સુરત: પલસાણામાં ફૅકટરીની ટાંકીમાં ઊતરેલા ચાર શ્રમિકોનાં મોત, ખરેખર શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, RUPESH SONWANE/BBC
સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે એક મિલમાં ઢળતી સાંજે એક હૃદય કંપાવનારી ઘટના બની છે. રિસાઇકલિંગ પ્લાન્ટની વૉટર ટૅન્કમાં સાંજના સમયે સફાઈ માટે ઊતરેલા કુલ ચાર શ્રમિકોનાં મૃત્યુ થયાં છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ શ્રમિકોના કોઈ અજાણ્યા કારણથી થયેલી ગૂંગળામણને કારણે મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું છે.
મૃત્યુ પામેલા ચારેય મજૂરો બિહારના વતની હતા.
બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી માહિતી અનુસાર, ટાંકીમાં ઊતરેલા ચારેય શ્રમિકો બહાર ન આવતા મિલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા બારડોલી, કામરેજ ઈઆરસી , પીઈપીએલ તેમજ હોજીવાલા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રૅસ્ક્યૂ કરી તમામ ચારેય લોકોને ટૅન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં તમામ લોકોનાં મોત નીપજી ચૂક્યાં હતાં.
ફૅક્ટરીમાં શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, RUPESH SONWANE/BBC
આ ઘટના પલસાણામાં આવેલા રાજહંસ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં બની હતી.
આ મિલમાં મુખ્યત્ત્વે કપડાંને રંગવાનું કામ થતું હતું. રંગકામ બાદ જે ખરાબ પાણી નીકળે તેને ટાંકીમાં ભરીને રિસાઇકલ કરવામાં આવતું હતું. ત્યારબાદ ફરીથી પાણીને ઉપયોગમાં લઈને તેનો નિકાલ કરી દેવામાં આવતો હતો.
આ પાણી સાથે આવતો કૅમિકલયુક્ત કચરો ટાંકીના તળિયે જમા થઈ જતો હતો જેને કારણે વર્ષમાં એકવાર ટાંકીની સફાઈ કરવામાં આવતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કચરાની સફાઈ કરવા માટે સફાઈ કામદારો ટાંકીમાં ઊતર્યા હતા. જોકે, બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી પ્રાથમિક માહિતી અનુસાર સફાઈ કરવા ઊતરેલા શ્રમિકો કોઈપણ સેફ્ટીના સાધનો વગર ટાંકીમાં ઊતર્યા હતા. ત્યારબાદ ટાંકીમાં ગૂંગળામણ થતા ચારેય શ્રમિકોનાં મોત નીપજ્યાં હતાં.
સૌથી પહેલા 33 વર્ષીય રાજુભાઈ લુમસિંગ આ ટાંકીમાં ઊતર્યા હતા, પરંતુ તેઓ ગૂંગળામણને કારણે બહાર ન આવતા તેમનો પુત્ર કમલેશ તેમને બચાવવા માટે ટાંકીમાં ઊતર્યો હતો. થોડા સમય બાદ બંને પિતા-પુત્ર પણ બહાર ન આવતા અન્ય બે લોકો શાહબાઝ મોહમ્મદ શેખ અને દીપકસિંગ ટાંકીમાં ચૅક કરવા માટે ઊતર્યા હતા. તેમના પણ ગૂંગળામણને કારણે મૃત્યુ થયાં હોવાની માહિતી મળી છે.
પોલીસે આ મામલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, RUPESH SONWANE/BBC
સુરત ગ્રામ્યના ડેપ્યુટી એસપી એચ.એલ.રાઠોડે આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા આ અંગે વધુ વિગતો આપી હતી.
તેમણે કહ્યું હતું કે, “કિરણ ઇન્ડસ્ટ્રીઝના રિસાઇકલ પ્લાન્ટની ટાંકીની સાફસફાઈ કરવા માટે પહેલાં બે મજૂરો ઊતર્યા હતા. પરંતુ તેઓ બહાર ન આવતા બીજા બે લોકો ટાંકીમાં ઊતર્યા હતા. કુલ ચાર લોકોના મૃત્યુ થયાં છે. પ્રાથમિક નજરે કોઈ ગેસને કારણે થયેલી ગૂંગળામણથી આ મૃત્યુ થયાં છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. તેઓ સેફ્ટીના કોઈ સાધનો લઈને ઊતર્યા હતા કે નહીં તે અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે. જો આમાં કોઈની બેદરકારી જણાશે તો તેમની સામે પણ ફરિયાદ દાખલ કરીને ચોક્ક્સ પગલાં લેવાશે.”
બારડોલીના ફાયર ઑફિસર પી.બી. ગઢવીએ જણાવ્યું હતું કે, “પલસાણાના પીઆઈ તરફથી અમને ચાર લોકો કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં આ રીતે ટાંકીમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. અમારી સાથે ઈઆરસી , પીઈપીએલના લોકો પણ હતા અને અમે સાથે મળીને ચાર લોકોનું રૅસ્ક્યૂ કર્યું હતું. કંપનીના લોકોએ જણાવ્યું હતું કે આ ટાંકીમાં ગેસ ગળતર થવાને કારણે આ લોકો બેહોશ થઈ ગયા હતા. જેના કારણે તેમના મૃત્યુ થયાં હોઈ શકે.”
પરિવારજનોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, RUPESH SONWANE/BBC
કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા મૃતક દીપકસિંગના સંબંધી મોહિતસિંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું, “આ મામલે અમને પણ થોડા સમય પહેલાં જ જાણ થઈ છે. આ ઘટના કેવી રીતે બની તેની ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ લોકો કહી રહ્યા છે કે ગૂંગળામણને કારણે તેમનું મૃત્યુ થયું છે. તેઓ કંપનીના સ્ટાફરૂમમાં જ રહેતા હતા. તેમની સાથે જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ હેલ્પર તરીકે કામ કરતા હતા.”























