ગુજરાતના ઇન્ટર્ન ડૉક્ટરોની માગ સ્વીકારાઈ, સ્ટાઇપેન્ડમાં વધારાની નીતિન પટેલની જાહેરાત - TOP NEWS

ઇમેજ સ્રોત, Twitter/nitinpatel
ગુજરાતના ઇન્ટર્ન ડૉક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડમાં વધારાની માગ સાથે હડતાળ કરવામાં આવી હતી. સ્ટાઇપેન્ડમાં વધારાની માગ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે.
રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાત રાજ્યની સરકારી અને સરકાર સંચાલિત મેડિકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલોમાં બે હજારથી વધારે ઇન્ટર્ન તબીબો છે."
તેમણે કહ્યું, "કોરોના સંક્રમણના કપરા વખતમાં જ્યારે ડૉક્ટરોની તાતી જરૂર છે, એવા વખતમાં ઇન્ટર્ન ડૉક્ટરો સેવા આપી રહ્યા છે.
ઇન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતનની માગ સાથે હડતાળ કરાઈ હતી."
"બેઠકમાં વિગતવાર ચર્ચા બાદ સરકારે નિર્ણય કર્યો છે કે તેમનું 13 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ યથાવત્ રહેશે અને આ ઉપરાંત એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી દર મહિને વધારાનું પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવાનો નિર્ણય લીધો છે."

ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન પર બળાત્કારનો આરોપ, ભાજપે માગ્યું રાજીનામું

ઇમેજ સ્રોત, ANI
ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન રાજકીય કારકિર્દીની સૌથી મોટી ગૂંચવણમાં ફસાઈ ગયા છે.
મુંબઈની એક યુવતીએ તેમની પર બળાત્કારનો કથિત આરોપ લગાવ્યો છે અને ભાજપ દ્વારા તેમના રાજીનામાની માગ કરાઈ રહી છે.
ભાજપે આ આરોપોની સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપનું કહેવું છે કે આ તપાસ જરૂરી છે કેમ કે દેશના રાજકીય ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના છે, જેમાં કોઈ વર્તમાન મુખ્ય મંત્રી પર બળાત્કારના આરોપ લાગ્યા છે.
બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચાનું કહેવું છે કે ભાજપ 'ડર્ટી પૉલિટિક્સ' કરી રહ્યો છે.

અમિત શાહ બંગાળમાં, ટીએમસીમાં ઊથલપાથલની સંભાવના

ઇમેજ સ્રોત, Ani
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે મધરાતે કોલકાતા પહોંચ્યા. તેઓ બે દિવસ માટે પશ્ચિમ બંગાળમાં રહશે. શાહ રવિવારે મેદિનીપુરમાં રેલી કર્યા બાદ શાંતિનિકેતનમાં રોડશો કરશે.
અખબાર 'નવભારત ટાઇમ્સ'ના રિપોર્ટ અનુસાર ભાજપના કાર્યકરોએ 'જય શ્રીરામ'ના નારા સાથે શાહનું સ્વાગત કર્યું.
બિહાર બાદ સમગ્ર દેશની નજર પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં પર અટકેલી છે. ભાજપ બહુ પહેલાંથી જ બંગાળની ચૂંટણીની તૈયારીમાં લાગેલો છે.
રાજ્યમાં તાજેતરમાં જ ઘટેલા રાજકીય ઘટનાક્રમને જોતાં અમિત શાહનો આ પ્રવાસ બહુ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. એવી અટકળો પણ લગાવાઈ રહી છે કે આ દરમિયાન રાજ્યના શાસક પક્ષ તૃણમૃલ કૉંગ્રેસમાં ભારે ઊથલપાથલ થઈ શકે છે.
ટીએમસીનાં એક ધારાસભ્ય બનશ્રી મૈતીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલાં મમતાની બહુ ખાસ ગણાતાં શુભેંદ્રુ અધિકારીએ બુધવારે ધારાસભ્યના પદેથી રાજીનામું આપીને પક્ષ છોડી દીધો હતો.
અન્ય એક ધારાસભ્ય શીલભદ્ર દત્તાએ પણ રાજીનામું આપી દીધું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અર્જુન સિંહે દાવો કર્યો છે કે તૃણમૃલ કૉંગ્રેસ અને અન્ય દળોના 1-12 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે.

અમદાવાદ-રાજકોટ વચ્ચે દોડશે હાઈ સ્પીડ ટ્રેન, ગુજરાત સરકારની મંજૂરી

ઇમેજ સ્રોત, Getty Images
'એનડીટીવી'ના એક અહેવાલ પ્રમાણે ગુજરાત સરકાર ભારતીય રેલવે સાથે મળીને અમદાવાદ-રાજકોટ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન દોડાવવા માટે રેલવે લિંક નાખશે.
એક વરિષ્ઠ અધિકારી દ્વારા અપાયેલ માહિતી અનુસાર આ રૂટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે લિંક હશે.
ગુજરાત મુખ્ય મંત્રીકાર્યાલયના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે આ અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારે જરૂરી મંજૂરી આપી દીધી છે.
શુક્રવારે 'ASSOCHAM ફાઉન્ડેશન વીક પ્રોગ્રામ' અંતર્ગત યોજાયેલી એક વર્ય્યુલઅલ કૉન્ફરન્સ દરમિયાન એમ. કે. દાસ દ્વારા આ અંગે જાહેરાત કરાઈ હતી.
તેમણે કહ્યું કે, "ગુજરાત સરકાર ભારતીય રેલવે સાથે ભાગીદારી કરીને અમદાવાદ-રાજકોટ વચ્ચે નવી રેલવે લિંકની શરૂઆત કરશે. આ ટ્રેન બુલેટ ટ્રેન નહીં હોય પરંતુ એક ખૂબ જ હાઇ સ્પીડ ટ્રેન હશે. આ ટ્રેન ખૂબ જ ઝડપથી રાજકોટ પહોંચાડશે."

દૂધસાગર ડેરીની ચૂંટણી માટે વિપુલ ચૌધરીને નામાંકન ભરવાની મંજૂરી

ઇમેજ સ્રોત, RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરીને અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની મંજૂરી આપી દેવાઈ છે.
નોંધનીય છે કે તાજેતરમાં CID દ્વારા 14.80 કરોડ રૂપિયાના બોનસ કૌભાંડમાં તેમની ધરપકડ઼ કરાઈ છે.
કોર્ટે 5 જાન્યુઆરીના રોજ યોજનાર દૂધસાગર ડેરીની મૅનેજિંગ કમિટીની ચૂંટણી માટે તેમને નામાંકનપત્ર ભરવાની રાહત આપી છે.
દૂધસાગર ડેરીની ચૂંટણીમાં નામાંકન પત્ર ભરવાની અરજી અંગે ઍડિશન સેશન્સ જજ દિવ્યેશ વિપિનચંદ્ર શાહે નોંધ્યું હતું કે, "આરોપીને ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે. માત્ર FIR દાખલ કરવાથી તેમને ચૂંટણી લડવાના અધિકારથી વંચિત ન રાખી શકાય."

નિત્યાનંદે પોતાના 'દેશ કૈલાશા' માટે વિઝા અને ફ્લાઇટની જાહેરાત કરી

ઇમેજ સ્રોત, YOUTUBE
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે ભાગેડુ નિત્યાનંદે પોતે સ્થાપિત કરેલા કથિત 'હિંદુ સાર્વભૌમ દેશ' કૈલાશાની યાત્રા માટે ટુરિસ્ટો માટે ખાસ ત્રણ દિવસીય વિઝા ઇસ્યૂ કરવાની જાહેરાત કરી છે.
આ રહસ્યમયી ટાપુની મુલાકાત માટે વિઝા ધરાવનાર લોકોએ ઑસ્ટ્રેલિયાથી સફર કરવી પડશે. જ્યાંથી 'ગરુડા' નામક પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટ સર્વિસ થકી તેમને કૈલાશા લઈ જવાશે.
નિત્યાનંદે હાલમાં જ એક વીડિયો જારી કરી આ જાહેરાત કરી છે.
નોંધનીય છે કે ભારતમાં નોંધાયેલા રેપ કેસની ટ્રાયલથી બચવા માટે વર્ષ 2019થી નિત્યાનંદ ભારતમાંથી નાસી છૂટેલ હતા.
નિત્યાનંદે આ વીડિયોમાં મુલાકાતીઓને માત્ર ત્રણ દિવસ સુધી જ કૈલાશામાં રહેવાનું સૂચવ્યું હતું. જે દરમિયાન તેમને પરમ શિવના દર્શન કરવા દેવામાં આવશે તેવી વાત કરાઈ હતી.

ભારતીય અમેરિકન વેદાંત પટેલને વ્હાઇટ હાઉસના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી નિયુક્ત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડને શુક્રવારે ભારતીય અમેરિકન વેદાંત પટેલને આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી નિયુક્ત કર્યા હતા.
નોંધનીય છે કે જો બાઇડને વ્હાઇટ હાઉસ કૉમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના સભ્યોનાં નામ જાહેર કરતી વખતે ઉપરોક્ત જાહેરાત કરી હતી.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના એક અહેવાલ પ્રમાણે પટેલ બાઇડન કૅમ્પેનના એક ભાગ હતા અને તેઓ રિજનલ કૉમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવી ચૂક્યા છે.
અહેવાલ અનુસાર આ પહેલાં તેઓ ભારતીય અમેરિકન કૉંગ્રેસવુમન પ્રમિલા જયપાલના કૉમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
ભારતમાં જન્મેલા અને કેલિફોર્નિયામાં ઉછરેલા પટેલે યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઑફ ફ્લોરિડામાં અભ્યાસ કર્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















