IND Vs. NZ : પહેલી જ ટેસ્ટમાં 170 રન, શ્રેયસ અય્યરની કારકિર્દી મુંબઈના મેદાનેથી કઈ રીતે શરૂ થઈ હતી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ગુરુવારથી શરૂ થયેલી ટેસ્ટમૅચથી ટેસ્ટ કૅરિયરનો ડેબ્યૂ કરનાર ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરની ચોમેર ચર્ચા થઈ રહી છે.
અય્યર પ્રથમ ટેસ્ટમૅચની બંને ઇનિંગમાં ભારતીય ટીમના સૌથી વધારે રન કરનારા બૅટ્સમૅન રહ્યા છે.
પહેલી ઇનિંગમાં 105 રન કર્યા હતા, આ પારી તેઓ એવા વખતે રમ્યા જ્યારે 145 રન પર ભારતીય ટીમના ચાર મજબૂત બૅટ્સમૅન પૅવેલિયન પરત જઈ ચૂક્યા હતા. જે બાદ બીજી ઇનિંગમાં તેમણે 125 બૉલમાં 65 રન કર્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
આઈપીએલના સફળ ખેલાડીઓ પૈકીના એક અય્યરનો ટેસ્ટ ડેબ્યૂ ધમાકેદાર રહ્યો છે.
બીજી ઇનિંગમાં કપ્તાન રહાણે, એસ. ગિલ, રવીન્દ્ર જાડેજા જલદી આઉટ થઈ ગયા હતા પણ અય્યર અને સાહાએ અનુક્રમે 65 અને 61 રન કરીને બીજી ઇનિંગનો સ્કોર 234 સુધી પહોંચાડ્યો હતો.

શ્રેયસ અય્યરની પ્રથમ ટેસ્ટમૅચ

ઇમેજ સ્રોત, Bcci
ભારતીય ટીમ તરફથી ટેસ્ટમૅચ રમનારા શ્રેયસ અય્યર 303મા ખેલાડી બન્યા છે.
26 વર્ષીય અય્યર પહેલી વખત ભારત માટે 2017માં વનડે અને ટી20 રમ્યા હતા. તેમણે અત્યાર સુધી વનડેમાં 43.79ની સરેરાશથી 813 રન કર્યા છે, જ્યારે 31 ઇન્ટરનેશનલ ટી20માં 27.62ની સરેરાશથી 580 રન કર્યા છે.
આ ટેસ્ટમૅચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ તેમજ ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે અને એથી શ્રેયસ અય્યરનો ડેબ્યૂ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2015થી આઈપીએલમાં ઉત્તમ પર્ફૉમન્સ આપનારા અય્યર માટે આ મૅચ એક અગ્નિપરીક્ષા જેવી જ છે. જેનું મુખ્ય કારણ એ છે કે લાંબા ફૉર્મેટની મૅચમાં તેઓ હજુ સુધી રમ્યા નથી.

શરૂઆતની કારકિર્દી

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકબઝના અહેવાલ પ્રમાણે અય્યરની કારકિર્દીની શરૂઆત મુંબઈથી થઈ હતી, શિવાજીપાર્ક જિમખાનામાં અય્યરને પોતાનાથી મોટી ઉંમરના અને ઊંચા કદવાળા ફાસ્ટ બૉલર્સ સામે બેટિંગ કરતા જોઈને કોચ પ્રવીણ આમરે સ્તબ્ધ થઈ ગયા હતા.
જ્યારબાદ તેઓ સતત તેમના પ્રદર્શન પર નજર રાખી રહ્યા હતા.
ડૉમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શનને પગલે શ્રેયસ અય્યરની પ્રથમ વખત 2014માં અંડર-19 વર્લ્ડકપમાં પસંદગી થઈ હતી. જેમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમને ઇંગ્લૅન્ડ રમવા મોકલવામાં આવ્યા, જ્યાં 99ની સરેરાશથી ત્રણ ઇનિંગમાં 297 રન બનાવીને તેમણે બધાને ચોંકાવી દીધા હતા.
જે બાદ તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો.

જ્યારે સહેવાગ સાથે સરખામણી થઈ

ઇમેજ સ્રોત, Getty Images
શ્રેયસે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં વર્ષ 2014ની રણજી ટ્રૉફીથી ડેબ્યૂ કર્યો હતો. તે સીઝનમાં અય્યરે 50.56ની સરેરાશથી 809 રન ફટકાર્યા હતા.
જે બાદ 2015-16 દરમિયાન સાત અર્ધસદી અને ચાર સદી સાથે કુલ 1321 રન બનાવ્યા હતા.
વર્ષ 2016-17ની રણજી સીઝનમાં 42.64ની સરેરાશ સાથે અય્યરે 725 રન બનાવ્યા હતા.
2019માં સૈયદ મુસ્તાકઅલી ટ્રૉફીમાં ભારતીય ખેલાડી દ્વારા એક ટી20 મૅચમાં મારવામાં આવેલો સૌથી વધુ રનનો રેકર્ડ શ્રેયસ અય્યરનો હતો, તેમણે 147 રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમના પૂર્વ બૅટ્સમૅન વીરેન્દ્ર સહેવાગની જેમ આત્મવિશ્વાસ સાથે રમનારા શ્રેયસ અય્યરની બેટિંગનો સ્ટ્રાઇકરેટ પણ સહેવાગ જેવો જ હતો, જેથી એ વખતે અવારનવાર બંનેની સરખામણી થઈ હતી.

આઈપીએલના સ્ટાર શ્રેયસ અય્યર

ઇમેજ સ્રોત, Getty Images
2015માં આઈપીએલની હરાજી દરમિયાન શ્રેયસ અય્યરને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ સામે 2.6 કરોડમાં દિલ્હી ડૅરડેવિલ્સે ખરીદ્યા હતા. જેની પાછળ તેમને પારખનારા કોચ પ્રવીણ આમરેનો હાથ હતો.
ડેબ્યૂ આઈપીએલ સીઝનમાં 439 રન ફટકારનારા અય્યરને 'ઇમર્જિંગ પ્લેયર' ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
જોકે, 2016માં તેનું પ્રદર્શન યોગ્ય રહ્યું ન હતું. તે વર્ષે અય્યર છ મૅચમાં માત્ર 30 રન કરી શક્યા હતા. જ્યારબાદ વર્ષ 2017માં 336 રન કર્યા હતા.
2018માં ગૌતમ ગંભીરે અધવચ્ચેથી ટીમ છોડી ત્યારે સતત સારા પ્રદર્શનને કારણે શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપાઈ હતી.
ત્યારબાદ તેઓ જ તમામ સીઝનમાં દિલ્હીની ટીમની આગેવાની કરી રહ્યા છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















