You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'જે હૉસ્પિટલમાં સફાઈકર્મી તરીકે કામ કરતા ત્યાં જ મારા પતિનું પૈસાના અભાવે મોત થયું,' લાચાર પત્નીની વેદના
- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"ઑપરેશન પછી ડૉક્ટરે કહ્યું હતું કે વિનોદ માટે લાલ રક્ત કણ અને શ્વેત કણો લઈ લાવો. મેં ડૉક્ટરના પગે પડીને ઑપરેશન કરાવ્યું હતું. હવે નવા ખર્ચ માટેના પૈસા ક્યાંથી લાવું? અમે છેલ્લાં ત્રણ વર્ષથી જે જગ્યાએ રહીએ છીએ ત્યાં જ ઑપરેશન થયું હતું. ચોથી માર્ચે અકસ્માત અને 22 માર્ચે વિનોદનું મૃત્યુ થયું હતું. અમે બહુ પ્રયાસ કર્યા, સાહેબ, પણ હું વિનોદને બચાવી શકી નહીં."
મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનની બહાર નિરાશામાં બેઠેલાં સુમિત્રા દુરિયા કહી રહ્યાં હતાં. સુમિત્રા અને તેમના પતિ વિનોદકુમાર મુંબઈની કૂપર હૉસ્પિટલમાં કૉન્ટ્રેક્ટ પર સફાઈ કામદાર તરીકે કામ કરતાં હતાં.
હૉસ્પિટલમાં કચરાની ગાડીને ધક્કો મારતાં વિનોદકુમારને અકસ્માત થયો હતો. થોડો કાટ લાગેલી ગાડી તેમની છાતી પર પલટી ગઈ હતી. એ કારણે વિનોદના પેટમાં કાણું પડી ગયું હતું.
અકસ્માત સમયે વિનોદ સાથે કામ કરી રહેલાં લક્ષ્મી મુરુગન કહે છે, "લાલ અને પીળી બૅગ ભરેલી ગાડી વિનોદ ખેંચી રહ્યો હતો. અચાનક તેનો હાથ લપસી ગયો અને ગાડી પલટી ગઈ. કચરાની ગાડીનું વ્હીલ વિનોદની છાતી પર અથડાયું અને પેટમાં ઘૂસી ગયું. તેમાંથી લોહી વહેવા લાગ્યું. વિનોદના ડાબા હાથના અંગૂઠાનો ઉપરનો હિસ્સો તૂટી ગયો હતો. ડૉક્ટરે પાટો બાંધીને તેને એ દિવસે ઘરે મોકલી આપ્યો હતો."
વિનોદકુમાર અને સુમિત્રા તેમના 11 વર્ષના પુત્ર સાથે માહિમની ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતાં.
ગુજરાન ચલાવવા માટે જૌનપુરથી મુંબઈ આવેલો આ પરિવાર વિનોદના મૃત્યુને કારણે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.
વિનોદ જે હૉસ્પિટલમાં કામ કરતા હતા, એ જ હૉસ્પિટલમાં કામ કરતી વખતે તેમને અકસ્માત નડ્યો અને એ જ હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું, કારણ કે તેમની પાસે સારવારના પૈસા ન હતા.
આ ઘટના બાબતે વાત કરતાં કૂપર હૉસ્પિટલના મેડિકલ ડીન ડૉ. સુધીર મેઢેકરે કહ્યું હતું, "આ અકસ્માત વિશે મને તાજેતરમાં જ ખબર પડી છે. આ બાબતે કંઈ કહેવું મારા માટે યોગ્ય નથી. આ માટે તમે મુંબઈ મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ મુંબઈ મહાનગરપાલિકાના મુખ્ય જનસંપર્ક અધિકારી તાનાજી કાંબલેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું, "અમે એકેય કૉન્ટ્રેક્ટરના પૈસા રોક્યા નથી અને કૂપર હૉસ્પિટલના ડિરેક્ટરોએ અમને ખાતરી આપી છે કે તેઓ આ ઘટનાની તપાસ કરશે તથા કાર્યવાહી કરશે."
કૉન્ટ્રેક્ટ પર કામ કરતા કામદારો સાથેની વર્તણૂક, તેમના બાકી પગાર અને કામના સ્થળે સલામતી સહિતના અનેક મુદ્દાઓ સામે આવ્યા છે. કમનસીબે, વિનોદકુમારના મૃત્યુને કારણે આ મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની ફરજ પડી છે.
'ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી, સારવારના પૈસા ન હતા'
કૂપર હૉસ્પિટલમાં સફાઈકામ કરતા એક વૉર્ડબૉય, નર્સ અને કેટલાક કર્મચારીઓએ નજીકના જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કર્મચારીઓની ફરિયાદ 22 માર્ચે સ્વીકારવામાં આવી હતી, પરંતુ આ કેસમાં હજુ સુધી કોઈ એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી.
જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ જાધવે કહ્યું હતું, "ફરિયાદ મળ્યા પછી તરત જ એફઆઇઆર દાખલ કરવામાં આવે એવું નથી હોતું. વિનોદકુમાર નિયમિત દારૂ પીતા હતા અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત દારૂના નશામાં થયો હતો. અમે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટરને આપ્યો છે. વિનોદકુમાર દારૂ પીતા હતા? દારૂ પીવાને કારણે અકસ્માત થયો હતો? આ પ્રશ્નોની તપાસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું."
આ મામલે એફઆઇઆર નોંધવામાં આવશે કે કેમ, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે સુનીલ જાધવે એટલું જ કહ્યું હતું, "અમે યોગ્ય કાર્યવાહી કરીશું."
પોલીસના કહેવા મુજબ, વિનોદકુમાર દારૂના નશામાં હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે. બીબીસીએ અકસ્માત સમયે હાજર લક્ષ્મી મુરુગનને વિનોદકુમારના દારૂ પીવા બાબતે પૂછ્યું હતું.
લક્ષ્મી મુરુગને કહ્યું હતું, "અકસ્માત થયો ત્યારે અમે સાથે કામ કરવા આવ્યાં હતાં. વિનોદ નશામાં ન હતો. આ લોકો ખોટા આરોપો લગાવી રહ્યા છે. અમે છેલ્લા ચાર દિવસથી અહીના ધક્કા ખાઈએ છીએ. અમારી ફરિયાદ નોંધવામાં આવતી નથી."
વિનોદ અને સુમિત્રા અત્યંત ગરીબ છે. સફાઈ કામદાર તરીકે કામ કરતાં આ દંપતી પાસે પૈસા ન હતા.
સુમિત્રા કહે છે, "સાહેબ, અમને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. ડિસેમ્બરનો પગાર 24 ફેબ્રુઆરીએ મળ્યો હતો. એ પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનો એક રૂપિયો સુધ્ધાં મળ્યો નથી. મકાનમાલિક અમને રોજ ગાળો આપે છે, કારણ કે અમે ભાડું ચૂકવ્યું નથી. તેમાં વિનોદનો અકસ્માત થયો."
સુમિત્રા ઉમેરે છે, "ચાર દિવસ તેની તબિયત સારી હતી, પણ આઠમી તારીખે તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તે અસ્વસ્થતા અનુભવતો હતો. તેથી તેને સારવાર માટે, અમે જ્યાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતાં હતાં એ જ હૉસ્પિટલે લઈ ગયા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે વિનોદના પેટમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો છે. અંદર એક ઊંડો ઘા છે. તેનું ઑપરેશન કરવું પડશે અને તેનો ખર્ચ રૂ. 40,000 થશે. મારી પાસે પૈસા ન હતા. હું બીજી મહિલાઓને ડૉક્ટર પાસે લઈ ગઈ, હાથ જોડ્યા અને ઑપરેશન કરવા ડૉક્ટરોને વિનંતી કરી."
"ડૉક્ટરે ઑપરેશન કર્યું, પણ એ પછીના ખર્ચનું શું? વિનોદના ઇન્જેક્શનનો ખર્ચ ક્યારેક રૂ. 7,000 તો ક્યારેક રૂ. 8,000નો હતો. મોંઘા પાઇપની જરૂર પડતી હતી. હું એટલા પૈસા ક્યાંથી લાવું? ડૉક્ટરે કહ્યું હતું કે વિનોદ માટે લાલ અને સફેદ લોહી લાવો, વિવિધ દવાઓ અને વસ્તુઓ લાવો. મેં ડૉક્ટરને કહ્યું હતું કે સાહેબ, મારી પાસે પૈસા નથી. હું આ બધું ક્યાંથી લાવું? માત્ર ઑપરેશન કરવાથી જીવ થોડો બચે? સફેદ રક્ત માટે પૈસા ખર્ચવા પડે. એ પૈસાની વ્યવસ્થા હું કરી શકી નહીં," સુમિત્રાએ નિરાશામાં કહ્યું.
'ચાર દિવસ પછી પણ પોલીસે ફરિયાદ લીધી નથી'
સુમિત્રા અને તેમનાં સાથી કર્મચારી લક્ષ્મી તથા રજતી દેવેન્દ્ર જુહુ પોલીસ સ્ટેશનથી હતાશ થઈને ઘરે પાછાં ફરી રહ્યાં હતાં.
26 તારીખે આખો દિવસ જુહુ પોલીસ સ્ટેશનમાં બેઠાં રહ્યાં હતાં. છતાં પોલીસે એફઆઇઆર નોંધી નહીં, એવું તેમણે જણાવ્યું હતું.
સુમિત્રા કહે છે, "મારા પતિએ દારૂ પીધો ન હતો. પોલીસ ખોટી વાત કહે છે. અમે બંને સાથે હૉસ્પિટલે જતાં હતાં. આખો દિવસ કામ કરતાં હતાં અને સાંજે ઘરે પાછાં ફરતાં હતાં. હવે હું કોની સાથે કામ કરીશ? મારા બાળકને કોની સાથે સંભાળીશ?"
છેલ્લાં કેટલાંક વર્ષોથી કૂપર હૉસ્પિટલમાં કામ કરતાં લક્ષ્મી મુરુગને કહ્યું હતું, "અમારી હૉસ્પિટલમાં સફાઈ કામદાર, વૉર્ડબૉય અને આયાબાઈ તરીકે કુલ 300 લોકો કામ કરે છે. બધા કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરીને અમારી પાસેથી કામ લેવામાં આવે છે. કાયદા મુજબ, કાયમી કર્મચારીઓનું કામ કૉન્ટ્રેક્ટ પરના કર્મચારીઓ પાસે કરાવી શકાતું નથી, પણ અમે બધાં કામ કરીએ છીએ."
કૉન્ટ્રેક્ટ પર કામ કરતા સફાઈ કામદારો બાબતે વાત કરતાં મહારાષ્ટ્ર મ્યુનિસિપલ વર્કર્સ યુનિયનના પદાધિકારી ગોરખ આવ્હાડે બીબીસીને કહ્યું હતું, "નિયમ મુજબ આ કૉન્ટ્રેક્ટ કામદારોનો માસિક પગાર રૂ. 46,000 હોવો જોઈએ, પણ તેમને લઘુતમ વેતન કાયદા મુજબ મહિને રૂ. 21,000 સુધ્ધાં મળતા નથી. પગારના નામે ક્યારેક તેમના હાથમાં રૂ. 10,000 આપવામાં આવે છે. કૂપર હૉસ્પિટલના કૉન્ટ્રેક્ટરે (કેએચએફએમ) ડિસેમ્બરથી પગાર ચૂકવ્યો નથી. આખરે કર્મચારીઓએ કામ બંધ કર્યું અને પોલીસે દરમિયાનગીરી કરી પછી 2025ની 24 ફેબ્રુઆરીએ કામદારોને ડિસેમ્બરનો પગાર ચૂકવવામાં આવ્યો હતો. વિનોદનું મોત પૈસાના અભાવે થયું હતું અને તેના માટે મહાનગરપાલિકા તથા કૉન્ટ્રેક્ટર બંને જવાબદાર છે."
કૂપર હૉસ્પિટલને કામદારો પૂરા પાડતા કૉન્ટ્રેક્ટર
કેએચએફએમના સંપર્ક સાધવાનો પ્રયાસ બીબીસીએ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેમનો પ્રતિભાવ મળ્યા પછી આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.
ગોરખ આવ્હાડે આપેલી માહિતીની પુષ્ટિ આ હૉસ્પિટલમાં કામ કરતા અન્ય કામદારોએ કરી હતી.
રજતી દેવેન્દ્રએ કહ્યું હતું, "અમને જાન્યુઆરીથી પગાર મળ્યો નથી. તેથી અમારી પાસે પૈસા ન હતા. તમામ પ્રયાસો છતાં અમે વિનોદની સારવાર માટે પૈસા એકઠા કરી શક્યા નહીં. વિનોદ ફરજ પર હતો ત્યારે તેનો અકસ્માત થયો હતો, છતાં તેની સારવાર કરવામાં આવી ન હતી."
અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કૉન્ટ્રેક્ટ કામદારો માટે કાર્યસ્થળે સલામતીનો મુદ્દો વિનોદકુમાર દુરિયાના મોતથી ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. આ સમાચાર પ્રકાશિત થતાં સુધીમાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે સત્તાવાર ફરિયાદ પણ નોંધવામાં આવી નથી.
વિનોદકુમારનાં પત્ની સુમિત્રા અને અન્ય કર્મચારીઓ ન્યાયની માંગ કરી રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન