ગુજરાતમાં હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થઈ ગયું છે જેની સાથે હવે વરસાદનું જોર વધશે અને વધારે વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
હાલ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ પર બનેલું છે, એક સાયક્લૉનિક સર્ક્યુલેશન છત્તીસગઢ પર બનેલું છે. ઉપરાંત એક નવી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે જે મજબૂત થઈને લૉ-પ્રેશર એરિયા બનશે. આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે. આ તમામ સિસ્ટમોના પ્રભાવને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્યમથી હળવો વરસાદ પાંચ દિવસ સુધી રહી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 19 જુલાઈના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. ત્યારે 20 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં વરસાદનું પ્રમાણે વધે તેવી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA





