વલસાડમાં રામનવમીના દિવસે નાથુરામ ગોડસેનાં પોસ્ટર લાગતાં વિવાદ - ન્યૂઝ અપડેટ

વલસાડમાં આયોજિત રામનવમીની શોભાયાત્રામાં નાથુરામ ગોડસેનાં પોસ્ટર લાગતાં વિવાદ થયો છે

ઇમેજ સ્રોત, APURV PAREKH

ઇમેજ કૅપ્શન, વલસાડમાં આયોજિત રામનવમીની શોભાયાત્રામાં નાથુરામ ગોડસેનાં પોસ્ટર લાગતાં વિવાદ થયો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાત સહિત દેશભરમાં આજે રામનવમીની ઉજવણી થઈ રહી છે અને ઠેર ઠેર રેલીઓ અને શોભાયાત્રા પણ નીકળી હતી.

એવામાં ગુજરાતના વલસાડમાં આયોજિત રામનવમીની શોભાયાત્રામાં નાથુરામ ગોડસેનાં પોસ્ટર લાગતાં વિવાદ થયો છે.

વાપી ખાતે રામનવમીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જાહેર માર્ગો પર નાથુરામ ગોડસેનાં બેનર લાગ્યાં હતાં.

બેનર પર લખવામાં આવ્યું હતું કે 'રઘુપતિ રાઘવ રાજારામ, દેશ બચા ગયા નાથુરામ.'

આ શોભાયાત્રાનું આયોજન શ્રીરામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા કરવામાં આવ્યું હતું.

બેનરના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કૉંગ્રેસ દ્વારા સમગ્ર મામલે વિરોધ નોંધાવાયો હતો.

કૉંગ્રેસ શહેર પ્રમુખ બિપિન પટેલે પોસ્ટર લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ કરી હતી.

તેમણે કહ્યું, "નાથુરામ ગોડસે દેશનો પ્રથમ આતંકવાદી છે, નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. આજના દિવસે દેશમાં ભાઈચારાનો સંદેશ જવો જોઈએ. દેશ ખૂબ આનંદમાં છે. એવામાં આ સમિતિએ નાથુરામ ગોડસેનાં પોસ્ટર લગાડીને આજના દિવસને કલંકિત કર્યો છે. આથી હું ભારત સરકારને કહું છું કે આ સમિતિના તમામ સભ્યોની ધરપકડ કરવી જોઈએ અને તેમની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ."

એમ.એ.બેબી બન્યા સીપીઆઈએમના નવા મહાસચિવ, પોલિત બ્યૂરોમાંથી પ્રકાશ કરાત અને વૃંદા કરાત બહાર

ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એટલે સીપીઆઈએમના કેરળના નેતા એમ.એ.બેબીને પાર્ટીના નવા મહાસચિવ

ઇમેજ સ્રોત, MA Baby/Facebook

ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એટલે સીપીઆઈએમના કેરળના નેતા એમ.એ.બેબીને પાર્ટીના નવા મહાસચિવ પસંદ કરવામાં આવ્યા છે.

ગત વર્ષે સીતારમણે યેચુરીના નિધન બાદ સીપીઆઈએમના મહાસચિવનું પદ ખાલી થયું હતું.

તારીખ બીજી એપ્રિલથી શરૂ થયેલા સીપીઆઈએમના 24મા સંમેલનમાં કેન્દ્રીય સમિતિની પસંદગી કરવામાં આવી છે. 85 સભ્યોવાળી કેન્દ્રીય સમિતિમાં એક સ્થાન ખાલી છે એટલે તેમાં હાલ 84 લોકોનાં નામ છે.

પાર્ટીએ કહ્યું છે કે કેન્દ્રીય સમિતિમાં 20 ટકા સભ્યો મહિલાઓ છે.

આ કેન્દ્રીય સમિતિએ એમ.એ.બેબીને મહાસચિવ તરીકે પસંદ કર્યા છે. આ ઉપરાંત, નવ નિર્વાચિત કેન્દ્રીય સમિતિએ 18 સભ્યોના પોલિત બ્યૂરોની પસંદગી કરી છે.

'ધોનીએ બે સિઝન પહેલાં જ સંન્યાસ લેવો જોઈતો હતો'-પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ બીજું કહ્યું?

મહેન્દ્ર સિંહ ધોની, આઈપીએલ

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ મહેન્દ્રસિંહ ધોનીના ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પ્રદર્શન પર કઠોર ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડીને આઈપીએલની બે સિઝન પહેલાં જ સંન્યાસ લઈ લેવો જોઈતો હતો.

મનોજ તિવારીએ ક્રિકબઝ સાથે એક વાતચીતમાં કહ્યું કે, "મને માફ કરજો જો હું થોડો કઠોર બની રહ્યો છું. તેમણે (ધોનીએ) 2023ની આઈપીએલ બાદ સંન્યાસ લઈ લેવો જોઈતો હતો. તે તેમનો સૌથી સારો સમય હતો. ક્યાંકને ક્યાંક મને લાગે છે કે ક્રિકેટથી તેમણે (ધોનીએ) જે પણ પ્રસિદ્ધિ અને નામ મેળવ્યાં છે તે છેલ્લાં બે વર્ષથી રમવાની પદ્ધતિથી ખતમ થઈ રહ્યાં છે. ધોનીના ચાહકો તેમને આ રીતે નથી જોઈ શકતા."

તેમણે કહ્યું કે, " જુઓ, ચેન્નાઈના ફૅન્સ કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે, રસ્તાઓ પર નીકળી રહ્યા છે અને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે."

ધોનીએ દિલ્હી કૅપિટલ્સની સામે મૅચમાં 26 બૉલ પર 30 રન બનાવ્યા હતા. આ સિવાય તેઓ જે ક્રમે બૅટિંગ કરવા ઊતરી રહ્યા છે, તેને લઈને પણ કેટલાક ફૅન્સ સવાલ ઉઠાવી રહ્યા છે.

અમદાવાદમાં જીવરાજ પાર્કની સોસાયટીના મકાનમાં આગ, એસી ફાટતા ધડાકા થયા

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં આગ લાગી હતી

ઇમેજ સ્રોત, Bhargav parikh

ઇમેજ કૅપ્શન, અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં આગ લાગી હતી

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં આગ લાગી હતી.

જાણવા મળ્યું છે કે આ એસીનું ગોડાઉન હતું અને તેમાં આગ લાગી હતી. આગ લાગતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં બે વ્યક્તિ દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા.

તો આગ લાગતા ધુમાડાના ગોટેગોટે જોવા મળ્યા હતા અને લોકો પણ એકઠા થઈ ગયા હતા.

બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં વેજલપુરના ફાયર એડિશનલ ચીફ ઑફિસર જયેશ ખડિયાએ જણાવ્યું કે જ્ઞાનદા સોસાયટીમાં આગ લાગી હતી અને આ આગમાં બે વ્યક્તિ દાઝી છે અને ચાર કારમાં પણ આગ લાગી હતી.

આ સોસાયટીમાં એસી રિપૅરિંગ અને સર્વિસ સેન્ટર હતું. મકાનમાલિકનું નામ જગદીશ મેઘાણી હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટી દ્વારા આ સેન્ટરને દૂર કરવા માટે નોટિસ પણ આપી હતી.

ગુજરાતમાં કૉંગ્રેસના અધિવેશન અગાઉ સચીન પાઇલટ 'પાર્ટીમાં ફેરફાર' પર શું બોલ્યા?

પાઇલટે કહ્યું કે યુવા નેતાઓ તેમને આપેલી જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પાઇલટે કહ્યું કે યુવા નેતાઓ તેમને આપેલી જવાબદારીઓ નિભાવી રહ્યા છે

ગુજરાતના અમદાવાદમાં 8-9 એપ્રિલે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. આ અગાઉ કૉંગ્રેસ નેતા સચીન પાઇલટે રવિવારે કહ્યું કે પાર્ટીમાં પેઢીગત બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે.

પાઇલટે કહ્યું કે યુવા નેતાઓ તેમને આપેલી જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેમણે ભાર દઈને કહ્યું કે જવાબદારીની સાથોસાથ વિચારધારાને મજબૂત કરવા, આગળ વધવાનો નારો હશે.

સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પાઇલટે કહ્યું કે ગુજરાતમાં યોજાઈ રહેલું કૉંગ્રેસનું અધિવેશન મહત્ત્વનું છે, કેમ કે ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવા અને ત્યાં પોતાનું ભૂતકાળનું ગૌરવ હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે.

તેમણે એ પણ કહ્યું કે પાર્ટી ભલે લોકસભા ચૂંટણી બાદ કેટલાંક રાજ્યોમાં હારી હોય, પરંતુ પાર્ટીએ લડવાનો દૃઢ વિશ્વાસ કે જોશ ખોયો નથી. તો અધિવેશનમાં ભાગ લેવા અમદાવાદ પહોંચેલા કૉંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે "આવનારા દિવસોમાં ઘણું બદલાશે. મૌસમ બદલાશે, હવા બદલાશે અને (ગુજરાતમાં) સરકાર પણ બદલાશે."

ઇઝરાયલમાં બે સાંસદોને એન્ટ્રી નહીં મળતા બ્રિટને વિરોધ નોંધાવ્યો

યુઆન યાંગ(જમણે) અર્લી ઍન્ડ વૂડલીથી સાંસદ છે જ્યારે કે અબ્તિસમ મોહમ્મદ(ડાબે) શેફીલ્ડ સેન્ટ્રલથી સાંસદ છે. આ બ્રિટનનાં આ બંને સાંસદોને ઇઝરાયલમાં એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવી છે.

ઇમેજ સ્રોત, House of Commons

ઇમેજ કૅપ્શન, યુઆન યાંગ(જમણે) અર્લી ઍન્ડ વૂડલીથી સાંસદ છે જ્યારે કે અબ્તિસમ મોહમ્મદ(ડાબે) શેફીલ્ડ સેન્ટ્રલથી સાંસદ છે. આ બ્રિટનનાં આ બંને સાંસદોને ઇઝરાયલમાં એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવી છે.

બ્રિટનના વિદેશ મંત્રી ડૅવિડ લૅમીએ ઇઝરાયલમાં લેબર પાર્ટીનાં બે મહિલા સાંસદોને એન્ટ્રી ન આપવા બદલ આલોચના કરી છે.

તેમણે ઇઝરાયલના આ પગલાને 'અસ્વીકાર્ય, પ્રતિકૂળ અને ઘોર ચિંતાજનક' ગણાવ્યું છે.

ઇઝરાયલી મીડિયા પ્રમાણે ઇઝરાયલી જનસંખ્યા તથા આપ્રવાસન પ્રાધિકરણે કહ્યું છે કે અબ્તિસમ મોહમ્મદ અને યુઆન યાંગને એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે કારણકે તેમનો ઇરાદો 'ઇઝરાયલ સામે નફરતી નિવેદનબાજી' કરવાનો હતો.

યુઆન યાંગ અર્લી ઍન્ડ વૂડલીથી સાંસદ છે જ્યારે કે અબ્તિસમ મોહમ્મદ શેફીલ્ડ સેન્ટ્રલથી સાંસદ છે.

રિપોર્ટ્સ અનુસાર બંને સાંસદ પોતાના સહયોગીઓ સાથે લંડનથી લ્યૂટન ઍરપૉર્ટ રવાના થયાં. ટાઇમ્સ ઑફ ઇઝરાયલ પ્રમાણે જનસંખ્યા અધિકારીએ જણાવ્યું કે ગૃહમંત્રી મોશે અર્બેલે પૂછપરછ બાદ ચાર લોકોને એન્ટ્રી આપવાની મનાઈ ફરમાવી. બીબીસીએ આ મામલે ઇઝરાયલી જનસંખ્યા તથા આપ્રવાસન પ્રાધિકરણનો સંપર્ક કર્યો છે.

ઇઝરાયલે ગાઝામાં મેડિકલ સ્ટાફને મારી નાખ્યા હોવાનું સ્વીકાર્યું

ઇઝરાયલે ગાઝામાં મેડિકલ સ્ટાફને મારી નાખ્યા હોવાનું સ્વીકાર્યું- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલી સેનાએ સ્વીકાર કર્યો છે કે 23મી માર્ચે દક્ષિણ ગાઝામાં 15 જેટલા મેડિકલ કર્મચારીની હત્યા મામલે તેમના સૈનિકોની ભૂલ હતી.

તે દિવસે રફાહની નજીક પેલેસ્ટિનિયન રેડ ક્રીસેન્ટ સોસાયટી(પીઆરસીએસ)ની ઍમ્બ્યુલન્સનો કાફલો, સંયુક્ત રાષ્ટ્રની એક કાર તથા ગાઝા સિવિલ ડિફેન્સની એક ટ્રક પર ગોળીબાર થયો હતો.

ઇઝરાયલે દાવો કર્ય હતો કે તેની સેનાએ આ હુમલો એટલા માટે કર્યો કે આ કાફલો વગર હેડલાઇટ કે ફ્લૅશ લાઇટ અંધારામાં સંદિગ્ઘ રીતે આગળ વધી રહ્યો હતો.

મૃતક સ્ટાફ પૈકી એકે તે વખતે મોબાઇલથી એક વીડિયો બનાવ્યો હતો. આ ફૂટેજથી ખબર પડી કે ઘાયલ લોકોની મદદ માટે બોલાવવામાં આવ્યા બાદ વાહનોની લાઇટ ચાલી રહી હતી.

ઇઝરાયલ સેનાનું કહેવું છે કે તે પૈકી ઓછામાં ઓછા છ સ્ટાફ હમાસ સાથે જોડાયેલા હતા. જોકે ઇઝરાયલે હજુ આ અંગે કોઈ પુરાવા નથી આપ્યા.

હવે ઇઝરાયલે કબૂલ કર્યું છે કે આ લોકો પાસે કોઈ હથિયાર નહોતા. તેણે એ પણ સ્વીકાર કર્યો છે કે તેને જે જાણકારી આપવામાં આવી હતી તે ખોટી હતી. ઇઝરાયલે કહ્યું હતું કે વગર લાઇટે ત્યાં વાહનો પહોંચ્યાં હતાં.

ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મળી આ નવી જવાબદારી

ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મળી આ નવી જવાબદારી- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિશેષજ્ઞોના આંતરરાષ્ટ્રીય કાર્ય સમૂહ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ ઑફ એકાઉન્ટિંગ ઍન્ડ રિપોર્ટિંગ(આઈએસએઆર)માં ભારતને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યું છે.

તેની જાણકારી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય મિશને આપી. ભારતને વર્ષ 2025-26ના કાર્યકાળ માટે પસંદ કરવામાં આવ્યું છે.

આઈએસએઆર માટ ભારતને ચૂંટી કાઢ્યા બાદ ભારતીય મિશને લખ્યું, "ભારત વૈશ્વિક લેખાંકન માનકોના વિકાસ માટે પોતાનું યોગદાન આપવાનું યથાવત્ રાખશે."

શું છે આઈએસએઆર?

સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા આઈએસએઆર લેખાંકન અને રિપોર્ટિંગ ક્ષેત્રમાં કામ કરે છે. આ નીતિ-નિર્માતાઓ, નિયામકો, માનક-નિર્ધારકો અને ઍન્ટરપ્રાઇઝ એકાઉન્ટિંગ તથા રિપોર્ટિંગના ક્ષેત્રમાં પ્રમુખ વિશેષજ્ઞોનો એક વૈશ્વિક મંચ છે.

અમેરિકામાં ટ્રમ્પ સામે લોકોનું પ્રદર્શન, શું છે માંગ?

અમેરિકામાં ટ્રમ્પ સામે લોકોનું પ્રદર્શન, શું છે માંગ- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે દેશમાં વિવિધ જગ્યાએ પ્રદર્શનો થઈ રહ્યાં છે. રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા બાદ પહેલી વખત છે કે લોકોએ આટલી મોટી માત્રામાં વિરોધપ્રદર્શનો કર્યા હોય.

આ પ્રદર્શનો અમેરિકાનાં તમામ 50 રાજ્યોમાં લગભગ 1200 જગ્યાએ થઈ રહ્યાં છે. આ વિરોધપ્રદર્શનોને હેન્ડ્સ ઑફ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે કે ટ્રમ્પ લોકોના મામલે દખલ ન કરે.

પ્રદર્શનકારીઓએ સામાજીક અને આર્થિક મામલા સહિત અનેક મુદ્દે ટ્રમ્પના એજેન્ડા પર નારાજગી વ્યક્ત કરી છે. દુનિયાભરમાં ઘણા દેશો પર ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાથી બહાર પણ વિરોધ થઈ રહ્યો છે. જેમાં લંડન, પેરિસ અને બર્લિન જેવાં શહેરો પણ સામેલ છે.

વકફ સંશોધન બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

વકફ બિલ, રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ, કાયદો, વિરોધ, વિપક્ષ, સુપ્રીમ કોર્ટ, સાંસદ. કૉંગ્રેસ, ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, આમ આદમી પાર્ટી, ઓવૈસી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, ANI

વકફ સંશોધન બિલ હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. શનિવારે રાત્રે રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્ર સરકારે ગેઝેટ જારી કરીને તેની સૂચના આપી છે. જોકે, આ કાયદો ક્યારે લાગુ થશે તેની કોઈ જાણકારી નથી.

વકફ સંશોધન બિલ પર આ સપ્તાહે સંસદનાં બંને ગૃહોમાં તીખી ચર્ચાઓ થઈ હતી. લોકસભામાં આ બિલ બુધવારે રાત્રે અને રાજ્યસભામાં ગુરુવારે અડધીરાત્રે પસાર થયું હતું.

વકફ સંશોધન બિલને લઈને વિપક્ષનું કહેવું હતું કે આ લઘુમતિઓ પર હુમલો છે. આ બિલની સામે ત્રણ વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

કૉંગ્રેસના કિશનગંજથી સાંસદ મોહમ્મદ જાવેદ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.