કોરોના વાઇરસ વૅક્સિન : ભારતમાં તૈયાર કરાઈ રસી, 15 ઑગસ્ટ સુધીમાં ટ્રાયલનાં પરિણામની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના વાઇરસની વૅક્સિન તૈયાર કરાઈ છે અને 15 ઑગસ્ટે તેને લૉન્ચ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે.
હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની 'ભારત બાયૉટેક' તેને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)એ દરમિયાન ક્લિનિકલ ટ્રાયલને પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા છે.
બાયૉટેક અને આઈસીએમઆરે સાથે મળીને તેને તૈયાર કરી છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ કંપનીને પોતાની વૅક્સિનનું માનવપરીક્ષણ કરવાની પરવાનગી મળી છે.

15 ઑગસ્ટે લૉન્ચ કરવાની યોજના

ઇમેજ સ્રોત, Bharat biotech
આઈસીએમઆરના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવે વિભાગીય પત્રમાં કહ્યું છે કે 7 જૂલાઈથી આ વૅક્સિનનું માનવપરીક્ષણ શરૂ થઈ જશે અને તેમાં મોડું થવું જોઈએ નહીં, જેથી આ વૅક્સિનને 15 ઑગસ્ટે લોકો માટે લૉન્ચ કરી શકાય.
પત્રમાં જણાવાયું છે, "ભારત દ્વારા આપબળે વિકસિત કરાયેલી આ કોવિડ-19 મહામારી સામેની પ્રથમ વૅક્સિન છે અને તે સરકારમાં સર્વોચ્ચ સ્તરેથી દેખરેખ કરાઈ રહેલો પ્રોજેક્ટ છે, જેને હાલ સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે."
"આ વૅક્સિન ICMRઅને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી દ્વારા અલગ કરાયેલા SARS-CoV-2ના સ્ટ્રેઇનમાંથી વિકસાવાઈ છે. પુણે-ICMR અને BBIL પ્રિક્લિનિકલ અને ક્લિનિકલ ટ્રાયલ માટે સહયોગમાં કામ કરી રહ્યું છે."
ICMR તરફથી કુલ 12 મેડિકલ સંસ્થાઓને આ વૅક્સિનની ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયા ઝડપથી આટોપવા જણાવાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રમાં પ્રો.ડૉ. ભાર્ગવે આ સંસ્થાઓને લખ્યું છે, "તમને BBV1 52 COVID વૅક્સિનની ટ્રાયલ માટેની સાઇટ તરીકે પસંદ કરાયા છે. કોવિડ-19ની મહામારીને કારણે જાહેર સ્વાસ્થ્ય માટેની તાત્કાલિક જરુરિયાતને ધ્યાનમાં રાખી આપને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે આ વૅક્સિનના લૉન્ચ માટે જરુરી ક્લિનિકલ ટ્રાયલ માટે આવશ્યક તમામ મંજૂરીઓને ઝડપથી મેળવી લેવાની કવાયત કરવામાં આવે. "
"અને એ સુનિશ્ચિત કરવામાં આવે કે 7 જુલાઈ, 2020 પછી કોઈ નોંધણી બાકી ન રહે."

ભારત બાયૉટેકની 'કોવૅક્સિન'

ઇમેજ સ્રોત, Getty Images
આ વૅક્સિને તૈયાર કરવામાં ભારત બાયૉટેક અને આઈસીએમઆર ભાગીદાર છે.
આ વૅક્સિનને 'કોવૅક્સિન' નામ અપાયું છે. ભરત બાયૉટેકની સાઇટ પર અપાયેલી માહિતી અનુસાર આ રસી ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ-19 વૅક્સિન છે.
કંપનીના જણાવ્યા અનુસાર આઈસીએમઆર- નેશલલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાઇરલૉજી સાથે મળીને આ વૅક્સિન તૈયાર કરાઈ છે. તેને ભારત બાયૉટેકની બીએસએલ-3(બાયૉસૅફટી લેવલ-3) હાઈ કન્ટેઈન્મૅન્ટ ફૅસિલિટીમાં વિકસીત કરાઈ છે.
કંપની એવું પણ જણાવે છે કે આ વૅક્સિનની ટ્રાયલના પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના માનવપરીક્ષણ માટેની મંજૂરી મળી છે. જૂલાઈ માસમાં સમગ્ર દેશમાં પરીક્ષણો કરાશે.

ઝાયડસને પણ પરવાનગી

ઇમેજ સ્રોત, Getty Images
ફાર્માસ્યુટિકલ કંપની 'ઝાયડ્સ કેડિલા'ને કોરોના વાઇરસની વૅક્સીનના પહેલાં અને બીજા તબક્કામાં માનવપરીક્ષણ કરવાની પરવાનગી ડ્રગ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયા(DCGI)એ આપી છે.
માનવપરીક્ષણની પરવાનગી મેળવનાર 'ઝાયડ્સ કેડિલા' દેશની બીજી કંપની છે. આ પહેલાં હૈદરાબાદની 'ભારત બાયૉટેક'ને આની પરવાનગી મળી હતી.
બિઝનેસ ઇનસાઇડર સંશોધન સાથે જોડાયેલાં સૂત્રોને ટાંકીને લખે છે કે પ્રાણીઓ પર કરેલું સંશોધન સફળ થયું છે. જેને પગલે કંપનીને વાઇરસની રસી બનાવવા માટે ડીસીજીઆઈના ડૉ. વીજી સોમાણીએ પહેલાં અને બીજા તબક્કાની ટ્રાયલ માટે પરવાનગી આપી છે.
કંપનીએ જણાવ્યું છે કે "પહેલાં અને બીજા તબક્કાની ટ્રાયલને પૂર્ણ કરતાં બેથી ત્રણ મહિના લાગશે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















