રાજકોટ : સમૂહલગ્નના આયોજકો ફરાર થઈ ગયા, લગ્ન કરવા આવેલા વર-કન્યાનું શું થયું?
રાજકોટમાં સમૂહલગ્નનું આયોજન કરી દાતાઓના પૈસા લઈને નાસી છૂટેલા ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
રાજકોટમાં શનિવારે 28 યુગલોનાં લગ્ન કરાવી આપવા માટે પરિવારો પાસેથી 15,000થી 40,000 રૂપિયા સુધીની ફીની ઉઘરાણી કરીને સમૂહલગ્નના આયોજકો અચાનક 'ફરાર' થઈ જતાં વર-કન્યાપક્ષને રઝળી પડ્યાનો મામલો સામે આવ્યો હતો.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલી એડીબી હોટલ સામે આવેલા મેદાનમાં ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતીય યુગલોનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે, પરિવારજનોએ ફરિયાદ કરી હતી કે લગ્નના દિવસે એટલે કે શનિવારે આયોજનસ્થળે કોઈ આયોજકો હાજર નહોતા.
આ ઘટનાને કારણે કેટલાક પરિવારજનોને એ વાતનો આભાસ પણ થઈ ગયો હતો કે તેમની સાથે 'છેતરપિંડી' થઈ છે, જેના કારણે ઘણાં યુગલો સમારોહસ્થળ છોડીને ચાલ્યાં ગયાં હતાં.
આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પરિવારજનોનો આરોપ છે કે આયોજકો તેમની સાથે 'લાખો રૂપિયાની છેતરપિંડી કરીને' 'ફરાર' થઈ ગયા છે, જેના કારણે વરરાજા, કન્યા અને જાનૈયાઓ રીતસર રઝળી પડ્યાં હતાં.
લગ્નના દિવસે સવારથી બધા પરિવારો લગ્નસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ફરિયાદ અનુસાર આયોજકો ત્યાં હાજર નહોતા, જેના કારણે કેટલાંક યુગલો, જાનૈયા અને પરિવારજનો પાછાં પણ ચાલ્યાં ગયાં હતાં.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આયોજકો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી, અને પોલીસવિભાગના અધિકારીઓ દ્વારા સમૂહલગ્નમાં કોઈ વિલંબ કે વિઘ્ન ન ઊભો થાય એ માટેની તમામ લગ્નો કરાવવા માટે તૈયારી દર્શાવી અને લગ્નવિધિ શરૂ કરાવાઈ હતી.
રાજકોટ પોલીસે પદ્યુમ્નનગર પોલીસ સ્ટેશમાં આ મામલામાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સહિતની કલમો અંતર્ગત ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટનાં એસીપી (વેસ્ટ) રાધિકા ભાઈનાં જણાવ્યાનુસાર, "સમુહલગ્નના મુખ્ય આયોજક અને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રાલા સહિત કુલ છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે."
"જે પૈકી દિલીપ ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની અટક કરવામાં આવી છે, જયારે હાર્દિક શિશાંગિયા, દિલીપ વરસંડા અને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રાલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે."
પોલીસને મળેલ માહિતી અનુસાર વર-કન્યાપક્ષ પાસેથી 15-15 હજાર રૂપિયા સહિત આયોજકોએ કેટલાક દાતા પાસેથી દાન પણ મેળવ્યું હતું.
આરોપ છે કે વર્ષ 2023માં પણ આવી જ રીતે આરોપીઓએ સમૂહલગ્નનું આયોજન કરીને છેતરપિંડી કરી હતી, જે બાદ ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી કે જિલ્લા પોલીસ દ્વારા 28 યુગલોમાંથી સમારોહસ્થળે હાજર એવાં છ યુગલોનાં લગ્ન પણ સંપન્ન કરાવાયાં હતાં. પોલીસે આ યુગલો અને પરિવારજનો માટે ખૂટતી તમામ વ્યવસ્થા કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



