ઇસ્લામાબાદમાં બ્લાસ્ટ બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત પર આરોપ લગાવ્યો, શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇસ્લામાબાદમાં બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના સેક્ટર જી-11માં જિલ્લા અને સેશન્સ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ મીડિયાને જણાવ્યું કે આ ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે આ ઘટના પર નિવેદન આપીને ભારત પર આક્ષેપ કર્યા છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઇસ્લામાબાદની જી-11 કચેરીમાં થયેલા આત્મઘાતી હુમલાની ટીકા કરતા આરોપ લગાવ્યો કે આ હુમલામાં 'ભારતનું સમર્થન' ધરાવતાં ચરમપંથી જૂથો સામેલ છે.

બીબીસી ઉર્દૂ અનુસાર, એક નિવેદનમાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે, "ભારતના આતંકી પ્રૉક્સી તરફથી પાકિસ્તાનના નિઃશસ્ત્ર લોકો પર આતંકવાદી હુમલાની ટીકા કરી છે."

વડા પ્રધાન કાર્યાલયમાંથી આવેલા નિવેદનમાં શહબાઝ શરીફે કહ્યું કે, "ભારતે આ ક્ષેત્રમાં પ્રૉક્સી મારફતે આતંકવાદ ફેલાવવાના નફરતભરેલા કામથી દૂર રહેવું જોઈએ."

જોકે પાકિસ્તાન તરફથી લાગેલા આરોપ પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે તેમણે ઇસ્લામાબાદમાં થયેલી આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને તેમાં સામેલ જવાબદાર લોકોને સજા કરાશે.

ફરીદાબાદમાં 800 પોલીસકર્મીએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું, પોલીસને અત્યાર સુધી શું-શું મળ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, દિલ્હી બ્લાસ્ટ, પોલીસ, હરિયાણા, સર્ચ ઑપરેશન, ફરીદાબાદ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીની પાસે આવેલા હરિયાણાના ફરીદાબાદમાં પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.

ફરીદાબાદ પોલીસના જનસંપર્ક અધિકારી યશપાલસિંહે જણાવ્યું કે, "અમને સેક્ટર 56માં ફટાકડા મળ્યા. એ વિસ્ફોટક સામગ્રી નથી. તેનું વેરિફિકેશન કરાઈ રહ્યું છે. હાલ આનો લાલ કિલ્લા પાસે થયેલી ઘટના સાથે કોઈ સંબંધ નથી દેખાઈ રહ્યો."

તેમણે જણાવ્યું કે અલ-ફલાહ યુનિવર્સિટીમાં અને ફરીદાબાદના ઘણા વિસ્તારોમાં લગભગ 800 પોલીસકર્મીએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.

યશપાલસિંહે જણાવ્યું, "હાલ સર્ચ ઑપરેશનનો કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યો."

તેમણે કહ્યું કે અલ-ફલાહ યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીર પોલીસની આગેવાનીમાં તપાસ કરાઈ રહી છે. તેઓ લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ અંગે ટિપ્પણી ન કરી શકે, કારણ કે એ મામલાની તપાસ અન્ય એજન્સી કરી રહી છે.

જોકે, તેમણે બીબીસીને જણાવ્યું કે ફરીદાબાદમાંથી કાલે અને પરમદિવસે લગભગ 2900 કિલો જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો.

આ પહેલાં સોમવારે પોલીસ કમિશનર સતેંદરકુમારે જણાવ્યું હતું કે 360 કિલોગ્રામ જ્વલનશીલ પદાર્થ હાથ લાગ્યો, જે સંભવિતપણે એમોનિયમ નાઇટ્રેટ છે.

યશપાલસિંહે જણાવ્યું કે અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતા ડૉ. મુઝમ્મિલની પૂછપરછ બાદ જ એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યો હતો.

તેમણે એવું પણ કહ્યું કે આ તમામ મામલાની તપાસ ચાલી રહી છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું, 'દિલ્હી બ્લાસ્ટના દોષિતોને કઠોર સજા મળશે'

બીબીસી ગુજરાતી, ગુજરાતી, વડા પ્રધાન, બીબીસી, અમદાવાદ, નરેન્દ્ર મોદી, ભારત સરકાર, દિલ્હી બ્લાસ્ટ, ભૂતાન

ઇમેજ સ્રોત, Artur Widak/NurPhoto via Getty Images

ભૂતાનના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી બ્લાસ્ટની ઘટના અંગે કહ્યું કે બ્લાસ્ટનું ષડ્યંત્ર રચનારને 'નહીં છોડાય. તમામ જવાબદારોને કડક સજા મળશે.'

થિમ્પૂમાં તેમણે કહ્યું, "અહીં હું ભારે મન સાથે આવ્યો છું. દિલ્હીમાં થયેલી ભયાનક ઘટનાએ બધાને અત્યંત દુ:ખી કરી દીધા છે. હું પીડિત પરિવારોનું દુ:ખ સમજુ છું. આખો દેશ તેમની સાથે ઊભો છે. હું આખી રાત તમામ તપાસ એજન્સીઓ સાથે સંપર્કમાં હતો. અમારી તપાસ એજન્સીઓ આ મામલાનાં મૂળ સુધી જશે."

ઇસ્લામાબાદની કચેરી બહાર બ્લાસ્ટ, ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બીબીસી, ગુજરાત, પાકિસ્તાન, બ્લાસ્ટ, ઇસ્લામાબાદ

ઇમેજ સ્રોત, Zulqarnain

ઇમેજ કૅપ્શન, બ્લાસ્ટના કારણ અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ

પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદના સેક્ટર જી-11ની કચેરી બહાર થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ થયાં છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ મીડિયાને જણાવ્યું છે કે આ ઘટનામાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે અને 27 ઈજાગ્રસ્ત થયા છે.

મોહસિન નકવીએ જણાવ્યું છે કે, "બપોરે 12.39 વાગ્યે કચેરી પર એક આત્મઘાતી હુમલો થયો. આ હુમલાને કારણે મોટું નુકસાન થયું છે, જેમાં 12 લોકો શહીદ થયા છે અને 27 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત છે, ઈજાગ્રસ્તોનો ઇલાજ ચાલી રહ્યો છે. વડા પ્રધાને જાતે કહ્યું છે કે ઈજાગ્રસ્તોનો ઇલાજ સારી રીતે ચાલી રહ્યો છે."

આ વિસ્ફોટક કયા પ્રકારના હતા એ વિશે પોલીસને અત્યાર સુધી કશી ખબર પડી નથી, પરંતુ કોર્ટ પરિસરને ખાલી કરાવાઈ રહ્યું છે.

પોલીસ અને સંરક્ષણ દળ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરી રહ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવાયા છે.

સમાચાર એજન્સી રૉયટર્સે એક પોલીસ પ્રવક્તાના હવાલાથી કહ્યું છે કે કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે.

પોલીસે જણાવ્યું છે કે, "બ્લાસ્ટની તપાસ કરાઈ રહી છે. જોકે, કારણો અંગે હજુ સુધી કંઈક ખબર નથી પડી શકી. ફૉરેન્સિક ટીમ પાસેથી જાણકારી મળ્યા બાદ જ અમે કંઈક જણાવી શકીશું."

ધર્મેન્દ્ર અંગે મીડિયામાં અફવાઓ ફેલાતાં હેમા માલિનીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી ધર્મેન્દ્ર હેમા માલિની હૉસ્પિટલ ડૉક્ટર

ઇમેજ સ્રોત, The India Today Group via Getty Images

ઇમેજ કૅપ્શન, ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ પડવાથી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે

વીતેલા જમાનાના જાણીતા અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાદુરસ્ત છે અને હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે.

દરમિયાન આજે ધર્મેન્દ્રનું 'નિધન' થયું હોવા અંગે મીડિયામાં કેટલીક અફવાઓ ફેલાઈ હતી જેનાથી તેમનાં પત્ની હેમા માલિની નારાજ છે. હેમા માલિનીએ કહ્યું કે જે થઈ રહ્યું છે તેને માફ કરી ન શકાય.

ધર્મેન્દ્રનાં પુત્રી ઈશા દેઓલે પણ નિધનને લગતી ખોટી ખબરો પર નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે "મીડિયા ઉતાવળમાં ખોટા સમાચાર ચલાવે છે. મારા પિતાની હાલત સ્થિર છે અને રિકવર કરી રહ્યા છે."

ડૉક્ટરોની એક ટીમ ધર્મેન્દ્રની તબિયત પર સતત નજર રાખી રહી છે. ડૉક્ટરે બીબીસીને આ વિશે કંઈ પણ જણાવવાનો ઈનકાર કર્યો હતો.

બીબીસી હિંદીને મળેલી માહિતી મુજબ લગભગ ત્રણ અઠવાડિયાં અગાઉ ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયાના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અને ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને પહેલેથી આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીઃ બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ

બીબીસી ગુજરાતી બિહાર વિધાનસભા ચૂંટણી મતદાન

બિહારની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે રાજ્યની 243 વિધાનસભા બેઠકોમાંથી 122 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છું.

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર રેકૉર્ડ 64.66 ટકા વોટિંગ થયું હતું.

બિહારની 122 બેઠકો ઉપરાંત અન્ય છ રાજ્યો અને એક ક્રેન્દ્રશાસિત પ્રદેશની 8 વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટશિલા, તેલંગણામાં જુબલી હિલ્સ, પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડમ્પા અને ઓડિશામાં નુઆપાડામાં વોટિંગ થઈ રહ્યું છે.

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંધિની બહુ નજીક, ટ્રમ્પની જાહેરાત

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત વ્યાપાર સંધિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Craig Hudson/Politico/Bloomberg via Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દાવો કર્યો કે અમેરિકા ભારત સાથે એક વ્યાપાર સંધિ કરવાની બહુ નજીક છે.

સોમવારે ભારતમાં પોતાના રાજદૂત સર્જિયો ગોરના શપથગ્રહણ સમારોહ દરમિયાન તેમણે આ વાત કહી હતી.

તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે "અમે ભારતની સાથે એક સમજૂતી કરવાના છીએ, જે અગાઉની સમજૂતીઓથી ઘણી અલગ હશે. હાલમાં તેઓ મને પસંદ નથી કરતા, પરંતુ હવે તેઓ અમને ફરીથી પસંદ કરશે. અમને એક સારી વ્યાપાર સમજૂતી મળી રહી છે."

ટ્રમ્પે કહ્યું કે "અમારી વચ્ચે (અમેરિકા અને ભારત) બહુ અયોગ્ય વ્યાપાર સમજૂતીઓ થઈ હતી. તેઓ (ભારતીયો) બહુ સારી રીતે ભાવતાલ કરવાવાળા લોકો છે... મને લાગે છે કે અમે એક એવી સમજૂતીની નજીક છીએ જે બધા માટે સારી છે."

દિલ્હી બ્લાસ્ટઃ અમેરિકન દૂતાવાસે સુરક્ષા ચેતવણી જાહેર કરી

બીબીસી ગુજરાતી ભારત લાલ કિલ્લા અમેરિકા વિસ્ફોટ દૂતાવાસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક ધડાકા પછી તપાસ ચાલી રહી છે

10 નવેમ્બરે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયા પછી અમેરિકન દૂતાવાસે એક સુરક્ષા ચેતવણી જારી કરી છે.

તેમાં જણાવાયું હતું કે "10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં સ્થાનિક મીડિયાએ કેટલાક લોકો માર્યા ગયા હોવાની વાત કરી છે. જોકે, હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણવા નથી મળ્યું. ભારત સરકારે અનેક રાજ્યોને હાઈ એલર્ટ પર રાખ્યાં છે."

અમેરિકન દૂતાવાસે હાલમાં દિલ્હીમાં લાલ કિલ્લા અને ચાંદની ચોક આસપાસના વિસ્તારમાં ન જવા અને ભીડથી દૂર રહેવાની સલાહ આપી છે.

આ ઉપરાંત અપડેટ માટે લોકલ મીડિયા પર નજર રાખવા અને આસપાસના માહોલ પ્રત્યે સચેત રહેવાની સલાહ આપી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન