દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ - ન્યૂઝ અપડેટ

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે બ્લાસ્ટ
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર થયેલા કાર બ્લાસ્ટના પગલે ગુજરાત પોલીસે રાજ્યમાં ઍલર્ટ જાહેર કર્યો છે.

દિલ્હીમાં કાર બ્લાસ્ટમાં કેટલાંક મૃત્યુ થયાંની નવી દિલ્હીના પોલીસ કમિશનરે પુષ્ટિ કરી છે. ત્યાર બાદ ઘટનાસ્થળે તપાસ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યો છે.

ગુજરાતના મહાનગરો અને ઍન્ટ્રી ઍક્ઝિટ પૉઇન્ટ તથા જિલ્લાઓ-શહેરોના તમામ ઍન્ટ્રી ઍક્ઝિટ પૉઇન્ટ પર નાકાબંધી, વાહનોની તપાસ, પોલીસ પેટ્રોલિંગ માટે પણ તાકીદ કરવામાં આવી છે.

જયરામ રમેશનો આરોપ, 'આઇઆઇટીમાં ભણનાર યુવાનો પર પણ બેકારીનો માર'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આઇઆઇટી, બેકારી, યુવાનો

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે દેશના પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી)માંથી અભ્યાસ કરનારાને મળતી નોકરીઓ અને પગારમાં પણ ઘટાડો થયો છે.

જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, "મોદી સરકારે તૈયાર કરેલા, પરંતુ જાહેર ન કરેલા આઇઆઇટીના નવા આંકડા પ્રમાણે અંતિમ વર્ષ બીટૅક વિદ્યાર્થીઓને કૅમ્પસ પ્લેસમેન્ટ મળવાનો દર અને સરેરાશ સૅલરી પૅકેજમાં ઘટાડો થયો છે."

જયરામ રમેશે દાવો કર્યો કે, "સત્ર 2021-2022થી 2023-2024 વચ્ચે સાત સૌથી જૂની આઇઆઇટી કૉલેજોમાં પ્લેસમેન્ટમાં 11 ટકાનો ઘટાડો થયો છે અને સૅલરીમાં 0.2 લાખ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે."

"ત્યારે અન્ય આઠ આઇઆઇટી કૉલેજોમાં પ્લેસમેન્ટમાં નવ ટકાનો ઘટાડો અને સરેરાશ પૅકેજમાં 2.2 લાખ રૂપિયાનો ઘટાડો આવ્યો છે."

તેમણે આરોપ લગાવ્યો કે એ સ્પષ્ટ છે કે વ્યાપક બેરોજગારી અને સૅલરીમાં આવેલા ઘટાડાનો બમણો માર હવે આઇઆઇટી જેવાં પ્રિમિયર સંસ્થાનોના વિદ્યાર્થીઓ પર પણ પડી રહ્યો છે.

વર્ષ 1951થી 2001 વચ્ચે સ્થાપિત આઇઆઇટી ખડગપુર, બૉમ્બે, મદ્રાસ, કાનપુર, દિલ્હી, ગૌહાટી અને રૂડકીને જૂનાં આઇઆઇટીમાં સામેલ કરાય છે.

એંજિનિયરિંગનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ વચ્ચે આઇઆઇટીની ભારે માગ હોય છે.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર અનુસાર દેશની 22 આઇઆઇટીમાં બીટૅક વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટમાં લગભગ દસ ટકાનો ઘટાડો થયો છે. આ સત્ર 2021-22માં 90 ટકાથી વધારે હતો, જ્યારે 2023-2024માં આ એ પડીને 80 ટકા જેટલો થયો હતો.

દિલ્હીના લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ, અનેક ગાડીઓમાં લાગી આગ

દિલ્હીના લાલ કિલ્લા બહાર વિસ્ફોટ

ઇમેજ સ્રોત, ANI

દિલ્હીના લાલ કિલ્લા પાસે પાર્ક કરેલી ગાડીમાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈ અને પીટીઆઈ બંનેએ તેની પુષ્ટિ કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હીના ફાયર વિભાગને ટાંકીને લખ્યું હતું કે, "લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશનના ગેટ નં.1 પાસે એક કારમાં વિસ્ફોટ થયો હોવાનો કૉલ ફાયર વિભાગને મળ્યો છે."

"ત્યારબાદ ત્યાં આસપાસનાં ત્રણથી ચાર વાહનોમાં આગ લાગી છે અને નુકસાન થયું છે."

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વિસ્ફોટ કેવી રીતે થયો છે.

દિલ્હીના લાલ કિલ્લા બહાર વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty

ઇમેજ કૅપ્શન, દિલ્હીનો લાલ કિલ્લો (પ્રતીકાત્મક તસવીર)

'દિલ્હી રમખાણ' કેસમાં કપિલ મિશ્રાને મળી મોટી રાહત, કોર્ટે શો આદેશ આપ્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, દિલ્હી, દિલ્હી રમખાણ, કપિલ મિશ્રા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કપિલ મિશ્રા દિલ્હીની ભાજપ સરકારમાં મંત્રી છે (ફાઇલ તસવીર)

દિલ્હીના કાયદા મંત્રી અને ભાજપના નેતા કપિલ મિશ્રાને 'દિલ્હી રમખાણ' કેસમાં મોટી રાહત મળી છે.

દિલ્હીની એક સેશન્સ કોર્ટે વર્ષ 2020માં દિલ્હીમાં ફાટી નીકળેલાં તોફાનો મામલે કપિલ મિશ્રાને તપાસમાંથી મુક્તિ આપી છે.

કપિલ મિશ્રને રાઉઝ ઍવેન્યૂ કોર્ટના સ્પેશિયલ જજે આપી છે.

'બાર ઍન્ડ બૅન્ચ'ના એક સમાચાર પ્રમાણે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકાની તપાસનો હુકમ ટ્રાયલ કોર્ટે કર્યો હતો.

કપિલ મિશ્રાની ભૂમિકા સંબંધે આ આદેશ યમુના વિહાર નિવાસી મોહમ્મદ ઇલિયાસની અરજી પર અપાયો હતો.

ઇલિયાસે દિલ્હી રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકા અંગે તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની માગ કરી હતી.

વાયુ પ્રદૂષણ વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓની સાથે ગુનેગારો જેવું વર્તન કેમ? : રાહુલ ગાંધી

બીબીસી ગુજરાતી રાહુલ ગાંધી ભારત દિલ્હી પ્રદૂષણ પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ કહ્યું કે શુદ્ધ હવા માંગનારાઓ સાથે અપરાધી જેવો વ્યવહાર થાય છે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ખરાબ ઍર ક્વોલિટી અને વાયુ પ્રદૂષણના વિરોધમાં જોડાયેલા લોકોને અટકાયતમાં લેવાની ટીકા કરી છે.

આ લોકોએ પરવાનગી લીધા વગર વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો હતો તેવા આરોપ સાથે તેમની અટકાયત કરવામાં આવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, "અહીં લોકો શુદ્ધ હવાની માંગણી સાથે શાંતિપૂર્વક પ્રદર્શન કરતા હતા. પરંતુ આવા નાગરિકો સાથે અપરાધીઓ જેવો વ્યવહાર કેમ કરવામાં આવે છે?"

રાહુલ ગાંધીએ કહ્યું કે "સરકારે નાગરિકો સામે કાર્યવાહી કરવાના બદલે પ્રદૂષણ સામે તરત નિર્ણાયક પગલાં લેવા જોઈએ."

તેમણે પર્યાવરણશાસ્ત્રી વિમલેંદુ ઝાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને આ વાત કહી હતી.

ઝાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લખ્યું હતું કે "પ્રદર્શનકારીઓને ઉઠાવીને તેમને બસોમાં ઠૂંસી દેવામાં આવ્યા."

દિલ્હીમાં 9 નવેમ્બરે મોટી સંખ્યામાં લોકો ઇન્ડિયા ગેટ પાસે વિરોધપ્રદર્શન માટે એકઠા થયા હતા.

ફિલિપાઇન્સમાં ભયંકર વાવાઝોડું, લગભગ 10 લાખ લોકોને ખસેડાયા

બીબીસી ગુજરાતી ફિલિપાઇન્સ વાવાઝોડું વરસાદ પૂર

ઇમેજ સ્રોત, CHARISM SAYAT/AFP via Getty Image

ઇમેજ કૅપ્શન, ફિલિપાઇન્સમાં લગભગ એક અઠવાડિયાના સમયગાળામાં બીજું વાવાઝોડું આવ્યું છે.

ફિલિપાઇન્સમાં ફુંગ-વોંગ વાવાઝોડું ત્રાટક્યું છે જેના કારણે નવ લાખ કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને બે લોકોના મોત નીપજ્યાં છે.

આ વાવાઝોડું સુપર ટાઈફૂન તરીકે ફિલિપાઇન્સના દરિયાકિનારે પહોંચ્યું હતું જે દરમિયાન 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

ફિલિપાઇન્સનો સૌથી વધુ વસતી ધરાવતા ટાપુ લુઝોનના ઓરોરા પ્રાંતમાં વાવાઝોડાનું કેન્દ્ર હતું. ત્યાર પછી વાવાઝોડું ધીમે ધીમે નબળું પડ્યું હતું.

હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે વાવાઝોડા દરમિયાન લોકોના જીવ જોખમમાં મુકાય એવી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હજુ ગયા અઠવાડિયે જ ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડું આવ્યું હતું જેમાં લગભગ 200 લોકોના મોત થયાં હતાં. ત્યાર પછી તરત ફુંગ-વોંગ વાવાઝોડું આવ્યું છે.

કાલમેગી વાવાઝોડાએ ફિલિપાઇન્સ ઉપરાંત વિયેતનામને પણ નિશાન બનાવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન