બંગાળની ખાડીમાં જે મજબૂત સિસ્ટમ બનશે તે કઈ તરફ આગળ વધશે, શું છે આગાહી?
ગુજરાતમાં આજથી નવરાત્રિ મહોત્સવ શરૂ થાય છે, ત્યારે ખેલૈયાઓને સૌથી વધારે ચિંતા વરસાદની છે. છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા અને આગામી દિવસોની આગાહી દર્શાવે છે કે આજે પણ ઓછામાં ઓછા છ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 22 સપ્ટેમ્બર, સોમવારે ગુજરાતમાં નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં 104થી વધુ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો છે.
જેમ કે નર્મદા જિલ્લાના નાંદોદમાં ચોવીસ કલાકમાં 4.69 ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે છોટા ઉદેપુરના બોડેલીમાં 3.94 ઇંચ, પંચમહાલના હાલોલમાં 3.70 ઇંચ, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 2.83 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 2.68 ઇંચ, ભરુચના નેત્રંગમાં 2.48 ઇંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં 2.28 ઇંચ વરસાદ થયો છે.
આ ઉપરાંત મોડાસા, ગલતેશ્વર, સંખેડા, નાલપુર, ખાનપુર, વડોદરા, કપડવંજ, સાવલી, કામરેજ, જંબુસર, વિજયનગર, નવસારીમાં એક ઇંચથી લઈને સવા બે ઇંચ સુધી વરસાદ પડ્યો છે. ધોલેરા, ગોધરા,ઉમરપાડા, અમદાવાદ શહેર, પાદરા, વ્યારા, ઉના, સાણંદ, ધોરાજી, સંતરામપુર, ધારી, ડભોઈમાં પણ પોણા ઇંચથી લઈને એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
રવિવારે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અરવલ્લી જિલ્લામાં મોડાસા, શામળાજી પંથકમાં બફારા વચ્ચે ભારે વરસાદ થવાથી ઠંડક પ્રસરી હતી. અમરેલીના બાબરામાં બે દિવસથી વરસાદ પડવાના કારણે મગળફી, સોયાબીન સહિતના પાકોને ફાયદો થવાની આશા છે.
સાઉથ ગુજરાત પર ભેજવાળું હવામાન રચાયું
હવામાન વિભાગ જણાવે છે કે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હોવા છતાં સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. માત્ર કચ્છ સૂકો વિસ્તાર છે.
આ દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં ચોમાસાની વિદાય માટે વાતાવરણ અનુકૂળ છે. હાલમાં ઉત્તર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગ, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી આગામી ચોવીસ કલાકમાં ચોમાસાની વિદાય શરૂ થશે.
હાલમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફના પવન નીચા સ્તરે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાત પર ભેજવાળું વાતાવરણ રચાયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



