'નરેન્દ્ર મોદી અને મારામાં જમીન આસમાનનો ફરક છે,' કોળી નેતા પરસોત્તમ સોલંકી બીજું શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, Parshottam Solanki Gujarat ના મુખ્ય મંત્રી બનવા વિશે શું બોલ્યા?
'નરેન્દ્ર મોદી અને મારામાં જમીન આસમાનનો ફરક છે,' કોળી નેતા પરસોત્તમ સોલંકી બીજું શું બોલ્યા?
પ્રકાશિત

રાજ્યમાં કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીએ રાજ્યના રાજકારણમાં અને તેમની રાજકીય કારકીર્દીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે.

બીબીસી ગુજરાતીએ પરસોત્તમ સોલંકી સાથે વાત કરી હતી. જેમાં તેઓ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોળી સમાજની સ્થિતિ, તેમની માગો, તેમના મુદ્દાઓ પર ખુલીનો બોલ્યા હતા.

ઉપરાંત મુખ્ય મંત્રી પદને વિશે તેમના વિચારોથી લઈને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની સામેના બળવાખોર જૂથમાં રહેવું અને હવે જ્યારે તેઓ પીએમ છે ત્યારે તેમની સાથેના તેમના સંબંધો અંગે પણ તેમણે વાત કરી હતી.

કોણ છે પરસોત્તમ સોલંકી?

પરસોત્તમ સોલંકી

પરષોત્તમ સોલંકી ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પકડ ધરાવતા નેતા છે.

નોંધનીય છે કે પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઘણાં વરસોથી જીતતા આવ્યા છે.

તેમની રાજકીય વગ વિશે વાત કરતાં સૌરાષ્ટ્રના એક પત્રકારે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, “પરષોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના ભાજપના એક વગદાર નેતા છે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા એ સમયથી તેમને સ્ટારપ્રચારક તરીકે મતવિસ્તારોમાં મોકલવામાં આવતા. મુખ્ય મંત્રી સિવાય પ્રચાર માટે હેલિકૉપ્ટર મેળવનાર ઉમેદવારોમાં પણ તેમનું નામ રહેતું. આ વાત તેમની રાજકીય વગ જણાવે છે.”

ઘણાં વરસો સુધી પરષોત્તમ સોલંકીના પર્સનલ આસિસ્ટન્ટ રહેલા વીરેન્દ્ર મણિયાર જણાવે છે કે, “વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તે સમયના ઊર્જામંત્રી સૌરભ પટેલે તેમની સાથેના અણબનાવને કારણે બોટાદની પોતાની બેઠક બદલવાની ફરજ પડી હતી.”

પરસોત્તમ સોલંકીની એક એવા નેતા તરીકેની ઓળખ છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ કાપી શક્યું નથી.

કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા પરસોત્તમ સોલંકી વિશે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ જણાવે છે કે, “તેમને મોટા ભાગની સરકારોમાં મંત્રીપદ મળ્યું છે, આ બાબત ગુજરાત ભાજપમાં તેમનું કદ કહી આપે છે.”