બોટાદની પાંજરાપોળમાં 40થી વધુ ગાયોનાં મૃત્યુ કેવી રીતે થયાં

ઇમેજ સ્રોત, SACHIN PITHWA
બોટાદ જિલ્લાના ટ્રસ્ટ સંચાલિત પાંજરાપોળમાં 40થી વધુ ગાયોનાં મૃત્યુ થતાં સ્થાનિકોમાં આક્રોશ છે. તેઓ પાંજરાપોળ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
પોલીસે મામલામાં ફરીયાદ નોંધીને પાંજરાપોળના સંચાલકની ધરપકડ કરી છે.
બીબીસી સહયોગી સચીન પીઠવાએ જણાવ્યું કે ઘટના બાદ પાંજરાપોળમાં જેટલી પણ ગાયો હતી તેમને બીજી ગૌશાળાઓમાં મોકલી આપવામાં આવી છે.
હાલ સમગ્ર ઘટના પાછળનાં કારણો વિશે પોલીસ તપાસ કરી રહી છે.
પાંજરાપોળમાં હાલ ન તો ગાયો છે અને ન કોઈ સ્ટાફ.
સચીન પીઠવાએ વધુમાં જણાવ્યું કે પોલીસની ટીમો અને પશુચિકિત્સકોએ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ઘટના વિશેની માહિતી અને પુરાવાઓ એકઠાં કર્યાં હતાં.
તેમના જણાવ્યા પ્રમાણે પોલીસે કાર્યવાહી તો કરી છે પરંતુ લોકોમાં હજુ પણ આક્રોશ છે. ગામલોકો અને પશુપ્રેમીઓએ મૃત ગાયોના અંતિમસંસ્કાર પણ કર્યા હતા.
ગામલોકોએ દરોડો પાડતા મામલો બહાર આવ્યો

ઇમેજ સ્રોત, SACHIN PITHWA
બોટાદના સાલૈયા ગામ નજીક ભુતડા દાદાના ડુંગર ઉપર આવેલી 'રાધિકા પાંજરાપોળ'માં આશરે 500થી વધુ ગાયો રાખવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગૌશાળામાં ગાયોનાં મૃત્યુ થતાં હોવાની માહિતી મળતા રવિવારે મોટી સંખ્યામાં સાલૈયા અને આજુબાજુનાં ગામોના લોકો પાંજરાપોળમાં પહોંચ્યા હતા.
ગામલોકોને 35 જેટલી ગાયના મૃતદેહ સ્થળ પરથી મળી આવ્યા.
લોકોએ આ ઘટનાની પોલીસને જાણ કરી હતી. ગામલોકો અને પોલીસની ટીમ પાંજરાપોળની અંદર પ્રવેશ કર્યો તો બીજી અનેક ગાયો બીમાર હાલતમાં અને કેટલીક મૃત હાલતમાં મળી આવી હતી. ગામલોકોએ પશુચિકિત્સકને બોલાવીને બીમાર ગાયોની સારવાર કરાવી હતી.
સચીન પીઠવા કહે છે, ''બે દિવસથી પાંજરાપોળમાંથી ગાયોના મૃતદેહો વિવિધ જગ્યાએ દફનાવવામાં આવી રહ્યા હતા. ગામલોકોને શંકા જતાં તેઓ પાંજરાપોળમાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં હાજર વ્યક્તિ ભાગી છૂટી હતી.''
સાલૈયા ગામમાં રહેતા રમેશ પટેલે બીબીસીને જણાવ્યું, ''બે દિવસથી લોકો ફરીયાદ કરતા હતા કે ગાયો મૃત્યુ પામી રહી છે અને એટલે અમે પાંજરાપોળમાં જઈને સમગ્ર સ્થિતિનો તાગ મેળવવાનું નક્કી કર્યું હતું. અમે જ્યારે અંદર પહોંચ્યા ત્યારે ગાયો મૃત અવસ્થામાં મળી આવી હતી. આશરે 100 જેટલી ગાયો ગંભીર રીતે બીમાર હતી.''
''અમે પાંજરાપોળની આસપાસ તપાસ કરી તો કેટલીક ગાયો જમીનમાં દાટવામાં આવી હતી અને કેટલીક ગાયોના મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવ્યા હતા.''
ગામલોકોના કહેવા અનુસાર ભોજન અને પાણીના અભાવે ગાયોનાં મોત થયાં છે. તેમનો દાવો છે કે પાંજરાપોળની અંદર ઘાસચારો અને પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી, જેના કારણે આ ઘટના ઘટી છે.

ઇમેજ સ્રોત, SACHIN PITHWA
સ્થાનિક રહીશ વિજયભાઈ દલવાણિયા કહે છે, ''પાંજરાપોળમાં માત્ર એક જ વ્યક્તિ કામ કરે છે. આટલી બધી ગાયોની સંભાળ લેવી એકલી વ્યક્તિ માટે અશક્ય છે. અમે અંદર ગયા ત્યારે એક પણ જગ્યાએ પાણીની વ્યવસ્થા નહોતી. જે સંખ્યામાં મૃતદેહો મળ્યા છે તેને જોતા લાગે છે કે 50થી 60 ગાયો મૃત્યુ પામી હોઈ શકે છે. અમને 35 ગાયોના મૃતદેહો દાટેલી અવસ્થામાં મળ્યા છે.''
ડૉક્ટરોની એક ટીમ દ્વારા મૃત ગાયોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં પશુચિકિત્સક આર. જી. માળીએ ભૂખ્યા અને તરસ્યા રહેવાનાં કારણે ગાયોનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું, ''ગાયોના મૃતદેહના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ભૂખ્યા રહેવાથી અને શરીરમાં પાણીના અભાવે તે મૃત્યુ પામી છે. અમે 100થી વધુ ગાયોની સારવાર કરાવી છે. હાલ બધી ગાયોને બીજી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે.''
બોટાદ પોલીસે આ ઘટનામાં રાધિકા ગૌશાળા પાંજરાપોળના સંચાલક મિથીલાનંદ બાપુ સામે ફરીયાદ દાખલ કરી છે.
પોલીસે રવિવાર મોડી સાંજે મિથીલાનંદ બાપુની ધરપકડ પણ કરી હતી.
આ ઘટના મામલે બીબીસી ગુજરાતીને વિગતો આપતા બોટાદના ડિવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું, “આ ગૌશાળામાં લગભગ 40 જેટલી ગાયનાં ભૂખ અને તરસ તથા યોગ્ય સારસંભાળ ન રાખવાને કારણે મૃત્યુ થયાંનું જણાયું છે. અમે સંચાલકની ધરપકડ કરી છે. જેથી બોટાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 તથા પ્રાણી પ્રત્યે ઘાતકી વલણ દેખાડવા મામલે અધિનિયમ 11 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની તપાસ ચાલુ છે. આ મામલે જે કોઈ અન્યની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.”
સચીન પીઠવાએ જણાવ્યું, ''ઘટના બાદ હાલ પાંજરાપોળને બંધ કરી દેવામાં આવી છે. એક પણ ગાય ત્યાં નથી. સાલૈયા ગામમાં પણ હાલ સ્થિતિ સામાન્ય છે. ગાયોનાં મૃત્યુ લઈને તમામ આક્ષેપોને પાંજરાપોળના સંચાલકોએ ફગાવી દીધા છે. અમુક પશુઓ બીમાર હોવાના કારણે મૃત્યુ થયું હોવાનું ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું છે.''
રાજકારણ ગરમાયું

ઇમેજ સ્રોત, SACHIN PITHWA
હાલ સમગ્ર જિલ્લામાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ઘટનાની યોગ્ય તપાસ કરવા માટે મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે. તેમણે માગ કરી છે કે પાંજરાપોળને ગાય દીઠ 100 રૂપિયા નિભાવ ખર્ચ તરીકે આપવામાં આવે જેથી ફરીથી આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય.
તેમના લખ્યા પ્રમાણે, ''રાધિકા પાંજરાપોળમાં છેલ્લા બે દિવસમાં 40થી વધુ પશુઓનાં મૃત્યુ થયાં છે. આવી ઘણી બધી પાંજરાપોળ છે જ્યાં રાજ્ય સરકાર દ્વારા સમયસર સહાય ચૂકવવામાં આવતી નથી અને જે રકમ ચૂકવવામાં આવે છે તે ખૂબ જ નજીવી છે. એક ગાય પર માત્ર 25 રૂપિયા ચૂકવવામાં આવે છે જેમાં ગાયોની સારસંભાળ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જો રકમ વધારવામાં આવે તો પાંજરાપોળોને ફાયદો થશે.''
બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ જણાવ્યું, ''પાંજરાપોળને અમે લાંબા સમયથી મદદ કરી રહ્યા છે અને સમગ્ર ઘટના પણ નિંદનીય છે. અમે પણ આ ઘટનાથી શોકમગ્ન છીએ. જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર મામલામાં ત્વરિત કાર્યવાહી કરી છે. અમે સરકારને વિનંતી કરી છે કે આવી પાંજરાપોળની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.''
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















