તામિલનાડુ: દલિત ખેડૂતોને ઇડીએ જાતિનો ઉલ્લેખ કરી સમન્સ મોકલ્યું, વિવાદ શું છે?

ખેડૂત કન્નૈયન
ઇમેજ કૅપ્શન, ખેડૂત કન્નૈયન
    • લેેખક, કે માયાકૃષ્ણન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

તામિલનાડુમાં ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીના સમન્સને લઈને વિવાદ થયો છે. ઇડીએ સેલમ જિલ્લાના અટ્ટૂરમાં ખેડૂતોને સમન્સ મોકલ્યાં હતાં. જેમાં તપાસ એજન્સીએ દલિત ખેડૂતોની જાતિનો ઉલ્લેખ કર્યો હતો.

આ કેસ કન્નૈયન અને કૃષ્ણન નામના બે ભાઈ સાથે જોડાયેલો છે, જેઓ સલેમ જિલ્લાના અટ્ટૂરના રામનાયકન પલાયમના રહેવાસીઓ છે. તેઓ કલવારાયણ પર્વતોની તળેટીમાં સાડા છ એકર જમીન ધરાવે છે.

ઇડીએ તેમને મોકલેલા સમન્સમાં જાતિ અને સરનામાનો ઉલ્લેખ કર્યો છે. એજન્સી જે રીતે કેસની તપાસ કરી રહી છે તેના પર પણ સવાલો ઊઠી રહ્યા છે.

જ્યારે બીબીસીએ ઈડી પાસેથી આ મામલે તેમનું વલણ જાણવાનો પ્રયાસ કર્યો તો અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો અને માત્ર એટલું જ કહ્યું કે આ મામલે તપાસ હજુ ચાલુ છે.

ભાજપના નેતા સામે ફરિયાદ

પોલીસ અધિક્ષકને ફરિયાદ
ઇમેજ કૅપ્શન, પોલીસ અધિક્ષકને ફરિયાદ

આ મામલે બંને ભાઈઓએ સેલમ જિલ્લાના પોલીસ અધીક્ષકને ફરિયાદ કરી છે. તેમણે ભાજપના નેતા ગુણાશેકરન સામે કાર્યવાહીની માગ કરી છે. બંને ભાઈએ ભાજપના નેતા પર તેમની જમીન હડપ કરવા માગતા હોવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે ઇડી સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. જાતિનો ઉલ્લેખ કરીને ઇડીએ જુલાઈ 2023માં આ સમન્સ પાઠવ્યું હતું.

ખેડૂતોનું કહેવું છે કે ઇડી એવા ખેડૂતોને ટાર્ગેટ કરી રહી છે જેઓ મુશ્કેલીમાં છે અને ઘણાં વર્ષોથી પોતાની જમીન પર ખેતી કરી શક્યા નથી.

ખેડૂતોએ આ અંગે એક પ્રેસ-કૉન્ફરન્સ પણ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ સમગ્ર કાવતરું સેલમ જિલ્લાના ભાજપ પ્રભારી ગુણાશેકરને રચ્યું છે.

ખેડૂતોનો આરોપ શું છે?

ઇડીનું સનન્સ
ઇમેજ કૅપ્શન, ઇડીનું સનન્સ

કૃષ્ણન કહે છે કે આ મામલો જમીનના અસલી માલિક અને નકલી દસ્તાવેજના કારણે સામે આવ્યો છે.

તેમનો દાવો છે કે તેમણે તેમની પાંચ એકર જમીન ગિરવી મૂકી હતી અને અટ્ટુર સબ કોર્ટમાં ગુણાશેકરન સામે કેસ દાખલ કર્યો હતો.

તેમણે કહ્યું કે તેઓ 2020થી આ અંગે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે અને ઇડીએ તેમની વિરુદ્ધ 'ખોટી ફરિયાદ' દાખલ કરી છે.

દલિત ખેડૂતોને જુલાઈ 2023માં ઇડી તરફથી સમન્સ મળ્યું હતું. જેમાં તેમની જાતિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

‘વકીલોને ના લાવવા કહ્યું’

બે ખેડૂત ભાઈઓ
ઇમેજ કૅપ્શન, બે ખેડૂત ભાઈઓ

સમન મળ્યા બાદ જ્યારે ખેડૂતો પૂછપરછ માટે ચેન્નાઈમાં ઇડી ઑફિસ પહોંચ્યા ત્યારે તેમને તેમના વકીલને ન લાવવા માટે કહેવામાં આવ્યું હતું. એ પછી ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી.

એક સ્થાનિક પત્રકારે આ મામલો ઉઠાવ્યો ત્યારે મીડિયા સામે આવ્યો છે.

આ પછી ખેડૂતોએ ગુણાશેકરન અને ઇડી અધિકારીઓ વિરુદ્ધ તામિલનાડુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીઓનો આરોપ છે કે આ મામલો ભાજપ અને ઇડી અધિકારીઓ સાથે સંકળાયેલા લોકો વચ્ચેની કથિત સાઠગાંઠને ઉજાગર કરે છે.

ખેડૂતોના વકીલ પરવીનાએ તામિલનાડુ સરકારને અપીલ કરી છે કે તેઓ આવા મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તેના પર ધ્યાન આપે.

તેમણે આરોપ લગાવ્યો છે કે ઇડીના અધિકારીઓ તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.

વકીલનું કહેવું છે કે પૂરતા પુરાવા વિના ઇડીએ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ સમન મોકલવું જોઈએ નહીં.

ભાજપના નેતા ગણાસેકરન
ઇમેજ કૅપ્શન, ભાજપના નેતા ગણાસેકરન

સામાન્ય લોકો ઉપરાંત ઘણા નેતાઓએ પણ સમન્સમાં ખેડૂતોની જાતિનો ઉલ્લેખ કરવા બદલ ઇડીની આકરી ટીકા કરી છે.

આ મામલામાં ચેન્નાઈના ભારતીય મહેસૂલ સેવાના અધિકારીએ પણ કેન્દ્રીય તપાસ એજન્સીની ટીકા કરી છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે એજન્સીને 'ભાજપ પૉલિસી ઇડી' બનાવી દીધી છે. તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની પણ માગ કરી છે. આ અધિકારી આ મહિને નિવૃત્ત થવાના છે.

ચેન્નાઈ નૉર્થના જીએસટી અને સૅન્ટ્રલ એક્સાઇઝ ડેપ્યુટી કમિશનર બી બાલામુરુગને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને નાણામંત્રી નિર્મલા સીતારમણને બરતરફ કરવાની માગ કરી છે.

બી બાલામુરુગન વકીલ પરવીનાના પતિ છે, જે દલિત ખેડૂતોના કેસ સંભાળે છે.

ઇડીનું શું કહેવું છે?

ખેડૂતોના વકીલ પરવીના
ઇમેજ કૅપ્શન, ખેડૂતોનાં વકીલ પરવીના

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ આ ખેડૂતોને બે જંગલી ભેંસની હત્યા સાથે સંબંધિત એક અલગ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને જ્યારે ઇડીને આ માહિતી મળી ત્યારે એજન્સીએ ખેડૂતો વિરુદ્ધ આ કેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઇડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસને શરૂઆતમાં વન્ય જીવ બાબતોની દેખરેખ હેઠળ આગળ વધારવામાં આવ્યો હતો.

ખેડૂતો વિરુદ્ધ વનવિભાગનો તે જૂનો કેસ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 51 અને 9 હેઠળ બે જંગલી ભેંસની હત્યા સંબંધિત હતો, જે એક ગુનો છે.

ઇડીના અધિકારીઓએ નામ ન આપવાની શરતે હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું, "અમે કોર્ટના આદેશો અને વન્ય જીવ બાબતો પર ફાઇનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સના આદેશોને કારણે આવા ઘણા કેસોની તપાસ કરી રહ્યા છીએ."

સમન્સમાં જાતિના નામનો સમાવેશ કરવા સંબંધિત પ્રશ્ન પર અન્ય ઇડી અધિકારીએ કહ્યું કે એજન્સીએ પોલીસ જેવી જ પરિભાષાનો ઉપયોગ કર્યો છે અને તે પ્રમાણભૂત પ્રથાનો એક ભાગ છે.

તેમણે કહ્યું કે આ મામલે કોઈ તપાસ થવી જોઈતી નહોતી અને તેનો કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી.

ઇડીના અધિકારીઓ સામે કેસ દાખલ કરવાની માગ

ખેડૂત
ઇમેજ કૅપ્શન, ખેતર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તામિલનાડુની તમિળ રાષ્ટ્રવાદી પાર્ટી ‘નામ તમિલર કાચી’એ આ મામલે ઇડીની નિંદા કરી છે.

પાર્ટીના મુખ્ય સંયોજક સીમાએ કહ્યું કે એક તરફ ભાજપ સામાજિક ન્યાયની વાત કરે છે અને બીજી તરફ કેન્દ્રીય તપાસ એજન્સી જાતિના નામનો ઉપયોગ કરીને સમન્સ જારી કરે છે.

પુથિયા તમિલગમ પાર્ટીના પ્રમુખ કે કૃષ્ણસામીએ આ મામલે ઇડી પાસે જવાબ માગ્યો છે. તેમણે સમન્સમાં જાતિ લખવા માટે જવાબદાર અધિકારીઓ સામે અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવાની માગણી કરી છે.

ભારતીય માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના બાલકૃષ્ણને પણ દલિત ખેડૂતોને પૂછપરછ માટે બોલાવવા બદલ ઇડીની નિંદા કરી છે.

તામિલનાડુ ભાજપના વડા અન્નામલાઈએ જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ માટે રાજ્ય સરકારના રેકૉર્ડ પર આધાર રાખવો તે પ્રમાણભૂત પ્રક્રિયા છે.

તેમણે કહ્યું કે ઇડી અધિકારીઓએ આ મામલામાં ખેડૂતોની જાતિનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે વનવિભાગે આ પહેલાં પણ આવા જ એક કેસમાં આવું કર્યું હતું.

અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ અને ઇડી વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેમણે સૂચન કર્યું કે ભવિષ્યમાં ઇડીએ રાજ્ય સરકારના રેકૉર્ડની કડક તપાસ કરવી જોઈએ.

આ કેસ પર સવાલ ઉઠાવનારાઓનું કહેવું છે કે આ ઘટના ઇડીની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવે છે અને ખાસ કરીને જ્યારે આ કેસ ગરીબ, પછાત લોકો સાથે સંબંધિત હોય.

બીબીસી
બીબીસી