ગુજરાતમાં ક્યાં વાદળો ઘેરાશે, શું ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ગુજરાતમાં ક્યાં વાદળો ઘેરાશે, શું ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે?
ગુજરાતમાં ક્યાં વાદળો ઘેરાશે, શું ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે?
પ્રકાશિત

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુ દરમિયાન બેથી ત્રણ વખત માવઠાં થતાં હોય છે અને મોટા ભાગે આ કમોસમી વરસાદ પશ્ચિમ તરફથી આવતી સિસ્ટમને કારણે પડે છે.

શિયાળામાં આ વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ(પશ્ચિમી વિક્ષોભ) જ્યારે આવે ત્યારે તેનાથી પ્રેરિત એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનતું હોય છે, જ્યારે આ સાયક્લૉનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર બને ત્યારે ગુજરાતને સામાન્ય રીતે અસર થતી હોય છે.

હાલની સ્થિતિ પ્રમાણે અને વિવિધ હવામાનનાં મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સુધી હવામાન પલટાય તેવી શક્યતા છે.

તેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગાઢ વાદળો દેખાવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારમાં હળવો વરસાદ થાય તેવી થોડી શક્યતા રહેલી છે.

આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી અને બુધવારની આસપાસથી રાજ્યમાં ફરીથી આકાશ સ્વચ્છ થવા લાગશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ તરફથી એક બાદ એક સિસ્ટમો આવી રહી છે અને તેની અસર ઉત્તર ભારત પર થઈ રહી છે. હવે રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે જેની અસર ગુજરાત પર થાય તેવી શક્યતા છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હવે રાજ્યમાં બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.