You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Rain : ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે?
ગુજરાતના કેટલાક ભાગોમાં દિવાળીના તહેવારો પછી પણ વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે. ખાસ કરીને આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે. તેમાં પણ ઓછામાં ઓછા 15થી 16 જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહ્યું છે. ગુરુવારે અને શુક્રવારે ગુજરાતમાં દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થયો. રાતનું તાપમાન પણ સામાન્ય છે, પરંતુ હવે વરસાદના કારણે તાપમાન બદલાઈ શકે છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર એક ડિપ્રેશનની રચના થઈ છે જે છેલ્લા છ કલાકથી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. ગોવાની રાજધાની પણજીથી આ સિસ્ટમ 360 કિમીના અંતરે અને લક્ષદ્વીપથી 430 કિમીના અંતરે છે. મેંગલોરથી આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 480 કિમી દૂર દરિયામાં સ્થિત છે.
હવામાન વિભાગ કહે છે કે આગામી 24 કલાક સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન ઘટી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન