પાકિસ્તાન : ફૈસલાબાદની એક ફૅક્ટરીમાં વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

પાકિસ્તાન : ફૈસલાબાદની એક ફૅક્ટરીમાં વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, RESCUE 1122

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદ શહેરમા એક કારખાનામાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. આ જાણકીરી બચાવ અભિયાનમાં જોતરાયેલા અધિકારીઓએ આપી હતી.

ઇમર્જન્સી સર્વિસના પ્રવક્તા ફારુક અહેમદે કહ્યું, "શરૂઆતની તપાસમાંથી ખબર પડે છે કે આ વિસ્ફોટ ગૅસ ગળતરને કારણે થયો હતો."

તેમણે જણાવ્યું કે વિસ્ફોટને કારણે કારખાના પાસેનાં નવ ઘરોને નુકસાન થયું છે. મૃતકોમાં ત્રણ મજૂર છે અને અન્ય સ્થાનિક લોકો હોવાનું કહેવાય છે.

પંજાબ પ્રાંતનાં મુખ્ય મંત્રી મરિયમ નવાઝે પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

ભારતનું તેજસ ફાઇટર પ્લેન દુબઈ ઍર શોમાં થયું ક્રૅશ, પાઇલટનું મોત

ભારતનું તેજસ ફાઇટર પ્લેન દુબઈ ઍર શોમાં થયું ક્રૅશ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત દુબઈ ઍર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતનું સ્વદેશી ફાઇટર પ્લેન તેજસ ક્રૅશ થઈ ગયું.

ભારતીય વાયુ સેનાએ દુબઈ ઍર શોમાં તેજસ વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થયાની પુષ્ટિ કરી દીધી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક વિમાન સીધું જમીન પર પડતું નજરે પડે છે. ત્યારબાદ તેમાં આગ અને ધુમાડો નીકળતો નજરે પડે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, આ વિમાન આજે બપોરે લગભગ બે વાગીને દસ મિનિટે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

આ ઍર શો દુબઈના સૌથી મોટા અલ-મક્તૂમ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર થઈ રહ્યો હતો.

ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે એ અનુસાર, આ દુર્ઘટનામાં પાઇલટનું પણ મૃત્યુ થઈ ગયું છે. વાયુસેનાએ આ દુર્ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.

સિંગલ ઍન્જિન ધરાવતું તેજસ ફાઇટર પ્લેન પૂર્ણ સ્વદેશી છે. તેની નિર્માતા કંપની હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિડેટ એટલે કે એચએએલ છે.

આ વિમાન દૂરથી જ દુશ્મનનાં વિમાનો પર નિશાન તાકી શકે છે. તથા દુશ્મનના રડારને પણ માત આપી દેવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાન એટલાં જ હથિયાર અને મિસાઇલ લઈને ઊડી શકે છે જે પ્રકારે સુખોઈ વિમાન ઊડી શકે છે.

આ વર્ષે નવેમ્બરમાં ભારતીય સંરક્ષણ મંત્રાલયે હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ સાથે 97 તેજસ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો. તેની આપૂર્તિ 2027માં શરૂ થવાની આશા છે.

આ પહેલાં વર્ષ 2021માં ભારત સરકારે એચએએલ સાથે 83 તેજસ ઍરક્રાફ્ટની ડીલ સાઇન કરી હતી. આ ડિલીવરી વર્ષ 2024માં થવાની હતી પરંતુ અમેરિકાથી આયાત કરવામાં આવતા ઍન્જિનની અછતને કારણે તેમાં મોડું થયું.

વિયેતનામમાં ભયંકર પૂરને કારણે ઓછામાં ઓછા 41 લોકોનાં મૃત્યુ

વિયેતનામમાં ભયંકર પૂરને કારણે ઓછામાં ઓછા 41 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિયેતનામમાં ગત ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં દોઢ મીટરથી વધુ વરસાદ થયો છે

વિયેતનામના સરકારી મીડિયાના રિપોર્ટ અનુસાર, મધ્ય વિયેતનામમાં સતત વરસાદ અને પૂરને કારણે ગત સપ્તાહમાં ઓછામાં ઓછા 41 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે કે નવ લોકો લાપતા થઈ ગયા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.

રિપોર્ટ પ્રમાણે, પૂરમાં 52 હજારથી વધારે ઘરો ડૂબી ગયાં છે અને પાંચ લાખ ઘરો અને દુકાનોમાં વીજળી નથી. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ગત ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં દોઢ મીટરથી વધુ વરસાદ થયો છે. હાલના મહિનામાં વિયેતનામમાં બહુ ખરાબ હવામાન રહ્યું છે, કાલમેગી અને બુઆલોઈ વાવાઝોડાંને કારણે પણ ભયંકર તબાહી મચી હતી.

સરકારી અનુમાન પ્રમાણે, જાન્યુઆરીથી ઑક્ટોબર વચ્ચે પ્રાકૃતિક આફતોને કારણે વિયેતનામમાં બે અબજ ડૉલરનું નુકસાન થયું છે.

દક્ષિણ આફ્રિકાની સામે બીજી ટેસ્ટમૅચમાં નહીં રમે શુભમન ગિલ, કોણ હશે કૅપ્ટન?

દક્ષિણ આફ્રિકાની સામે બીજી ટેસ્ટમૅચમાં નહીં રમે શુભમન ગિલ, કોણ હશે કૅપ્ટન? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુભમન ગિલને કોલકાતા ટેસ્ટમૅચમાં ભારતની પહેલી ઇનિંગ દરમિયાન શૉટ રમતી વખતે ગરદન પર ઈજા થઈ હતી (ફાઇલ ફોટો)

ભારતીય ટેસ્ટ ટીમના કૅપ્ટન શુભમન ગિલ દક્ષિણ આફ્રિકાની સામે ગુવાહાટીમાં રમાનારી બીજી ટેસ્ટમૅચમાં નહીં રમે.

બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે "કૅપ્ટન શુભમન ગિલ, જેમને દક્ષિણ આફ્રિકાની સામે પહેલી ટેસ્ટ દરમિયાન ગરદન પર ઈજા થઈ હતી, ગુવાહાટીમાં રમાનારી બીજી ટેસ્ટમૅચમાંથી બહાર થઈ ગયા છે. તેમને અનુપસ્થિતિમાં ઋષભ પંત કૅપ્ટન રહેશે.

ગિલને કોલકાતા ટેસ્ટમૅચમાં ભારતની પહેલી ઇનિંગ દરમિયાન શૉટ રમતી વખતે ગરદન પર ઈજા થઈ હતી. તેમની ગરદન જકડાઈ ગઈ હતી તેથી તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા.

તેઓ બુધવારે ટીમ સાથે ગુવાહાટી રવાના નહોતા થયા. ગુવાહાટીમાં બીજી ટેસ્ટમૅચ રમાશે. ગુરુવારે તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા, પરંતુ તેમને ટીમે રિલીઝ કરી દીધા છે.

ફાતિમા બૉશ બન્યાં મિસ યુનિવર્સ, ઇવેન્ટમાં ભારે વિવાદ થયો હતો

બીબીસી ગુજરાતી મિસ યુનિવર્સ ફાતિમા બૉશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારે વિવાદ થયા છે જેમાં જજોએ રાજીનામાં આપ્યાં છે.

મૅક્સિકોનાં ફાતિમા બૉશને મિસ યુનિવર્સ 2025 તરીકે પસંદ કરવામાં આવ્યાં છે.

શુક્રવાર બૅંગકૉકમાં આયોજિત એક સ્પેશિયલ સમારોહમાં તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો.

25 વર્ષનાં ફાતિમા નવેમ્બર મહિનામાં ચર્ચા આવ્યા હતા જ્યારે તેમને બીજાં સ્પર્ધકો સામે ઝાટકવામાં આવ્યાં હતાં અને તેમણે રૂમમાંથી વૉકઆઉટ કર્યો હતો.

ત્યાર પછી સ્પર્ધાના બે જજે રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામું આપનાર એક જજે દાવો કર્યો હતો કે સ્પર્ધા 'ફિક્સ્ડ' છે.

વિશ્લેષકોએ કહ્યું કે થાઈ અને મૅક્સિકન માલિકો વચ્ચે સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક મતભેદોના કારણે આ વિવાદ થયો હતો.

મિસ યુનિવર્સ સ્પર્ધા 1952માં શરૂ થઈ હતી અને આ વર્ષે તેની 74મી આવૃત્તિ હતી.

ગોધરા : મકાનમાં આગ લાગતા પરિવારના ચાર સભ્યોનાં મોત

બીબીસી ગુજરાતી ગોધરા આગ જ્વેલર પરિવાર

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, ગોધરાના એક જ પરિવારના ચાર સભ્યો આગમાં ગૂંગળાઈને મૃત્યુ પામ્યા છે.

ગોધરાના બામરોલી રોડ પર આવેલા એક મકાનમાં આગ લાગવાથી ચાર સભ્યોનાં મોત નીપજ્યાં છે.

પરિવારમાં પુત્રનો લગ્નપ્રસંગ હતો તે દિવસે જ આ કરુણાંતિકા બની છે.

બીબીસીના સહયોગી દક્ષેશ શાહના અહેવાલ પ્રમાણે, બામરોલી રોડ પર ગંગોત્રીનગર સેતુ ક્લબની બાજુમાં રહેતા જ્વેલર કમલેશ દોશીના ઘરે પુત્ર દેવ જોશીની સગાઈ નક્કી થઈ હતી.

આજે સવારે પરિવાર બહારગામ જવા રવાના થવાનો હતો, પરંતુ રાતના સમયે પરિવારજનો સૂતા હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર સોફામાં શૉર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ઘર પૅક હોવાથી તેમાં ધુમાડો ભરાઈ ગયો હતો અને ઘરમાં સૂતેલા પરિવારજનો ઊંઘમાં જ શ્વાસ ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા છે.

મૃતકોમાં કમલેશભાઈ દોશી (ઉંમર 50 વર્ષ), દેવલબહેન જોશી (ઉંમર 45 વર્ષ), દેવ દોશી (ઉંમર 24 વર્ષ) અને રાજકમલ દોશી (ઉંમર વર્ષ 22)નો સમાવેશ થાય છે.

ફાયરવિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ચાર લોકો ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા.

અમેરિકા ભારતને આ બે મહત્ત્વનાં શસ્ત્રો વેચશે

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા હથિયાર શસ્ત્ર મિસાઇલ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલિપાઇન્સમાં જેવેલિન ઍન્ટી-ટેન્ક મિસાઇલનું પરીક્ષણ

અમેરિકાએ ભારતને બે મહત્ત્વનાં હથિયારો વેચવાના સોદાને મંજૂરી આપી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકાએ ભારતને 92.8 મિલિયન ડૉલર, એટલે કે લગભગ 823 કરોડ રૂપિયાના હથિયારો વેચવાને મંજૂરી આપી છે.

ભારતને જે હથિયારો વેચવામાં આવશે તેમાં જેવેલિન ઍન્ટી-ટેન્ક મિસાઇલ અને એક્સકેલિબર પ્રિસિઝન આર્ટિલરી પ્રોજેક્ટાઈલ સામેલ છે. આ એવા ગોળા છે જે સચોટ નિશાન લગાવી શકે છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૉશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી તેના નવ મહિના પછી આ સોદા થયા છે. અહીં બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ વર્ષે ઑક્ટોબરમાં ભારત અને અમેરિકા વચ્ચે દશ વર્ષ માટે સંરક્ષણ સહયોગ વધારવા માટે એક સમજૂતીના ફ્રેમવર્ક પર સહી કરવામાં આવી હતી.

ભારત રશિયા ઉપરાંત બીજા દેશો પાસેથી હથિયારો ખરીદીને સપ્લાયમાં વિવિધતા લાવવા માગે છે, ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે.

નીતીશકુમારે મુખ્ય મંત્રીપદના શપથ લીધા પછી શું કહ્યું?

બીબીસી ગુજરાતી નીતીશકુમાર બિહાર મુખ્ય મંત્રી શપથ

ઇમેજ સ્રોત, ANI

દશમી વખત બિહારના મુખ્ય મંત્રી બન્યા પછી નીતીશકુમારે વચન આપ્યું કે બિહારને દેશનાં સૌથી વધુ વિકસિત રાજ્યોમાં સામેલ કરવામાં આવશે.

તેમણે ઍક્સ પર લખ્યું કે, "આજે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં બિહારની નવનિર્વાચિત સરકારના શપથગ્રહણ સમારોહમાં મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. આ વિશેષ અવસર પર બિહારના લોકોને મારું નમન, હૃદયથી આભાર અને ધન્યવાદ."

તેમણે શપથગ્રહણ સમારોહમાં હાજર થવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોથી આવેલા મુખ્ય મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓનો આભાર માન્યો હતો.

તેમણે લખ્યું કે, "બિહારના સર્વાંગી વિકાસના સંકલ્પની સાથે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં એનડીએની સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કાર્ય કરશે."

"મને વિશ્વાસ છે કે બિહારના લોકોના સહયોગ અને આશીર્વાદથી આપણે બિહારને દેશના સૌથી વધુ વિકસિત રાજ્યોની શ્રેણીમાં સામેલ કરીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન