સિયા 'કેતનની વિગને કારણે નારાજ હતી?' મંગેતરની હત્યાની આરોપી યુવતી મામલે કેવા ખુલાસા થયા?

ઇમેજ સ્રોત, pti
- લેેખક, પ્રતિનિધિ
- પદ, બીબીસી ન્યૂઝ મરાઠી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
મહારાષ્ટ્રના પુણે રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલની હત્યા મામલે અનેક નવી માહિતી સામે આવી રહી છે.
કેતનની થનાર પત્ની સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની કેતનની હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ છે.
આ મામલે કેતનના પિતાએ હવે મીડિયા કેટલાક નવા દાવાઓ પર પ્રતિક્રિયા આપી છે.
બીજી તરફ સિયાના વકીલોનું કહેવું છે કે તે તપાસમાં સહયોગ કરી રહી છે, જ્યારે પોલીસે કહ્યું કે તપાસ માટે અનેક ટીમો કામ કરી રહી છે.
કેતનના પિતાનો દાવો, 'અમે તેમને વિગ પહેરવા અંગે પહેલેથી કહ્યું હતું'

ઇમેજ સ્રોત, pti
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે સિયા ગોયલને કેતન પસંદ નહોતા, કેમ કે તેઓ વિગ પહેરતા હતા.
આના પર પ્રતિક્રિયા આપતા કેતનના પિતાએ કહ્યું, "અમે સિયા ગોયલના પરિવારને પહેલેથી જણાવી દીધું હતું કે કેતન વિગ પહેરે છે."
તેમણે વધુમાં કહ્યું કે "વિગ પસંદ ન હોવી એ કોઈની હત્યાનું કારણ ન હોઈ શકે. જો તમને વિગ પસંદ નહોતી તો તમારે ના પાડી દેવી જોઈતી હતી. જ્યાં સુધી મને ખબર છે, ટ્રેક પર જવાની સિયાની પોતાની ઇચ્છા હતી."
આ મામલે પોલીસે અગાઉ કહ્યું હતું કે કેતન અને સિયાની સગાઈ થઈ હતી. 18 જૂને બંને લોહાગઢ કિલ્લામાં ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી જે ઘટના ઘટી તેને શરૂઆતમાં એક દુર્ઘટના તરીકે ખપાવવાનો પ્રયાસ થયો હતો. તપાસ બાદ આરોપ લાગ્યો હતો કે સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ મળીને કેતનની હત્યા કરી હતી.
કેતનના પિતા વિશાલ અગ્રવાલે વધુમાં કહ્યું કે "મેં મુખ્ય મંત્રીને વિનંતી કરી છે કે આ મામલે આરોપીઓને ઓછામાં ઓછી મોતની સજા મળે."
તેમને આશ્વાસન અપાયું છે કે "આ મામલે જલદી તપાસ કરાશે. તેમને એ પણ સૂચિત કરાયું છે કે આ મામલે એક વિશેષ તપાસ સમિતિ (એસઆઇટી)ની રચના કરાઈ છે."
મીડિયા સાથે વાત કરતા ભાજપના ધારાસભ્ય અભિમન્યુ પવારે જણાવ્યું કે પુણેમાં આયોજિત 'સારથિ' કાર્યક્રમ દરમિયાન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે અગ્રવાલ પરિવાર સાથે મુલાકાત કરી હતી.
'સિયા તપાસમાં પૂરો સહયોગ આપી રહી છે'
સિયાના ગોયલને કેસ લડનાર વકીલ આશુતોષે કહ્યું "મેં પહેલાં કહ્યું તેમ આ મામલો તપાસ હેઠળ છે અને પોલીસ યોગ્ય રીતે તપાસ કરી રહી છે."
"અમારી ક્લાયન્ટ સિયા તપાસમાં શક્ય એટલી તમામ સહયોગ કરી રહી છે, જેથી પોલીસ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી શકે અને સ્પષ્ટતા સાથે વિસ્તૃત આરોપપત્ર દાખલ કરી શકે. તેનાથી કોર્ટની સુનાવણી પ્રભાવક રીતે સંચાલિત કરવામાં અને અંતિમ નિર્ણય સંભળાવવામાં મદદ મળશે."
અગાઉ સિયાના વકીલ રાજશ્રી સકતે કહ્યું હતું કે પોલીસે પોલીસ કસ્ટડીની માગ કરી હતી. તેના વિરોધમાં ન્યાયિક હિરાસતની માગ કરાઈ હતી. જોકે કોર્ટે સાત દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો છે અને 29 જૂને કોર્ટમાં વિસ્તૃત અરજી ફરથી રજૂ કરાશે.
તપાસ માટે અનેક ટીમો મોકલાઈ, સિયાની ભાઈની પણ પૂછપરછ

ઇમેજ સ્રોત, pti
પુણે ગ્રામીણ પોલીસ ઉપાધ્યક્ષ ગજાનન ટોમ્પેએ કહ્યું, "અત્યાર સુધીમાં તપાસ માટે અનેક ટીમોની રચના કરાઈ છે અને તે વિભિન્ન રીતે કામ કરી રહી છે."
"અમે કેટલાક ટેકનિકલ પુરાવા એકઠા કર્યા છે અને કેટલાક સાક્ષીઓની પૂછપરછ પણ કરી છે."
"આ બધાને આધારે તપાસ ચાલુ છે. મોટી સંખ્યામાં લોકોની પૂછપરછ કરાઈ રહી છે."
"સિયાની ભાઈની પણ પૂછપરછ કરાઈ રહી છે અને અન્ય કેટલાક સંબંધીઓની પણ પૂછપરછ કરાઈ રહી છે.
હત્યા કે દુર્ઘટના? તપાસમાં આ માહિતી સામે આવી
18 જૂને લોહાગઢ કિલ્લાના ફરવા ગયેલા કેતન અગ્રવાલ ખીણમાં પડી ગયા હતા, બાદમાં તેમનું મોત થયું હતું.
એ પછી સિયાએ પોલીસને જણાવ્યું હતું કે "કેતન કિલ્લામાં ફરતો હતો અને લપસી જવાથી ખીણમાં પડી ગયો હતો." પોલીસે શરૂઆતમાં આ કેસનો આકસ્મિક મૃત્યુ તરીકે નોંધ્યો હતો.
જોકે સંબંધીઓ પાસેથી મળેલી માહિતી, તકનીકી પુરાવા અને આગળની તપાસ બાદ પોલીસને શંકા પડી હતી. ત્યાર બાદ બે વિશેષ ટીમની રચના કરાઈ હતી.
પોલીસ અનુસાર, તકનીકી તપાસમાં ખબર પડી કે ઘટનાના દિવસે ચેતન ચૌધરી લોહાગઢ કિલ્લાના વિસ્તારમાં હાજર હતો.
એ પછી હત્યાનો કેસ નોંધાયો હતો અને સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરાઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















