માતાના મૃતદેહના ટુકડા સાથે ત્રણ મહિના રહેનારી દીકરીની ધરપકડ, શું છે મામલો?

ઇમેજ સ્રોત, ANI

- મુંબઈના લાલબાગ વિસ્તારમાં કથિતપણે માતાના મૃતદેહના ટુકડા કરીને કોથળીમાં ભરી રાખનાર દીકરીની અટકાયત કરાઈ છે
- પોલીસ દ્વારા અપાયેલ માહિતી અનુસાર યુવતી કથિતપણે માતાના મૃતદેહના ટુકડા સાથે ત્રણ માસ સુધી રહી રહ્યાં હતાં
- પરંતુ આખરે આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો?

મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં પોલીસે ત્રણ માસથી કથિતપણે પોતાનાં માતાના મૃતદેહના ટુકડા સાથે ઘરમાં રહેતાં યુવતીની ધરપકડ કરી છે.
આરોપ છે યુવતીએ તેમની માતાના મૃતદેહના ટુકડા કરીને તેમને એક બૅગમાં ભરીને રાખ્યા હતા. પોલીસનો દાવો છે કે તેમને ઘટનાસ્થળેથી ઇલેક્ટ્રિક માર્બલ કટર, ધારિયું અને ચપ્પા જેવી વસ્તુઓ મળી આવી છે.
મુંબઈના ઝોન 4ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રવીણ મુંઢેએ કહ્યું કે પોલીસને શંકા છે કે યુવતીએ જ તેની માતાની હત્યા કરી હતી.
મુંબઈના લાલબાગ જેવા વ્યસ્ત વિસ્તારમાં આ ઘટના બની હોઈ તે સમાચારપત્રોમાં છવાઈ ગઈ છે.

મામાને કથિતપણે દરવાજેથી જ પાછા કાઢી મૂકતી યુવતી

ઇમેજ સ્રોત, ANI
લાલબાગમાં પાછલાં 16 વર્ષથી 55 વર્ષીય મહિલા તેમનાં 24 વર્ષીય દીકરી સાથે રહેતાં હતાં.
લાલબાગ પહેલાં તેઓ વિરારમાં રહેતાં હતાં. પોતાના પતિના મૃત્યુ બાદ તેઓ આ વિસ્તારમાં સ્થાયી થયાં હતાં. મહિલાના ભાઈ પણ આ વિસ્તારમાં રહેતા હોઈ માતા-પુત્રીએ આ વિસ્તારમાં રહેવાનું ઠરાવ્યું હતું જેથી પરિવારના લોકો એકબીજાને મળી શકે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મહિલાના ભાઈ અવારનવાર તેમનાં વિધવા બહેનને મળવા આવતા. આ સિવાય ભાઈ તેમનાં બહેનને દર મહિને નાણાકીય મદદ પણ કરતા.
જોકે, મહિલા તેમના ભાઈને પાછલા ત્રણ માસથી મળી શક્યાં નહોતાં. જ્યારે પણ તેઓ તેમનાં બહેનને મળવા આવતા યુવતી તેમને કોઈને કોઈ કારણ આપીને દરવાજેથી જ રવાના કરી દેતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મૃતદેહના ટુકડાને કબાટમાં રાખી મૂક્યા

ઇમેજ સ્રોત, Getty Images
14 માર્ચના રોજ મહિલાના ભાઈના પુત્ર તેમના ફોઈને મળવા માટે તેમના ઘરે પહોંચી ગયા.
પરંતુ તેમને પણ યુવતીએ મળવા ન દીધા અને દરવાજેથી જ પાછા કાઢ્યા. પરંતુ યુવતીના આવા વિચિત્ર વર્તનને કારણે તેમના મામાને તેમના પર શંકા ગઈ અને તેઓ સીધા કાલાચોકી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને આખી ઘટના કહી સંભળાવી.
તેમની ફરિયાદ પર કાલાચોકી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે યુવતીને દરવાજો ખોલવા કહ્યું.
પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર જ્યારે પોલીસે ઘરમાં આવવાની પરવાનગી માગી ત્યારે પણ તે યુવતી કહેતાં રહ્યાં કે તેમનાં માતા ઘરે નથી.
જ્યારે અંતે પોલીસ ઘરમાં પ્રવેશી તેમને વિચિત્ર દુર્ગંધ આવી. જ્યારે સમગ્ર ઘરની તપાસ કરાઈ તો તપાસ દરમિયાન મૃતદેહના પ્લાસ્ટિકની થેલીમાં ભરીને મૂકેલા ટુકડા મળી આવ્યા.

ઇમેજ સ્રોત, ANI
મૃતદેહને લાંબા સમય સુધી રાખી મૂકવાના કારણે ટુકડા સડી ગયા હતા અને તેના પર કીડા લાગી ગયા હતા.
મૃતદેહના ટુકડા મળી આવ્યા બાદ પોલીસે KEM હૉસ્પિટલના મેડિકલ ઑફિસર અને ફોરેન્સિક ડિપાર્ટમૅન્ટને ઘટનાસ્થળે બોલાવ્યા.
ફ્લૅટમાંથી મળી આવેલા માનવશરીરનું પંચનામું થઈ ચૂક્યું છે. મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઈ રહ્યું છે.

દીકરી કથિતપણે ત્રણ માસ સુધી માતાના મૃતદેહના ટુકડા સાથે રહ્યાં

ઇમેજ સ્રોત, ANI
ફ્લૅટમાંથી મળી આવેલ મૃતદેહના ટુકડા સડી ગયા હતા અને તેમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી. પોલીસે ટુકડાને KEM હૉસ્પિટલ મોકલી આપ્યા હતા.
જ્યારે યુવતીને મૃતદેહના ટુકડા વિશે પુછાયું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને આ વિશે કશી ખબર નથી.
ડૉક્ટરે જણાવ્યું છે કે મૃતદેહના ટુકડા ત્રણ માસ જૂના છે.
યુવતી મૃતદેહ સાથે આટલા મહિનાથી કથિતપણે ઘરે જ રહી રહ્યાં હતાં ઉપરાંત તેઓ ઘણાં સમયથી ઘરેથી બહાર પણ નહોતાં નીકળ્યાં.
પ્રવીણ મુંઢેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુવતીની પોલીસે અટકાયત કરી છે અને આ કેસ અંગે તપાસ કરાઈ રહી છે.
























