ચુડાસમાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે થઈ શક્યો ન હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન