ગુજરાતમાં ચોમાસાની પૅટર્ન બદલાઈ રહી છે?
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ગુજરાતમાં 2025ના ચોમાસા દરમિયાન 7 સપ્ટેમ્બર સુધીમાં લગભગ 107 ટકા વરસાદ વરસી ગયો છે અને ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ રાજ્યમાં ચોમાસું હજુ પણ સક્રિય છે.
તેનો અર્થ એવો છે કે ભાદરવો મહિનો અડધો વીતી ગયો હોવા છતાં રાજ્યમાં હજુ વધારે વરસાદ પડી શકે છે.
જોકે ભાદરવા મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હોય તેવો આ પહેલો બનાવ નથી. છેલ્લા એક દાયકામાં માત્ર ત્રણ જ વર્ષ એવાં રહ્યાં છે જ્યારે રાજ્યમાં સપ્ટેમ્બર કરતાં જૂન મહિનામાં વધારે વરસાદ પડ્યો.
ભારતીય હવામાન ખાતાએ હવામાનની દૃષ્ટિએ દેશના નક્કી કરેલા ભૌગોલિક વિભાગોમાં ગુજરાતનો સમાવેશ મધ્ય-ભારત વિસ્તારમાં કર્યો છે અને વરસાદના છેલ્લાં 20 વર્ષના આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વધી રહ્યો છે.
વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડામાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ સંસ્થા આબોહવામાં થઈ રહેલાં પરિવર્તનો અને ખાસ કરીને શહેરી વિસ્તારો પર તેની અસરો વિષે સંશોધન કરી રહી છે.
ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર, ડૉક્ટર સંસ્કૃતિ મજુમદાર ગુજરાતમાં ચોમાસા અને વરસાદની પૅટર્નમાં થયેલા ફેરફાર પર સંશોધન કરાવી રહ્યાં છે. ડૉ. મજુમદાર કહે છે કે આ સંશોધન દરમિયાન ધ્યાને આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું તેના પરંપરાગત સમયગાળાથી પાછું ધકેલાઈ રહ્યું છે.
ડૉ. મજુમદાર બીબીસીને જણાવે છે કે નૈર્ઋત્યના ચોમાસાનો વરસાદ ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં આવી જતો અને સપ્ટેમ્બરના મધ્ય ભાગ પછી ચોમાસું વિદાય લેતું, પરંતુ પાછલા કેટલાક દાયકામાં એમાં ફેરફાર થયો હોય તેમ લાગે છે.
તેમની ટીમે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની વેધશાળા ખાતે 1901થી 2016 દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડાનું વિશ્લેષણ કર્યું અને એ તારણ પર આવ્યા કે સપ્ટેમ્બર મહિનામાં પડતા સરેરાશ વરસાદમાં વધારો થયો છે.
તેઓ કહે છે, "ટીમે આંકડાનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે જૂન મહિનામાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે અને સપ્ટેમ્બરમાં વધ્યું છે. આ ટ્રેન્ડ 1980ના દાયકામાં શરૂ થયો અને 2002 પછી વધારે પ્રબળ બન્યો છે. આબોહવા પરિવર્તનને કારણે આપણે ત્યાં મે મહિનામાં વાવાઝોડાં આવતાં થયાં છે. આ વાવાઝોડાં હવામાં રહેલો ભેજ ખેંચી લે છે. તેથી ચોમાસું આવવામાં મોડું થાય છે અથવા ચોમાસું આવી જવા છતાં જૂન મહિનામાં વરસાદ ઓછો થાય છે."
"પરિણામ એ આવ્યું છે કે ગુજરાતમાં ખરેખર ચોમાસું જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવે છે અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કે ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં વિદાય લે છે. આમ, ચોમાસું ત્રણેક અઠવાડિયાં પાછું ઠેલાયું છે."
ચિરાયુ પંડિત નામના સંશોધક તેમની પીએચ.ડી.ની ડિગ્રી માટે ડૉ. મજમુદારના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી રહ્યા છે.
ચિરાયુ પંડિત કહે છે, "અમારી યુનિવર્સિટીની વેધશાળાના વરસાદના આંકડાના વિશ્લેષણમાં જણાયું કે 1901થી 1950 અને 1951થી 1990 દરમિયાન દરમિયાન ચોમાસાના કુલ વરસાદનો 15 ટકા વરસાદ જૂન મહિનામાં નોંધાયો અને અનુક્રમે 18% અને 16% વરસાદ સપ્ટેમ્બરમાં નોંધાયો, પરંતુ 1991થી 2016 દરમિયાન જૂન મહિનામાં વરસાદ ઘટીને 13% થઈ ગયો જ્યારે સપ્ટેમ્બરમાં વધીને 20% થઈ ગયો."
ચિરાયુ પંડિતે તેમના સંશોધનનો થિસીસ કલાઇમેટ ચેન્જ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને સબમિટ કરી દીધો છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી (જીએસડીએમએ)ની વેબસાઇટ પર ઉપલબ્ધ વરસાદના આંકડા અનુસાર 2016થી 2024ના નવ વર્ષના ગાળામાં માત્ર 2017, 2018 અને 2023ના વર્ષમાં જ ગુજરાતમાં સપ્ટેમ્બર કરતાં જૂન મહિનામાં વધારે વરસાદ પડ્યો હતો.
ચાલુ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ 12 ઇંચ વરસાદ પડ્યો હતો. તેની સામે 8 સપ્ટેમ્બર સુધીમાં લગભગ છ ઇંચ સરેરાશ વરસાદ વરસી ગયો છે.
ભારતીય હવામાન ખાતાએ ભારતના પાડેલા ભૌગોલિક ખંડોના મધ્ય-ભારત ખંડમાં ગુજરાત ઉપરાંત ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા તેમ જ મધ્ય પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ભાગોનો સમાવેશ થાય છે.
હવામાન ખાતાના આંકડા અનુસાર 2005થી 2014ના દાયકામાં મધ્ય-ભારતમાં જૂન મહિનામાં કુલ 62.68 ઇંચ વરસાદ થયો અને સપ્ટેમ્બરમાં 84.4 ઇંચ વરસાદ નોંધાયો હતો, પરંતુ 2015થી 2024ના દાયકા દરમિયાન જૂનમાં કુલ 65.54 ઇંચ વરસાદ નોંધાયા હતો, જ્યારે સપ્ટેમ્બરમાં 87.56 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આમ, જૂન મહિનામાં 2005-14ના દાયકાની સરખામણીએ 2015-24ના દાયકામાં સરેરાશ વરસાદમાં 2.86 ઇંચનો વધારો થયો, પરંતુ આ જ સમયગાળામાં સપ્ટેમ્બરમાં વરસતા વરસાદમાં 3.36 ઇંચનો વધારો થયો છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જેઠ મહિનાના બીજા પખવાડિયામાં એટલે કે જૂનની શરૂઆતમાં વરસાદ આવી જતો હતો અને ભાદરવા મહિનાના અંત સુધી વરસતો, પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી આસો મહિનાના પ્રથમ પખવાડિયા સુધી વરસાદ પડે છે.
ડૉ. સંસ્કૃતિ મજમુદાર આને આબોહવા પરિવર્તનનું પરિણામ ગણાવે છે.
ભારતના હવામાન ખાતાના અમદાવાદ ખાતે આવેલા હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. અશોકકુમાર દાસ જણાવે છે કે ચોમાસાના અંત તરફ થતો વરસાદ ખાસ પરિબળોને આધારિત છે.
તેઓ કહે છે કે મોન્સૂન ટ્રફની સ્થિતિ ગુજરાતમાં પડતા વરસાદ પર ભારે અસર કરે છે.
હવામાન ખાતાની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર મોન્સૂન ટ્રફ એ ભારતના ભૂભાગ ઉપર ચોમાસા દરમિયાન ઉત્પન્ન થતો હવાના હલકા દબાણનો એક લાંબો વિસ્તાર છે જેનો એક છેડો પાકિસ્તાનમાં હોય છે અને બીજો છેડો બંગાળની ખાડીમાં હોય છે.
લો પ્રેશર એરિયા, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન વગેરે સામાન્ય રીતે મોન્સૂન ટ્રફના વિસ્તારમાં પૂર્વથી પશ્ચિમ કે પૂર્વથી વાયવ્ય દિશામાં ગતિ કરે છે અને નૈર્ઋત્ય દિશામાંથી અરબ સાગર, હિન્દ મહાસાગર કે બંગાળની ખાડી પરથી આવતા પવનોને ખેંચી લાવી વરસાદ લાવે છે.
દાસ કહે છે, "જો મોન્સૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણ તરફ હોય તો ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડે છે. હાલ આવી જ સ્થિતિ છે અને ડીપ ડિપ્રેશન સર્જાતાં અતિભારે વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ હતી અને ઑગસ્ટના છેલ્લા અઠવાડિયા અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો હતો."
જૂનાગઢ ખાતે આવેલી સંયુક્ત ખેતી નિયામકની કચેરીમાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા વિનય પરમાર કહે છે કે મોડો વરસાદ ખેડૂતોને વિવિધ પાકોના વાવેતરની પરંપરાગત પૅટર્નમાં ફેરફાર કરવા ફરજ પાડી રહ્યો છે.
તેઓ કહે છે આ વર્ષે ગુજરાતમાં કપાસ કરતાં મગફળીનો વાવેતર વિસ્તાર વધી જવાનું એક કારણ બદલાયેલું ચોમાસું છે.
તેઓ કહે છે, "પાછલાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ વરસાદ પડ્યા છે. આવા વરસાદ કપાસ માટે ખૂબ નુકસાનકારક છે, કારણ કે તેનાથી ફૂલ અને જીંડવાં ખરી જાય છે. ત્યાર બાદ નવાં ફૂલ આવે ત્યારે ગુલાબી ઈયળો આવવાનો સમય પાકી ગયો હોય છે. આ કારણે કપાસનું ઉત્પાદન ઘટે છે. કપાસની સરખામણીએ મગફળી પર આવા વરસાદની બહુ માઠી અસર થતી નથી અને આ કારણે પણ ખેડૂતો મગફળી વધારે વાવી રહ્યા છે."
ડૉ. સંસ્કૃતિ મજુમદાર કહે છે જૂન મહિનાની શરૂઆતમાં વરસાદ આવી જશે એ ધારણાએ ગુજરાતમાં ખેડૂતો આગોતરું વાવેતર કરી દે છે, પરંતુ વરસાદ આવવામાં મોડું થતા કે અપૂરતો વરસાદ થતા પાક નિષ્ફળ જવાના બનાવો બને છે."
ચિરાયુ પંડિત કહે છે કે કપાસ ઉપરાંત અન્ય પાકો પર પણ મોડા વરસાદની માઠી અસર થઈ રહી છે. મેં સાંભળ્યું છે કે પાછોતરા વરસાદને કારણે સરગવાનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે."

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



