ગુજરાતમાં ફરી પલટાશે હવામાન, આ જિલ્લામાં વધશે વરસાદનું જોર, ક્યાં ફૂંકાશે ઝડપી પવન?

વીડિયો કૅપ્શન, ગુજરાતના એ વિસ્તારો જ્યાં ચોમાસા પહેલાં જ વધશે વરસાદ, કયા વિસ્તારોમાં નહીં પડે?
ગુજરાતમાં ફરી પલટાશે હવામાન, આ જિલ્લામાં વધશે વરસાદનું જોર, ક્યાં ફૂંકાશે ઝડપી પવન?
પ્રકાશિત

ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધ્યું છે અને કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું. જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે.

સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાતમાં એન્ટ્રી થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે એવી સ્થિતિ રહી નથી.

હવે ચોમાસાની શરૂઆત પહેલાં ફરીથી રાજ્યમાં કેટલાક દિવસો વરસાદનું જોર વધે તેવી શક્યતા જણાઈ રહી છે.

5 જૂન સુધી ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, રાજ્યમાં જ્યાં આગાહી છે, તે જિલ્લાઓમાં પણ છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત હવામાન વિભાગે કોઈ વિસ્તારમાં ભારે કે અતિભારે વરસાદની આગાહી કરી નથી. એટલે કે જ્યાં વરસાદ થશે તે મોટા ભાગના વિસ્તારોમાં હળવો કે મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી?

ગુજરાત હવામાન આગાહી,  વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી સમાચાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે મોટા ભાગે ગુજરાત રીજનમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગાહી પ્રમાણે સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે.

3 જૂનથી 5 જૂન સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, તથા પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા, અમદાવાદમાં વરસાદની આગાહી છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની સંભાવના છે, પરંતુ તેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

આ તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં એકસાથે વરસાદ થાય તેવી શક્યતા નથી.

5 જૂન બાદ ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે, એટલે કે રાજ્યમાં ચોમાસું શરૂ થવાની હજી પણ સમય લાગે તેવી સંભાવના છે.

આગામી એકાદ અઠવાડિયામાં રાજ્યમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા હાલ દેખાતી નથી.

ગુજરાત હવામાન આગાહી,  વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી સમાચાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, imd.gov.in

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન