ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરાવવા ચીનની મદદ માગી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ રશિયા સાથે સમજૂતી કરવામાં ચીનની મદદ લેવા ઇચ્છે છે જેથી યુદ્ધ સમાપ્ત કરી શકાય.
ટ્રમ્પે કહ્યું, "હું ઇચ્છું છું કે ચીન અમને યુક્રેનમાં શાંતિ પ્રક્રિયાના મામલે મદદ કરે."
એશિયાના પ્રવાસે આવવા નીકળેલા ટ્રમ્પે ઍરફોર્સ વન વિમાનમાં આ વાત કરી હતી.
આ પ્રવાસ દરમિયાન તેઓ દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.
ચીન રશિયાનો સૌથી મોટો સહયોગી દેશ છે. યુક્રેન યુદ્ધને લઈને પશ્ચિમી દેશોની તરફથી લગાવાયેલા પ્રતિબંધો બાદ તે રશિયાનો સૌથી મોટો સહારો છે.
ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુક્રેનની રાજધાની કિએવ માટે ગત સપ્તાહ મુશ્કેલીભર્યું રહ્યું.
અમેરિકાએ તેને ટૉમહૉક ક્રૂઝ મિસાઇલ આપવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ યુરોપિયન યુનિયનના નેતાઓએ રશિયાની ફ્રીઝ સંપત્તિઓ મારફતે યુક્રેનના સંરક્ષણ માટે ફંડ જારી નહોતું કર્યું.
આ બધા વચ્ચે યુક્રેન પર રશિયા તરફથી ઘાતક હુમલાઓ કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મો અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થઈ ગયું છે. 25મી ઑક્ટોબરે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ 74 વર્ષના હતા.
સતીશ શાહના મૅનેજર રમેશે બીબીસીને જણાવ્યું કે સતીશ શાહને બપોરે અઢી વાગ્યાની આસપાસ મુંબઈસ્થિત તેમના ઘરે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો.
તેમને તરત જ હિંદુજા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા.
સતીશ શાહનું નામ ફિલ્મો અને ટીવીમાં ઘણું જાણીતું હતું. તેઓ મશહૂર ટીવી શો 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં ઇન્દ્રવદન ઉર્ફ ઇંદુની ભૂમિકાથી ઘરે-ઘરે જાણીતા બન્યા હતા.
સતીશ શાહનો જન્મ ગુજરાતના કચ્છના માંડવીમાં થયો હતો. તેમણે ઝેવિયર્સ કૉલેજમાં ગ્રૅજ્યુએશન કર્યા બાદ ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પુણેમાં દાખલો લીધો હતો.
તેમણે 'ગમન', 'ઉમરાવ જાન' અને 'જાને ભી દો યારો' જેવી મશહૂર ફિલ્મો પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા ઍક્ટર સતીશ શાહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
તેમણે સોશિયલ પ્લૅટફૉર્મ મીડિયા ઍક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, "સતીશ શાહજીના નિધનથી ઘણું દુ:ખ પહોંચ્યું છે. તેઓ ભારતીય મનોરંજન જગતના એક સાચા દિગ્ગજરૂપે યાદ કરાશે. તેમની સહજ હાસ્ય પ્રતિભા અને યાદગાર અદાકારીએ અસંખ્ય લોકોના જીવનમાં હાસ્ય વિખેર્યું. તેમના પરિવારજનો અને પ્રશંસકો પ્રતિ મારી સંવેદનાઓ."
કેટલાક મહિના પહેલાં જ સતીશ શાહે કિડની ટ્રાંસપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યાર બાદ તેમની તબિયત કથળેલી રહેતી હતી. આજે મુંબઈમાં હિંદુજા હૉસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
કમલા હૅરિસ 2028માં અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી લડી શકે છે

પૂર્વ અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હૅરિસે કહ્યું છે કે તેઓ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડી શકે છે.
કમલા હૅરિસે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ સંભવત: એક દિવસ અમેરિકાનાં રાષ્ટ્રપતિ બની શકે છે. તેઓ સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકે છે કે એક દિવસ વ્હાઇટ હાઉસમાં ચોક્કસપણે કોઈ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રવેશ કરશે.
તેમણે કહ્યું, "મારી ઇનિંગ હજી પૂરી થઈ નથી. હું ફરી રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર બની શકું છું."
ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ સામે હાર્યાં બાદ હૅરિસે 2028માં રાષ્ટ્રપતિપદ માટે દાવેદારી રજૂ કરવાની વાત ખુલ્લેઆમ કરી છે.
તેમણે તે સર્વેક્ષણોને નકારી કાઢ્યાં જેમાં તેમને આગામી ચૂંટણી માટે એક બાહ્ય ડેમૉક્રેટ ઉમેદવાર તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં.
તેમણે 'સંડે વિથ લૉરા કુએન્સબર્ગ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમના પૂર્વ પ્રતિસ્પર્ધી ટ્રમ્પ પર નિશાન સાધતાં તેમને "અત્યાચારી" ગણાવ્યા.
તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ટ્રમ્પ વિશે જે ચેતવણીઓ આપી હતી, તે સાચી સાબિત થઈ છે.
2024માં કમલા હૅરિસ ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર હતાં, પરંતુ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમને હરાવ્યા હતા.
તે સમયે રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રથમ ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પરંતુ ઉંમર સંબંધિત સમસ્યાઓ બાદ કમલા હૅરિસને નવા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં.
ઑસ્ટ્રેલિયા સામે સિડની વન-ડેમાં ભારતની 9 વિકેટે જીત, રોહિત શર્માની વન-ડે ક્રિકેટમાં 33મી સદી

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજી વનડે મૅચમાં રોહિત શર્માની સદી અને વિરાટ કોહલીની અર્ધસદીની મદદથી ભારતે ઑસ્ટ્રેલિયાને નવ વિકેટે હરાવ્યું છે. રોહિત શર્માએ 125 બૉલમાં 121 રન અને વિરાટ કોહલીએ 81 બૉલમાં 74 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા પહેલી બેટિંગ કરતા 236 રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. જેની સામે ભારતે 1 વિકેટ ગુમાવીને 237 રન બનાવી જીત મેળવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 168 રનની ભાગીદારી નોંધાવી હતી.
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝમાં ત્રીજી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે લક્ષ્યાંકનો પીછો કરતા બૅટ્સમૅન રોહિત શર્માએ પોતાની સદી પૂરી કરી હતી. આ રોહિત શર્માની 33મી સદી હતી.
ભારતે આ મૅચ 9 વિકેટે જીતી લીધી હતી.
રોહિતે 63 બૉલમાં પોતાની વન-ડે કૅરિયરની 60ની અર્ધસદી પૂર્ણ કરી હતી. વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી. રમતને અંતે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને નૉટઆઉટ રહ્યા હતા.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ વન-ડે મૅચોની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા આ સિરીઝ 2-1થી જીતી ગયું છે. આ મુકાબલો સિડનીમાં રમાયો હતો અને ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 237 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.
જેતપુરમાં યોજાયેલા મેળામાં દુર્ઘટના, રાઇડ્સ તૂટી પડતાં બે વ્યક્તિ ઘાયલ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે, જેતપુરમાં એક મેળાનું આયોજન થયું હતું અને તેમાં એક રાઇડ્સ તૂટી જતાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે.
બનાવની વિગતો એવી છે કે આ મેળામાં બ્રેકડાંસ નામની એક રાઇડ્સ તૂટી પડી હતી અને તેમાં સવાર એક દંપતી ઘાયલ થયું છે.
બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે હાલ સ્થાનિક પોલીસે મેળાને બંધ કરાવી દીધો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે.
મોદી સરકારે અદાણી જૂથમાં LICના 3.9 અબજ ડૉલર રોકવાનો પ્રયાસ કર્યો હતો- વૉશિંગ્ટન પોસ્ટનો અહેવાલ, એલઆઈસીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં અમેરિકાના પ્રસિદ્ધ અખબાર વૉશિંગ્ટન પોસ્ટે એક અહેવાલ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે "જ્યારે અમેરિકાની એસઈસીએ અદાણી જૂથના ગૌતમ અદાણીની સામે આરોપ મુક્યા, ત્યારે ગ્રૂપને મુશ્કેલીમાંથી પાર ઉતારવા મોદી સરકારે રૂ. 33 હજાર કરોડની (3.9 અબજ ડૉલર) યોજના ઘડી હતી."
અખબારનું કહેવું છે કે આ માટેની યોજના નીતિ આયોગ દ્વારા ઘડવામાં આવી હતી, જેથી કરીને અદાણી જૂથની કંપનીઓમાં 'વિશ્વાસ વ્યક્ત થાય' અને 'બીજા રોકાણકારો પણ પ્રેરિત' થાય.
અખબારનું કહેવું છે કે તેણે આ પ્રસ્તાવ સંબંધિત દસ્તાવેજો ચકાસ્યા છે.
કૉંગ્રેસે સવાલ ઊઠાવ્યો છે કે નાણા મંત્રાલય તથા નીતિ આયોગના અધિકારીઓએ કોના દબાણ હેઠળ આ યોજના તૈયાર કરી હતી.
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે તેને 'મોદાણી મૅગાસ્કૅમ' ગણાવ્યું છે તથા સંસદની પબ્લિક ઍકાઉન્ટ્સ કમિટી દ્વારા તપાસની માગ કરી છે.
એલઆઈસીએ નિવેદન બહાર પાડીને વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલને નકારી કાઢ્યો છે. એલઆઈસીનું કહેવું છે કે "બાહ્ય પરિબળોની અસર હેઠળ કંપનીએ રોકાણના નિર્ણય લીધા હોવાની વાત 'ખોટી, પાયાવિહોણી અને સત્યથી વેગળી' છે."
અદાણી જૂથમાં રોકાણ માટે ક્યારેય કોઈ દસ્તાવેજ તૈયાર કર્યો હોવાની વાત એલઆઈસીએ નકારી કાઢી છે અને કંપનીનું કહેવું છે કે તેણે બોર્ડ દ્વારા અગાઉથી મંજૂર થયેલી નીતિ મુજબ, પૂરતી ચોક્કસાઈ કરીને ખાતરી કર્યા બાદ જ રોકાણ કરે છે.
એલઆઈસીનું કહેવું છે કે દેશના મજબૂત આર્થિક સ્તંભને હચમચાવાનો તથા પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયાસ છે.
વૉશિંગ્ટન પોસ્ટ માટે અહેવાલ લખનાર રિપોર્ટરનું કહેવું છે કે તેમણે આ અંગે સરકારનો પક્ષ જાણવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.
'અમેરિકા યુદ્ધનો માહોલ બનાવે છે', વેનેઝુએલાના રાષ્ટ્રપતિનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકા પર યુદ્ધનો માહોલ બનાવવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાએ દુનિયાનું સૌથી મોટું યુદ્ધજહાજ કેરેબિયન વિસ્તાર તરફ મોકલ્યું છે ત્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ આ આરોપ લગાવ્યો છે. યુદ્ધજહાજના કારણે આ પ્રદેશમાં સૈન્ય તણાવ વધી ગયો છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે શુક્રવારે જેરાલ્ડ આર ફોર્ડ વિમાનવાહક જહાજને ભૂમધ્ય સમુદ્રથી ખસેડીને કેરેબિયન ક્ષેત્રમાં ગોઠવવાનો આદેશ આપ્યો હતો. આ યુદ્ધજહાજ પર 90 વિમાનો લઈ જઈ શકાય છે.
રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સરકારી મીડિયામાં જણાવ્યું કે તેઓ એક નવું યુદ્ધ ઉભું કરી રહ્યા છે. તેમણે વચન આપ્યું હતું કે હવે કોઈ જંગમાં સામેલ નહીં થાય, પરંતુ તેઓ એક નવું યુદ્ધ પેદા કરી રહ્યા છે.
અમેરિકાએ હાલના દિવસોમાં કેરેબિયન સમુદ્રમાં પોતાની સૈન્ય હાજરીમાં વધારો કર્યો છે. તેમાં એક યુદ્ધજહાજ, એક ન્યૂક્લિયર સબમરીન અને એફ-35 ફાઈટર વિમાનો ગોઠવવામાં આવ્યા છે.
તેજસ્વીથી મોદીજી આટલા ડરે કેમ છે? પીએમના ભાષણ પર લાલુ યાદવનો સવાલ

ઇમેજ સ્રોત, @ashokgehlot51
બિહારમાં ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગાવેલા આરોપોનો આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે જવાબ આપ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક ટિપ્પણી કરીને લખ્યું કે "36 વર્ષના યુવાન તેજસ્વી યાદવથી આટલો ડર શા માટે મોદીજી?"
તેમણે મોદીના ભાષણના એક અંશને પોસ્ટ કરીને લખ્યું કે 37 મિનિટના ભાષણમાં પીએમ મોદીએ 10 કરતા વધુ વખત આરજેડીનું નામ લીધું છે.
પીએમ મોદીએ બિહારના સમસ્તીપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે એનડીએની સરકાર બની ત્યાર પછી ઑક્ટોબર 2005માં બિહાર જંગલરાજમાંથી મુક્ત થયું હતું.
મોદીએ કહ્યું કે નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા ત્યાર પછી કેન્દ્રની કૉંગ્રેસ-આરજેડીના ગઠબંધનની સરકારે તેમના માટે ઘણી પરેશાની પેદા કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















