ભાવનગર : માતા ફૂલ વેચે છે, પોતે વેલ્ડિંગ કામ કરે છે, ભરત બારડની મેયર બનવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, ALPESH DABHI
- લેેખક, અલ્પેશ ડાભી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
લગભગ બે અઠવાડિયાં પૂર્વે ગુજરાતની છ મહાનગરપાલિકામાં મેયરપદ ખાલી પડતાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી.
જે પૈકી ગત 12 સપ્ટેમ્બરે ભાવનગર મહાનગરપાલિકામાં મેયરપદ માટે એક એવા નામની જાહેરાત કરાઈ, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હશે.
ભાવનગરના 61 વર્ષીય ભરતભાઈ બારડના નામની જાહેરાત થતાં ‘રાજકારણમાં સામાન્ય માણસ માટે તકનો અભાવ અને વગદારોનું વર્ચસ્વ હોવા’ જેવી માન્યતાઓને પડકારતું ઉદાહરણ જોવા મળ્યું હતું.
ભાવનગરના તખ્તેશ્વર વૉર્ડ નંબર સાતના નગરસેવક ભરતભાઈ બારડ એક ખૂબ જ સામાન્ય કુટુંબમાંથી આવે છે.
તેમની શહેરના મેયરપદે થયેલી વરણીને લોકો ‘પ્રામાણિકતાનો બદલો’ અને ‘સુયોગ્ય’ ગણાવી રહ્યા છે.
દસમા સુધી ભણેલા ભરતભાઈ બારડ પોતાનું ગુજરાન ચલાવવા માટે પાછલાં લગભગ 40 વર્ષથી શહેરના વડવા વૉશિંગઘાટ વિસ્તારના રસ્તે એક નાનકડી કૅબિનમાં વેલ્ડિંગ કામ કરે છે.

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
તેમનાં 82 વર્ષીય માતા ગજરાબહેન પણ ભાવનગરના શિવેશ્વર હનુમાન મંદિરે ફૂલો વેચે છે.
મીડિયા સાથેની વાતચીતમાં ભરતભાઈએ જણાવ્યું હતું કે તેઓ જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની આ કહાણી સામે આવતાં સોશિયલ મીડિયા પર પણ તેમની ‘સાદગી, પ્રામાણિકતા અને ખંત’ને બિરદાવાઈ હતી.
નોંધનીય છે કે વર્ષ 2002નાં અનુગોધરા રમખાણોમાં તેમની સામે હિંસા સંબંધિત ગુનો દાખલ કરાયો હતો. જેમાં તેમનો નિર્દોષ છુટકારો પણ થયો છે.

મેયર બન્યા બાદ પણ સામાન્ય કૅબિન ચલાવે છે પરિવાર

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
તાજેતરમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મેયર અને અન્ય હોદ્દેદારોની ટર્મ પૂરી થતાં નવી વરણી કરાઈ હતી.
નોંધનીય છે કે આ તમામ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો છે. પાર્ટીએ આ વખત ‘પક્ષમાં નવી નેતાગીરીને પ્રોત્સાહિત કરવા’ માટે ‘નવા ચહેરા’ને તક આપવાની વ્યૂહરચના અપનાવી હતી.
આ યાદીમાં ભરતભાઈ બારડનું નામ પણ સામેલ હતું.
તેઓ વર્ષ 2021માં રાજ્યમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને 2,900 મતથી જીત્યા હતા.
નોંધનીય છે કે ભરતભાઈ જે મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે ત્યાં ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસે છે.
અહીં હિંદુઓની સાથોસાથ મુસ્લિમ ધર્મના લોકોની પણ નોંધપાત્ર વસતિ છે.
ભરતભાઈએ પોતાનાં કામ અને સરળ સ્વાભાવથી સ્થાનિક મુસ્લિમ સમાજમાં પણ પોતાનું સારું એવું પ્રભુત્વ સ્થાપિત કર્યું છે.

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે ભરતભાઈ પોતે માળી સમુદાયના છે. આ સમુદાયની ભાવનગરમાં આઠ હજારની જ વસતિ છે. અન્ય સમુદાયોની સરખામણીએ સંખ્યાની દૃષ્ટિએ નાના સમુદાયમાંથી આવતા ભરતભાઈની ‘સ્વચ્છ અને નિષ્ઠાવાન કાર્યકર’ તરીકેની છબિને કારણે તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યા હોવાનું તેમના સમર્થકો માને છે.
ભરતભાઈના નામની મેયર તરીકે જાહેરાત થતાં તેમના મિત્રો માનવા પણ તૈયાર ન હતા કે આવા સમાન્ય પરિવાર અને કૅબિન ધરાવતી વ્યક્તિને આવડું મોટુ પદ અપાયું છે.
આવી જ આશ્ચર્ય સાથેની ખુશી વ્યક્ત કરતાં એક સ્થાનિક અબ્દુલ સંમત કુરેશી કહે છે કે, “અમારા કૉર્પોરેટર ભરતભાઈ જેવા એક માણસ, જે કૅબિનમાં વેલ્ડિંગ કામનો ધંધો કરે છે, એમને મેયર બનાવાયા એ જોઈને અમને ખૂબ ખુશી થઈ છે.”
મેયર તરીકેની વરણી બાદ ભરતભાઈ બારડને નિકટથી ઓળખનારા અને તેમના રાજકારણના સાક્ષી રહેલા લોકો પૈકી એક સ્થાનિક મનાલાલ સોલંકી કહે છે કે, “એ પોતે ગરીબ પરિવારના છે, એ ગરીબ પરિવારની વ્યથા, ઝૂંપડામાં રહેતા લોકોનું દુ:ખ એમણે પોતેય વેઠ્યું છે અને એમને એ બધી ખબર છે. આ ભાવનગરના ગરીબ પરિવારો માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો એક માણસ છે.”
સ્થાનિક પ્રદ્યુમનસિંહ પણ ભરતભાઈની કૉર્પોરેટર તરીકેની કામગીરીનાં વખાણ કરતાં કહે છે કે, “અડધી રાત્રેય કોઈ પણ વ્યક્તિને ગમે તે વાતની જરૂર પડી હોય અને એ વ્યક્તિ ભરતભાઈ પાસે ગઈ હોય તેમજ જો એ કામ ભરતભાઈથી શક્ય હોય તો એવા સંજોગોમાં તેમણે કોઈનેય ક્યારેય ના પાડી નથી.”
ભરતભાઈના પુત્ર હજુ પણ કૅબિનમાં વેલ્ડિંગકામ કરે છે.
તેઓ પોતાના પિતાના સંઘર્ષની વાત કરતાં કહે છે કે, “મારા પપ્પા ખૂબ જ સામાન્ય વ્યક્તિત્વ ધરાવે છે. મારા પપ્પાએ અહીં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેઓ પાછલાં 40 વર્ષથી કૅબિનધારક છે. હજુ પણ અમારી પાસે કૅબિન તો ખરી જ. અમે હજુય સામાન્ય જીવન જ જીવીએ છીએ.”

‘પક્ષે કર્યો જબરદસ્ત વિશ્વાસ’

ઇમેજ સ્રોત, Alpesh Dabhi
પોતાની વરણી અંગે પ્રતિક્રિયા આપતાં ભરતભાઈ બારડ કહે છે કે, “હું ભાજપનો એક અદનો કાર્યકર્તા છું. જનસંઘ વખતથી હું રાજકારણમાં સક્રિય છું. હું એક કૅબિનધારક નાનો માણસ હોવા છતાં મારા પર મારા પ્રદેશ સંગઠને, શહેર સંગઠને જબરદસ્ત વિશ્વાસ કર્યો છે.”
“મને ગૌરવ છે કે મારો પક્ષ નાનામાં નાના કાર્યકરનેય ધ્યાનમાં રાખે છે. તેની કામગીરીને નિકટથી જોઈને ક્ષમતા આધારે જવાબદારી પણ આપે છે.”
હજુ સુધી પોતાનાં માતા મંદિર બહાર ફૂલોનો વ્યવસાય કરતાં હોવાની વાત અંગે ખૂબ જ સહજતાથી વાત કરતાં તેઓ કહે છે કે, “મારી બા હાલ પણ જાતે ફૂલ તોડવા જાય છે, તેને ધોઈને પોતાના હાથે ગૂંથે છે. પોતાના હાથે ગૂંથેલાં ફૂલ પ્રભુના ચરણમાં જાય એટલી જ એની લાગણી છે.”
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે મેયર બન્યા બાદ શહેરનાં કામો સંદર્ભે પ્રાથમિકતા અંગે વાત કરતાં કહ્યું હતું કે, “અમે બાકી રહેલાં વિકાસનાં કામો, રોડ, ડ્રેનેજ અને પાણીની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”
ઉપર જણાવ્યું એ સિવાય ભરતભાઈની ગણતરી ક્યારેય કોઈ પણ પ્રકારનાં કૌભાંડ, ભ્રષ્ટાચાર કે વાદવિવાદને વગરના પ્રમાણિક છબિના રાજકારણીઓમાં થાય છે.
























