ગુજરાત પાસે અરબી સમુદ્રમાં સર્જાયું વાવાઝોડું, આગામી બે દિવસમાં બનશે ગંભીર ચક્રવાત, કયા જિલ્લાને અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની પાસે દરિયામાં આ વર્ષનું ચોમાસા બાદનું સૌપ્રથમ વાવાઝોડું સર્જાયું છે. ગુજરાતની પાસે જે સિસ્ટમ હાલ અરબી સમુદ્રમાં છે તે દરિયામાં થોડી આગળ વધતાની સાથે જ વાવાઝોડું બની ગયું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં હાલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રૂપમાં છે.
ભારતની પાસે આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં અને ચોમાસું પૂરું થાય તે બાદ સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે. અરબી સમુદ્રમાં બનનારું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે.
3 ઑક્ટોબરની સવારની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી 240 કિલોમીટર, પોરબંદરથી 270 કિલોમીટર, કચ્છના નલિયાથી 280 કિલોમીટર અને પાકિસ્તાનના કરાચીથી 400 કિલોમીટર દૂર છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ વાવાઝોડું આગળ વધીને 24 કલાકમાં ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે વાવાઝોડું બન્યા બાદ પણ તે વધારે મજબૂત બનશે.
વાવાઝોડાની ગુજરાતને કેટલી અસર થશે?

ઇમેજ સ્રોત, IMD
તાજેતરમાં જે સિસ્ટમ ગુજરાત પર હતી અને પછી દરિયામાં ગઈ છે એ સિસ્ટમ જ હવે વાવાઝોડું બનશે અને તે આગામી દિવસોમાં હજી પણ દરિયામાં રહેવાની શક્યતા છે.
હાલ આ સિસ્ટમ દરિયામાં છે અને આગામી બેથી ત્રણ દિવસ તે દરિયામાં જ આગળ વધે તેવી સંભાવના છે. શરૂઆતમાં આ સિસ્ટમ હાલ જ્યાં છે ત્યાંથી પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે.
જે બાદ તેની દિશા થોડી બદલાશે અને પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે. એ તરફ દરિયામાં આગળ વધતાની સાથે તે ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હવે તે ગુજરાતથી દૂર હોવાને કારણે રાજ્યમાં તેની અસર વધારે થવાની શક્યતા નથી. સિસ્ટમ દરિયામાં જેમ જેમ દૂર જશે તેમ તેની અસર ઘટતી જશે.

ઇમેજ સ્રોત, IMD
હવામાનનાં કેટલાંક મૉડલો જેમ કે GFS (ગ્લોબલ ફૉરકાસ્ટિંગ સિસ્ટમ) અને ECWMF (યુરોપિયન સેન્ટર ફૉર મીડિયમ રૅન્જ વેધર ફૉરકાસ્ટ) મુજબ આ સિસ્ટમ બે ત્રણ દિવસ સુધી દરિયામાં રહ્યા બાદ પરત ગુજરાત તરફ વળતી દેખાય છે.
જોકે, હવામાન વિભાગે આપેલી માહિતી અને તેના આંકડાકીય મૉડલ પ્રમાણે આ સિસ્ટમ હજી બેથી ત્રણ દિવસ સુધી દરિયામાં જ આગળ વધશે અને તેમાં તે ગુજરાત તરફ પરત ફરતી દેખાતી નથી.
હાલ આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે નહીં તે અંગે હવામાનનાં તમામ મૉડલો એક મત નથી.
પરંતુ આગામી બેથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તેની વધારે અસર જોવા નહીં મળે. પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે જોવા મળે તેવી શક્યતા છે.
ગુજરાતમાં આ સિસ્ટમને કારણે વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે વરસાદ થોડો વધારે પડવાની શક્યતા છે. રાજ્યના બીજા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાતી નથી.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે અને આ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની પણ વધારે શક્યતા છે.
આ ઉપરાંત જામનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં પવનની ગતિ થોડી વધારે રહી શકે છે અને છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.
કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહેશે અને અહીં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યના બીજા વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના નથી પરંતુ 6 ઑક્ટોબરથી ફરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















