હાર્ટઍટેક: બાળકોમાં આ લક્ષણ દેખાય તો તેમને હૃદય સંબંધિત તકલીફ હોઈ શકે

વીડિયો કૅપ્શન, Heart Attack : બાળકોમાં આ લક્ષણ દેખાય તો હૃદય સંબંધિત તકલીફ હોઈ શકે, ડૉક્ટરોએ શું ચેતવણી આપી?
હાર્ટઍટેક: બાળકોમાં આ લક્ષણ દેખાય તો તેમને હૃદય સંબંધિત તકલીફ હોઈ શકે
પ્રકાશિત

ભારતમાં તાજેતરમાં સાત-આઠ વર્ષનાં બાળકોમાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુના કેટલાક કિસ્સાએ સૌને ચોંકાવી દીધા છે.

અમદાવાદના થલતેજ એરિયામાં ઝેબર સ્કૂલની આઠ વર્ષની વિદ્યાર્થિનીનું શુક્રવારે સવારે કથિત રીતે હૃદયની બીમારીથી મૃત્યુ થયું છે. ચાલુ સપ્તાહમાં જ કર્ણાટકમાં પણ એક બાળકીનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું અને હવે અમદાવાદમાં આવી ઘટના બની છે.

બંને ઘટનામાં સામ્ય એ છે કે શાળાની અંદર સાત-આઠ વર્ષનાં બાળકોને બેચેની અનુભવાઈ, અચાનક ચક્કર આવ્યા અને બેહોશ થઈને પડી ગયાં. બંને કિસ્સામાં બાળકીઓને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ, પરંતુ તેમને બચાવી શકાઈ ન હતી.

અમદાવાદની ઘટનામાં ચોક્કસ કારણ આવવાનું બાકી છે, પરંતુ નાનાં બાળકોમાં હૃદયની તકલીફો અંગે વેળાસર જાણકારી મેળવીને સારવાર શરૂ કરવી જોઈએ તેવું તબીબોનું માનવું છે.

બીબીસીએ બાળકોના રોગ અને હૃદયરોગના નિષ્ણાતો સાથે વાત કરીને આ સમસ્યાને સમજવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદમાં ત્રીજા ધોરણમાં ભણતી આઠ વર્ષની ગાર્ગી રાણપરા સ્કૂલમાં અચાનક ઢળી પડી હતી અને હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ થઈ રહી છે.

શાળાનાં પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિંહાએ પીટીઆઈને જણાવ્યું હતું કે "સવારના સમયે ગાર્ગી પોતાના ક્લાસરૂમ તરફ જતી હતી ત્યારે તે એક ખુરશી પર બેઠી અને તરત બેભાન થઈને ઢળી પડી હતી."

આ અઠવાડિયે કર્ણાટકમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં બૅંગલુરુથી 160 કિમી દૂર ચમરાજનગર શહેરમાં આઠ વર્ષની એક વિદ્યાર્થિનીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તે મૃત્યુ પામી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.