ફિફા વર્લ્ડકપ ફાઇનલ : 106મી મિનિટે એક જ ગોલ ફટકાર્યો અને આર્જેન્ટિનાનું સપનું તૂટ્યું, સ્પેન વિજેતા

બીબીસી ગુજરાતી ફિફા ફૂટબૉલ વર્લ્ડકપ 2026 સ્પેન આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, Alex Pantling - FIFA/FIFA via Getty Images

ઇમેજ કૅપ્શન, વર્લ્ડકપની ટ્રૉફી સાથે ઉજવણી કરતી સ્પેનની ટીમ
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ફૂટબૉલ વર્લ્ડકપની ફાઇનલ મૅચ ફિક્કી અને એકંદરે નિરાશાજનક રહી હતી, જેમાં ઍક્સ્ટ્રા ટાઇમમાં સ્પેને ગોલ કર્યો અને આર્જેન્ટિનાને 1-0થી પરાજય આપ્યો હતો. આ સાથે જ સ્પેને બીજી વખત ફૂટબૉલ વર્લ્ડકપ જીત્યો છે.

મૅચમાં ફક્ત એક ગોલ થયો અને તે ફેરાન ટોરેસે કર્યો હતો. આર્જેન્ટિનાની ટીમ 10 ખેલાડી સાથે રમી રહી હતી અને તેનો પરાજય થયો હતો.

યુરોપિયન ચૅમ્પિયન સ્પેને સમગ્ર રમત દરમિયાન હાલની વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની તુલનામાં વધારે અને ઉત્તમ ચાન્સ મેળવ્યા હતા. બીજી તરફ આર્જેન્ટિનાની રમત બહુ જ રક્ષણાત્મક હતી અને તેણે મુકાબલાની ઝડપ પર બ્રેક લગાવી હતી.

આર્જેન્ટિનાએ 10 ખેલાડી સાથે રમવું પડ્યું

બીબીસી ગુજરાતી ફિફા ફૂટબૉલ વર્લ્ડકપ 2026 સ્પેન આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મૅચ પછી સ્પેનના ખેલાડીને અભિનંદન આપતા આર્જેન્ટિનાના લિયોનલ મેસ્સી

ઍક્સ્ટ્રા સમય શરૂ થયો તેનાથી બરાબર પહેલાં એન્જો ફર્નાન્ડીઝને રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. ત્યાર પછી ટીમ 10 ખેલાડી સાથે રમવા મજબૂર થઈ હતી.

મૅચની 106મી મિનિટમાં ફેરાસ ટોરેસે નિકો વિલિયમ્સના હેડરને કન્ટ્રોલ કરીને બહુ નજીકથી જોરદાર શૉટ લગાવ્યો, જેનાથી આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ રોકી ન શક્યા.

આ જ ગોલ સ્પેનને વર્લ્ડ ચૅમ્પિયન બનાવવા માટે નિર્ણાયક સાબિત થયો. જોકે, નિષ્ણાતો માને છે કે જેની બહુ રાહ જોવાતી હતી તે ફાઇનલ મૅચ અપેક્ષામાં ઊણી ઊતરી હતી.

વારંવાર મૅચમાં અવરોધ આવ્યા અને તેના કારણે સંઘર્ષ રોમાંચક બનવાના બદલે કંટાળાજનક બની ગયો હતો.

મેદાનની બહાર વર્લ્ડકપનાં રંગરૂપ એકદમ અલગ હતા. મૅચથી અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ હેલિકૉપ્ટરના કાફલા સાથે ન્યૂ જર્સી પહોંચ્યા હતા. વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલા હાફ-ટાઇમ શોમાં શકીરા, મેડોના અને જસ્ટિન બીબર જેવા કલાકારોએ પ્રસ્તુતિ કરી હતી.

તેના કારણે મધ્યાંતરનો સમય 15 મિનિટના બદલે 27 મિનિટનો રહ્યો હતો.

સ્પેને ફાઇનલમાં કેવી રમત દેખાડી?

બીબીસી ગુજરાતી ફિફા ફૂટબૉલ વર્લ્ડકપ 2026 સ્પેન આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, FRANCK FIFE / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પેનિશ ખેલાડીઓથી ઘેરાયેલા આર્જેન્ટિનાના ફોરવર્ડ નિકોલસ ગોન્ઝાલેઝ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૅચના પ્રથમ હાફમાં સ્પેનના લામિન યમાલ અને મિકેલ ઓયારજાબાલે આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝની આકરી કસોટી કરી હતી. માર્ટેનેઝે બંને વખત શાનદાર બચાવ કર્યો હતો.

સ્પેનના ખેલાડી સતત રેફરી સ્લાવકો વિનચિચના નિર્ણય પર નારાજગી દર્શાવતા હતા.

મૅચની 40મી મિનિટમાં લિસાન્દ્રો માર્ટેનેઝે મિકેલ ઓયારજાબાલને પછાડ્યા, તેથી તેમને યલો કાર્ડ દેખાડાયું હતું. જોકે, ઈજાના કારણે તેમણે થોડા સમય પછી મેદાન છોડવું પડ્યું.

ઈજા ટાઇમમાં મુકાબલો વધુ તણાવપૂર્ણ થઈ ગયો જ્યારે સ્પેનિશ ડિફેન્ડર પાઉ ક્યૂબાર્સી પર બેદરકારીભર્યા ટેકલ બદલ બીજું યલો કાર્ડ મળ્યું અને એન્ઝો ફર્નાન્ડીઝને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યા હતા.

એમિલિયાનો માર્ટિનેઝ આર્જેન્ટિનાના શ્રેષ્ઠ ડિફેન્ડર સાબિત થયા. નિર્ધારિત સમયની અંતિમ ક્ષણોમાં લામિન યમાલની ફ્રી-કીકને શાનદાર રીતે રોકીને તેમણે મૅચને ઍક્સ્ટ્રા ટાઇમ સુધી લંબાવી હતી.

વધારાના સમય દરમિયાન પણ તેમણે નિકો વિલિયમ્સના હેડરને રોકીને એક ઉત્કૃષ્ટ બચાવ કર્યો હતો.

ત્યાર બાદ વિલિયમ્સે એક ગોલ પણ કર્યો હતો, પરંતુ તેને અમાન્ય ઠેરવવામાં આવ્યો, કારણ કે અવેજી ખેલાડી મિકેલ મેરિનોએ નિકોલસ ઓટામેન્ડી પર ફાઉલ કર્યો હતો.

ઇજિપ્ત અને ઇંગ્લૅન્ડ સામે નૉકઆઉટ તબક્કામાં પાછળ રહી ગયા બાદ આર્જેન્ટિનાએ શાનદાર વાપસી કરીને જીત મેળવી હતી, પરંતુ ફાઇનલમાં તેઓ તેમ કરવામાં સફળ રહ્યા ન હતા.

1-0થી જીત મેળવીને સ્પેને 16 વર્ષ બાદ બીજી વખત પુરુષોના વર્લ્ડકપની ટ્રૉફી જીતી લીધી.

આ જીત સાથે સ્પેને ઇતિહાસ પણ રચ્યો. તે વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો જેની પાસે પુરુષો અને મહિલાઓ બંનેના ફૂટબૉલ વર્લ્ડકપના ખિતાબ એકસાથે છે.

આર્જેન્ટિનાની હારનાં પાંચ મુખ્ય કારણો

બીબીસી ગુજરાતી ફિફા ફૂટબૉલ વર્લ્ડકપ 2026 સ્પેન આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફૂટબૉલ વર્લ્ડકપની ટ્રોફી

1. લિયોનલ મેસ્સી પર જરૂરિયાત કરતા વધારે નિર્ભરતા

ફાઇનલમાં સ્પેન લિયોનલ મેસ્સીને આશ્ચર્યજનક રીતે શાંત રાખવામાં સફળ રહ્યું. ફાઇનલ સુધીની ટુર્નામેન્ટમાં આઠ ગોલ કરનારા આર્જેન્ટિનાના કૅપ્ટન આ મૅચમાં એક પણ ગોલ કરી ન શક્યા. એટલું જ નહીં, સામાન્ય રીતે પોતાની ચપળતા અને પ્રતિસ્પર્ધીઓને થાપ આપવામાં માહેર ગણાતા મેસ્સી પાસિંગની જે ચોકસાઈ માટે જાણીતા છે, તે આ મૅચમાં જોવા મળી ન હતી.

લિયોનલ મેસ્સીની વર્લ્ડકપ કારકિર્દીની આ અંતિમ મૅચ હતી અને તેનો અંત નિરાશાજનક રહ્યો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાએ ખિતાબ ગુમાવ્યો અને મેસ્સી આ મૅચમાં કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા નહીં. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મેસ્સીનો જાદુ છવાયેલો રહ્યો હોવા છતાં ફાઇનલમાં સ્પેને તેમના પર ચાંપતી નજર રાખી હતી. તેઓ માત્ર એક જ શૉટ લગાવી શક્યા અને તે પણ લક્ષ્ય ચૂકી ગયા હતા.

2. ટીમ રક્ષણાત્મક મોડમાં રમી

બીબીસી ગુજરાતી ફિફા ફૂટબૉલ વર્લ્ડકપ 2026 સ્પેન આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇનલમાં લિયોનલ મેસ્સી પર ઘણી આશા હતી, પરંતુ તેઓ ગોલ કરી ન શક્યા

આર્જેન્ટિનાની રણનીતિથી પણ મેસ્સીને ખાસ મદદ મળી નહીં. પોતાની આક્રમક રમત પર આધાર રાખવાને બદલે ટીમે સ્પેનની રમતને ખોરવી નાખવાનો અને તેમને હતાશ કરવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોનું માનવું છે કે સ્પેનની જીતનું અંતર હજુ પણ વધારે હોઈ શક્યું હોત, કારણ કે ટીમે ગોલ કરવાની ઘણી સરળ તકો ગુમાવી હતી. આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો 'ડિબુ' માર્ટિનેઝે અનેક શાનદાર બચાવ કર્યા અને પોતાની ટીમના શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયા.

આર્જેન્ટિનાની સૌથી મોટી સફળતા એ રહી કે તેઓ સ્પેનના સતત આક્રમણનો સામનો કરીને મૅચને ઍક્સ્ટ્રા ટાઇમ સુધી ખેંચી ગયા. ખાસ કરીને 93મી મિનિટમાં એન્જો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ મળ્યા પછી 10 ખેલાડીઓ સાથે રમીને નિર્ધારિત સમય સુધી બરાબરી જાળવવી આસાન ન હતી.

મૅચની અંતિમ ક્ષણોમાં આર્જેન્ટિનાની પાસે જીત છીનવી લેવાની તક હતી. જુલિયાનો સિમોનની આગેવાનીમાં બે ખતરનાક હુમલા થયા, પરંતુ ફૂટબૉલમાં નસીબ પણ હોય છે અને તે સ્પેનની પડખે હતું. એક તકને કૉર્નરમાં બદલી દેવાઈ, જ્યારે બીજો શૉટ ગોલપોસ્ટ ઉપરથી નીકળી ગયો.

3. સ્પેનના મિડફિલ્ડનો દબદબો

બીબીસી ગુજરાતી ફિફા ફૂટબૉલ વર્લ્ડકપ 2026 સ્પેન આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીતની ઉજવણી કરતા સ્પેનના ખેલાડીઓ

આખી ટુર્નામેન્ટ દરમિયાન સ્પેનના મિડફિલ્ડે રમતની ઝડપને પોતાની મરજી પ્રમાણે નિયંત્રિત કરી અને વિરોધી ટીમને લાંબો સમય બૉલ પોતાની પાસે રાખવા ન દીધો. સ્પેન પહેલેથી પોતાના ઝડપી પાસિંગ માટે જાણીતું છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં તેની બૉલને છીનવીને દબાવ બનાવવાની ક્ષમતા એટલી જ પ્રતિભાશાળી રહી. ખિતાબી મુકાબલામાં સ્પેનના ખેલાડીઓએ મેદાન પર મહત્તમ સમય સુધી બૉલ પોતાની પાસે રાખ્યો અને આર્જેન્ટિનાને લયમાં આવવા ન દીધું.

4. એક ખેલાડીની કમી

બીબીસી ગુજરાતી ફિફા ફૂટબૉલ વર્લ્ડકપ 2026 સ્પેન આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એન્ઝો ફર્નાન્ડીઝ મેદાનમાંથી બહાર જવાના કારણે આર્જેન્ટિનાએ 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું

બીજા હાફના ઇન્જરી ટાઇમની ત્રીજી મિનિટમાં પાઉ કુબારસી પર જાણી જોઈને ફાઉલ કરવા બદલ એન્ઝો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ બતાવવામાં આવ્યું અને તેમણે મેદાન છોડવું પડ્યું. પરિણામે, આર્જેન્ટિનાની ટીમે 10 ખેલાડીઓ સાથે સ્પેનનો સામનો કરવો પડ્યો.

કોઈ પણ ટીમ માટે 10 ખેલાડીઓ સાથે રમવું મુશ્કેલ હોય છે, ખાસ કરીને એવી સ્પેનિશ ટીમ સામે જેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન માત્ર એક જ ગોલ ખાધો હતો. ઍક્સ્ટ્રા ટાઇમના બીજા હાફની છઠ્ઠી મિનિટે સ્પેને પોતાની સંખ્યાની સરસાઈનો લાભ લીધો અને ફેરાન ટોરેસ યોગ્ય સ્થિતિમાં હોવાથી સરળતાથી બૉલને નેટમાં પહોંચાડી દીધો.

આ ઉપરાંત પ્રથમ હાફના અંતિમ તબક્કે માર્ટિનેઝે ઈજાને કારણે મેદાન છોડવું પડ્યું હતું. પરિણામે, કોચ લિયોનેલ સ્કાલોનીએ અનુભવી ડિફેન્ડર નિકોલસ ઓટામેન્ડીને મેદાનમાં ઉતારવા પડ્યા હતા, જેમણે આ સમગ્ર ટુર્નામેન્ટમાં અગાઉ માત્ર એક જ મૅચ રમી હતી, અને તે પણ ગ્રૂપ સ્ટેજ દરમિયાન.

બીબીસી ગુજરાતી ફિફા ફૂટબૉલ વર્લ્ડકપ 2026 સ્પેન આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૅચ દરમિયાન શકીરા અને બીજા કલાકારોએ પર્ફૉર્મન્સ કર્યું હતું

5. સ્પેનની ટીમે તાકાત દેખાડી

સ્પેન પાસે કિલિયન એમ્બાપે, લિયોનલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા સુપરસ્ટાર નથી તે વાત ખરી, પરંતુ તેમની પાસે એક ટીમ છે જે એક જોરદાર મશીનની જેમ સામૂહિક રીતે રમે છે.

મિકેલ ઓયારજાબાલના પાંચ ગોલ, રોડ્રી અને પેડ્રીની શાનદાર પ્લેમેકિંગ, માર્ક કુકુરેયાનો જોરદાર દેખાવ અને મિકેલ મેરિનોનું બેન્ચ પરથી આવીને મેદાન પર શાનદાર પ્રદર્શન - આ આખી ટીમમાં એક ખેલાડીને સૌથી અલગ દેખાડવા મુશ્કેલ છે. તે એક ઑર્કેસ્ટ્રાની જેમ છે જ્યાં બધા ખેલાડી પોતાની ભૂમિકા બહુ સારી રીતે જાણે છે.

આ સફળતાનું શ્રેય મુખ્ય કોચ લુઇસ દે લા ફુએન્તેને પણ જાય છે. તેઓ મીડિયામાં નથી ચમકતા, પરંતુ તેમણે સ્પેનિશ ટીમને એકજૂથ કરી અને પછી ફૂટબૉલ વર્લ્ડકપના શિખર પર પહોંચાડી.

દે લા ફુએન્તેએ 2022માં સ્પેનની રાષ્ટ્રીય ટીમની કમાન સંભાળી હતી. તે વર્ષે કતારમાં યોજાયેલા વર્લ્ડકપમાં સ્પેને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં મોરક્કો સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જે એક બહુ મોટો આંચકો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન