દિલ્હી હુલ્લડો : સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામની જામીન અરજીઓ અંગે શું કહ્યું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2020માં દિલ્હીમાં હુલ્લડના આરોપી ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, ગુલફિશા ફાતિમા તથા મીરન હૈદરની જામીન અરજીઓ ઉપર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સર્વોચ્ચ અદાલતમાં તેમની જામીન અરજીઓ ઉપર શુક્રવારે (તા. 31 ઑક્ટોબર) સુનાવણી હાથ ધરવામાં આવશે.
લાઇવ લૉના અહેવાલ પ્રમાણે, જસ્ટિસ અરવિંદ કુમાર તથા જસ્ટિસ એન વી અંજરિયાની બૅન્ચ સમક્ષ અધિક સૉલિસિટર જનરલ એસ. વી. રાજુએ વધુ સમયની માગણી કરી હતી, જેને ખંડપીઠે ગ્રાહ્ય રાખી હતી અને સુનાવણીને મોકૂફ કરી દીધી હતી.
દિલ્હી પોલીસે જામીન અરજીઓ ઉપર જવાબ આપવા માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ બે અઠવાડિયાંનો સમય માગ્યો હતો, જેને ઉચ્ચતમ અદાલતે નકારી કાઢ્યો હતો.
કાયદાકીય બાબતોનું રિપોર્ટિંગ કરતી વેબસાઇટ લાઇવ લૉના જણાવ્યા પ્રમાણે, ખંડપીઠે પોલીસને જણાવ્યું હતું કે તેમને અગાઉ જ પૂરતો સમય આપવામાં આવ્યો છે. શુક્રવારે સુનાવણી પહેલાં દિલ્હી પોલીસને સોગંધનામું દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા તથા એનઆરસીના વિરોધમાં ફેબ્રુઆરી-2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી.
ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ પછી ફરી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ પછી સીધી ઉડાન શરૂ થઈ ગઈ છે. કોલકાતાથી લગભગ 180 પ્રવાસીઓને લઈને ઇન્ડિગોની ફ્લાઇટ સોમવારે ચીનના ગ્વાંગઝોઉ પહોંચી હતી.
કોવિડ રોગચાળા વખતે શરૂઆતમાં જ ભારત અને ચીન વચ્ચેના ડાયરેક્ટ ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી હતી.
તે વર્ષે લદાખના ગલવાનમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી ઉડાન ફરી શરૂ કરવામાં આવી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હવે બંને દેશો વચ્ચેના સંબંધ ધીમે ધીમે સુધરી રહ્યા છે. ગયા વર્ષે બંને પક્ષે સરહદ પર પેટ્રોલિંગને લઈને એક ઐતિહાસિક સમજૂતી પણ કરી હતી.
આ વર્ષે ઑગસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ચીનના પ્રવાસે ગયા હતા. ઓગસ્ટમાં જ ચીનના વિદેશમંત્રી વાંગ યી ભારત આવ્યા હતા.
ભારત સરકારનું કહેવું છે કે ફ્લાઇટ ફરી શરૂ થવાથી બંને દેશો વચ્ચે સંપર્ક વધશે અને 'દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવામાં' મદદ મળશે.
બિહારની ચૂંટણી અગાઉ જેડીયુમાંથી 16 નેતાની હકાલપટ્ટી

ઇમેજ સ્રોત, ANI
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે જેડીયુએ બળવાખોરો સામે કાર્યવાહી કરી છે. કાર્યવાહીના ભાગરૂપે 16 નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે, જેમાં એક વર્તમાન ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ મંત્રીઓ સામેલ છે.
જેમની હકાલપટ્ટી કરવામાં આવી છે તેમાં મોટા ભાગના એવા છે જેઓ એનડીએના સત્તાવાર ઉમેદવારની સામે ચૂંટણીમાં ઊતર્યા છે.
જેડીયુએ આ લોકો પર 'પક્ષ વિરોધી પ્રવૃત્તિ'માં સામેલ હોવાનો અને જેડીયુની વિચારધારાની વિરુદ્ધ જવાનો આરોપ લગાવ્યો છે.
હકાલપટ્ટી કરવામાં આવેલા નેતાઓમાં ભાગલપુર જિલ્લાના ગોપાલપુરના વર્તમાન ધારાસભ્ય નરેન્દ્ર નીરજ ઉર્ફે ગોપાલ મંડલ પણ સામેલ છે, જેઓ ઘણા વિવાદોના કારણે ચર્ચામાં છે.
ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત અગાઉ અમેરિકા-ચીન વચ્ચે સહમતિ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ચીન વચ્ચે એક સંભવિત વ્યાપાર સંધિ માટે સહમતિ સધાઈ છે. આ અઠવાડિયે બંને દેશના નેતાઓ વચ્ચે મુલાકાત દરમિયાન તેના પર ચર્ચા થશે.
અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે આના વિશે માહિતી આપી છે.
બીબીસીની અમેરિકન સહયોગી ચેનલ સીબીએસ સાથે વાતચીતમાં બેસેન્ટે જણાવ્યું કે વાતચીતમાં ટિકટૉકના અમેરિકન સંચાલન પર 'ફાઈનલ ડીલ' અને ચીન દ્વારા દુર્લભ ખનીજો પર લગાવવામાં આવેલા નવા નિયંત્રણોને ટાળવાનો સમાવેશ થાય છે.
તેમણે એવું પણ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનના સામાન પર 100 ટકા ટેરિફ લાગુ થવાની સંભાવના નથી. ચીન અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં સોયાબીનની ખરીદી ફરી શરૂ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















