સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે તપાસ ક્યાં પહોંચી, સરકારે અત્યાર સુધી શું પગલાં લીધાં?

સેવન્થ ડે શાળામાં 24 કલાક પોલીસ બંદોબસ્ત છે
ઇમેજ કૅપ્શન, સેવન્થ ડે શાળામાં 24 કલાક પોલીસ બંદોબસ્ત છે
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં 19 ઑગસ્ટના રોજ એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને કથિત રીતે ધારદાર હથિયારથી ઘા મારીને મોત નિપજાવ્યું હોવાના બનાવ બાદ શાળાની સામે લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે.

જ્યારે આ બનાવ બન્યો ત્યારે લોકોએ શાળામાં તોડફોડ પણ કરી હતી. શાળાની સામે લોકોએ વિરોધપ્રદર્શન પણ કર્યું હતું અને તેના પગલે શાળામાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

19 ઑગસ્ટથી શાળા બંધ છે. પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમનાં બાળકોનાં શિક્ષણને લઈને ચિંતામાં છે.

શાળાની મંજૂરી રદ કરવા અંગે વાલીઓ રજૂઆત કરી રહ્યા છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી હતી. વિદ્યાર્થી લોહીથી લથપથ હાલતમાં લાંબો સમય સુધી પડ્યો રહ્યો હતો. શાળા દ્વારા તેને હૉસ્પિટલ લઈ જવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જિલ્લા શિક્ષણ અધિકારીએ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓનું ઑનલાઇન શિક્ષણ શરૂ કરાવ્યું છે.

કેટલાક વિદ્યાર્થીઓનાં માતા-પિતા તેમનાં બાળકોનો સેવન્થ ડે શાળામાંથી પ્રવેશ રદ કરી અન્ય શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે.

આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ તરફથી બીબીસી ગુજરાતીને મળેલી માહિતી અનુસાર પોલીસે શાળા તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરી છે.

તેમજ લોહીનાં નમૂના વગેરે પુરાવા એકઠા કર્યા છે. તેઓ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા શિક્ષણ અધિકારીએ અત્યાર સુધી શું કાર્યવાહી કરી?

શાળાની સામે લોકોએ વિરોધપ્રદર્શન પણ કર્યું હતું

ઇમેજ સ્રોત, PAVAN JIASHWAL

ઇમેજ કૅપ્શન, શાળાની સામે લોકોએ વિરોધપ્રદર્શન પણ કર્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સેવન્થ ડે શાળાની ગંભીર બેદરકારી બદલ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ પાઠવી છે. ઘટના બની ત્યારથી 28 ઑગસ્ટ સુધી શાળાને ત્રણ નોટિસ પાઠવવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ સમિતીની રચના કરી હતી. સમિતીના પ્રાથમિક રિપોર્ટમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી હતી. તપાસ સમિતી ઘટના અંગે ઉંડાણપૂર્વક રિપોર્ટ તૈયાર કરી રહી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોહીમાં લથપથ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી શાળાના મેદાનમાં પડી રહ્યો હતો. તેમ છતાં શાળા તંત્ર દ્વારા તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થીનાં માતા આવ્યા બાદ તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. જે અંગે અમે શાળાને નોટિસ આપી છે."

જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્ય તેમજ ઍડમિન સ્ટાફને બરતરફ કરવા અંગે પણ શાળાને જાણ કરી છે.

રોહિત ચૌધરીએ જણાવ્યું કે, "29 તારીખે શાળાએ અમને જાણ કરી છે કે તેમણે આચાર્યને બરતરફ કર્યા છે. જો કે ગંભીર બેદરકારી અંગે આપેલી નોટિસનો શાળાએ આજદિન સુધી જવાબ આપ્યો નથી."

જિલ્લા શિક્ષણ કચેરીએ શાળા પાસે મંજૂરી અંગેના 18 સર્ટિફિકેટની કૉપી માંગી હતી. પરંતુ શાળાએ અત્યાર સુધી પૂરેપૂરા સર્ટિફિકેટ જમા કરાવ્યાં નથી.

રોહિત ચૌધરી જણાવે છે કે "શાળાએ હજુ પણ કેટલાંક સર્ટિફિકેટ જમા કરાવ્યાં નથી. જેમાં શાળાનું માઇનૉરિટી સર્ટિફિકેટ, 9થી12 ધોરણની મંજૂરીનાં સર્ટિફિકેટ, ધોરણ 9થી 12 આઈસીએસસી બોર્ડ માટે મેળવેલી ગુજરાત સરકારની એનઓસી, સમયાતંરે વર્ગ વધારા માટે મેળવેલી મંજૂરીના કાગળ, શાળાના બાંધકામના નકશા આ તમામ કાગળ શાળાએ અમને આપ્યાં નથી."

સેવન્થ ડે સ્કૂલમાં ભણતા 256 વિદ્યાર્થીઓના વાલીઓએ એલસી મેળવવા ઇન્ક્વાયરી કરી?

સેવન્થ શાળામાં 24 કલાક પોલીસ બંદોબસ્ત છે

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

ઇમેજ કૅપ્શન, સેવન્થ ડે શાળામાં 24 કલાક પોલીસ બંદોબસ્ત છે

19 તારીખે બનાવ બન્યા બાદ શાળાની ગંભીર બેદરકારી બદલ વિદ્યાર્થીઓના વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસ અને વાલીએ વચ્ચે ઘર્ષણ પણ થયું હોવાનું સામે આવ્યું હતું.હાલ શાળા બંધ છે.

વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહીં તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને ઑનલાઇન અભ્યાસ શરૂ કરવા માટે આદેશ કર્યો છે.

આ ઘટનાથી ડરી ગયેલા કેટલા વાલીઓએ પોતાનાં બાળકોને શાળામાંથી પ્રવેશ રદ કરાવી અન્ય શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.

રોહિત ચૌધરીએ જણાવ્યું કે, "અમે શાળા પાસે ધોરણ 6 થી 12માં ભણતા વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન શિક્ષણ શરૂ કરાવ્યું છે."

તેઓ કહે છે કે, "કેટલાક વાલીઓની અમારી પાસે શાળામાં પ્રવેશ રદ કરાવવા અંગેની પૂછપરછ કરતા હતા જેથી અમે અમારા ચાર અધિકારીઓ સવારે 9 થી 11 વાગ્યા સુધી સેવન્થ ડે શાળાની બહાર બેસે છે અને વાલીઓને માહિતી આપે છે અને કાઉન્સેલિંગ પણ કરે છે. અત્યાર સુધી 256 વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા માટે ઇન્ક્વાયરી કરી છે. જેમાંથી 160 વિદ્યાર્થીઓને એલસી આપવાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે."

શાળાના વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસ અને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

ઇમેજ કૅપ્શન, શાળાના વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસ અને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

વિદ્યાર્થીઓનું સત્ર અડધું થઈ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ અંગે પણ વાલીઓ ચિંતિત છે.જિલ્લા શિક્ષણ અધિકારીએ ખોખરા -મણિનગર વિસ્તારની શાળાઓમાં સેવન્થ ડેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે જાણ કરી છે.

રોહિત ચૌધરી જણાવે છે કે, "આસપાસના વિસ્તારની શાળાઓને અમે જાણ કરી છે કે સેવન્થ ડેના વિદ્યાર્થીઓના વાલીઓ તેમની પાસે પ્રવેશ માટે ઇન્ક્વાયરી માટે આવે તો તેમને સહકાર આપવામાં આવે. આ વાલીઓ પાસે એલસી ન હોય તો પણ તેમને પ્રોવિઝનલ પ્રવેશ આપવામાં આવે."

"અમે તેમને એલસીની પ્રક્રિયા પૂર્ણ કરીને આપીશું. આ ઉપરાંત વાલીઓએ આ સત્રની પૂરેપૂરી ફી સેવન્થ ડે સ્કૂલને આપી હશે જે વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાવવામાં આવશે તે વિદ્યાર્થીઓની બાકીની ફી અમે પરત અપાવવા પ્રયત્ન કરીશું."

સેવન્થ ડે સ્કૂલનો ભાડા કરાર રદ કરવા અંગે મેયરે શું કહ્યું?

સેવન્થ ડે સ્કુલના વાલીઓએ શાળાનો ભાડા કરાર રદ કરવા મેયર અને કમિશ્નરને આવેદનપત્ર  આપી રજૂઆત કરી હતી.

ઇમેજ સ્રોત, LALIT CHAUDHARY

ઇમેજ કૅપ્શન, સેવન્થ ડે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાનો ભાડા કરાર રદ કરવા મેયર અને કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

સેવન્થ ડે શાળા જે જગ્યા પર બની છે તે જમીન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શાળાને ભાડા પટ્ટા પર આપવામાં આવી છે. વિદ્યાર્થીના વાલીઓએ શાળાની જમીનનો ભાડા કરાર રદ કરવા માટે એએમસીનાં મેયર અને કમિશ્નરને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી છે.

સેવન્થ ડે સ્કૂલ સંઘર્ષ સમિતી મેમ્બર રાકેશ માખીજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલને જમીન નજીવી કિંમતે ભાડા પટ્ટે પર આપેલી છે. આ જમીન આપવાનો હેતુ લોકોને સસ્તું અને વાજબી દરે શિક્ષણ આપવાનો હતો. પરંતુ શાળા દ્વારા બેફામ ફી ઉઘરાવવામાં આવે છે. જેથી આ એએમસીએ આ શાળાની જમીનનો ભાડા પટ્ટો રદ કરવો જોઈએ."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી મળેલી માહિતી અનુસાર સેવન્થ ડે ઍડવેન્ટિસ્ટ સ્કૂલને વર્ષ 2001માં 99 વર્ષના ભાડા પટ્ટે એએમસીએ જમીન આપી હતી.

સેવન્થ ડે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ મેયર અને કમિશ્નરને આપેલા આવેદનપત્રમાં શાળાએ ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. શાળાએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાના પણ આક્ષેપ કર્યા છે.

રાકેશ માખીજા કહે છે કે "નિર્દોષ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી તે અંગે સ્કૂલ પ્રશાસન તરફથી કોઈ જ સહયોગ આપવામાં આવ્યો નહીં. સતત 30 મિનિટ સુધી તેેણે જે દર્દ સહન કર્યું છે. જો શાળાએ કાર્યવાહી કરી હોત તો તે આપણી વચ્ચે હોત. આ બનાવ અંગે સ્કૂલ પણ જવાબદાર છે."

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ અંગે તપાસ હાથ ધરીને જે પણ વિગત સામે આવશે ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસની પ્રક્રિયા ચાલી રહી છે."

ભાડા પટ્ટો રદ કરવામાં આવશે કે નહીં તે અંગે પ્રતિભા જૈને જણાવ્યું કે, "જો આ અંગે અયોગ્ય થયું હશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે."

નિકોલ પોલીસે બીબીસી ગુજરાતીને આપેલી માહિતી અનુસાર શાળામાં 24 કલાક પોલીસ બંદોબસ્ત ચાલુ છે.

સેવન્થ ડે શાળાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને સંપર્ક થઈ શક્યો ન હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન