એ આંદોલનની કહાણી જ્યાંથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નખાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે દુનિયાભરમાં મનાવવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે દુનિયાભરમાં મનાવવામાં આવે છે
પ્રકાશિત
બીબીસી ગુજરાતી

એક સદી કરતાં પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે.

1910માં ક્લેરા જેટકીન નામનાં મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ કામદારોના આંદોલનમાંથી થયો હતો, જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા આપવામાં આવી હતી.

આ દિવસને ખાસ બનાવવાની શરૂઆત 115 વર્ષ પહેલાં એટલે કે 1908માં થઈ હતી, જ્યારે લગભગ પંદર હજાર મહિલાઓએ ન્યૂયૉર્ક શહેરમાં એક પરેડ કાઢી હતી. તેમની માગ હતી કે મહિલાઓના કામના કલાકો ઘટાડવા જોઈએ. પગાર સારો હોવો જોઈએ અને મહિલાઓને પણ મતદાનનો અધિકાર મળવો જોઈએ.

એક વર્ષ પછી, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાની જાહેરાત કરી. તેને આંતરરાષ્ટ્રીય બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્લેરા ઝેટકીન નામનાં મહિલાના મનમાં આવ્યો.

ક્લેરા ઝેટકીને 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો

ઇમેજ સ્રોત, CORBIS / HULTON DEUTSCH

ઇમેજ કૅપ્શન, ક્લેરા ઝેટકીને 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો

ક્લેરા ડાબેરી કાર્યકર હતાં. તેઓ મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતાં હતાં. તેમણે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં કાર્યકારી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું સૂચન કર્યું હતું.

તે કૉન્ફરન્સમાં 17 દેશોમાંથી 100 મહિલાઓ સામેલ થયાં હતાં અને તેમણે સર્વાનુમતે ક્લેરાના સૂચનને સ્વીકારી લીધું. પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1911માં ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં ઉજવવામાં આવ્યો હતો.

તેની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી. તેથી, તકનીકી રીતે આ વર્ષે 112મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઔપચારિક રીતે 1975માં માન્યતા આપવામાં આવી હતી જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ પણ તેની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આ માટે સૌપ્રથમ થીમ યુનાઈટેડ નેશન્સ દ્વારા 1996માં પસંદ કરવામાં આવી હતી, જેનું નામ હતું ‘સેલેબ્રેટિંગ ધ પાસ્ટ ઍન્ડ પ્લાનિંગ ફૉર ફ્યૂચર' અર્થાત કે વીતી ગયેલા સમયની ઉજવણી અને ભવિષ્યની યોજના બનાવવી.

આજે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમાજમાં, રાજકારણમાં અને આર્થિક ક્ષેત્રમાં મહિલાઓની પ્રગતિની ઉજવણી કરવાનો દિવસ બની ગયો છે. જ્યારે તેની પાછળનો મૂળ હેતુ હડતાલ પાડીને અને વિરોધ પ્રદર્શનો કરીને મહિલાઓ અને પુરુષો વચ્ચેની અસમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

બીબીસી ગુજરાતી

8 માર્ચ જ કેમ?

2022માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓ સામે હિંસાનો વિરોધ કરતાં મેક્સિકોનાં મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2022માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓ સામે હિંસાનો વિરોધ કરતાં મેક્સિકોનાં મહિલાઓ

જ્યારે ક્લેરા ઝેટકીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું સૂચન કર્યું, ત્યારે તેમના ધ્યાનમાં કોઈ ચોક્કસ તારીખ નહોતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1917માં નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે રશિયાની મહિલાઓએ 'બ્રેડ ઍન્ડ પીસ'ની માગણી સાથે ઝારના શાસન વિરુદ્ધ હડતાલ કરી હતી. ત્યારબાદ ઝાર નિકોલસ દ્વિતિયે તેમની ગાદી છોડવી પડી હતી.

તે પછી રચાયેલી કામચલાઉ સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો.

બીબીસી ગુજરાતી

લોકો આ દિવસે જાંબલી રંગના કપડાં કેમ પહેરે છે?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જાંબલી રંગ ધારણ કરવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જાંબલી રંગ ધારણ કરવામાં આવે છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઘણીવાર જાંબલી રંગથી ઓળખવામાં આવે છે કારણ કે તે 'ન્યાય અને આદર'નું પ્રતીક માનવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વેબસાઇટ અનુસાર, જાંબલી, લીલો અને સફેદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રંગો છે.

વેબસાઈટ અનુસાર, 'જાંબલી રંગ ન્યાય અને સન્માનનું પ્રતીક છે. લીલો રંગ આશા જગાવે છે જ્યારે સફેદ રંગ શુદ્ધતા દર્શાવે છે.

જો કે, આ રંગને લગતી પૂર્વધારણા અંગે વિવાદ પણ છે. મહિલા અધિકાર કાર્યકરો કહે છે, "મહિલા દિવસને લગતા આ રંગોની શરૂઆત બ્રિટનમાં 1908માં વિમેન્સ સોશિયલ ઍન્ડ પોલિટિકલ યુનિયન (WSPU) સાથે થઈ હતી."

બીબીસી ગુજરાતી

આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પણ છે?

હા, આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પણ છે, જે 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે.

જોકે, તેને ઉજવવાની પ્રથા બહુ જૂની નથી. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી 1990ના દાયકામાં શરૂ થઈ હતી અને તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હજુ સુધી માન્યતા મળી નથી. બ્રિટન સહિત વિશ્વના 80થી વધુ દેશોના લોકો આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરે છે.

આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસના આયોજકોના જણાવ્યા અનુસાર, આ દિવસ 'પુરુષો તેમના પરિવારો અને સમુદાયોમાં સકારાત્મક યોગદાન આપે છે તેની ઉજવણીનો ઉદ્દેશ્ય મહિલા-પુરુષ વચ્ચેના સંબંધોમાં સુધારો કરવાની સાથે સકારાત્મક પુરુષ રોલ મોડલ વિશે વિશ્વને શિક્ષિત કરવાની સાથે સાથે જાગૃતિ ફેલાવવાનો છે.

બીબીસી ગુજરાતી

મહિલા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

2022માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યુક્રેનથી હંગેરી ગયેલી મહિલાઓ અને બાળકોનું ફૂલ આપીને સ્વાગત કરાયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2022માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યુક્રેનથી હંગેરી ગયેલી મહિલાઓ અને બાળકોનું ફૂલ આપીને સ્વાગત કરાયું હતું

ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાષ્ટ્રીય રજા હોય છે. આ દેશોમાં રશિયાનો પણ સમાવેશ થાય છે, જ્યાં 8 માર્ચની આસપાસ ત્રણથી ચાર દિવસમાં ફૂલોનું વેચાણ બમણું થઈ જાય છે.

ચીનમાં નેશનલ કાઉન્સિલના સૂચન પર ઘણી મહિલાઓને 8 માર્ચે અડધા દિવસની રજા આપવામાં આવે છે.

ઇટાલીમાં 8 માર્ચે મહિલાઓને મિમોસાના ફૂલો આપીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા ક્યારે શરૂ થઈ તે સ્પષ્ટ નથી. જો કે, એવું માનવામાં આવે છે કે તેની શરૂઆત બીજા વિશ્વ યુદ્ધ પછી રોમથી થઈ હતી.

અમેરિકામાં માર્ચ મહિનાની તારીખ મહિલાઓની હોય છે. દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે, જેમાં અમેરિકન મહિલાઓની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023ની થીમ શું છે?

અમેરીકી મહિલા ફૂટબૉલ ટીમે સમાન વેતનની લડાઈમાં જીત મેળવી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરીકી મહિલા ફૂટબૉલ ટીમે સમાન વેતનની લડાઈમાં જીત મેળવી છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 માટેની સંયુક્ત રાષ્ટ્રની થીમ છે 'ડિજિટલ ઑલ: જાતિ સમાનતા માટે શોધ અને ટેકનૉલૉજી'. થીમનો ઉદ્દેશ્ય ટેક્નૉલૉજી અને ઑનલાઈન શિક્ષણના ક્ષેત્રમાં છોકરીઓ અને મહિલાઓના યોગદાનને સ્વીકારવા અને તેની ઉજવણી કરવાનો છે.

જોકે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અન્ય મુદ્દાઓ પણ ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વેબસાઇટે તેની થીમ તરીકે #EmbraceEquity પસંદ કરી છે. આ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને કાર્યક્રમો દ્વારા, મહિલાઓની જુનવાણી લૈંગિક ભૂમિકાઓને પડકારવા, ભેદભાવ સામે અવાજ ઉઠાવવા, પૂર્વગ્રહ તરફ ધ્યાન દોરવા અને દરેક ક્ષેત્રમાં મહિલાઓને સામેલ કરવા માટે અવાજ ઉઠાવવામાં આવશે.

બીબીસી ગુજરાતી

મહિલા દિવસ કેમ જરૂરી છે?

અફઘાનિસ્તાનમાં મહિલાઓને અભ્યાસ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં મહિલાઓને અભ્યાસ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે

છેલ્લા એક વર્ષ દરમિયાન અફઘાનિસ્તાન, ઈરાન, યુક્રેન અને યુએસએ જેવા ઘણા દેશોમાં મહિલાઓ તેમનાં દેશોમાં યુદ્ધ, હિંસા અને નીતિ પરિવર્તન વચ્ચે તેમના અધિકારો માટે લડી રહી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તા પર પાછા ફરવાથી માનવ અધિકારોની પ્રગતિ અટકી ગઈ છે. કારણ કે મહિલાઓ અને છોકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા પર રોક લગાવવામાં આવી છે.

તેઓને ઘરની બહાર કામ કરવા અને પુરૂષ સંરક્ષક વિના લાંબા અંતરની મુસાફરી કરવા પર પ્રતિબંધ છે.

તાલિબાને મહિલાઓને ઘરની બહાર અથવા અન્ય લોકોની સામે પોતાનો આખો ચહેરો ઢાંકવાનો આદેશ આપ્યો છે.

બીબીસી ગુજરાતી

ઈરાનમાં વિરોધ પ્રદર્શન

ઈરાનમાં પોલીસે પ્રત્યક્ષદર્શીના એ દાવાને ફગાવી દીધો કે મહસા અમીનીને માર મારવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, MAHSA AMINI FAMILY

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં પોલીસે પ્રત્યક્ષદર્શીના એ દાવાને ફગાવી દીધો કે મહસા અમીનીને માર મારવામાં આવ્યો હતો

મહસા અમીની નામનાં 22 વર્ષની મહિલાનાં મોત બાદ ઈરાનમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. ઈરાનની મોરાલિટી પોલીસ દ્વારા 13 સપ્ટેમ્બર 2022ના રોજ મહસાની ધરપકડ કરવામાં આવી હતી. તેમનાં પર જાહેર સ્થળોએ મહિલાઓનાં વાળને સ્કાર્ફથી ઢાંકવાના કડક નિયમનો ભંગ કરવાનો આરોપ હતો.

ત્યારથી સમગ્ર ઈરાનમાં વિરોધ શરૂ થયો, જેની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. ઈરાનમાં ઘણી મહિલાઓ અને પુરૂષો હવે મહિલાઓ માટે વધુ સારા અધિકારોની માંગ ઉઠાવી રહ્યા છે. તેઓ વર્તમાન રાજકીય નેતૃત્વમાં પણ પરિવર્તન ઈચ્છે છે.

પ્રદર્શનકારીઓનો નારો 'મહિલાઓ, જીંદગી, આઝાદી' છે. ઈરાનની સરકાર આ વિરોધ પ્રદર્શનોને 'હુલ્લડો' કહીને વિરોધીઓ સાથે ખૂબ જ કડકાઈથી કામ કરી રહી છે. વિરોધ પ્રદર્શનોને સરકાર દ્વારા કચડી નાખવાના પ્રયાસોમાં અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે.

24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કરી દીધું હતું. યુએનના એક અહેવાલ મુજબ યુદ્ધના કારણે કિંમતોમાં વધારો અને અછતને કારણે યુક્રેનમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના બનાવોમાં ઘણો વધારો થયો છે.

રૉ સામે વેડના નિર્ણયને ઉથલાવી દેવામાં આવ્યા બાદ સમગ્ર અમેરિકામાં વિરોધ નોંધાયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રૉ સામે વેડના નિર્ણયને ઉથલાવી દેવામાં આવ્યા બાદ સમગ્ર અમેરિકામાં વિરોધ નોંધાયો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

24 જૂન, 2022ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે રૉ વિરુદ્ધ વેડના ઐતિહાસિક કાયદાને પલટાવી દીધો. આ કાયદા હેઠળ અમેરિકન મહિલાઓને ગર્ભપાત કરવાનો અધિકાર હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આખા અમેરિકામાં વિરોધ થયો હતો. હવે ઘણી અમેરિકન મહિલાઓ ગર્ભપાત માટે મેક્સિકો જવાનું પસંદ કરી રહી છે. કારણ કે, 2021માં ઐતિહાસિક નિર્ણય બાદ મેક્સિકોમાં ગર્ભપાતને કાયદેસર કરવામાં આવ્યો હતો.

જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓની સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. દસ વર્ષના સંઘર્ષ પછી નવેમ્બર 2022માં યુરોપિયન સંસદે એક કાયદો પસાર કર્યો છે. આનાથી 2026 સુધીમાં જાહેર વેપાર કરતી કંપનીઓના બોર્ડમાં મહિલાઓનું વધુ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઈ શકશે.

દરમિયાન સ્પેને માસિક સ્રાવ પર આરોગ્ય રજા લેવા અને ગર્ભપાતની સુવિધા વધારવા માટે કાયદો પસાર કર્યો છે.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ અહેવાલ આપ્યો છે કે બીજિંગમાં 2022 વિન્ટર ઑલિમ્પિક ગૅમ્સ સૌથી વધુ લૈંગિક રીતે સંતુલિત હતી. આ રમતોમાં સામેલ કુલ ખેલાડીઓમાંથી 45 ટકા મહિલા એથલીટ હતાં.

2023 ફિફા મહિલા ફૂટબૉલ વર્લ્ડ કપનો વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે તેમાં 36 ટીમો ભાગ લઈ રહી છે. આ મૅચ પહેલા અમેરિકાના ફૂટબોલ કોન્ફેડરેશને ઐતિહાસિક સમજૂતી કરી છે. જેના હેઠળ મહિલા અને પુરૂષ ટીમોને સમાન રકમ ચૂકવવામાં આવશે.

આ પહેલીવાર છે કે જ્યારે કોઈ પણ રમતમાં મહિલાઓ અને પુરુષોને સમાન પૈસા મળશે. મહિલા ખેલાડીઓએ સમાન વેતનની માગ સાથે અનેક મુકદ્દમા દાખલ કર્યા હતા. તેઓ પાંચ વર્ષ કરતાં વધું સમયથી તેમનાં અધિકારો માટે લડી રહ્યાં હતાં.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી