આઠમા પગારપંચ અંગે કેન્દ્ર સરકારે શું નિર્ણય લીધો? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
કેન્દ્ર સરકારે આઠમા પગારપંચના કાર્યક્ષેત્ર, સમયમર્યાદા અને તેની શરતોને મંજૂરી આપી દીધી છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી.
વૈષ્ણવે મંગળવારે કૅબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતી વેળાએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે જાન્યુઆરી-2025માં આઠમા પગારપંચનાં ગઠનને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ખૂબ જ ટૂંકાગાળામાં તેનું ગઠન પણ થઈ ગયું છે.
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવના કહેવા પ્રમાણે, અનેક મંત્રાલયો, રાજ્ય સરકારો, યુનિયનો તથા ફેડરેશનો સાથે ચર્ચા બાદ તેની શરતો નક્કી કરવામાં આવી હતી.
લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ તથા પેન્શનરોને તેનો લાભ થશે. લગભગ 18 મહિનામાં પંચનો અહેવાલ આવી જશે.
સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ આઠમા પગારપંચનાં વડાં છે તથા આયોગમાં ત્રણ સભ્ય છે.
આ કમિટીમાં આઈઆઈએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ) બૅંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ તથા પેટ્રોલિયમ અને ગૅસ સચીવ પંકજ જૈન પણ તેના સભ્ય છે.
કૅનેડામાં 27 વર્ષીય પંજાબી યુવતીની હત્યા, પોલીસે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Family Handout
કૅનેડાના ઓંટારિયોમાં 27 વર્ષીય પંજાબી યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ મુદ્દે મનપ્રીતસિંહ નામના સંદિગ્ધ સામે વૉરંટ કાઢ્યું છે.
નિયાગ્રા પ્રાદેશિક પોલીસ સેવાના જણાવ્યા અનુસાર, અમનપ્રીત કૌર પંજાબના સંગરુરનાં રહેવાસી હતાં અને તા. 21મી ઑક્ટોબરના રોજ લિંકન શહેરના ચાર્લ્સ ડેલી પાર્કમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના જણાવ્યા પ્રમાણે, અમનપ્રીતના શરીર ઉપર ગંભીર પ્રકારની ચોટનાં નિશાન હતાં. પોલીસે નૉર્થ યૉર્કનાં રહીશ અમનપ્રીત કૌરની હત્યા મામલે મનપ્રીતસિંહ નામના યુવકની સામે હત્યાનો આરોપ મૂક્યો છે.
કૅનેડાના કહેવા પ્રમાણે, મનપ્રીતસિંહ કૅનેડામાંથી નાસી છૂટ્યા છે. અમનપ્રીત કૌરના પરિવારના જણાવ્યા અનુસાર, મૃતક વર્ષ 2021માં કૅનેડા ગયાં હતાં અને ત્યાંની એક હૉસ્પિટલમાં કામ કરીને સારું જીવન જીવી રહ્યાં હતાં.
આ વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન આ દેશની નજીક પહોંચ્યું, 40 ઇંચ વરસાદની શક્યતા

ઇમેજ સ્રોત, RICARDO MAKYN/AFP via Getty Images
આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું મેલિસા હાલમાં કૅરેબિયન સાગરની ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને જમૈકા નજીક પહોંચવામાં ચે.
મેલિસાને કારણે જમૈકામાં ત્રણ તથા હૈતી અને ડૉમિનિકન રિપબ્લિકનમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.
હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મેલિસા જમૈકાની ઉપર ત્રાટકનારું અત્યારસુધીનું સૌથી ભીષણ ચક્રવાત હોય શકે છે.
એક અનુમાન પ્રમાણે, વાવાઝોડાની ઝડપ 290 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લગભગ 40 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
અમેરિકાના નૅશનલ હરિકેન સેન્ટરે મેલિસાને પાંચમી શ્રેણીનું તોફાન જાહેર કરવામાં આવ્યું છે. જે તોફાનની સર્વોચ્ચ શ્રેણી છે.
ક્યૂબા અને દક્ષિણ-પૂર્વમાં બહામાસ માટે પણ ચેતવણી બહાર પાડવામાં આવી છે.
ટ્રમ્પે ત્રીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2028માં ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની શક્યતાનો ઇનકાર નથી કર્યો. તેમણે કહ્યું કે તેમને "આમ કરવું ગમશે".
જોકે, ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની શક્યતાને નકારી કાઢી છે.
ટ્રમ્પના કેટલાક ટેકેદારોએ અમેરિકાના બંધારણની એક જોગવાઈથી બચવા માટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો વિચાર સૂચવ્યો હતો. અમેરિકાના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ બનવા માટે ચૂંટણી લડી શકતા નથી.
ટ્રમ્પે એશિયા પ્રવાસ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે સમર્થકોનું આ સૂચન "યોગ્ય નહીં ગણાય".
જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે ત્રીજી વખત ચૂંટણી લડવા માટે તેઓ કેવી રીત અપનાવશે. ગયા અઠવાડિયે ટ્રમ્પના ભૂતપૂર્વ વ્યૂહરચનાકાર સ્ટીવ બેનને કહ્યું હતું કે ટ્રમ્પને વધુ એક કાર્યકાળ અપાવવા માટે એક "યોજના" તૈયાર કરવામાં આવી છે.
મલેશિયાથી જાપાન જતી વખતે 'એરફોર્સ વન' વિમાનમાં ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે "મંજૂરી મળી જશે", પરંતુ આવું કરવાની તેમની કોઈ યોજના નથી.
બિહાર ચૂંટણીઃ આરજેડીએ 27 નેતાની પક્ષમાંથી હકાલપટ્ટી

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી)એ સોમવારે બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 27 નેતાઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. આ લોકો પર પક્ષની વિચારધારા વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવાયો હતો.
આરજેડીએ જેમને કાઢી મૂક્યા તેમાં બે ધારાસભ્ય, ચાર ભૂતપૂર્વ ધારાસભ્ય અને એક વિધાન પરિષદના સભ્ય (એમએલસી) સામેલ છે.
આરજેડી તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે આ નેતાઓ આરજેડી અથવા મહાગઠબંધનના ઉમેદવારો વિરુદ્ધ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા એવું જાણવા મળ્યા પછી તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
અગાઉ જેડીયુએ પણ એક વર્તમાન ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ મંત્રીઓ સહિત 16 નેતાઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી.
જેડીયુએ હકાલપટ્ટી કરાયેલા નેતાઓ પર પક્ષની વિચારધારાનું ઉલ્લંઘન કરવાનો અને પક્ષ વિરોધી કામગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















