બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની, ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ પડશે વરસાદ?

હવામાન, વાતાવરણ, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બંગાળની ખાડીમાં નવેમ્બર મહિનાના અંતમાં વાવાઝોડું બનવાની શક્યતા દેખાઈ રહી છે. કદાચ એવું બને કે સિસ્ટમની અસર ગુજરાત સુધી પણ થઈ શકે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું હતું તે હવે લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું છે. એટલે કે સિસ્ટમ મજબૂત બની ગઈ છે.

જે બાદ આ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને 25 તારીખની આસપાસ તે ડિપ્રેશન બને તેવી શક્યતા છે.

આ સિસ્ટમ આજથી આગળ વધી રહી છે અને 26-27 તારીખની આસપાસ તે ભારતના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

કેટલાંક મૉડલો પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડી પરથી દક્ષિણ ભારત પર આવશે અને પછી તે અરબી સમુદ્રમાં આવે તેવી શક્યતા છે.

સૌથી પહેલાં આ સિસ્ટમની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર થવાની શક્યતા છે, જે બાદ તામિલનાડુ અને કેરળ તથા આંધ્ર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં અસર થવાની શક્યતા છે.

જોકે, આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હજી હવામાનનાં તમામ મૉડલ્સ એકમત નથી, દરેકમાં અલગ અલગ સ્થિતિ દેખાઈ રહી છે.

ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદ પડશે?

હવામાન, વાતાવરણ, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ લૉ-પ્રેશર એરિયા બન્યા બાદ 25 તારીખની આસપાસ જ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જાય તેવી શક્યતા છે.

હાલ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે અને રાત્રી દરમિયાનના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે રાત્રે અને સવારના સમયે ઠંડી પડી રહી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે ગુજરાતમાં હાલ હવામાન સૂકું રહેતું હોય છે, હાલ ઉત્તર તરફથી આવી રહેલા સૂકા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતી હોય છે.

આગામી દિવસોમાં ડિસેમ્બર મહિનામાં હજી પણ રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જે જાન્યુઆરી સુધી ઠંડી રહેશે.

જોકે, હાલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેની અસર ભારતનાં ઘણાં રાજ્યોમાં થવાની શક્યતા છે અને તેના ટ્રેકમાં જો ફેરફાર થાય તો ગુજરાતમાં પણ તેની અસર થઈ શકે છે.

હાલની સ્થિતિ પ્રમાણે હજી આ સિસ્ટમ કઈ તરફ જશે તેનો ટ્રેક નક્કી નથી પરંતુ એકાદ બે દિવસમાં તેના રસ્તા વિશે જાણ થઈ જશે.

અત્યારે જે વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી દક્ષિણ ભારત પર આવશે અને તે બાદ તે અરબી સમુદ્રમાં આવશે. જો અરબી સમુદ્રના દક્ષિણ તરફના વિસ્તારમાં આ સિસ્ટમ જતી રહે તો તેની અસર ગુજરાતમાં થવાની શક્યતા નથી.

હવામાનનાં એકાદ બે મૉડલ્સ પ્રમાણે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આવે તેવી સંભાવના છે અને જો મહારાષ્ટ્ર સુધી તેની અસર થાય તો ગુજરાતમાં પણ આપણે હવામાન પલટાવાની શક્યતા છે. એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે.

જોકે, મૉડલ્સની સટીકતા 4થી 5 દિવસની જ હોય છે એટલે કે એનાથી વધારે દિવસોની આગાહીમાં ફેરફારો થતા રહે છે.

બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે?

હવામાન, વાતાવરણ, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ લૉ-પ્રેશર એરિયા બન્યા બાદ 25 તારીખની આસપાસ જ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જાય તેવી શક્યતા છે.

ડિપ્રેશન બનતાની સાથે જ આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે શ્રીલંકા પાસે પહોંચે તેવી સંભાવના છે. જે બાદ તેને વાવાઝોડામાં પરિવર્તિત થવા માટે ખૂબ ઓછો સમય મળશે.

હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બને તે માટે દરિયાનું તાપમાન અને પરિસ્થિતિ અનુકૂળ છે પરંતુ તે જમીનની નજીક પહોંચી જશે તો તેને વધારે તાકાત મળી શકશે નહીં.

હવામાન વિભાગે અત્યારસુધી કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે. તેના કહેવા પ્રમાણે આ સિસ્ટમ ડિપ્રેશન બનશે એટલે કે વાવાઝોડાથી નબળી રહી જાય તેવી શક્યતા છે.

જોકે, હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ સિસ્ટમ ભારતના દરિયાકિનારા સુધી પહોંચતા કદાચ વાવાઝોડું બની શકે છે.

હાલ નવેમ્બર મહિનામાં સર્જાયેલી આ સિસ્ટમ જો વાવાઝોડું બને તો તે ચોમાસા બાદનું બીજું વાવાઝોડું હશે અને ભારતના દરિયાકિનારાને અસર કરશે.

હવામાન વિભાગનું કહેવું છે કે 25 તારીખે ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આ સિસ્ટમ તામિલનાડુ અને શ્રીલંકા તરફ આગળ વધશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.