સુરત અગ્નિકાંડ : મૃતક બાળકોના વાલીઓ ઉપવાસ પર કેમ બેઠા?

મૃતક બાળકના વાલી

ઇમેજ સ્રોત, Dharmesh Amin

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

સુરતમાં થયેલા અગ્નિકાંડને એક મહિનો થઈ ગયો હોવા છતાં જવાબદાર આરોપીઓને કોઈ સજા નથી થઈ તે બાબતને ધ્યાનમાં રાખીને દુર્ઘટનાનો ભોગ બનેલાં બાળકોના વાલીઓ પ્રતીક ઉપવાસ પર બેઠા છે.

જ્યાં વાલીઓએ આગમાં બાળકો ગુમાવ્યાં હતાં તે તક્ષશિલા બિલ્ડિંગની સામે જ ધરણાં પર બેઠા છે.

સુરતમાં એક મહિના અગાઉ તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.

વાલીઓ પૈકી જયસુખ ગજેરા જણાવે છે, "આજે અમે તમામ 22 વાલી પ્રતીક ઉપવાસ પર બેઠા છીએ. અમારી માગ છે કે અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે તેમાં ફક્ત નાના અધિકારીઓની ધરપકડ થઈ છે. અમે ખરેખર મોટા અધિકારીઓ પર કાર્યવાહી થાય એવી માગ કરીએ છીએ કેમકે એમની જવાબદારી મોટી છે."

line

'નાની માછલી પકડા, મગરમચ્છ પકડી બતાવો'

ધરણા પર બેસેલા લોકો

ઇમેજ સ્રોત, Dharmesh Amin

ઘરણા પર બેઠેલા વાલીઓની આંખોમાં ક્રોધ અને લાચારી સ્પષ્ટ દેખાઈ આવે છે. ધરણાંની જગ્યાએ તેમણે એક પોસ્ટર લગાવેલું છે જેમાં લખ્યું છે કે 'હત્યાકાંડને એક મહિનો પૂરો થયો હવે તપાસ, નૌટંકી બંધ કરો.'

કિરીટભાઈ ગોઢાણીયા નામના વાલી જણાવે છે, "અમે જ નહીં, આખું ગુજરાત જાણે છે કે ખરેખર કોણ દોષી છે. માત્ર સરકાર જ નથી જાણતી. દોષિતોના નામ અમારે લાવીને આપવા પડે છે."

"સરકાર એવું દેખાડવા માગે છે કે આ તપાસ કરી લીધી, ન્યાય આપી દીધો છે."

મૃતક બાળકોના વાલીઓનું કહેવું છે કે તેમણે સુરત અગ્નિકાંડની તપાસ અંગે ઘણી વખત આવેદનપત્રો આપ્યાં પરંતુ કોઈ સંતોષજનક કાર્યવાહી કરવામાં આવી નથી.

કિરીટભાઈ કહે છે, "અમે વાલીઓએ મળીને કમિશનરને આવેદનપત્ર 22 જૂનના રોજ આપ્યું છે, જેમાં નામ સાથે ઉલ્લેખ કરીને આપ્યો છે કે ખરેખર ઉચ્ચ કક્ષાના કયા અધિકારીઓ દોષિત છે. તો તેમને શા માટે પકડવામાં આવી રહ્યા નથી."

line

ભ્રષ્ટાચાર કે રાજનીતિ

ધરણા પર બેસેલા લોકો

ઇમેજ સ્રોત, Dharmesh Amin

અમુક વાલીનું કહેવું છે કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે.

જયસુખ ગજેરા કહે છે, "DGVCLની ગંભીર બેદરકારીથી આ ઘટના ઘટી છે, છતાં નાની કક્ષાના અધિકારીની જ ધરપકડ થઈ છે. ઘણા બધા અધિકારીઓ આ ઘટનામાં સામેલ છે તેમના પર અત્યાર સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી."

પ્રાથમિક તપાસ બાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયર વિભાગના બે અધિકારીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

આગ પાછળનાં કારણોને શોધવા માટે સરકારે શહેરી વિકાસ સચિવ મુકેશ પુરીને લઈને એક કમિટી નિમી હતી જેમણે પ્રાથમિક રિપોર્ટ સુપરત કરી દીધો હતો.

રિપોર્ટ મુજબ તપાસમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા વીજ વિભાગની કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી.

વાલીઓનું કહેવું છે, "અમે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. ગાંધીનગર સચિવાલયમાં પણ અરજી મોકલેલી છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

એસીથી શરૂ થઈ આગ

તક્ષશિલા બિલ્ડિંગ

ઇમેજ સ્રોત, Getty Images

મુકેશ પુરી અનુસાર બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકન્ડીશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી.

જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપટમાં આવી ગઈ હતી.

દરમિયાન નીચેની આગ મીટર રૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યું હતું.

પ્રથમ તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ ન હતી.

અહીં ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. માળની હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો.

છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી.

ચોથા માળે આગ પહોંચતા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, જેમાં પણ અમુક વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હતાં.

જયસુખ ગજેરાનું કહેવું છે, "જો પ્રતીક ધરણાંથી તેમની ઊંઘ ન ઊડે, તો આગામી દિવસમાં અમારી આમરણાંત ઉપવાસ પર બેસવાની તૈયારી છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો