ગીર સોમનાથમાં ડેમોલિશન દરમિયાન ઘર્ષણ, સરકારી જમીન ઉપર એક ધાર્મિકસ્થળ સહિત 12 દબાણ હટાવાયાં – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, GIB
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં મંગળવારની સાંજથી સ્થાનિક વહીવટીતંત્રે ડિમૉલિશનની કામગીરી હાથ ધરી હતી.
ગુજરાત સરકારે માહિતી આપી છે કે આ કાર્યવાહી દરમિયાન સરકારી જમીન ઉપર ખડકી દેવાયેલા એક ધાર્મિકસ્થળ સહિતનાં 12 જેટલાં મોટાં દબાણ હઠાવી દેવામાં આવ્યાં છે.
ગુજરાતના નાયબમુખ્ય મંત્રી હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે, "નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, પુસ્તકાલય અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જમીનો ઉપર ઊભા કરવામાં આવેલાં તમામ દબાણો લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભાં કરી દેવાયેલાં તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે."
વિજ્ઞપ્તીમાં જણાવ્યા પ્રમાણે, દબાણ હઠાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ટોળું એકઠું થઈ ગયું હતું અને પોલીસકર્મીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ અને બળપ્રયોગ કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસકર્મી અને અધિકારીઓ ઘાયલ થયા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારા સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી દરમિયાન લગભગ રૂ. દોઢ કરોડની બજારકિંમત ધરાવતી એક હજાર 300થી એક હજાર 400 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે.
પાકિસ્તાને 'રશિયન ડિફેન્સ ટેકનૉલૉજીની કથિત ચોરીના પ્રયાસ' વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters
પાકિસ્તાન દ્વારા કથિત રીતે રશિયાના સંરક્ષણ સરંજામની તકનીક 'ચોરવાનો પ્રયાસ' થયો હતો, જેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. આ સંબંધના અહેવાલ ભારતીય મીડિયામાં પ્રકાશિત થયા હતા. જોકે, પાકિસ્તાને આ અહેવાલોને નકારી દીધા છે.
બીબીસીની ઉર્દૂ સેવાના અહેવાલ પ્રમાણે, રશિયાની રાજધાની મૉસ્કોસ્થિત પાકિસ્તાની દૂતાવાસે આ અંગે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આ પ્રકારના નિરાધાર સમાચાર પાકિસ્તાન અને રશિયા વચ્ચેના લાંબાગાળાના અને મૈત્રીપૂર્ણ સહયોગને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનેક ભારતીય રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તનની સુરક્ષા એજન્સી આઈએસઆઈએ (ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ) રશિયામાંથી ડિફેન્સ ટેકનૉલૉજી ચોરવાનો પ્રયાસ કર્યો, જેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો.
સૌથી પહેલાં ભારતીય અખબાર 'ઇકોનૉમિક ટાઇમ્સ'માં પ્રકાશિત થયા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ રશિયાની ઍર ડિફેન્સ સિસ્ટમ તથા હૅલિકૉપ્ટર સંબંધિત માહિતી ચોરવાનો પ્રયાસ થયો હતો.
આ મામલે રશિયાના સૅન્ટ પિટ્સબર્ગમાંથી એક રશિયન શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઑપરેશન સિંદૂર વખતે ભારતે રશિયન ઍર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો, જે કારગત રહી હતી.
પાકિસ્તાને ભારતીય મીડિયામાં પ્રકાશિત આ અહેવાલોનું ખંડન કર્યું છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયની 'ફૅક્ટ ચેકિંગ ટીમ'એ પણ આ અહેવાલને નકારી કાઢ્યા હતા.
ભારત અને ભુતાન વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર, શું શું જાહેરાત થઈ?

ઇમેજ સ્રોત, X/@MEAIndia
ભુતાનની ઊર્જા પરિયોજનાઓ માટે ભારત તેને ચાર હજાર કરોડ ભારતીય રૂપિયા કરજ તરીકે આપશે. આ કરજનો દર સસ્તો હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભુતાન પ્રવાસ પર બંને દેશ વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર થયા છે અને અનેક જાહેરાતો થઈ છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે.
પીએમ મોદી અને ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે 1020 મેગાવોટના પુનાત્સાંગછુ-2 જળવિદ્યુત પરિયોજનાનું ઉદઘાટન કર્યું છે. આ સિવાય બંને દેશો વચ્ચે 1200 મેગાવોટની પુનાત્સાંગછુ-1 જળવિદ્યુત પરિયોજનાના મુખ્ય બંધનું કામ ફરી શરૂ કરવા સહમતિ સધાઈ છે.
આ બંને દેશ તરફથી સંયુક્ત રીતે વિકસિત સૌથી મોટી જળવિદ્યુત પરિયોજના હશે.
ભારત અને ભુતાન વચ્ચે રિન્યુએબલ ઍનર્જી, સ્વાસ્થ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં સહયોગ મામલે એમઓયુ થયા છે.
આ સિવાય વારાણસીમાં ભુતાનનાં મંદિર/મોનેસ્ટ્રી અને ગેસ્ટહાઉસ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત પણ થઈ છે.
ફિલ્મ અભિનેતા ગોવિંદાની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ કરાયા

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા ફિલ્મ કલાકાર ગોવિંદાની તબિયત અચાનક લથડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંગળવારે સાંજે લગભગ સાડા આઠ વાગ્યે ગોવિંદાને ચક્કર આવીને બેભાન થઈ જતા તેમને મુંબઈની ક્રિટીકેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હૉસ્પિટલના ડૉક્ટર દીપક નામજોશીએ કહ્યું હતું કે "ગોવિંદાની હાલત સારી છે અને પોતાના રૂમમાં આરામ કરે છે."
ગોવિંદાના સહયોગી અને કાનૂની સલાહકાર લલિત બિંદલે બીબીસી ન્યૂઝ હિંદી સમક્ષ આ વાતની પુષ્ટિ કરી હતી.
ગોવિંદાને સૌથી પહેલાં ડૉક્ટરની સલાહ મુજબ દવા આપવામાં આવી હતી, પરંતુ પછી તબિયત વધુ ખરાબ થતા જુહુમાં આવેલી ક્રિટીકેર હૉસ્પિટલે લઈ જવાયા હતા. હાલમાં ગોવિંદાની તબિયત સ્થિર છે તેમ લલિત બિંદલે જણાવ્યું હતું. ગોવિંદાના જરૂરી ટૅસ્ટ કરવામાં આવ્યા છે અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
ગયા વર્ષે ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી ત્યારે પણ તેમને આ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બિહારમાં NDA આગળ રહેશે એવા ઍક્ઝિટ પોલ પર ભાજપ-JDUના નેતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ગયું છે. ચૂંટણી પછી એવા ઘણા ઍક્ઝિટ પોલ આવ્યા છે જેમાં મોટા ભાગે એનડીએને બહુમતી આપવામાં આવી છે.
જેડીયુના નેતા રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે જનતાએ મોહર લગાવી દીધી છે કે બિહારના મુખ્ય મંત્રીપદે નીતીશકુમાર જ રહેશે.
તેમણે કહ્યું કે, "આખા બિહારમાં નીતીશની લહેર હતી. અમે કહી શકીએ કે 14મીએ જ્યારે પરિણામ આવશે ત્યારે ભારે બહુમતીથી સરકાર બનશે. બધા ઍક્ઝિટ પોલનો સાર એ છે કે એનડીએની સરકાર બનશે."
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે "બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રેકૉર્ડબ્રેક મતદાન થયું છે. તે સ્પષ્ટ સંકેત છે કે લોકોએ વિકસિત બિહાર અને વિકસિત ભારત માટે વોટ આપ્યો છે."
બિહાર સરકારમાં મંત્રી પ્રેમકુમારે કહ્યું કે "અમે ઍક્ઝિટ પોલમાં આગળ ચાલીએ છીએ અને સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ. 14 નવેમ્બરે હકીકત બહાર આવી જશે."
ભાજપના નેતા સૈયદ શાહનવાઝ હુસૈને કહ્યું કે "બિહારમાં વોટ આપીને દિલ્હી આવ્યો છું. ત્યાં લાંબી કતારો સ્પષ્ટ જોવા મળે છે. ચોખ્ખું દેખાય છે કે એનડીએ સત્તા પર આવશે."
દિલ્હીના કાર વિસ્ફોટ અંગે તુર્કીએ નિવેદન આપ્યું, 'આતંકવાદ'નો ઉલ્લેખ કર્યો

ઇમેજ સ્રોત, Arif Hudaverdi Yaman/Anadolu via Getty
દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં સોમવારે થયેલા વિસ્ફોટ અંગે તુર્કીએ નિવેદન બહાર પાડીને પોતાની સંવેદના જારી કરી છે. સાથે સાથે તુર્કીએ 'આતંકવાદ' વિરુદ્ધ લડાઈ અંગે પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
નિવેદનમાં જણાવાયું હતું કે, "10 નવેમ્બરે દિલ્હીમાં થયેલા ધડાકામાં લોકોના જીવ જવાથી અમે દુખી છીએ. પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરીએ છીએ."
તુર્કીએ આતંકવાદ વિશે કહ્યું કે "તુર્કી ફરી એક વખત આતંકવાદના દરેક સ્વરૂપ વિરુદ્ધ પોતાના સૈદ્ધાંતિક વલણ અને આ વૈશ્વિક જોખમ સામે લડાઈમાં સહયોગની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવે છે."
દિલ્હીમાં સોમવારે લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હોવાની દિલ્હી પોલીસે પુષ્ટિ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















