ખેડૂત આંદોલન : બિહારમાં 10 હજાર લોકોનું પ્રદર્શન, કાલે ખેડૂતોની સરકાર સાથે બેઠક

બિહારના પાટનગર પટણામાં મંગળવારે કૃષિકાયદાના વિરુદ્ધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ માર્ચ યોજી.
દિલ્હી-હરિયાણા બૉર્ડર પર હજારો ખેડૂતો ગત 34 દિવસોથી કૃષિકાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આ માર્ચ બિહારમાં યોજાઈ હતી.
મંગળવારે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ ગાંધીમેદાનથી રાજભવન સુધી માર્ચ યોજી.
સમન્વય સમિતિના મતે આ માર્ચમાં 30 ખેડૂતસંઘ અને ડાબેરી પક્ષો સામેલ હતા.
તેમના મતે આ માર્ચમાં રાજ્યભરમાંથી આવેલા લગભગ દસ હજાર લોકોએ ભાગ લીધો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતાં.
આ દરમિયાન પોલીસે માર્ચ અટકાવવા માટે ડાગબંગલા વિસ્તાર પાસે લાઠીચાર્જ પણ કર્યો, જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી.
સમન્વય સમિતિના લોકો રાજ્યપાલ થકી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક જાહેરાત સોંપવા માગતા હતા, જેમાં તેમની માગણીઓ અંકિત હતી.

કેન્દ્ર સરકારે ફરી એક વાર ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા

કૃષિકાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને વાતચીત માટે ફરી એક વાર સરકારે બોલાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્રીય કૃષિમંત્રાલયે એક પત્ર લખીને ખેડૂતોના પ્રતિનિધિઓને 30 ડિસેમ્બરે બપોરે બે વાગ્યે વિજ્ઞાનભવનમાં વાતચીત માટે બોલાવ્યા છે.
આ પહેલાં ખેડૂતનેતાઓ અને વચ્ચે કેટલાય રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જોકે, મામલાનો કોઈ ઉકેલ જણાયો નથી.
ખેડૂતોના નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. જોકે, એ વાતચીતનું પણ કોઈ પરિણામ આવ્યું નહોતું.
પંજાબ અને હરિયાણા સહિત ભારતનાં અલગઅલગ રાજ્યોના ખેડૂતો છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી હરિયાણા-દિલ્હીની સિંઘુ અને ટીકરી બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે.






















