IND Vs ENG: 'સૂર્યા બ્રિગેડ'નો બીજો સૌથી મોટો વિજય, ધમાકેદાર બેટિંગ અને બૉલિંગથી સિરીઝ 4-1થી જીતી

ઇમેજ સ્રોત, ANI
ભારતીય ટીમ અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 મૅચોની સિરીઝની પાંચમી મૅચ ભારતે લગભગ દોઢસો રને જીતી લીધી છે.
ભારતીય ટીમે પ્રથમ દાવ લઈને 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 97 રનમાં ઑલઆઉટ થઈ ગઈ.
ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાની બેટિંગ વડે હાહાકાર મચાવી દીધો.
તેમણે માત્ર 37 બૉલમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો. અભિષેકે સિક્સર કિંગ મનાતા યુવરાજસિંહ કરતાં પણ વધારે સિક્સર ફટકારીને રેકૉર્ડ રચ્યો.
જેટલા રન અભિષેક શર્માએ બનાવ્યા તેટલા રન તો આખી ઇંગ્લૅન્ડની ટીમ પણ નહોતી બનાવી શકી.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20ની પાંચ મૅચની સિરીઝની છેલ્લી મૅચમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટૉસ જીતીને પહેલી બેટિંગ લીધી.
શરૂઆતથી જ અભિષેકે આક્રમક વલણ અખત્યાર કર્યું. તેમણે ચારે તરફ ઇંગ્લિશ બૉલરોની ધોલાઈ કરી.
અભિષેક શર્માએ તાબડતોડ શરૂઆત કરી અને પહેલા 17 બૉલમાં જ અર્ધસદી ફટકારી દીધી. ત્યાર પછી તેણે એવી બેટિંગ કરી કે તેમની ઇનિંગને કારણે તેઓ બીજા સૌથી ઝડપી સદી ફટકારનારા બૅટ્સમૅન બની ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આ સદી માત્ર 37 બૉલમાં પૂર્ણ કરી અને તેને માટે તેમણે 10 છગ્ગા અને પાંચ ચોક્કા ફટકાર્યા હતા.
જોકે, ટી-20 મૅચમાં ભારતીય ખેલાડીઓમાં સૌથી ઝડપી ફટકારનારા બૅટ્સમૅન રોહિત શર્મા જ છે. તેમણે માત્ર 35 બૉલમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો. આ રેકૉર્ડ અતૂટ છે. જોકે, ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકૉર્ડ ઍસ્ટોનિયાના સાહિત ચૌહાણના નામે છે. તેમણે ગત વર્ષે જ 17મી જૂન, 2024માં સાઇપ્રસ ટીમ સામે 27 બૉલમાં આ સદી ફટકારી હતી.
ભારતે 150 રને જીત મેળવી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત તરફથી બૅટ્સમૅન અભિષેક શર્માએ સૌથી વધુ 135 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 13 છગ્ગા અને સાત ચોક્કા ફટકાર્યા હતા.
તેમણે ન માત્ર બેટિંગમાં પરંતુ બૉલિંગમાં પણ કમાલ કરી.
અભિષેક શર્મા, શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ ઇંગ્લૅન્ડની 2-2 વિકેટો ખેરવી તથા મોહમ્મદ શમીએ ત્રણ વિકેટો લીધી.
આ મૅચમાં અભિષેક શર્માએ 37 બૉલમાં સદી ફટકારી છે. ટી-20 મૅચમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનારા તેઓ બીજા બૅટ્સમૅન બની ગયા છે. તેમણે સંજૂ સેમસનનો રેકૉર્ડ તોડ્યો છે. આ પહેલાં રોહિત શર્માએ 35 બૉલમાં સદી ફટકારી હતી.
ભારત તરફથી તિલક વર્માએ 15 બૉલમાં 24 રન બનાવ્યા. શિવમ દુબેએ 13 બૉલમાં 30 રન બનાવ્યા.
ઇંગ્લૅન્ડ તરફથી બ્રાયડન કાર્સે સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી.
આ સાથે ભારતે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 મૅચની સિરીઝ 4-1થી જીતી લીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















